Posted by: રોહિત વણપરીયા | November 29, 2011

અમારી મિત્રતા

M.Com.માં હતો ત્યારે કોમર્સમાં હોવા છતાં સાહિત્યમાં રસ હોવાને કારણે મોટાભાગે આર્ટસનાં તાસ ભરવા બેસી જતો અને એ કારણે આર્ટસ કરી રહેલા વિધાર્થીઓમાંથી પણ કેટલાક મારા મિત્રો બની ગયા હતાં. કોલેજ છૂટ્યા પછી કોલેજનાં નાના બગીચામાં હું એ બધા મિત્રો સાથે ટોળી જમાવીને બેસતો અને અમે આડાઅવળી વાતો કરતાં રહેતાં. એ વખતે મારે જેઓની સાથે અવારનવાર હળવા-મળવાનું રહેતું એમાંનો એક હતો M.A. કરી રહેલો જયેશ નાગ્રેચા નામનો કોલેજીયન. આ જયેશ આર્ટસ ટોળીમાંનો જ એક હતો. મારે લગભગ એ દરેક સાથે હંસી-મજાકનાં અને બોલવાનાં સંબંધ હતાં, પણ હું એમાંનો એક આ જયેશથી થોડું અંતર રાખતો. એનાંથી દૂર ભાગવાની તો વાત જ ન હતી, કેમ કે અમારી વચ્ચે હજુ એવો કોઇ સંબંધ જ સ્થાપીત થયો ન હતો. આવું કેમ? કારણ કે મને એ વખતે એવું લાગતું અને એ હકીકત પણ હતી કે અમારા વિચારો-વ્યવહારમાં ઘણું અંતર પડી જતું હતું.

એ કોલેજનાં દિવસોમાં મોટાભાગનાં વિધાર્થીઓ સાયકલ લઇને આવતાં. કોલેજમાં સાયકલ લઇને આવવામાં શરમાતા કેટલાક વળી ચાલીને આવતાં. એ વખતે માંડ દસ ટકા કોલેજીયન પાસે સાયકલ સિવાયનું વાહન જોવા મળતું. જેમની પાસે વાહન હોય એ પૈસાપાત્ર મનાતાં. આ જયેશભાઇ ગમે ત્યારે કોલેજમાં એનું સ્કુટર લઇને પ્રગટ થતો. એ વખતે કારણ ગમે તે હોય પણ એ બધા સામે એની થોડી કડક નજર ફેરવી લેતો. ક્યારેક ક્યારેક વળી ગમે તેની સાથે ડખા પણ કરી લેતો, એટલે સુધી કે વિધાર્થીઓ તો ઠીક, પ્રોફેસર સાથે પણ એને ક્યારેક ક્યારેક સંઘર્ષમાં ઉતરવાનું બનતું. મારી મૂળ પ્રકૃતિ જરા ઠંડી (પણ મક્કમ) એટલે એ કારણે પણ હું એની સાથે ઓછો હળતો-મળતો.

એ વખતે અમારો એ વયકાળ હતો કે અમારામાંનાં દરેકનાં હદયની આંતરીક ભાવના કોલેજીયન યુવતીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અને પ્રેમાળ રહેતી. સામે પક્ષે પણ લગભગ આવું જ હોઇ શકે, પણ આ જયેશ! એનું રૂક્ષ વર્તન કોલેજીયન યુવતીઓ પ્રત્યે પણ એવું જ રહેતું. ગ્રુપની કેટલીક છોકરીઓ તેની સાથે સદવર્તન દાખવતી પણ આ જયેશનું વર્તન એમની સાથે પણ રૂક્ષ રહેતું અને એ કારણે એની કડક છાપ વધારે સ્પષ્ટ થતી. હા, એમાં કોલેજની એક છોકરી અપવાદ હતી. આથી કોલેજ છૂટ્યા પછી કે ક્યારેક પહેલા એ એની એકમાત્ર આ મિત્રને સ્કુટર પાછળ બેસાડીને બધા સામે એવી જ કડક નજર નાખતો ચાલ્યો જતો.

બીજા બધામાં એનાં માટે અપવાદરૂપ હોય તો એ હું હતો. એ મારી સાથે હંમેશા પ્રેમપૂર્વક રહેતો. હું એનાથી દૂર ભાગતો રહેતો પણ એ મારી નજીક આવવામાં નિસંકોચ રહેતો. હું એનાં માનસને સમજી શકતો ન હતો. આમને આમ અમારૂ ચાલતું રહેતું અને અમારા બંનેનો અભ્યાસ પૂરો થતાં જ અમારૂ આખુ ગ્રુપ દિવસ ઊગતા જ અદ્રશ્ય થઇ જતાં તારાઓની માફક અદ્રશ્ય થઇ ગયું.

અભ્યાસ પૂરો થતાં જ હું અહીંની એક BPO કંપનીમાં લાગી ગયો. એકવખત અચાનક જ એ મને રસ્તામાં મળી ગયો. વાતવાતમાં એણે નોકરીની ઇચ્છા દર્શાવી અને મારી પાસેથી કંપનીનું સરનામુ લીધું. થોડા સમયમાં જ એ મારાવાળી કંપનીમાં આવી ગયો અને એ રીતે અમે બંને ફરી વખત ભેગા થઇ ગયાં.
અહીં જોડાયા પછી એની એ જ પુરાણી છાપ મુજબ એ પહેલા જ અઠવાડિયે બે-ચાર સહકર્મચારીઓ સાથે અથડાઇ પડ્યો. એ વખતે એ મને ભેગો થતાં પહેલો મહિનો એક જ વાત કરતો રહેતો, ‘મારાથી આ નોકરી નહીં થાય. હું ગાંડો થઇ જઇશ. હવે તો હું કાલથી નથી જ આવવાનો, વગેરે વગેરે… અને બીજા દિવસની સવાર પડતાં જ એ એનું સ્કુટર લઇને પહોંચી જતો. આ બધા પાછળનું કારણ એ હતું કે ભાઇશ્રીએ વાવેલ પ્રેમવૃક્ષનું ખાતર (ખર્ચવા પડતાં પૈસા) એને અહીંથી મળતું હતું. આમને આમ એ નોકરીમાં ટકી ગયો.

નોકરી દરમિયાન પણ એ મારી સાથે તો સદભાવથી જ રહેતો. એનાંથી દૂર રહેવું કોલેજકાળમાં મારા માટે સરળ હતું પણ હવે મારે એ માટે પ્રયત્ન કરવા પડતાં હતાં, અને આ જ તો અમારી લાંબી મિત્રતાની શરૂઆત હતી. થોડા વધુ નજીક આવતા ક્યારેક એવું બનતું કે મારો ઝુકાવ બીજા મિત્રો તરફ થોડો વધારે અને એ મને એની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હોય, પણ હું મને જેની સાથે મજા આવતી એ તરફ ખેંચાતો. મને લાગતું કે વગર બોલ્યે એ થોડો નારાજ થતો. આમ ને આમ ઘણો સમય પસાર થતો ગયો.

