શેક્સપિયરનું પ્રસિધ્ધ વાક્ય: નામમાં શું છે? લગભગ બધાને ખબર જ હશે.
તે તેની કઇ કૃતિમાં છે? તે હમણાં તેની Romeo and Juliet વાંચતી વખતે ખબર પડી.
ઇટાલીનાં વેરોના શહેરનાં બે પ્રતિષ્ઠિત કુટુંબ, એક મોન્ટેગ્યુ અને બીજુ કેપ્યુલેટ. બંને વચ્ચે પેઢીઓથી ચાલી આવતી કટ્ટર દુશ્મની. મોન્ટેગ્યુ કુટુંબનો દિકરો રોમિયો. કેપ્યુલેટ કુટુંબની દિકરી જુલિયેટ. એકવખત કેપ્યુલેટ કુટુંબનાં એક લગ્નમાં રોમિયો અને તેનો મિત્ર ગુપ્ત રીતે જઇ ચડે છે, ત્યાં રોમિયો જુલિયેટને પ્રથમવાર જુએ છે અને તેનાં પ્રેમમાં પડી જાય છે, ને જુલિયેટ પણ. (યાદ કરો हिन्दी फिल्म: क्यामत से क्यामत तक નો પ્રારંભ.)
બંને કુટુંબ વચ્ચે દુશ્મની હોવાથી એકવખત જુલિયેટ મનોમન વિચારતી હોય છે: રોમિયો તું મોન્ટેગ્યુ કુટુંબમાં શાં માટે થયો? મારે ખાતર તું મોન્ટેગ્યુ મટીને કેપ્યુલેટ બની જા. એમ વિચારતા એને થાય છે, નામમાં શું છે? ગુલાબનુ નામ ગુલાબ હોય કે બીજુ કોઇ પણ સુગંધ તો એની એ જ રહેવાની ને? તું પણ મારૂ ગુલાબ જ છો. તું જે હો તે મારા રોમિયો… તું મારામાં જ વ્યાપી ગયો છો… હવે નામ સાથે શી નિસ્બત?
રોમિયો જ્યારે પ્રથમ વખત ગુપ્ત રીતે, સંતાઇને જુલિયેટને ત્યાં મળવા માટે જાય છે ત્યારે જુલિયેટ અચાનક જ તેને તેનાં રૂમનાં ઝરૂખા પાસે જોતા જ આનંદિત થઇને પૂછે છે, ‘તું અહીં ક્યાંથી? ચોકીદારોની નજર બચાવીને, દિવાલ કૂદીને કઇ રીતે આવ્યો? (આ Situation ઘણી Filmમાં જોવા મળી છે.)
રોમિયો : પ્રેમનાં દેવે પાંખો દીધી.
જુલિયેટ : પણ, ચોકીદારો જોઇ જશે તો? એ તને મારી નાખશે.
રોમિયો : એમની તલવાર કરતાંય તારા નયન વધુ કાતિલ છે. જોખમ તો એનું છે, પ્રિય જુલેયેટ!
… અંતમાં બેશુધ્ધ જુલિયેટને મરણ પામેલી માનીને તેનાં વગરનું જીવન અસહ્ય લાગતાં રોમિયો ઝેર પી લે છે. થોડીવારમાં જુલિયેટ ભાનમાં આવે છે. રોમિયોને મૃત જોતા તે પણ ઝેર પીવાનો વિચાર કરે છે, પણ બધુ ઝેર રોમિયો ગટગટાવી ગયો હોય છે. જુલિયેટ રોમિયોનાં સૂકાઇ ગયેલા ઝેરી હોઠ ચૂસીને મરવાનો પ્રયત્ન કરે છે. (વાહ! શેક્સપિયર) સામે તેનાં કુટુંબીઓ તેને બચાવવા આવતા જોઇને પોતે જ પોતાની ઉપર ખંજર ચલાવી દે છે, ને એ રોમિયોની લાશ પર ઢળી પડે છે.
એકથી વધુ છોકરીઓ સાથે ફરતાં-ચરતાં, રસ્તે ચાલતી જતી છોકરીઓની છેડતી કરતાં અસંસ્કારી છોકરાઓને આપણે ‘રોમિયો છાપ’ કહીને ઉતારી પાડીએ છીએ. એમાં શું રોમિયોનું અપમાન નથી? અહીં આ બધું લખવા પાછળનો ઉદેશ એ જ તો છે.
excellant
https://dipmoti.wordpress.com/2017/06/24/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%85%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4/