ઓસ્કાર વાઇલ્ડનાં વાક્યો…

પોતાનાં ભૂતકાળને સન્માનતો માણસ, આગળ જોવા માટેનું ભવિષ્ય ધરાવવા માટે લાયક રહેતો નથી.

ખરાબ રીતે જીવી જવું અને શાંતિથી મરી જવું – આનાથી ભાગ્યે જ કાંઇ સહેલુ હોય છે.

યુવાનો વફાદાર બનવા માંગે છે, પણ બની શકતા નથી. વૃધ્ધો બેવફા થવા માંગે છે, પણ થઇ શકતા નથી.

પુરૂષ અને સ્ત્રી વચ્ચે વાસના, પ્રેમ, દુશ્મની, ભક્તિ શક્ય છે, પણ મિત્રતા શક્ય નથી.

પોતાનાં મિત્રને જાણવા એ સૌથી ભયાનક વસ્તુ છે.

પોતાને સતાવતા પુત્ર સાથેનાં ભૂતકાળનાં પોતાનાં વર્તનનો વિચાર જો પિતા કરે, તો માફી તેણે માંગવાની આવે.

આપણે પુરૂષો, જો આપણે જેની લાયક છીએ તેવી સ્ત્રીઓને પરણીએ તો જરૂર દુ:ખનાં દિવસો આવવાનાં.

તમારે જરૂર ન હોય તેવી ચીજ, તે મોંધી છે તે કારણે કદી ખરીદશો નહિ.

અતિશય વિચારશીલ સ્ત્રીમાં હું માનતો નથી. સ્ત્રીએ માફકસરનું વિચારવુ જોઇએ, જેમ તેણે માફકસરનું વર્તન કરવું જોઇએ તેમ.

દૃષ્ટ સ્ત્રી ચિંતા કરાવે છે. ભલી સ્ત્રી કંટાળો આપે છે.

જ્યાં સુધી તમે સ્ત્રીની આજુબાજુ ધુમો નહિ, ત્યાં સુધી તે તમને ચાહશે નહિ. સ્ત્રીઓને સતત સંભાળ બહુ ગમે છે.

સ્ત્રીની પાસે કદી કાઈ કહેવાનું હોતું નથી, પણ તે કહે છે એવી રીતે કે મુગ્ધ થઇ જવાય.

Advertisements

સ્કોટલેંડની લેખિકા Eileen Caddyનો આજે જન્મદિવસ (26Aug1917-13Dec2006)

આપણે ત્યાં કાશ્મિરમાં જે રીતે પ્રવાસીઓ માટે નૌકાઘર હોય છે એ રીતે સ્કોટલેંડ-ફિન્ડહોર્નમાં બસહાઉસ હોય છે. તેની અંદર ઘર જેવી બધી સુવિધા હોય છે. ભાડે રાખીને તેમાં દિવસો/મહિનાઓ સુધી રહી શકાય છે. Eileen Caddyએ તેમાં રહેતાં જે પ્રેરણાત્મક પુસ્તક લખ્યું છે તે ‘Opening Doors Within’. (આ પુસ્તક આપણાં ગુજરાતી લેખિકા કુન્દનિકાબહેને ‘ઉઘડતા દ્રાર અંતરનાં’ નામથી અનુવાદ કરેલ છે.) તેમાંનાં કેટલાક અંશો…

EileenCaddyBook EileenCaddyBus EileenCaddy

પરિવર્તન પિડાદાયક જ હોય એવું જરૂરી નથી. એ અનિવાર્ય છે, કારણ કે કશું જ તેનાં તે રૂપે રહેતું નથી; અને તમે તમારા હદયમાં ડોકિયું કરો તો, એ એવું ને એવું રહે એમ તમે પણ નહિ ઇચ્છો.

જીવનમાં કરવા જેવી અનેક બાબતો છે, પણ તમે પોતે સારામાં સારૂ શું કરી શકો? શોધી કાઢો અને પછી એ કરવા માંડો, એને કરવાનો આનંદ માણો.