મને જેઓની સાથે એ વખતે મજા આવતી એ બધાનો સાથ ધીરે ધીરે છૂટતો ગયો. કેટલીક માનવીય નબળાઇઓ સ્વીકારવાની તો મારામાં ક્ષમતા છે પણ જ્યાં નરી સ્વાર્થવૃતિ, ચાલાકી, પ્રપંચ કે અમાનવીય વર્તન મને જેનામાં જોવા મળ્યા હોય એનાથી દૂર રહેવાનું મને ગમે છે. ભલે મારી સાથે મારી સાથેનો સાથીદાર એવું કરતો ન હોય પણ બીજા સાથે એવું કરે તો પણ ત્યાંથી ભાગવાની વૃતિ મારામાં જોર કરે છે. આ જયેશ સાથે કેટલાક વૈચારિક મતભેદો હોવા છતાં એ વુતિઓની એનામાં ગેરહાજરી હતી. એ કારણે જ હું એનાથી દૂર થઇ શકતો નહિં, અને એટલે જ આ પાયા ઉપર અમારી લાંબાગાળાની મિત્રતા આગળ વધી રહી હતી.

એકાદ અપવાદ બાદ કરતાં મારાથી એકવખત એની સાથે એવું વર્તન થઇ ગયું હતું. નોકરી દરમિયાન અમે બંને Shiftમાં કામ કરતાં હતાં એટલે બપોર પછીનો સમય ફાજલ રહેતો. આ સમય દરમિયાન મેં મારા એક મિત્ર સાથે એક ઓફિસ ભાડે રાખીને ઘંધો કરવાનું નક્કિ કર્યું. એ માટે જરૂરી એવા નાના એવા ફર્નિચર કામ માટે થોડા રૂપિયાની વયવસ્થામાં હું હતો. ઓફિસમાં મેં નાની એવી લોન માટે ફોર્મ ભરી દીધું હતું. અમારી કંપનીનો એક નિયમ એવો હતો કે લોન ફોર્મ ભરી દીધા પછી બે મહિને લોન આપવામાં આવે. હવે બન્યું એવું કે મારા આ મિત્ર જયેશે મારી પહેલા લોન મૂકી હતી. મારી લોન મંજૂર થવાને હજુ વાર હતી. એની લોન મારા પહેલા મંજૂર થતાં એને મને એવો આગ્રહ કર્યો કે એની એ રકમ હું રાખી લઉં અને મારી લોન મંજૂર થતાં એ રકમ હું એને આપુ. મેં એનો એ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

બીજી તરફ એવું બન્યું કે મારી સાથે જ બેસતા એક કર્મચારીએ મને કહ્યું કે મારી મંજૂર થનારી લોન હું એને આપું. મારી લોન રકમ આવતા જ મારો એ મિત્ર જયેશ મારી પાસે આવ્યો અને મને કહ્યું. મેં કહ્યું કે એ રકમ તો મેં બાજુવાળા મિત્રને આપી દીધી છે. એ ગમ ખાઇ ગયો અને બોલ્યો, ‘વાંધો નહિ, પણ તું જે કહે છે ને તે ફરીવાર કહે અને મારી આંખો સાથે નજર મિલાવીને કહે.’ મારે નાછૂટકે તેમ કરવું પડ્યું અને તે નારાજ થઇને ચાલ્યો ગયો.

બે-ચાર દિવસ પછી અમારો વ્યવહાર ફરી પૂર્વવત થઇ ગયો. આમને આમ લાંબા સમય સુધી ચાલતું રહ્યું. ઘણું ચાહતો રહ્યો કે હું એને Avoid કરૂ પણ દિલથી કરી ન શક્યો, કારણ કે એ હજુ પણ મને દિલથી મિત્ર માનતો હતો. આમને આમ અમારી મિત્રતાનાં સંબંધો આગળ વધી રહ્યાં હતાં. થોડા વૈચારીક મતભેદોથી ફરી પાછો એ સમય આવ્યો કે હું તેનાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. અમારો સંબંધ હવે એ રીતનો આગળ વધી ચૂક્યો હતો કે હવે મારા માટે એમ કરવું મુશ્કેલ હતું. મારા માટે આવી અસમંજશભરી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. હવે તો મેં એક આખરી નિર્ણય લઇ જ લીધો.

મારા આ આખરી નિર્ણયનાં બીજા દિવસે અમે બંને ઓફિસમાં ભેગા થયાં એ વખતે મેં એને કહી દીધું, ‘જયેશ, Please આજથી મને તું ના બોલાવીશ.’ આ અમારા બાળપણનાં દિવસો તો હતાં નહિં કે આ પ્રકારનું વર્તન કરીએ અને બીજા દિવસે જ સાથે રમવા માંડીએ. મને હતું જ કે એ એનાં મૂળ સ્વભાવ મુજબ ધરખમ ગુસ્સો કરી બેસશે, પણ આ શું? એણે મને કહ્યું, ‘વાંધો નહિ, પણ આમ નીચુ જોઇને ઢીલુ ઢીલુ ન બોલ, તું જે કહે છે ને તે મને ફરીવાર કહે અને મારી આંખો સાથે નજર મિલાવીને કહે.’ મારે નાછૂટકે તેમ કરવું પડ્યું અને તે નારાજ થઇને ચાલ્યો ગયો.

મેં એને જે કહ્યું એથી એણે મારામાંથી તમામ આશાઓ મૂકી દીધી. આથી એનો તો છૂટકારો થઇ ગયો, પણ મારી હાલત વધારે ખરાબ બની ગઇ. થોડાં દિવસો સુધી દિલ ઉપર ભાર રહ્યો, જે સમય જતાં હળવો બની ગયો. ઘણો લાંબો સમય સુધી એટલે કે એકાદ વર્ષ સુધી અમે બંને દૂર રહ્યાં. આ દરમિયાન પણ મને થતું કે, ‘સાલુ, આ માણસમાં એક Standard તો છે જ.’ ધીરે ધીરે મને એને ગુમાવ્યાનો અફસોસ થવા લાગ્યો અને સમયાંતરે એ અફસોસ પ્રબળ થવા લાગ્યો.

મારા જ દિલમાં રહેલી એ લાગણીઓ, આંતરિક ભાવનાઓનો આભાર માનું છું, અને એથી જ મારે આટલા લાંબા સમયાંતરે પણ ફરીવખત આખરી નિર્ણય લેવો પડ્યો. હવે હું એને જે કહેવાનો હતો એને એ સ્વીકારશે ખરો? સાચુ માનશે ખરો? એવું વિચાર્યા વગર મારા ફરીવારનાં આખરી નિર્ણયનાં બીજા દિવસે હું ઓફિસે ગયો અને મેં એને કહ્યું, ‘મને માફ કરજે, જયેશ. આપણે ફરી ભેગા થઇ શકીએ?’ મારી અપેક્ષાથી વિરૂદ્ધ અને ઊંડે ઊંડે મારા મનમાં જે હતું એ મુજબ એણે સારામાં સારો પ્રતિભાવ આપ્યો. કોઇપણ માફી આપવાનાં ભાવ વગર જ એ પહેલાની માફક જ બોલ્યો, ‘બે-એક દિવસમાં સમય લઇને ઘરે આવ. નિંરાતે મળીએ.’

બીજા દિવસે સાંજનાં સમયે હું તેને ઘરે ગયો. વાતો કરતાં હતાં એ દરમિયાન એણે મને કહેલ, ‘આ તો તે સ્પષ્ટ ના કહી હોવાથી હું તને બોલાવતો ન હતો, બાકી મારા દિલમાં તારા પ્રત્યે ક્યારેય અભાવ થયો નથી, અને મને વિશ્વાસ હતો કે એક દિવસ તું વળીવળીને મારી પાસે આવીશ જ.’ સામાન્ય વાતો કરીને હું તેનાં ઘરેથી હળવો નાસ્તો કરીને માનસિક રીતે હળવોફૂલ થઇને મારા ઘરે જવા માટે નીકળ્યો. એ દિવસથી સાચા અર્થમાં શરૂઆતની એ ભરતી-ઓટ સાથેની અમારી મિત્રતા છેલ્લા અઢાર વર્ષથી આજે પણ ચાલુ જ છે.

