સઆદત હસન મન્ટોની વાર્તાસૃષ્ટિ…

સઆદત હસન મન્ટો . તેમની ‘સુગંધી’ નામની વાર્તામાં સુગંધી નામની એક વેશ્યા સુંદર હોય છે અને પોતાને સુંદર માનતી પણ હોય છે. એક ધનિક ગ્રાહકને તે પસંદ પડતી નથી. એ વાતનું વેર લેતી હોય તેમ તેનો એક કાયમી ગ્રાહક કે જેની પાસેથી તે પૈસા તો નથી લેતી હોતી ઉપરથી આ ગ્રાહક તેનો શારીરિક-આર્થિક લાભ લેતો હોય છે, તેને તે અપમાનીત કરીને, ગાળો આપીને ભગાડી મૂકે છે.

——————————————————-

‘કાળી સલવાર’ નામની તેમની વાર્તામાં સુલતાના નામની વેશ્યા અને તેનો યાર સારી કમાણીની આશામાં દિલ્હી રહેવા આવે છે, પણ દિલ્હીમાં તેમનો ધંધો બરાબર ચાલતો નથી. (એ વખતનાં આપણાં રાજકારણીઓ સજ્જન હતાં. અત્યારનો સમય હોત તો જરૂર ચાલત) એ વખતે સુગંધી દરરોજ બે-ત્રણ ગ્રાહક મળી જાય તેવી ખુદા પાસે પ્રાથના કરતી હોય છે. મહોરમ આવતો હોવાથી એ દિવસે કાળી સલવાર પહેરવાની સુલતાનાની તમન્ના હોય છે, પણ પૈસા ક્યાં? એની ચાલીમાં રહેતો શંકર નામનો આવા જ ધંધા કરતો એક પુરૂષનો તેને પરિચય થાય છે. તે સુલતાનાને કાળી સલવાર લાવી આપવાનું વચન આપે છે. પૈસા ન હોય તો પણ વચન પાળી શકાય એ માટે તે સુલતાનાની કાનની બુટ્ટી લઇ જાય છે. જો કે તેનાં વચન પર સુલતાનાને તો વિશ્વાસ નથી જ. મહોરમનાં દિવસે સુલતાનાની ચાલીમાં રહેતી મુખ્તાર તેને મળવા આવે છે,

વાર્તાનો અંત મન્ટોનાં જ શબ્દોમાં…

‘ખમીસ અને દુપટ્ટો તો રંગાવ્યો હોય તેવા લાગે છે, પણ આ સલવાર નવી છે… ક્યારે બનાવડાવી?

સુલતાનાએ જવાબ આપ્યો- ‘દરજી આજે જ આપી ગયો.’ – કહેતાં કહેતાં એની નજર મુખ્તારનાં કાન પર પડી.

‘તે આ બુટ્ટી ક્યાંથી લીધી?’

‘મેંયે આજે જ મંગાવી.’ મુખ્તારે જવાબ આપ્યો.

એ પછી બંનેને થોડીવાર માટે ચૂપ બેસવું પડ્યું.

——————————————————

સઆદત હસન મન્ટોએ તેમની ઘણી વાર્તાઓ ભારત-પાકિસ્તાન ભાગલા વખતનાં કોમી રમખાણો ઉપર આધારિત લખી છે. તેમાંની એક વાર્તા ‘ખોલ દો’ અશ્લિલતાનાં આરોપ હેઠળ મન્ટો પર કેસ થયેલ. આ સિવાય પણ તેમની બીજી ઘણી વાર્તાઓ ઉપર કેસ થયેલ. ‘ખોલ દો’ વાર્તામાં ભાગલા વખતે વિખૂટી પડી ગયેલ દિકરી સકીનાને તેનો બાપ શોધતો હોય છે. સકીના ‘રેપ’ને કારણે લગભગ મૃતપાય જેવી હાલતમાં હોય છે. બાપ સિરાજુદીનને તે એક હોસ્પિટલમાં હોવાનાં સમાચાર મળે છે. તે ત્યાં પહોંચે છે…

વાર્તાનો અંત મન્ટોનાં જ શબ્દોમાં…

શું છે? જે ડોકટરે ઓરડામાં લાઇટ કરી હતી એણે સિરાજુદીનને પૂછ્યું.