તમે જીવ્યા હો એવા કોઇપણ દિવસ કરતાં આજનાં દિવસને વધુ અદભૂત બનાવવાનું તમારા હાથમાં છે – તમારા યોગ્ય વલણ થકી, તમારા વિધેયાત્મક વિચાર થકી.

તમે તમારા નિયમોનું પાલન કરો છો અને તેને અનુસરો છો તેમ તમારૂ જીવન સમૃધ્ધ અને અતિશય કૃપાપાત્ર બને છે. આ નિયમોનું તમે ઉલ્લંઘન કરો છો ત્યારે મોડાવહેલા તમને જણાય છે કે તમે નીચેની તરફ સરકી રહ્યાં છો.

હંમેશા યાદ રાખો કે પ્રેમ, આનંદ અને સુખ એક યોગ્ય વાતાવરણ સર્જે છે અને સમાન વિચારનાં લોકોને પાસે ખેંચી લાવે છે. એટલે તમારૂ પોતાનું નિરીક્ષણ કરો અને આ પળથી જ, કેવળ ઉતમોતમને તમારા ભણી આકર્ષવાનું શરૂ કરી દો.

રાજા ભર્તુહરિનાં વાક્યો…

નારીને અબળા કહેનારા કવિઓ ખોટી વાતો કરનારા છે, કારણ કે જેણે ચંચલ નેત્રોનાં કટાક્ષથી ઇંદ્ર વગેરે દેવોને પણ જીતી લીધા છે એ ‘અબલા’ કેવી રીતે ગણી શકાય?

દીપક હોવા છતાં, અગ્નિ, તારાઓ, ચંદ્ર, મણિઓ હોવા છતાં મૃગ જેવા નયનોવાળી મારી પ્રિયતમા વિના, આ જગત મારે માટે અંધકારમય છે.

જ્યારે સ્ત્રી મદમસ્ત બનીને પ્રેમ કરવાનો આરંભ કરે છે, ત્યારે તેનાં માર્ગમાં વિધ્ન નાખતા બ્રહ્મા પણ ડરે છે.

અજ્ઞાનીને સહેલાઇથી સમજાવી શકાય, વિશેષ જાણકારને વધારે સહેલાઇથી સમજાવી શકાય, પણ અલ્પ જ્ઞાનથી દોઢડાહ્યા થયેલાને બ્રહ્મા પણ સમજાવી શકતા નથી.

જે લોકો સારી વાણી અને વચનોથી મૂર્ખાઓને બળપૂર્વક સન્માર્ગે વાળવા માંગે છે તેઓ ખારા સાગરને મધનાં એક ટીપાથી મધુર બનાવવાની ઇચ્છા રાખે છે.

મૌન એ અજ્ઞાનતાનું ઢાંકણ અને મૂર્ખાઓનું આભૂષણ છે.

જ્યારે હું થોડુ જાણતો, ત્યારે હાથીની જેમ મદાન્ધ બનીને અભિમાન કરતો કે, ‘હું જ બધુ જાણું છું, પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસેથી થોડુ થોડુ જાણતા શીખ્યો ત્યારે ‘હું મૂર્ખ છું’ એવા વિચારે મારો ગર્વ તાવની જેમ ઉતરી ગયો.

એક દુબળો ચપટી એક અનાજ પ્રાપ્તિની ઇચ્છા કરે છે, પરંતુ જ્યારે તે ધનથી સંપૂર્ણ થાય છે ત્યારે આખી પૃથ્વીને તણખલા જેવી ગણે છે.

હરણાં, માછલા અને સંતોષથી રહેનારા સજ્જનોનો પણ વિના કારણે શિકારીઓ, માછીમારો અને દુર્જનો આ જગતમાં શત્રુ બને છે.