અમારો અન્ય એક મિત્ર છે. બોલેલું લગભગ પાળતો નથી. મોબાઇલ કરીએ તો આપણાં ફોન ઉપાડશે કે નહિં તે નક્કિ નહિં. દરેક દલીલોમાં એ જ સાચો એવો એનો અભિગમ. મૂડ આવે તો બે-પાંચ માણસો વચ્ચે આપણને એવા ઉતારી પાડે કે ઘડીવાર એમ થાય કે હું આનો સાથીદાર શાં માટે છું? એનાં સ્વભાવને કારણે એ જ્યારે સલવાઇ જાય ત્યારે પહેલો ફોન અમારામાંને કરે. મળવાનો સમય આપ્યો હોય ત્યારે એ આવે જ નહિ. ફોન કરીએ તો કહે કે, ‘બસ, અડધી કલાકમાં જ આવ્યો..’ કલાકેક રાહ જોયા પછી એને ફોન કરીએ તો કહે કે, ‘હું નહિં આવી શકું.’ એનામાં આ બધું હોવા છતાં આજે એ અમારો અભિન્ન મિત્ર છે. કહેવાનો મતલબ એ કે લાંબો સમય સાથે રહ્યાં પછી સામેનાંની મર્યાદાઓ પણ આપણે સ્વીકારતા થઇ જઇએ છીએ. એથી જ અમને એનાં આ અવગુણો પણ સ્પર્શી શકતા નથી. હું માનુ છું કે મિત્રતાની બાબતમાં જ નહિં, દરેક સંબંધોની બાબતમાં પણ આ જ તો મુખ્ય મુદ્દો છે.

કોલેજ પૂરી થયાં પછી અમે દસ-બાર મિત્રો એક હોટલમાં છેલ્લું સહભોજન કરવાં ગયાં હતાં ત્યારે બઘાએ સાથે રહીને જોશભેર એલાન કરેલ કે, અહીંથી છૂટા પડ્યાં પછી વર્ષમાં કમ સે કમ એકવાર તો બધાએ એક નિશ્ચિત જગ્યાએ એકઠાં થવું જ. એ વખતે સામાન્ય લાગતી આ વાત આજે અસંભવત લાગે છે, કેમકે બધા જ પોતપોતાનાં માળામાં ગોઠવાઇ ગયા છે અને થોડાઘણાં સુખી પણ છે.

આજે અમે બંને મિત્રો નોકરી બદલાઇ હોવાથી છૂટા પડી ગયાં છીએ પણ દૂર નથી થયાં. સમયનાં અભાવમાં પણ મળતા રહીએ છીએ. ન મળાયું તો એ માટે સમય મેળવી લઇએ છીએ. સાથે નાસ્તા/ભોજન કરી લઇએ છીએ. એ પણ ક્વચીત નહીં પણ અવારનવાર. આ રીતે હળીમળીને આજે પણ અમે અમારી માનસિક થકાન દૂર કરીને આનંદ કરતાં રહીએ છીએ. બસ, આ જ તો જિંદગી છે.

અને છેલ્લે પહેલા લખેલી જયેશની પેલા Standardવાળી વાત. એનાં એ Standardને કારણે જ તેની જે કોલેજ-પ્રિયા એનાં સ્કુટર પાછળ બેસતી એ એમની Love-Storyમાં અનેક વિઘ્નો આવવા છતાં આજે જયેશનાં બંને બાળકોની માતા તરીકે ફરજ નિભાવે છે. બસ, આ જ તો સુખ છે.

Posted by: રોહિત વણપરીયા | November 2, 2011

પાણીનાં સમાનાર્થી શબ્દો….

પાણી – પ્રાણ બચાવનાર પ્રવાહી

અંભસ – જે બધે પ્રસરી જાય છે અને કોઇ સાથે અથડાતા અવાજ પેદા કરે છે તે

કીલાલ – અગ્નિની જ્વાળાઓને અટકાવે છે તે

પાનીય – પ્રાણીમાત્ર જેને પીએ છે અને અગ્નિનાં તાપથી જે શોષાય છે તે

ક – જે શુદ્ધ હોવાથી પ્રકાશે છે અને શીતળતાનો ગુણ ધરાવે છે તે

અમૃત – જેને સેવતા અકાળ મોત થતું નથી તે

નીર – જે હદયને પ્રિય અને હદય માટે તૃપ્તિકારક છે તે

સલિલ – નીચેની તરફ ઢળતું કાયમ માટે હિતકારી છે તે પ્રવાહી

આપ – જે સર્વમાં વ્યાપી જાય છે તે

ઉદક – બધા જ પદાર્થોને ભીના કરી શકે છે તે

જલ – તરસ મટાડતુ પ્રવાહી

ધનરસ – મેઘનું જ જે બીજુ સ્વરૂપ કહી શકાય છે તે

અંબુ – જે કોઇપણ સાથે ટકરાતા અવાજ પેદા કરે છે તે

વારિ – જે તરસ થાક મૂર્છા અને અકળામણ દૂર કરે છે તે

પયસ – શીતળતા અને મધુરતા જેનો ગુણ છે તે

પાયસ – દરેક પ્રાણી જળમય હોવાથી જેનાથી દરેક પ્રાણીનું રક્ષણ થાય છે તે

તોય – જે બધે જ ફેલાય શકે છે તે અને એથી બધા પ્રદેશને ઢાંકી શકે છે તે

જીવન – જેને આધારે બધા જ પ્રાણીઓ જીવી શકે છે તે

વન – તરસથી પીડાતા પ્રાણીઓ જેનું સેવન કરવા માંગે છે તે

અર્ણસ – જેનો ગુણ નીચાણ તરફ જવાનો છે તે

Posted by: રોહિત વણપરીયા | October 14, 2011

દસ કહેવતો

નકટાને નાક નહિં ને નફ્ફટને શાપ નહિં. – ગુજરાતી

આંધળો ઓકે ને દસને રોકે – ગુજરાતી

ગૃહિણીનું કામ ક્યારેય પુરૂ થતું નથી. – આઇરિશ

મુલાયમ શબ્દો વાપરો અને સખત દલીલો કરો. – અંગ્રેજી

હદ બહારની કોઇપણ વસ્તુ ઝેર છે. – અંગ્રેજી

જે સત્ય બોલતો નથી એ મારૂ બોલેલુ સત્ય સ્વીકારતો નથી. – કન્નડ

જેની આંખમાં ભૂખ છે એનું પેટ ક્યારેય ભરાશે નહિં. – અરબી

જેની માથે દેવુ નથી એ પૈસાદાર છે. – હંગેરિયન

તમે કોઇને થોડા પૈસા આપ્યા હોય અને તે ભાગતો ફરે તો સમજવું કે સસ્તામાં પતી ગયું. – યહૂદી

બાપની કિંમત મૃત્યુ પછી અને નમકની કિંમત ખતમ થઇ ગયા પછી. – તામિલ

Lloyd Shearer. અમેરિકન કોલમનિસ્ટ. ખાસ તો હોલિવુડનાં હિરો-હિરોઇન અને રાજકારણીઓનાં ઇન્ટરવ્યૂ માટે પ્રખ્યાત થયેલ. લાખો વાંચકોમાં લોકપ્રિય એવા આ લેખકને વાંચકો તરફથી દર અઠવાડિયે સરેરાશ પાંચ હજાર પત્રો મળતાં. 84 વર્ષની વયે હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હતું. એ લોઇડ શિરરનાં જીવન ઉપયોગી કેટલાક સંકલ્પો.