સિરાજુદીન માત્ર એટલું જ બોલી શક્યો- જી, હું… જી… એનો બાપ છું.

ડોકટરે સ્ટ્રેચર ઉપર પડેલ લાશ તરફ જોયું. એની નાડી તપાસી અને સિરાજુદીનને કહ્યું, ‘બારી ખોલી નાખ.’

સકીનાનાં મુડદાલ શરીરમાં સળવળાટ થયો. નિર્જીવ જેવા હાથે એણે નાડી છોડી, સલવાર નીચે સરકાવી.

વૃધ્ધ સિરજુદીન રાજી રાજી થઇ ગયો. જીવે છે… મારી દિકરી જીવે છે.

ડોકટર પરસેવે રેબઝેબ થઇ ગયો.

સઆદત હસન મન્ટો. નામ ઉપરથી એવું લાગે કે કોઇ વિદેશી લેખક હશે, પણ…

સઆદત હસન મન્ટો. નામ ઉપરથી એવું લાગે કે કોઇ વિદેશી લેખક હશે, પણ લુધિયાણા જિલ્લામાં જન્મેલા અને આઝાદી પછી એક વર્ષે પાકિસ્તાનમાં ગયેલા આ લેખકનો આત્મા છેલ્લે સુધી હિન્દુસ્તાનમાં રહ્યો. બે ડઝન પુસ્તકોનાં લેખક એવાં મન્ટો તેમની ટૂંકી વાર્તાઓ માટે જગપ્રસિધ્ધ હતાં, ખાસ કરીને ભારત-પાક. ભાગલા વખતની કોમી આંદોલનની વાર્તાઓ માટે.

તેમનાં જ શબ્દોમાં…

મારા જીવનમાં ત્રણ મોટા બનાવો બન્યાં. એક મારા જન્મનો, બીજો મારા લગ્નનો અને ત્રીજો હું વાર્તાકાર બન્યો તે.

લોકો મને પૂછે છે કે હું વાર્તા કેવી રીતે લખું છું? હું કહું છું કે હું મારા રૂમમાં જઇને સોફા પર બેસી જાઉં છું. પછી કાગળ-કલમ લઉં છું. પછી ‘બિસ્મિલ્લાહ’ બોલું છું ને વાર્તા લખવાની શરૂઆત કરી દઉં છું. એ વખતે મારી ત્રણે દિકરીઓ ધમાચકડી મચાવ્યા કરે છે. એમની સાથે વચ્ચે-વચ્ચે હું વાત પણ કરૂ છું, એમનાં લડાઇ-ઝઘડાનો ફેંસલો કરૂ છું. કોઇ મુલાકાતી આવે તો તેની સરભરા કરૂ છું અને વાર્તા પણ લખું છું. સાચુ કહું તો હું ખાઉં છું, પીઉં છું(શરાબ), સિગારેટ પીઉં છું અને ઝખ મારૂ છું – એવી રીતે વાર્તા પણ લખુ છું.

વાર્તા શાં માટે લખુ છું? મને શરાબની જેમ વાર્તા લખવાની પણ લત પડી ગઇ છે. વાર્તા ન લખુ તો મને એમ લાગે છે કે મેં કપડાં નથી પહેર્યા, અથવા તો ન્હાયો નથી અથવા તો દારૂ નથી પીધો.