ભોગ ભોગવવાની ઇચ્છા ચાલી ગઇ. પુરૂષ તરીકેનું અભિ(માન) પણ ગળી ગયું, પ્રાણ જેવા પ્યારા અને સરખા મિત્રો સ્વર્ગે સિધાવી ગયા, ધીમે-ધીમે લાકડીનાં ટેકાથી ઊઠી શકાય છે, બે નેત્રો ઘોર અંધકારથી ઘેરાય ગયા છે. અરે મૂર્ખ! તો પણ આ કાયા મૃત્યુનાં ભયથી શાં માટે થરથરે છે?

કહેવતો… કહેવતો… કહેવતો…

દર્પણ સાચુ બોલે છે, તેમાં કાચનો દોષ નથી. – ચીની કહેવત

સારી વાત સાંભળતા જે શંકાશીલ બને છે તેની સોબત જિંદગીમાં ક્યારેય ન કરશો. – ચીની

સોનુ અને પ્રણય છુપાવવો બહુ જ મુશ્કેલ છે. – સ્પેનીશ

સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી. – સ્પેનીશ

મેં કડવામાં કડવા ખાનપાન કર્યા છે, પણ ગરીબી જેવી કડવાશ મને કશાંયમાં નથી જણાય. – અરબી

મેં સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભોજનો લીધા, ઉતમોતમ મદિરાનું પાન કર્યું, અત્યંત ખૂબસૂરત રમણીઓ સાથે પ્રેમ માણ્યો, પણ તંદુરસ્તી જેવો આનંદ મને કશામાં જણાયો નથી. – અરબી

બગીચાનાં સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછશો, કાગડાને ક્યારેય નહિ. – અરબી

કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી.- ભારતીય

ક્યાં ટેબલ પર બેસવું એનો નિર્ણય ન કરી શકનારા માણસને છેવટે તો જમીન પર જ બેસવાનો વારો આવે છે. – ફ્રેંચ

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો. – યુગોસ્લાવ

જ્યારે કોઇ ગુનેગાર નિર્દોષ છૂટી જાય છે, ત્યારે ન્યાયધીશ ગુનેગાર બની જાય છે. – લેટિન કહેવત

જીવન એ કુદરત/પ્રકૃતિની દેન છે, પણ સુંદર જીવન એ શાણપણની દેન છે. – ગ્રીક

સ્ત્રી પતિને મારતી નથી, પરંતુ તેનો મિજાજ પતિ ઉપર હુકમ ચલાવે છે. – રશિયન

સૂફી સંત શિબલી કહેતા…

સૂફી સંત શિબલી કહેતા:

મને સાચો માર્ગ એક કૂતરાએ બતાવ્યો છે. મેં એક કૂતરાને તળાવને કિનારે જોયો. તેને તરસ લાગી હતી પણ પાણીમાં પોતાનાં જ પડછાયાથી એ ડરતો હતો. એને એમ કે પાણીમાં બીજો કૂતરો છે. પણ તરસને કારણે એણે ડર ખંખેરી નાખ્યો અને એ પાણી પી શક્યો. હવે બીજો કૂતરો દેખાતો ન હતો. એની જરૂરિયાત વચ્ચેનાં અવરોધો દૂર થઇ ગયા હતાં. એ જ રીતે મારા અવરોધો પણ દૂર થતા ગયા, જ્યારે મેં જાણ્યું કે એ અવરોધોનું કારણ હું જ હતો.

એક વખત સંત શિબલી બીજા એક સંત થૌરીને મળવા ગયા. તેઓ એટલા સ્થિર બેઠાં હતા કે વાળ પણ ન હલે. શિબલીએ પૂછ્યું, ‘આટલી સ્થિરતા તમે ક્યાંથી શીખ્યા?’ થૌરીએ જવાબ આપ્યો, ‘એક બિલાડા પાસેથી. જ્યારે તે ઉંદરનાં દરને જોતો હતો ત્યારે આથી પણ વધારે ધ્યાનથી એ જોતો હતો.’