બીજા બધા સુખ કરતાં તમારા શરીરનું સુખ સર્વાધિક છે એ ક્યારેય ના ભૂલો. તબીયતનું ખાસ ધ્યાન રાખો, કેમકે સ્વાસ્થ્ય વગર સાચુ સુખ અસંભવ છે.

હંમેશા બીજાઓને મદદ કરવાની ભાવના અને સંકલ્પ રાખો. એથી લોકોની મદદ પણ તમને મળતી રહેશે.

આ જગતમાં કોઇ અમર નથી. મૃત્યુ નિશ્ચિત છે. એટલે મરતા પહેલા સંકલ્પ કરો કે જીવનમાં અમુક મૂલ્યો તો તમે જાળવશો જ.

ગુસ્સાવાળા અને તીખા સ્વભાવવાળાઓથી હંમેશા દૂર રહો. સજ્જનો પાસેથે મળતું દુ:ખ સારૂ પણ દુર્જનની કૃપા નકામી.

કોઇપણ ભોગે, કાંઇપણ કરીને સફળતા મેળવવા માંગતા લોકોથી દૂર રહો.

સલાહો ક્યારેય ન આપો. ડાહ્યા અને શાણા લોકોને તેની જરૂર નથી અને મૂર્ખાઓ તે માનવાનાં નથી.

સંઘર્ષ કરનારની નિષ્ફળતા કે અસફળતામાં ક્યારેય ખુશ ન થાઓ કે એમની મજાક ન કરો. કેમ કે જીવનમાં તમે પણ ક્યારેક આવી સ્થિતિમાં હતાં અથવા તો આવવાનાં છો.

સફળતા અને ધનને એકસરખા ન માનો. યેનકેન પ્રકારે સંપતિ મેળવનાર દુ:ખી અને માનવ તરીકે નિષ્ફળ પણ હોય શકે છે. એટલે જ સફળતા કેવી રીતે, ક્યાં માર્ગે મેળવી છે એ મહત્વનું છે.

Posted by: રોહિત વણપરીયા | October 10, 2011

ગુજરાતી જોક્સ

છગન અને મગન, બંને જૂના મિત્રો વર્ષો પછી મળ્યા.

મગન : ‘નાના હતાં ત્યારે ખૂબ રમાડ્યાં હતાં એ આપનાં ચારેય પુત્ર શું કામધંધો કરે છે?’

છગન: ‘મોટો ડોકટર છે. બીજો એન્જીનિયર છે. એથી નાનો વકીલ છે અને સૌથી નાનાને ગેરેજ છે.’

મગન: ‘તો તો નાનાને ઘર ચલાવવામાં તકલીફ પડતી હશે ?’

છગન: ‘સાચી વાત છે. નાનો બિચારો એનાં ત્રણેય મોટા ભાઇઓનું પૂરૂ કરવામાંથી જ ઊંચો નથી આવતો ને એથી એને ઘર ચલાવવામાં સાચે જ તકલીફ પડે છે.’

ડોકટર છગને મગનને ત્યાં વાળ કપાવીને પૂછ્યું, ‘કેટલા રૂપિયા આપવાનાં?’

મગન વાણંદ: ‘પચાસ રૂપિયા’

ડોકટર છગન: ‘અરે! એટલા રૂપિયા તો હું મારા પેશન્ટ પાસેથી પણ લઇ શકતો નથી.’

મગન વાણંદ: ‘હું આપને સમજી શકું છું, કેમ કે હું ડોકટર હતો ત્યારે હું પણ આટલો ચાર્જ લઇ શકતો ન હતો.’

દસ વર્ષ પહેલા : ‘એન્જીનિયર સાહેબનું ઘર આ શેરીમાં ક્યું છે ?’

‘આ શેરીમાં જે સારામાં સારો બંગલો દેખાય તે જ એન્જીનિયર સાહેબનું ઘર હોય શકે ત્યાં પૂછ્યા વગર તેમાં જ ચાલ્યા જજો.’

દસ વર્ષ પછી : ‘એન્જીનિયર સાહેબનું ઘર આ શેરીમાં ક્યું છે ?’

‘આ શેરીનાં કોઇપણ મકાનમાં ચાલ્યા જજો. દરેકમાં કમ સે કમ એક એન્જીનિયર તો રહે જ છે.’

બિહાર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલો એક બેકાર યુવાન નોકરી માટે શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યો હતો પણ નોકરી મળતી ન હતી. એવામાં એક સરકસમાં હિસાબ રાખવા માટે માણસની જરૂર છે એવી જાહેરાત વાંચીને એ ઇન્ટરવ્યૂ આપવા ત્યાં પહોચી ગયો.

સરકસ મેનેજરે એ યુવાનને કહ્યું, ‘એ જગ્યા તો ભરાઇ ગઇ છે પણ એક જોખમી કામ માટે માણસની જરૂર છે જો તારે નોકરી કરવી જ હોય તો.’

યુવાન : ‘ક્યું કામ ?’

સરકસ મેનેજર: ‘અમારા સરકસમાં કરવામાં આવતો બે સિંહ વચ્ચેની લડાઇનો એક ખેલ ખૂબ લોકપ્રિય છે, પણ હમણાં-હમણાં અમારો એક સિંહ ખૂબ જ બિમાર હોવાથી એ ખેલ થઇ શકાતો નથી અને એથી સરકસ જોવા આવનારાઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. હવે જો તું એક સિંહ બનીને એ ખેલ કરવા તૈયાર હો તો એ જગ્યા ખાલી છે. એ માટે તને તાલિમ અને તું અદ્લ સિંહ જ દેખાય એવો કોસ્ચ્યુમ પણ આપવામાં આવશે. તારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે સામેનાં સાચા સિંહને ખબર ન પડવી જોઇએ કે તું નકલી સિંહ છો. જો એમાં તારાથી ચૂક થઇ ગઇ તો તારી ઉપર જોખમ રહેશે.’

અને એ કામ કરવા માટે એ યુવાન તૈયાર થઇ ગયો અને એ ખેલ પણ કરવા લાગ્યો. એવો ખેલ કે પ્રેક્ષકો તો ઠીક સામેનાં સિંહને પણ ખબર પડતી નહિં. સરકસમાં પહેલાની માફક જ ફરી ભીડ થવા લાગી.

એક વખત એવું બન્યું કે ખેલ દરમિયાન પેલા યુવાને પહેરેલું કોસ્ચ્યુમ સહેજ જ હટી ગયું. પ્રેક્ષકોને તો એની ખબર ન પડી પણ સામે રહેલા સિંહને તેની તરત જ ખબર પડી ગઇ. આ પેલા યુવાનનાં ધ્યાનમાં પણ આવી ગયું. આવનારા જોખમનો વિચાર આવતા જ એ ગભરાઇ ગયો અને તેને પરસેવો વળી ગયો.

ત્યાં જ સામેનો સિંહ બોલ્યો, ‘દોસ્ત, ગભરાઇશમાં. હાલ બીજો અસલી સિંહ પણ બીમાર છે અને હું પણ બિહાર યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ જ છું.’

Posted by: રોહિત વણપરીયા | August 11, 2011

ઓફિસ પ્રવાસનો એક બનાવ

જીવનમાં વગર કારણની હોશિયારી બતાવનારને કેવા-કેવા અનુભવો થતાં હોય છે એનાં નજરે જોયેલા એકાદ-બે કિસ્સાઓ આપની સમક્ષ વર્ણવી રહ્યો છું, એ આશાએ કે આમાથી વાંચનાર પણ થોડોઘણો બોધપાઠ લે.