વાર્તા લખવા માટે મગજ ઉપર જોર કરૂ છું, જેથી કોઇ વાર્તા નીકળી આવે. વાર્તા લખવાની મથામણ કર્યા કરૂ છું, પણ મગજમાંથી વાર્તા બહાર જ નથી આવતી. ન લખેલી વાર્તા માટે આગોતરી રકમ વસૂલી હોય છે એટલે કહરાયા કરૂ છું, આળોટ્યા કરૂ છું, ઘરની સફાઇ કર્યા કરૂ છું… અકળામણ વધી જાય ત્યારે બાથરૂમમાં ચાલ્યો જાઉં છું. સાંભળ્યું છે કે મોટો માણસ બાથરૂમમાં વિચારે છે. મારા અનુભવે એટલું સમજાયું કે હું મોટો માણસ નથી, કેમ કે હું બાથરૂમમાં વિચારી શકતો નથી. નવાઇ એ વાતની છે કે આમ છતાં હું હિન્દુસ્તાન-પાકિસ્તાનનો ઘણો મોટો વાર્તાકાર ગણાઉં છું. આ વિશે એટલુ કહીશ કે કાં તો મારા આલોચકો ખુશ છે, કાં તો હું એમની આંખમાં ધૂળ નાખુ છું. આવા વખતે વાર્તા લખાતી નથી ત્યારે મારી પત્ની મને ઘણીવાર કહે છે, આમ મૂઝાવમાં, પેન લો અને લખવા માંડો. એના આદેશથી હું લખવા માંડુ છું, અને ત્યારે આપોઆપ વાર્તા ટપકી પડે છે.

રોટી અને કલાનો સંબંધ જરા વિચિત્ર લાગે, પણ શું કરૂ? ખુદાને એ જ મંજૂર હશે. મારે તો રોટલા માટે લખવું પડે છે.

હું જાણું છું, મારૂ વ્યક્તિત્વ ઘણું વિશાળ છે. ઉર્દુ સાહિત્યજગતમાં મારૂ નામ ઘણું મોટુ છે. જો આ ખુશખબર ન હોત તો જીવવું વધારે અઘરૂ બની જાત.

મારે માટે એક કડવું સત્ય એ છે કે મારા પોતાનાં દેશમાં, જેને લોકો પાકિસ્તાન કહે છે તે દેશમાં, મારૂ અસલી સ્થાન શોધી શકયો નથી. એ કારણે મારો જીવ ગુંગળાયા કરે છે.

હું જાણું છું કે જીવન જો સંયમપૂર્વક જીવવામાં આવે તો તે એક જેલ છે. હું એ પણ જાણું છું કે જીવન જો સંયમપૂર્વક જીવવામાં ન આવે તો તે પણ એક જેલ છે. એટલે આપણે તો કોઇને કોઇ રીતે મોંજાનાં દોરાને એક છેડેથી પકડીને ઊખેડ્યા જ કરવાનું છે.

નામમાં શું છે?…Romeo and Juliet વાંચતી વખતે ખબર પડી…

શેક્સપિયરનું પ્રસિધ્ધ વાક્ય: નામમાં શું છે? લગભગ બધાને ખબર જ હશે.

તે તેની કઇ કૃતિમાં છે? તે હમણાં તેની Romeo and Juliet વાંચતી વખતે ખબર પડી.

ઇટાલીનાં વેરોના શહેરનાં બે પ્રતિષ્ઠિત કુટુંબ, એક મોન્ટેગ્યુ અને બીજુ કેપ્યુલેટ. બંને વચ્ચે પેઢીઓથી ચાલી આવતી કટ્ટર દુશ્મની. મોન્ટેગ્યુ કુટુંબનો દિકરો રોમિયો. કેપ્યુલેટ કુટુંબની દિકરી જુલિયેટ. એકવખત કેપ્યુલેટ કુટુંબનાં એક લગ્નમાં રોમિયો અને તેનો મિત્ર ગુપ્ત રીતે જઇ ચડે છે, ત્યાં રોમિયો જુલિયેટને પ્રથમવાર જુએ છે અને તેનાં પ્રેમમાં પડી જાય છે, ને જુલિયેટ પણ. (યાદ કરો हिन्दी फिल्म: क्यामत से क्यामत तक નો પ્રારંભ.)

બંને કુટુંબ વચ્ચે દુશ્મની હોવાથી એકવખત જુલિયેટ મનોમન વિચારતી હોય છે: રોમિયો તું મોન્ટેગ્યુ કુટુંબમાં શાં માટે થયો? મારે ખાતર તું મોન્ટેગ્યુ મટીને કેપ્યુલેટ બની જા. એમ વિચારતા એને થાય છે, નામમાં શું છે? ગુલાબનુ નામ ગુલાબ હોય કે બીજુ કોઇ પણ સુગંધ તો એની એ જ રહેવાની ને? તું પણ મારૂ ગુલાબ જ છો. તું જે હો તે મારા રોમિયો… તું મારામાં જ વ્યાપી ગયો છો… હવે નામ સાથે શી નિસ્બત?

