હિમાંશુ આજે ઘરેથી દરરોજની જેમ જ નોકરી પર નીકળી જતાં જ સાધના મનોમન બોલી ઉઠી, ‘જા તારી કિટ્ટા’. પોતાનાં જન્મદિવસે હિમાંશુ દરવખતે ભેટ આપતો અને આજે ભેટ તો ઠીક ‘ગુડવિશ’ પણ નહી?
અને પછી એ ઘરકામમાં લાગી ગઇ. કલાક પછી હિમાંશુનો ફોન આવ્યો કે, ‘સાધુ, કબાટનાં પેલા ખાનામાં જો તો, મારા ઓફિસને લગતા કાગળિયા છે?’
ફોનની રીંગ સાંભળીને જે આશાએ સાધના દોડી હતી એ આશા ઠગારી નીકળતા નિરૂત્સાહ ભાવે એણે કબાટનું એ ખાનુ ખોલ્યું. ને તેમાં હતી સાધના માટે બર્થ-ડે ગીફ્ટ અને વિશ કાર્ડ.
અને પછી તો દર કલાકે હિમાંશુનાં આ જ રીતનાં ફોન આવતા રહ્યાં અને દરેક જગ્યાએ સાધનાને ગીફ્ટ મળતી રહી. બે ત્રણ ગીફ્ટ પછી સાધનાએ ભેટનાં સ્થાન ગોતવામાં જ દિવસ કાઢ્યો પણ…
સાંજે હિમાંશુ ઘરે આવતા જ સાધના તેની ઉપર પ્રેમથી વરસી પડી, ‘આવું કરાય ? જા તારી કિટ્ટા.’