હું જ્યાં નોકરી કરી રહ્યો હતો એ અમારી ઓફિસમાંથી નોકરી છોડીને અમદાવાદની એક કંપનીમાં જોડાવા જનાર એક મારા સાથી મિત્રને મેં સમજાવેલ કે એ અહીંનાં મેનેજમેન્ટ સાથે સુમેળતાથી વાત કરીને નીકળે, પણ એને એવું લાગતું હતું કે હવે મારે ક્યારેય અહીં આવવું નથી તો હું મારો ભૂતકાળનો અસંતોષ પૂરી રીતે વ્યક્ત કરીને નીકળું. જ્યાં એક શોધતા એકવીસ મળી રહેતા હોય તેવા મૂડીવાદનાં આ જમાનામાં આવા વર્તનને ગેરશિસ્ત માનવામાં આવે છે, કેમ કે કંપની તમને જે પગાર આપે છે એથી વધારે તમારામાં ક્ષમતા છે એવું તમને લાગતું હોય તો કોઇ કંપની તમને રોકી રાખી શકતી નથી. આ કારણે મારા એ સાથી મિત્રએ થોડી હોશિયારી કરીને નોકરી છોડી અને અમદાવાદની એક BPO કંપની વધારે ઊંચા પગારથી જોડાઇ ગયો.

થોડા જ સમયમાં ત્યાં ન ફાવતા એ નોકરી છોડીને ફરી પાછો રાજકોટ આવ્યો ત્યારે સંપર્ક કરતાં અમારી એ કંપનીએ પણ તેને ના કહી દીધી. એ કંપની જેને આવો એક કર્મચારી તૈયાર કરતાં છ મહિના જેવો ટ્રેનિંગ સમય લાગી જાય છે છતાં પણ. અત્યાર સુધી મેં નજરે જોયેલું છે કે કેટલાય કર્મચારીઓ અહીંથી નોકરી છોડીને જતાં રહ્યાં હોય અને ફરીથી કંપનીએ એમને કોઇ જ ખિચકાટ વગર રાખી લીધા હોય.

આવા જ બીજા એક કર્મચારીએ પણ જ્યારે નોકરી છોડી ત્યારે એ કંપની સાથે તો પ્રેમથી વર્તન દાખવીને છૂટો થયેલ, પણ અમારામાંથી કોઇ કહેતું કે મળતો રહેજે તો એ કહેતો, ‘મળવું હોય તો બીજે ક્યાંક મળીશું બાકી આ બાજુ હવે આવે એ બીજા.’ આ કર્મચારીને પણ બીજે ન ફાવતા ચાર જ મહિનામાં એ ફરી પાછો અમારી જ કંપનીમાં જોડાયો ત્યારે જ્યારે હું એને મળતો ત્યારે મને તેની એ વાત યાદ આવી જતી. એને એ યાદ કરાવીને એને એની જ નજરમાં નીચો તો ન પાડી શકાય પણ શું એને એનાં જ શબ્દો યાદ નહિં આવતા હોય?

એક સમયે હું અહીં રાજકોટની એક BPO કંપનીમાં નોકરી કરતો હતો. હું ત્યાં નવો જ જોડાયો હતો એ વખતનો આ બનાવ છે. મારી નોકરીનાં એ શરૂઆતનાં પહેલા બે-ચાર દિવસોમાં જ મેં જોયું કે અમારા Department નાં 110 જણાંઓ પૈકી મોટાભાગનાંઓ કામથી કામ સાથે મતલબ રાખનારા હતાં, પણ એમાંનાં ચાર-પાંચ એવા હતાં કે જેમનાં મગજમાં Seniority નો નશો છવાયેલો હતો. એ બધા જાણે કંપની એમને વારસાગત મિલ્કત તરીકે મળી હોય એ રીતે Floor ઉપર ફરતાં રહેતાં. અહીં સુધી વાંધો ન હતો, પણ એ બધા ઓફિસમાં કામ કરતાં કેટલાક નબળાઓ સાથે વગર કારણની હોંશિયારી કરતાં રહેતાં. આમ જોવા જઇએ તો દરેક માણસને રાજાપાઠમાં રહેવું ગમતું હોય છે, પણ એનો અર્થ એવો નથી કે બીજા બધા એનાં ગુલામ હોય.

આવી કંપનીઓમાં કંપનીનાં Boss મોટાભાગે આંકડાકીય માહિતીમાં જ રસ ધરાવતાં હોય છે અને એમાં એમની કોઇ ખામી પણ નથી હોતી, કેમ કે એ લોકો એટલાં વ્યસ્ત હોય છે કે બધે બધુ ધ્યાન રાખવું એમનાં માટે શક્ય પણ હોતું નથી. ગમે તે કારણ હોય પણ અમારો Shift Leader પણ એ લોકોને ખાસ કાંઇ કહેતો નહિં.

આ કંપનીમાં વર્ષ દરમિયાન બે Picnic કરવામાં આવતી. એક અઠવાડિયાની અને બીજી બે દિવસની. દરેક વખતે આ Picnicનો મહિનો પણ સમાન રહેતો. મારી નોકરીનાં બે માસમાં બે દિવસની Picnicનાં આયોજન માટે ચર્ચા કરવા બધા કર્મચારીઓ એકઠા થયાં, જેમાં આબુ અને દિવ એમ બે વિકલ્પ આપવામાં આવ્યાં હતાં. મોટાભાગનાંઓ આબુ જવા માંગતા હતાં, પણ અહીં પણ પેલા ચાર-પાંચનાં પ્રતાપે દિવ જવાનું નક્કિ થયું. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને લાગે છે કે આપણે તો મેદાન મારી ગયાં, પણ પછી પરિસ્થિતિ કે સંજોગો એવી બાજી ગોઠવે છે કે આપણે માત્ર મૂક બનીને જોયા જ કરવાનું રહે છે. આપણે બનનાર એ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડવાનાં પ્રયત્ન કરીએ તો પણ સંજોગોની પ્રબળતા સામે ઘણીવખત નમવું પડતું હોય છે અને એટલે જ બીનજરૂરી હોંશિયારી કે ધમંડ રાખીને ફરવું નકામુ છે.

પ્રવાસ જવાનાં દિવસે બધા કર્મચારીઓ ઓફિસે એકઠા થયાં અને બસ દ્રારા દિવ પહોંચી ગયાં. અહીં અમારૂ જોવા માટેનું પ્રથમ સ્થળ હતું – દિવનો ઐતિહાસિક કિલ્લો. બધાએ પોતપોતાની રીતે કિલ્લો જોઇને પછી બહાર જ્યાં બસ પાર્કિંગ કરેલ હતી ત્યાં સમયસર પહોંચવાનું હતું. અમોને કિલ્લો જોવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો.

મેં પણ મારી સાથેનાં બે સાથીદારો સાથે કિલ્લો જોયો અને જોઇ લીધા પછી હું એમની સાથે બસ-પાર્કિંગ સ્થળે આવી ગયો. બીજા લોકોને આવવાની વાર હોવાથી અમે લોકો સામે આવેલી કેબીન/દુકાન પાસે ઊભા હતાં. બધા લોકો આવી ગયા પછી તરત જ બહાર નીકળી શકાય એ માટે બસચાલક બસને આગળ-પાછળ કરતાં-કરતાં બસ રોડ ઉપર લઇ રહ્યો હતો. એ વખતે પેલા ચાર-પાંચ હોશિયારો પણ ત્યાં જ ઊભા હતાં.