રોમિયો જ્યારે પ્રથમ વખત ગુપ્ત રીતે, સંતાઇને જુલિયેટને ત્યાં મળવા માટે જાય છે ત્યારે જુલિયેટ અચાનક જ તેને તેનાં રૂમનાં ઝરૂખા પાસે જોતા જ આનંદિત થઇને પૂછે છે, ‘તું અહીં ક્યાંથી? ચોકીદારોની નજર બચાવીને, દિવાલ કૂદીને કઇ રીતે આવ્યો? (આ Situation ઘણી Filmમાં જોવા મળી છે.)

રોમિયો : પ્રેમનાં દેવે પાંખો દીધી.

જુલિયેટ : પણ, ચોકીદારો જોઇ જશે તો? એ તને મારી નાખશે.

રોમિયો : એમની તલવાર કરતાંય તારા નયન વધુ કાતિલ છે. જોખમ તો એનું છે, પ્રિય જુલેયેટ!

… અંતમાં બેશુધ્ધ જુલિયેટને મરણ પામેલી માનીને તેનાં વગરનું જીવન અસહ્ય લાગતાં રોમિયો ઝેર પી લે છે. થોડીવારમાં જુલિયેટ ભાનમાં આવે છે. રોમિયોને મૃત જોતા તે પણ ઝેર પીવાનો વિચાર કરે છે, પણ બધુ ઝેર રોમિયો ગટગટાવી ગયો હોય છે. જુલિયેટ રોમિયોનાં સૂકાઇ ગયેલા ઝેરી હોઠ ચૂસીને મરવાનો પ્રયત્ન કરે છે. (વાહ! શેક્સપિયર) સામે તેનાં કુટુંબીઓ તેને બચાવવા આવતા જોઇને પોતે જ પોતાની ઉપર ખંજર ચલાવી દે છે, ને એ રોમિયોની લાશ પર ઢળી પડે છે.

એકથી વધુ છોકરીઓ સાથે ફરતાં-ચરતાં, રસ્તે ચાલતી જતી છોકરીઓની છેડતી કરતાં અસંસ્કારી છોકરાઓને આપણે ‘રોમિયો છાપ’ કહીને ઉતારી પાડીએ છીએ. એમાં શું રોમિયોનું અપમાન નથી? અહીં આ બધું લખવા પાછળનો ઉદેશ એ જ તો છે.

જીવન સૌરભ

એક શિલ્પીએ પોતાની શક્તિઓને કેન્દ્રિત કરી એનાં સર્જનમાં પોતાનાં સ્વપ્નને આકાર આપ્યો. સ્વપ્નને મૂર્તિમંત કરવાની ધૂનમાં એણે મિત્રો અને પ્રશંસકો ખોયા. વિલાસ અને વૈભવ ખોયો. ઊંઘ અને કીર્તિ ખોઇ. સ્વપ્ન સિધ્ધ થયું. ત્યાં એનાં જીવનદીપકમાં તેલ ખૂટ્યું: લોકોને લાગ્યું, હાય, બિચારો શિલ્પી સર્જેલી સૃષ્ટિનું સુખ માણવા વધારે ન જીવ્યો!

ત્યારે આંખ ઢાળતા કલાકારે કહ્યું: જીવન શાં માટે છે? સદભાવને આકાર આપવા માટે. મારી કલા દ્રારા મેં સત્ય, શિવ અને સૌંદર્યનાં પ્રકાશની અનુભૂતિ કરી છે. મારૂ ધ્યેય પૂર્ણ થયું છે. હું સંપૂર્ણ જીવન જીવ્યો છું.


————————————————-

રડી પડેલા પુષ્પને મેં પુછ્યું: સોહામણા ફૂલ! વિદાય વેળાએ આ આંસુ શાનાં?

વિષાદમાં તેણે ઉતર આપ્યો: કોઇ બીમારને શાતા આપવાનું સૌભાગ્ય તો ન મળ્યું પણ અનીતિનાં ધનથી ખોટા ધનવાન બનેલા અને હોદ્દાનો દુરુપયોગ કરી ગરીબોનાં શોષણમાં વધારો કરતાં સતાધીશોનાં ગળાનો હાર બનવાનું દુર્ભાગ્ય મળ્યું એટલે આંખમાં આંસુ આવી ગયા.