અમેરિકન લેખક John Gray, વિશ્વ પ્રસિધ્ધ પુસ્તક: ‘Men are from Mars, Women are from Venus’.

સ્ત્રી-પુરૂષ સંબંધો વિશેનાં આ પ્રેરણાત્મક પુસ્તકનાં આવા શિર્ષક પાછળનું કારણ એ કે John Gray એવું કલ્પે છે કે સ્ત્રી શુક્ર ગ્રહનું અને પુરૂષ મંગળ ગ્રહનું પ્રાણી છે (બંનેની માનસિકતા અલગ છે) અને પૃથ્વી પર ભેગા થયા છે. એમની વચ્ચેનાં સંબંધો સુમેળભર્યા કઇ રીતે રાખી શકાય? એની તેમણે ‘Men are from Mars, Women are from Venus’માં ચર્ચા કરી છે. તેમાનાં કેટલાક મુદાઓ…

આપણે ભૂલથી એમ માની બેસીએ છીએ કે જો આપણાં સાથીદાર આપણને પ્રેમ કરતાં હશે તો જે રીતે આપણે પ્રેમ કરતાં કોઇ પ્રતિભાવ આપીએ કે વર્તન કરીએ છીએ તે જ રીતે તેઓ પણ પ્રતિભાવ આપશે કે વર્તન કરશે.

જ્યારે પુરૂષો અને સ્ત્રીઓ એકમેકનો આદર કરે છે, પોતપોતાની ભિન્નતાનો સ્વીકાર કરે છે, ત્યારે પ્રેમને વિકાસની સુંદર તક મળી જાય છે.

કોઇ પુરૂષને વણમાગી સલાહ આપવી એનો અર્થ એમ માની લેવાનો થાય કે તેને શું કરવું તે ખબર નથી, કે પછી તે આ કામ પોતાની મેળે કરી શકતો નથી.

સ્વસ્થ થવા માટે પુરૂષ પોતે એકલે હાથે ઉકેલ મેળવવા પ્રયત્ન કરે છે, સ્ત્રી સમોવડિઓ સાથે મળીને ખુલ્લા દિલે પોતાનાં પ્રશ્નોની ચર્ચા કરે છે.

તણાવ અનુભવતી સ્ત્રી એ આશા નથી રાખતી કે તેનાં પ્રશ્નોનાં ઉકેલ તાત્કાલિક મળે, પણ પોતાની વાત અભિવ્યક્ત કરીને, પોતાને બધા સમજે છે એ બાબતથી એ વધુ રાહત અનુભવે છે.

પુરૂષને જ્યારે લાગે કે તેની જરૂર જણાય છે, ત્યારે તેને પ્રેરણા મળે છે, તે સશક્ત બને છે. સ્ત્રીને જ્યારે લાગે કે તેની સાથે સ્નેહભર્યો વ્યવહાર થાય છે, ત્યારે તેને પ્રેરણા મળે છે, તે સશક્ત બને છે.

જ્યારે સ્ત્રી નાખુશ અથવા નારાજ હોય ત્યારે તેની વાત સાંભળવી પુરૂષ માટે મુશ્કેલ બને છે, કારણ કે તેને એમ લાગે છે કે તેમાં તે પોતે નિષ્ફળ નિવડ્યો છે.

સ્ત્રી માટે મોટો પડકાર એ છે કે ખૂબ ઓછું બોલતા પુરૂષને સમજવો અને તેને આધાર આપવો.

જ્યારે પુરૂષ (વિનાકારણે) મૌન રહે ત્યારે સ્ત્રીને સૌથી ખરાબ કલ્પનાઓ કરવાનું સહજ બની જાય છે.

સ્ત્રીનાં સ્વમાનની ભાવના એક તરંગની જેમ ઉપરનીચે થતી હોય છે.

જેમ જેમ સ્ત્રીની નાણાકિય જરૂરિયાતો સંતોષાતી જાય છે તેમ તેમ તે પોતાની ભાવનાત્મક જરૂરિયાતો અંગે વધુ સભાન બનતી જાય છે.