આ દરમિયાન બસને બહાર કાઢતા જગ્યાની સંકળાશને કારણે બસચાલકથી બાજુમાં ઊભી રાખેલી એક સાયકલ જરાં પડી ગઇ. એ સાયકલ જેની હતી એ છોકરો (કિશોર વયનો) પણ ત્યાં જ હતો. એ બોલ્યો, ‘એ ઇઇઇઇ, સાયકલ ઊભી કરી નાખજે.’

બસચાલકે શાંતિથી કહ્યું, ‘હમણાં ઉતરીને કરી આપું છું.‘

બસ આટલું જ! વાત ત્યાં જ પુરી થઇ જતી હતી, પણ નહિ હવે પછી જે બનવાનું હતું એ જ તો જોવા જેવું હતું. વગર કારણે બીજાઓનાં મામલામાં હાથ નાખવાની ઘણાંને ટેવ હોય છે. અહીં પણ બન્યું એવું કે અમારી ઓફિસનાં પેલા પાંચમાંથી જે સૌથી વધારે Over હતો એ પેલા સાયકલવાળા કિશોર પાસે ઊભો હતો. એ બોલ્યો, ‘સાયકલ ઊભી ન કરી તો?‘ અને જવાબમાં ત્યાંનાં પેલા કિશોરે વટથી કહ્યું, ‘સાયકલ તો ઊભી કરવી જ પડશે.‘ અને આ રીતે વાત વધી પડી. અમારા પેલા Overને સાથ આપવા તેની સાથેનાં બીજા ચાર હોંશિયારો પણ જોડાયા. હવે એ તદન નાની વાતે ધીરે ઘીરે મોટા ઝઘડાનું સ્વરૂપ પકડ્યું હતું. હું અને મારો મિત્ર એ બધુ જોતા હતાં. અમને મજા આવી રહી હતી. થોડીવારમાં પેલો કિશોરવયનો નાનો છોકરો ત્યાંથી ચાલ્યો ગયો અને થોડીજ વારમાં પાછો આવીને એ પાંચે સાથે ઝઘડવા લાગ્યો.

વાત હવે મારામારીએ પહોંચી ગઇ હતી. સમય, સંજોગો અને સ્થળ પારખીને બસ-ડ્રાઇવર પણ બાજુએ ઊભો રહી ગયો અને એ પણ અમારા પાંચેએ નાખેલ ખેલ જોવા લાગ્યો. અત્યાર સુધી તો અમારામાંનાં એ પાંચ સરસાઇમાં હતાં પણ થોડીવારમાં જ બાજી આખી પલટાઇ જવાની હતી એની એમને કે અમને કોઇને ખબર ન હતી. આ મારામારી ચાલતી હતી એ દરમિયાન પેલા કિશોરનાં સાથીદારો આવી પહોંચ્યા. એક બે નહિ પણ જાણે કે ટોળુ. પંદરેક જેટલા લોકો હાથમાં પાઇપ, ધોકા, બેટ, લાકડી વગેરે લઇ આવ્યા અને આડેધડ એ પાંચેય ઉપર રીતસરનાં તૂટી પડ્યાં. એ પાંચેય અધમૂઆ થઇ રહ્યાં હતાં એ દરમિયાન બીજા વીસેક જણા આવી પહોચ્યા. આ લોકો અત્યાર સુધી આડેધડ માર મારતા હતાં પણ હવે વ્યવસ્થિત રીતે મારવા લાગ્યા. એ પાંચેયનાં એક એક પગ એમાનાં દસ જણાએ પકડી રાખ્યા. બીજા દસ જણાંએ એક એક હાથ પકડી રાખ્યાં અને બાકી વધેલાઓ એ પાંચેયનાં વાંહામાં/પીઠમાં, કુલાઓ ઉપર બેટ, ડંડા વગેરે મારી રહ્યાં હતાં. એથીય વધુ તો એ હતું કે એ બધા બેફામ માર સાથે સાથે અસહ્ય ગાળો પણ ખાઇ રહ્યાં હતાં.

સામે ઊભીને અમારો Shift Leader આ બધુ જોઇને ધૂંઆફૂઆ થઇ રહ્યો હતો. એને જોઇને મને થયું કે તું Office Floor ઉપર આ લોકોની થોડીઘણી ભક્તિ ચલાવી લે છે તો આજે હવે આ પણ જોઇ લે.

મારી સાથે ઊભેલો મારો સાથીદાર કે જેને પહેલા થોડી મજા આવતી હતી એ પણ હવે એ પાંચેયની દયા ખાઇ રહ્યો હતો. મેં એને કહ્યું આ પાંચેય કે જેઓ નબળા અને ઢીલા માણસો ઉપર ખોટી હોશિયારી બતાવતા ત્યારે એ નબળાઓ તો એમને કાંઇ કરી શકતા ન હતાં, પણ હવે એમને સજા આપવાનું કામ એમણે જ ઊભા કરેલા આ સંજોગો કરી રહ્યાં છે અને એટલે જ મને એમની જરાય દયા આવતી નથી, ઉલ્ટાની મજા આવી રહી છે. મારો એ મિત્ર બોલ્યો, ‘રોહિત, સાવ આવું ના વિચારાય.’ આ સાંભળીને મેં કહ્યું, ‘આપણે બંને ભેગા છીએ, તું જોઇ લેજે આ પાંચેય માંડ બે-ચાર દિવસ શાંત રહી શકશે. એ પછી ઓફિસમાં પાછાં એ જ હોશિયારી ચાલુ કરી દેશે અને માટે જ દયા ખાવાનું રહેવા દે અને આ દ્રશ્યોને મન ભરીને માણ.’

અમારી આ વાતો ચાલુ હતી એ દરમિયાન એ પાંચમાંનો એક જણ ત્યાથી ભાગવામાં સફળ થયો એ તરફ ટોળાનું ધ્યાન જતાં એમાંથી બે જણાં ખુલ્લી છરી સાથે એમની પાછળ દોડ્યાં. અમારા ઊંચા નંબરવાળા એ ચશ્મીશ કર્મચારીએ પછી વાત કરતાં મને કહેલ કે, ‘એ વખતે મારો કોણ પીછો કરી રહ્યું છે એ જોયા વગર હું તો બસ દોડતો જ રહ્યો. એકાદ કિલોમીટર ચાલવામાં પણ હું થાકી જાઉં છું પણ એ દિવસે દિવનાં કિલ્લાથી છેક નાગવા બીચ સુધી સુપરફાસ્ટ દોડતો પહોંચ્યો.’ ઓફિસમાં એની બેઠક મારી પાસે હતી. એનાં મનમાં એટલો બધો ભય લાગેલ કે એ માત્ર મને જ નહિ પણ જાહેરમાં કહેતો કે, ‘ભાઇ, આપણે તો કસમ ખાધી છે કે આજ પછી દિવ તો શું જુનાગઢ જીલ્લામાં ક્યારેય પગ ન મૂકવો.’