————————————————-

કેટલાક કહે છે: મયૂરનું નૃત્ય, શરદ પૂનમનો ચાંદ, સરિતાનો કિનારો, લીલી વનરાજી, હિમગિરિનાં ઉન્નત શિખરો, કોયલનો ટહૂકો, પ્રભાત, બાળકનું નિર્દોષ હાસ્ય, તાજુ ગુલાબનું ફૂલ – આ બધાં માનવીને આહલાદ આપે છે; પણ અનુભવ કહે છે કે આ વાત અર્ધસત્ય છે. મન જો પ્રસન્ન ન હોય તો આ બધી સુંદર વસ્તુઓ જેટલો શોક આપે છે, એટલો શોક આપવા સંસારની કદરૂપી વસ્તુઓ પણ અસમર્થ હોય છે!


————————————————-
પુસ્તક: મધુસંચય, લેખક : ચિત્રભાન (પ્રકાસક-નવભારત સાહિત્ય મંદિર)માંથી…

સાહિત્યને લગતી કેટલીક વાતો…

#-#-# વિશ્વ સાહિત્યમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે જેની ગણના કરવામાં આવે છે તે ‘ડાયરી ઓફ એની ફ્રેંક’ લખનાર એની ફ્રેંકે ડાયરી લખવાની શરુઆત ૧૩ વર્ષની ઉંમરે કરી હતી. અને તેનો જીવન અનુભવ? લગભગ શૂન્ય. કારણ? માત્ર ૧૬ વર્ષની વયે તેનું મૃત્યુ થયું હતું.

#-#-# રહસ્યકથાઓની લેખિકા આગાથા ક્રિસ્ટીએ તેનાં ૬૦માં વર્ષે આત્મકથા લખવાની શરુ કરેલ અને ૧૫ વર્ષ પછી પૂરી કરેલ. તેમાં તેણે લખેલ છે: ‘કોઇપણ માણસ જીંદગીમાં ૧૦૦ ટકા સફળ કે નિષ્ફળ બની શકતો નથી. મારો સગોભાઇ મોન્ટી, જે દુનિયાની નજરે તદન નિષ્ફળ હતો. અનેક ધંધાઓમાં નિષ્ફળ રહેલ અને હંમેશા નાણાભીડમાં રહેતો. આમ છતાં જીવનને માણવાની કળા તે જાણતો હતો. મેં તેને ક્યારેય નાસીપાસ થતો જોયો નથી. તે હંમેશા ખુશમિજાજ જ રહેતો.’

#-#-# સમાજવાદની વિચારધારાનો પ્રણેતા કાર્લ માર્કસ પોતાનું વિશ્વપ્રસિધ્ધ પુસ્તક ‘દાસ કેપિટલ’ ઉત્ક્રાતિવાદનો સિધ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિનને અર્પણ કરવા માંગતો હતો. પણ એ વખતે ડાર્વિનને માર્કસની મહતા ખબર નહિં હોય, તેણે આ માટે સમંતી આપી ન હતી.

માર્કસ પોતાનાં આ પુસ્તક વિશે કહેતો: ‘આ પુસ્તકમાંથી હું તે લખવા પાછળ જેટલી સિગારેટ પીતો તેનાં ખર્ચ જેટલું પણ કમાયો નથી.’

એ જ્યારે મર્યો ત્યારે લંડનનાં હાઇગેઇટ કબ્રસ્તાનમાં પત્ની જેનીની કબર પાસે દફનાવ્યો એ વખતે સગાસંબંધીઓ સહિત માંડ ૨૦ લોકો ત્યાં હાજર હતાં. (વિકટર હ્યુગો મર્યો ત્યારે તેની સ્મશાનયાત્રા ૨૦ કિલોમીટર જેટલી લાંબી હતી અને તેમાં લાખો લોકો જોડાયા હતાં.)