પુરૂષને સશક્ત કરવાનું રહસ્ય એ છે કે તેને બદલવા કે સુધારવાનાં પ્રયત્નો કદી ન કરવા.

પુરૂષોને ‘ના’ કહેવાની છૂટ હોય તો તેઓ ‘હા’ કહેવા માટે વધુ તૈયાર હોય છે.

આ પુસ્તકમાં લેખકે પુરૂષને સ્ત્રીઓને પ્રિય થવાનાં ૧૦૦ મુદાઓ કહ્યાં છે. વિસ્તારમર્યાદા ધ્યાનમાં લેતાં બે-ચારની ઝલક…

જ્યારે તે તમારી સાથે વાત કરે ત્યારે સામયિક, અખબાર કે રિમોટ હાથમાંથી બાજુએ મૂકી દો અને તેની વાતોમાં ધ્યાન આપો….. તમારા પાકિટમાં તેનો ફોટો છે તે તેનાં ધ્યાનમાં આવે એવું ધ્યાન રાખો અને સમયાંતરે ફોટો બદલાવતા રહો.(એનો જ હો!)….. જો એ તમારા મોજા ધોઇ આપતી હોય, તો (તમે) મોજા ચતા કરીને મૂકો.

વિદૂર-વાણી

મહાભારતમાં ધૃતરાષ્ટ્ર સમક્ષ યુધ્ધનું વર્ણન કરતી વખતે સાથે સાથે વિદૂર જે કહે છે તે વાણી…

અયોગ્ય વ્યક્તિઓ ઉપર રાજ્યનો ભાર મૂક્યા પછી રાજ્યની પ્રગતિ કે સમૃધ્ધિનો વિચાર કરવો બરાબર નથી.

શરદી-ગરમી, ભય-પ્રેમ, સંપતિ-દરિદ્રતા. આ બધુ જેનાં કાર્યમાં બાધા બન્યા વગર કાર્ય પુરૂ થાય ત્યાં સુધી એનો અણસાર પણ ન આવવા દે એ પંડિત છે.

જે દુર્લભ વસ્તુની કામના નથી કરતો અને જે મળ્યું નથી તેનો શોક નથી કરતો, ભલાઇનું કાર્ય કરે છે અને દોષ નથી જોતો. એ બધા પંડિતનાં લક્ષણ છે.

મનુષ્ય પાપ કરે છે અને આસપાસનાં લોકો પાપની સંપતિમાંથી મોજ ઉડાવે છે. મોજ ઉડાવનારાઓ છૂટી જાય છે, પાપ કરનાર કર્મનાં ફળ ભોગવે છે.

દુર્બળનું ક્યારેય અપમાન ન કરવું.

જેમ ભ્રમર ફૂલને કષ્ટ આપ્યા વગર તેનો રસ ચૂસે છે તેમ રાજાએ કષ્ટ ન પડે એ રીતે પ્રજા પાસેથી ધન લેવું જોઇએ.

સંયમથી લક્ષ્મીની સુરક્ષા થાય છે અને ક્રોધથી તેનો નાશ થાય છે.

જે લોકો વિશ્વાસપાત્ર નથી તેની ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહિ, અને જે વિશ્વાસપાત્ર છે તેનાં ઉપર પણ (રાજાએ) ક્યારેય અધિક વિશ્વાસ કરવો નહિ.

જગતમાં સૌથી પહેલો દુ:ખી ગરીબ છે, એથી વધુ દુ:ખી દેવાદાર છે. આ બંનેથી વધુ દુ:ખી રોગિષ્ઠ છે અને સૌથી વધુ દુ:ખી એ છે જેની પત્ની દૃષ્ટ છે.

શ્રેષ્ઠ પુરૂષ શાંત થઇ ગયેલ વેરભાવનાને ક્યારેય ફરી વખત ભડકાવતો નથી.