ખેર! જે હોય તે પણ આ પાંચ જણાએ તો બેફામ માર ખાધો અને ઉપરથી આખા કર્મચારીગણને પ્રવાસ પડતો મૂકવો પડ્યો, કેમ કે અર્ધબેહોશ જેવી અવસ્થામાં આવી ગયેલ આ પાંચેયને છોડીને પેલું ટોળુ જતાં રહેતા જ અમારા Shift Leaderનાં કહેવાથી બસ તૂરત જ રાજકોટ પરત લેવી પડી. શાંત એવા નાગવા બીચ પર ન્હાવાની અને ઓફિસની Female કર્મચારીઓને ન્હાતી જેવાની મજા મારા સહિત બીજા બધાની બગડી ગઇ. વધારામાં ઓફિસની Female કર્મચારીઓ કે જેમને આ બનાવ સાથે કાંઇ જ લેવાદેવા ન હતી તો પણ એ બધીઓ આવું બધું જોઇને માનસિક દબાણમાં આવી ગઇ હતી અને સ્તબ્ધ બની ગઇ હોય એવી એમની હાલત હતી. જે પ્રવાસ પતાની રમત, ગીત અને ડાંસ સાથે જઇ રહ્યો હતો એ જ પ્રવાસ એક ઉદાસી સાથે પરત ફરી રહ્યો હતો. સાથીદારોની એ વખતની ઉદાસી જોઇને હું મનોમન મુસ્કારાઇ રહ્યો હતો.

પેલો દોડીને જે નાગવા બીચ પહોંચી ગયેલ એ ચશ્મીશ બીજી બસમાં આવ્યો.

ઓફિસમાં બેક દિવસ પેલા પાંચેય શાંત રહ્યાં અને ફરી પાછી એમણે એ જ પ્રવૃતિ ચાલુ કરી દીધી.

આ ઉપરોક્ત બનાવની ઓફિસ કર્મચારીઓ સિવાય સ્વાભાવિક બીજાઓને તો જાણ ન જ હોય. આથી બીજા લોકો આવા લોકોનું વર્તન જોઇને કદાચ એવું માનતા હોય શકે કે આ લોકો તો કેવા વટથી ફરે છે, પણ એમનાં એ ખોખલા રાજાપાઠ જેવા વર્તન પાછળ પોતાના જ આત્મસન્માન માટે કલંકરૂપ એવા આવા બનાવો પણ છૂપાયેલા હોય છે.

Posted by: રોહિત વણપરીયા | March 1, 2011

QUOTATION

જે લોકો ભાવુક હોય છે અને સદાય રોતા જ રહે છે તેઓ રોતા જ રહે છે, પણ જે લોકો હસવાનું શીખી લે છે તેઓ ક્યારેક ક્યારેક હસતાં-હસતાં એમની જિંદગી બદલી પણ નાખે છે. – ‘સૂરજ કા સાંતવા ઘોડા’માંથી… ધર્મવીર ભારતી

માણસને લાગતો એક મોટામાં મોટો ભય/ડર એ ટોળામાંથી અલગ પડી જવાનો ભય છે. એ ટોળું એની જ્ઞાતિ, સમાજ કે ગામ, ગમે તે હોઇ શકે છે. – બટ્રાન્ડ રસેલ

જે જ્ઞાન મનને શુધ્ધ કરે છે એ જ જ્ઞાન છે, બાકી તો અજ્ઞાન છે. – રામકૃષ્ણ પરમહંસ

માનવી કેવળ રોટી અને કપડાંને આધારે નથી જીવતો. સારૂ જીવન જીવવા માટે એ ઉપરાંત પ્રેમ, ભાવના, હૂંફ જેવા ઘણાં તત્વોની જરૂર હોય છે. આપણે માણસ છીએ, પ્રાણી નહિં, અને આપણે જ્યારે માણસ તરીકે જીવીએ છીએ ત્યારે અતિવાસ્તવિક (Total Practicle) અભિગમ આપણને ફરીથી પ્રાણીની જ કક્ષાએ લાવી દે છે. – જૂર્લેવન

સુખદ અને શાંતિની પળોનું એક અપલક્ષણ હોય છે, એ ઝડપથી પસાર થઇ જાય છે. એનાં પછી આવતાં દુ:ખ કે મુશ્કેલીઓને એવી કોઇ જ ઉતાવળ હોતી નથી, એ તો નિરાંતે જ જાય છે, છતાં જાય છે એ નિશ્ચિત છે. – ‘A Floating City’માંથી.. જૂલ્ઝ ગ્રેબિયાલ વર્ન (જૂર્લેવન)

આપણી મરજી વિરૂધ્ધ મુકાયેલો અંકુશ પરાધીન કરે છે. પોતાની મેળે મુકાયેલો અંકુશ આપણી ખરી સ્વતંત્રતા વધારે છે. – નવનીત સમર્પણ ડિસે.૨૦૧૦

પોતે ઊંચે ન ચડી શકનાર માનવી પોતાનાંથી ઊંચાને નીચે ઘસડીને તૃપ્તિ મેળવે છે… – ‘એક જ ડૂબકી’ વાર્તામાંથી…લે.ઝવેરચંદ મેઘાણી

જે માણસ અસત્ય બોલતા ડરે છે એને બીજા કશાંથી ડરવાની જરૂર રહેતી નથી. – ફ્રાઉડ

જો આપણે આર્શિવાદસમાન તક જતી કરીએ તો એ શાપ બની જાય છે. – THE ALCHEMISTમાંથી… પોલો કોયેલો

જ્યારે આપણે આપણી જાતને સુધારીએ છીએ ત્યારે આપણે આપણી આજુબાજુનાં વાતાવરણ અને દુનિયાને પણ સુધારતા હોઇએ છીએ. – THE ALCHEMISTમાંથી… પોલો કોયેલો

પોતાનાં જ શબ્દો પર પોતે વિશ્વાસ ન રાખનાર રાજકારણીને જ્યારે બીજા લોકો એનાં પર વિશ્વાસ મૂકે ત્યારે ભારે આશ્ચર્ય થાય છે. – ચાર્લ્સ-દ-ગોલ

બંધિયાર પાણી અને બંધિયાર મન રોગ પેદા કરે છે. – ગુણવંત શાહ

જો કૂતરૂ હડકાયુ થાય, તેને તે એનિમલ રાઇટ્સ લાગુ પડતાં નથી. – ગુણવંત શાહ

મને તે જુઠુ કહ્યું તેથી હું નિરાશ નથી થયો. હું નિરાશ એટલા માટે થયો કે હવે હું તારા પર ભરોસો ન મૂકી શકું. – નિત્શે

સમગ્ર માનવજાતને પ્રેમ કરવાં કરતાંય પોતાનાં પાડોશીને પ્રેમ કરવાનું વધારે મુશ્કેલ છે. – એરિક હોફર

જેનું ગર્ભધાન પીંજરામાં થયું હોય એ પીંજરાની જ ઝંખના રાખે છે. – યેન્તુ શન્કો (રશિયન કવિ)

સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે પરંતુ એ જ સમાન કદિપણ સ્વપ્નદ્રષ્ટાઓને માફ કરતો નથી. – ઓસ્કાર વાઇલ્ડ

માનવજાતની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આપણું જ્ઞાન, આપણાં શાણપણ કરતાં ઘણી વધારે ઝડપથી વધી ગયું છે. – ફ્રેન્ક વ્હિટમોર

મારી પાસે એક સફરજન હોય અને તમારી પાસે પણ એક સફરજન હોય, ત્યારે જો આપણે તે એકબીજાને આપીએ તો બંને પાસે એક-એક સફરજન રહે છે, પરંતુ જો મારી પાસે એક વિચાર હોય અને તમારી પાસે પણ એક વિચાર હોય, ત્યારે જો આપણે તે એકબીજાને આપીએ, તો બંને પાસે બે વિચારો રહે છે. – જ્યોર્જ બર્નાડ શો

મારી જાણમાં છે તેવાં કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દ/શબ્દસમુહ માટે એક શબ્દ. આપને આમાંથી કેટલા ખબર છે કે નથી એ નથી જાણવું, પણ શું બીજા આવા શબ્દો આપની જાણમાં છે?…