#-#-# એલેકઝાંડર ડ્યૂમા, જેણે તેનાં જીવન દરમિયાન ૧૨૦૦ જેટલા પુસ્તકો લખ્યા હતાં, તે ૨૪ કલાકમાંથી ૪ કલાક જ સૂતો. એક સમયે તો તેણે એક જ વર્ષમાં ૬૦ નવલકથા લખી હતી. આમ છતાં મરતી વખતે તે તદન ભિખારી અવસ્થામાં મર્યો હતો.

આ પુસ્તકો તમે વાંચ્યા? (2)

એક રાજાએ તેની ત્રણ કુંવરીઓને એકવખત પૂછ્યું, ‘હું તમારા માટે સર્વસ્વ છું? મારા ઘડપણમાં તમે મારી સંભાળ લેશોને? પહેલી બે એ હા પાડી. ત્રીજીએ ‘એ બધું એ વખતનાં સંજોગો ઉપર આધાર રાખે છે’ એમ કહ્યું. આ સાંભળતા ગુસ્સે ભરાયેલ રાજાએ નાની દિકરીને વારસામાંથી રદબાતલ કરી અને એક સાવ સામાન્ય રાજા સાથે તેને પરણાવીને કાઢી મૂકી. મોટી બંને દિકરીઓને પોતાની સંપતિ અને સતા વારસામાં આપીને પોતાની સમકક્ષ એવા રાજકુંવરો સાથે પરણાવી દીધી.

બંને દિકરીઓ પિતાની શરૂઆતમાં સંભાળ લેતી પણ પછી એ જ બંને દિકરીઓને તે ભારે પડવા લાગતા, અપમાનીત કરીને કાઢી મૂકાતા તે પાગલની જેમ ભટકવા લાગ્યો.

એ વાતની રાજાનાં એક વફાદાર સેવકને ખબર પડતાં તેણે રાજાની નાની દિકરીને જાણ કરતાં દિકરી-જમાઇ તેને માનભેર પોતાને ત્યાં લઇ ગયાં. માનભેર સાચવ્યો.

રાજા, રાજાનો સેવક અને એ જમાઇએ રાજાની બીજી દિકરીનાં રાજય સાથે યુધ્ધ કરવાની યોજના કરી પણ રાજાનાં એ જ સેવકનાં એક પુત્રએ ગદ્દારી કરીને તેની જાણ કરી દીધી. એ વખતે પહેલી અને બીજીનાં પતિઓ વચ્ચે સંબંધો બગડેલ હતાં પણ હવે તેઓ એક થઇ ગયાં. યુધ્ધમાં રાજા અને તેની નાની દિકરીની હાર થઇ. વિજયનો તમામ જશ એ ગદ્દારને મળ્યો.

બંને બહેનો મનોમન તેનાં પ્રેમમાં પડી. બીજી સાથે એ પરણી ગયો. આ ગદ્દારે તેનાં ભાઇ સાથે પણ દગો કર્યો હોય છે. તેની સાથેનાં દ્રંદ્રયુધ્ધમાં તે માર્યો જાય છે. ઇર્ષાથી પિડાતી મોટી બહેન તેની બહેનને ઝેર આપીને પોતે પોતાને જ ખંજર મારીને મરી જાય છે. પેલાં ગદ્દારે રાજા અને તેની નાની દિકરીને ફાંસીએ ચડાવી દેવાનો આદેશ આપેલ હોય છે. તેનો ભાઇ એ બંનેને બચાવવા જાય એ પહેલા એ બંને પણ મૃત્યુ પામ્યા હોય છે.

(મેં તો અહીં માત્ર સાર જ આપ્યો છે પણ ખુબ સરસ અને વિશ્વપ્રસિધ્ધ આ Tragedy કથાની સાચી મજા લેવા માટે વાંચો King Lear by William Shakespeare)


————————————————–

એક ધનિક વેપારીની બે દિકરીઓ. બંને સુંદર, પણ એક સરળ, નમ્ર અને શાંત. બીજી ઝઘડાખોર. આ કારણે બીજીનાં લગ્નનો મેળ પડતો ન હતો. એકવખત એક યુવક એ ધનિકનાં પૈસાથી આકર્ષાઇને સામે ચાલીને તેની બીજી પુત્રી સાથે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે. એ ધનિક તેને સત્ય હકીકત કહીને ચેતવે છે. એ વખતે પણ પેલી ઝઘડાળુ કન્યા તો તેનું અપમાન જ કરે છે છતાં પેલો યુવક તેને પ્રેમભર્યા શબ્દોથી નવડાવી દે છે. છેવટે એ બંનેનાં લગ્ન થાય છે.

