લેખક દિલીપ રાણપુરાનો એક જીવન પ્રસંગઃ સદભાવનો સત્પ્રભાવ.

એ વખતે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. પિતાનું છત્ર તો દસ વર્ષનો હતો ત્યારનું ચાલ્યું ગયેલું. કુટુંબમાં અમે બે ભાઇ. તેમાં હું મોટો.

બજારમાંથી લાવવા-મૂકવાનું કામ મારા માથે.

મને બરાબર યાદ છે. ભીમ અગિયારસનો એ દિવસ હતો. મારી બાએ મને ૨૦ રૂપિયા આપીને એક મણ ચણા અને એક મણ મગ લેવા મોકલેલ. હું ટૂંકે રસ્તેથી બજારમાં જતો. એક ગલીમાં એક મકાનનાં ઓટાની આસપાસ સાત-આઠ માણસોને જુગાર રમતાં જોયા. કુતૂહલવશ હું ત્યાં ગયો. કોઇ જીતતું હતું, કોઇ હારતું હતું. મને થયુંઃ ચાલ, એકાદ બે દાવ અજમાવું, અને મેં પણ રમવા માંડ્યું.

શરૂઆતમાં થોડા રૂપિયા ગયા. વળી પાછા આવ્યાં. અને પાછા ગયા. આમ કરતાં વીસેવીસ રૂપિયા હું હારી ગયો.

હવે શું કરવું ? મગ, ચણા કઇ રીતે લાવવા? ઘરે શો જવાબ દેવો? હું ભાંગી પડ્યો. રડવા જેવો થઇ ગયો. પણ મગજમાં એક રસ્તો દેખાવા લાગ્યો. અત્યારે ઉધાર લઇ આવું. પૈસા ભેગા થશે એટલે આપી દઇશ. અને એ રીતે હું મગ ચણા ઉધાર લાવ્યો.

રોકડેથી લાવું તો દોઢેક રૂપિયા વધે તેમ હતાં, પણ ધરે બાને કહી દીધું કે, ‘મેં એ પૈસા વાપરવા રાખ્યા છે.’

તત્કાળ પૂરતો પ્રશ્ન હલ થઇ ગયો. હું નિશ્ચિત બની ગયો. ઘરેથી વાપરવાનાં પૈસા હું ભેગા કરવાનો વિચાર કરતો. પણ ધીરજ રહેતી નહીં. ઝટ રમવા જાઉ અને પટ વીસ રૂપિયા જીતી લાવું, એમ થયાં કરતું. હું રમવા જતો અને હારી જતો. શાક પાંદડું લેવા જાવ તો તેમાંથી બે આના તારવી લેતો પણ પૈસા ભેગા થાય નહીં. હું મૂંઝાવા લાગ્યો.

ઘરે કહેવાની હિંમત ચાલે નહીં , તેમ બીજો કોઇ રસ્તો જડે નહીં.

દિવાળી આવી. વેપારી નવું વર્ષ આવતાં ચોપડો ચોખ્ખો કરવા ઉઘરાણી માટે ઘરે આવ્યો. મારી બા આભી બની ગઇ. વેપારીની પ્રમાણિકતા ઉપર તેને અવિશ્વાશ નહોતો. મારી પ્રમાણિકતા ઉપર શંકા કરવાનું કોઇ કારણ નહોતું. વેપારીને પૈસા આપી દીધા. હું ઘેર આવ્યો ત્યારે મને પુછ્યું. ઘડીભર થયું કેહી દઉં કે, ‘તે જ નહોતું કહ્યું કે છૂટા નથી એટલે અત્યારે ઉધાર લઇ આવ. તું ભૂલી ગઇ, બા!’ પણ એમ હું ન કહી શક્યો.

નીચું મોં જોઇ મેં કહ્યું, ‘બા, એ પૈસા હું જુગારમાં હારી ગયો.’

મને એમ હતું કે બા હમણાં જ એક તમાચો ચોડી દેશે. પણ ના, એણે એમ ન કર્યું. તેણે મારો હાથ પકડ્યો. મારી આંખમાં આંસુ હતાં.

મારા બરડામાં હાથ ફેરવતા તે બોલી, ‘ચાલ, મારી સાથે.’

ઓરડામાં જઇને તેણે પટારો ખોલ્યો અને તેમાંથી બે પેટી કાઢી. એકમાં ચલણી નોટો હતી, બીજામાં દાગીના.

એ બતાવતાં તે બોલી, ‘તારા બાપા આટલું મૂકતા ગયા છે. એમાંથી તમને બે ભાઇઓને ભણાવવાનાં ને પરણાવવાનાં છે. એટલી જવાબદારી હું પુરી કરૂ પછી તું ગમે તે કરજે. થાપણ જેવા કરીને આ પૈસા ને દાગીના હું સાચવું છું. તારા બાપની આબરૂ, આપણાં ખોરડા અને ખાનદાની પ્રમાણે વહેવાર પણ આમાંથી જ કરવાનો છે.’

એ વખતે મેં મારી માતાની આંખમાં આંસુઓ જોયાં.

એ દિવસથી હું જુગાર રમ્યો નથી. અને જેને ‘જુગાર’ કહી શકાય તેવી રમતનો વિચાર સુધ્ધાં કર્યો નથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s