——————————-

કમરથી ઉપરનાં ભાગનું ચિત્ર = અરૂણચિત્ર

જ્યાં જઇ શકાય નહીં તેવું = અગમ્ય

જેનાં હાથ ઘૂંટણને અડે તેટલા લાંબા છે તેવો = અજાનબાહુ

ગાડા ભાડે ફેરવનારો – અધવાયો

છાપરાનાં નળિયાને વ્યવસ્થિત ગોઠવનારો = સંથારો

ઘણો પોકાર છતાં કોઇ કાને ન ધરે કે સાંભળે તે = અરણ્યરૂદન

ઘેર-ઘેર ફરીને ભિક્ષા માંગવી તે = માધુકરી

હાથમાં પકડીને/રાખીને લડવા માટેનું હથિયાર = શસ્ત્ર

લડવા માટે હાથમાંથી છૂટુ ફેંકી શકાય તેવું હથિયાર = અસ્ત્ર

કૂવામાંનાં દેડકા જેવી દ્રષ્ટિ = કૂપમંડૂક

જેની શરૂઆત જ થઇ નથી તેવું = અનાદિ

જે પીવાને લાયક/યોગ્ય નથી તેવું પ્રવાહી = અપેય

ઘેટાં-બકરાને રાખવાની જગ્યા = ઝોડકું (વાડો)

જ્યાં પગ મૂકી શકાય નહીં તેવું = અગોચર

જેનું મન બીજે ઠેકાણે છે તેવું = અન્યમનસ્ક

દરિયાની અંદર ગયેલો જમીનનો ભાગ = ભૂશિર

પ્રશંશાનાં શબ્દો દ્રારા નિંદા કરવી = વ્યાજસ્તુતિ

આધાર વિનાની મનઘડત વાતો = ઉટાંગ

આશરો કે ઉતેજન આપવું = પોશિંદુ

નમૂના માટે બે ચપટી/મૂઠી લેવાતા દાણા = વાનચી

નહીં માગવાની વૃતિ ધરાવતો = અજાચક

ખેતરમાં ભાત લઇને જનારી સ્ત્રી = ભથવારી

પતિનાં આગમનની રાહ જોતા ઘરે તૈયાર થઇને બેઠેલી સ્ત્રી = વાસકસજ્જા

પહેલીવાર પરણનાર પુરૂષ = પંથવર

શરાબ(મદિરા) જેવી નશીલી સ્ત્રી = મદિરાક્ષી

નાટ્યમંચનાં પડદા પાછળનો ભાગ = નેપથ્ય

મૃત્યુનાં દિવસથી વર્ષ પુરૂ થતું હોય તે તિથિ = સંવત્સરી

જે વૃધ્ધ હોવા છતાં મજબૂત બાંધાનું છે તે = ખખડધજ

પાણીમાં ભરેલો/રહેલો ચીકણો કાદવ = સૂંથ

ભાયડા જેવી (હિજડો નહીં) સ્ત્રી = વનળા

જે સ્ત્રીનું એકપણ સંતાન મૃત્યુ પામ્યુ નથી તેવી સ્ત્રી = અખોવન

સંકેત/ઇશારો સમજી જઇને પ્રેમીને મળવા જનારી સ્ત્રી = અભિસારિકા

(લગ્ન વખતેની એક વિધિરૂપે) વરરાજાનાં હાથમાં અપાતો દીવડો = રામણદીવો

લોખંડનું બાણ = નારાય

સાવ અસંભવીત હોય તેવું = આકાશકુસુમવત

એકની એક વાત વારંવાર કરવી = ચર્વિતચર્વણ

નગરનો નાશ = પુરભંગ

પાછળથી જેનો ઉકેલ સૂઝી આવે તેવી બુધ્ધિ = પચ્છમબુધ્ધિ

સંગીતનાં સથવારે પાર્વતીજીએ કરેલું નૃત્ય = લાસ્ય

Posted by: રોહિત વણપરીયા | February 8, 2011

‘અમૃતદ્રાર’માંથી… – રજનીશ

એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઇ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યાં હતાં. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઇને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઇ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઇ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્નનાં જવાબ એ આનંદનાં ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,’ અને એ ફરીવખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.

એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંનાં છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યાં છીએ. એ નિર્માણ કરતી વખતે કોઇ ક્રોધમાં જ હોય છે, કોઇ એને બોજો સમજીને ઉધાસીન છે, તો કોઇ આનંદથી ભરેલો હોય છે.

જીવનને આપણે જેવું જોઇએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઇએ છીએ. આપણે એ જ જોઇ શકીએ છીએ જેવી જોવાની આપણી દ્રષ્ટિ હોય છે.

———
તમે ધારી લીધુ છે કે મુશ્કેલી બહુ મોટી છે અને તમે નાના છો. ધર્મગુરૂઓ પણ તમને એ જ વાત સમજાવે છે કે તમે બહુ નાના છો અને મુશ્કેલી બહુ મોટી છે. તેઓ તમારો આત્મવિશ્વાસ હણી લે છે… તમારૂ અસ્તિત્વ તમારી ધારણા ઉપર નિર્ભર છે. તમે તમારી જાતને નાની સમજો તો તમે નાના છો. તમે માનો કે તમે મોટા છો તો તમે જરૂર મોટા બની શકશો.

———–
હું કોઇ ઉપદેશક નથી, પણ મને દેખાય કે મારી નજર સામે કોઇ એના માર્ગમાં અંધકારમાં ભટકે છે, કે પથ્થર સાથે ટકારાય છે, કે દુ:ખ/પીડાનો માર્ગ પસંદ કરે છે, તો પણ હું એને ઉપદેશ નથી આપતો, પણ એક દીવો/જ્યોત મારા ઘર આગળ જરૂર રાખુ છું. બની શકે કે એને માર્ગ મળી જાય, રસ્તો મળી જાય, બોધ મળી જાય. એ વાતની કોઇ ખુશી નથી કે કોઇ ભીડ સાંભળવા આવે છે કે નહિ, સાંભળે છે કે નહિ, એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે, હું જોઉ છું કે જે રસ્તો ખોટો/ગલત છે એનાં ઉપર બીજાને ચાલવા દઉં તો એ પાપ છે, હિંસા છે. એ હું નથી ઇચ્છતો અને એટલે જ આપને કાંઇક કહું છું, પણ એ ઉપદેશ નથી. આપ એ માનવા, સ્વીકારવા, અનુયાયી બનવા બંધાયેલા નથી. તમે મને ગુરૂ બનાવવા ચાહશો તો પણ હું રાજી નથી. તમે મારી પાછળ જ ચાલવા ઇચ્છો છો તો હું તમારી ક્ષમા માંગુ છું. મારા કોઇ પુસ્તકને તમે જો શાસ્ત્ર બનાવવા માંગતા હો તો હું એને આગ લગાડી દઇશ કે જેથી એ શાસ્ત્ર ન બની શકે.

———–
હું કહેવા માંગુ છું કે જીવન એ કાંઇ અર્થહીન કથા નથી, જીવન તો એક સાર્થક આનંદ છે; પણ એવા જ લોકો માટે જેઓ જીવનનાં પ્રશ્નો/સમસ્યાઓ ઉકેલવાની હિંમત રાખે છે. જેઓ એક્સેપિસ્ટ છે, ભાગવાવાળા છે એને જીવનમાં આનંદ ન મળે તો તેમાં દોષ કોનો? જે જીવનનો/પ્રશ્નોનો સામનો કરે છે એને માટે જીવનનો અર્થ ખુલતો જાય છે.

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.