લગ્ન પછી એ યુવક માત્ર અને માત્ર શબ્દોથી જ પત્ની સમક્ષ પ્રેમ પ્રદર્શિત કરતો રહે છે, પણ તેનું વર્તન અલગ જ હોય છે. પત્નીને પણ તેનું વર્તન તો પાછું પ્રેમમય જ લાગે છે, ને તેનાં એ જ વર્તનથી એને તકલીફ પણ પડે છે.

આ બધા પાછળનું કારણ એ કે પેલો યુવક તેને સીધીદોર કરવાં માંગતો હોય છે. ને આખરે એ એવી તો સીધીદોર થઇ જાય છે કે તેનો પતિ સૂર્યને ચાંદ કહે કે સામે આવતા પુરૂષને સ્ત્રી કહે તો તેનો પણ તે સ્વીકાર કરીને તેની જ વાત સાચી છે એમ પણ કહે છે.

જ્યારે એ યુવક તેની પત્નીને લઇને સસરાને ત્યાં જાય છે ત્યારે ત્યાંની મિજબાનીમાં લોકોની નજરે એ મજાકપાત્ર હોય છે. તેનો સાઢુભાઇ, સાઢુનો મિત્ર અને એ યુવક વચ્ચે ‘કોની પત્ની કહ્યાગરી?’ એવી શરત લાગે છે. ને એ યુવક શરત જીતી જાય છે.

(મેં તો અહીં માત્ર સાર જ આપ્યો છે પણ ખુબ સરસ અને વિશ્વપ્રસિધ્ધ આ Comedy કથાની સાચી મજા લેવા માટે વાંચો The Taming of the Shrew by William Shakespeare)

રોમન સમ્રાટ નીરો… – રમૂજ

રોમન સમ્રાટ નીરો કે જેને ક્રુર શાશક તરીકે ઓળખવામાં આવે છે તેને લોકોની ભીડ સામે ગાવાનો શોખ હતો. તેનાં વિશે એક પ્રસિધ્ધ વાક્ય એવું છે કે, ‘રોમ જ્યારે ભડકે બળતુ હતું ત્યારે નીરો ફીડલ (સંગીતનું સાધન) વગાડતો હતો. ‘નેપાસનાં થિયેટરમાં જ્યારે તેણે પ્રથમ વખત ગાયન કાર્યક્રમ રાખ્યો ત્યારે ચાલુ કાર્યક્રમે ધરતીકંપ આવતા લોકો થિયેટરની બહાર દોડી ગયેલ, આમ છતાં નીરોએ તો ગાવાનું ચાલુ જ રાખેલ.

એ પછી બીજી વખતનાં કાર્યક્રમમાં તેણે થિયેટરનાં તમામ દરવાજા બંધ કરાવી દીધેલ કે જેથી ચાલુ કાર્યક્રમે કોઇ ભાગી ન શકે. આમ છતાં કહેવાય છે કે ત્યાંથી ત્રણ વ્યક્તિઓ લોકોની નજર સામેથી ભાગવામાં સફળ થઇ હતી. એક માણસે ચાલુ કાર્યક્રમે મરવાનો ઢોંગ કર્યો હતો અને બીજા બે તેને ઉપાડીને થિયેટરની બહાર લઇને નીકળી ગયાં હતાં.

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

રોમન સમ્રાટ જુલિયસ સિઝરનો સાથી ક્રેસાસ ખૂબ જ પૈસાદાર હતો. સોના(Gold)ને તે પાગલની જેમ ચાહતો અને ભેગુ કરતો.

જ્યારે તે પર્થિયનો સામે યુધ્ધમાં પકડાય ગયો ત્યારે પર્થિયન પ્રજાને તેની આ વાતની ખબર પડતાં તેનાં મોંમાં બળજબરીથી ઊકાળેલુ/પીગળાવેલુ સોનુ રેડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.