‘The 3 Mistake of My Life’ By ચેતન ભગત વિશે થોડુક…

હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતાં લેખક એવા ચેતન ભગતને તેમની Mail-ID પર ૨૮-૧૨-૨૦૦૫નાં દિવસે એક Mail મળે છે. આ Mail અમદાવાદનાં એક યુવકે (Businessman)કર્યો હોય છે અને તેમાં તે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે, એવી કબૂલાત હોય છે. લેખક તેમનાં સંપર્કોનો ઉપયોગ કરીને માત્ર આ Mail-ID પરથી એ યુવકને શોધી કાઢે છે. અમદાવાદ આવીને તેની મુલાકાત પણ લે છે. એ યુવાન બચી જાય છે. એ યુવાન Businessman ગોવિંદ પટેલની કથા ઉપરથી લેખકે જે નવલકથા લખી છે તે: ‘The ૩ Mistake of My Life’.

The-3-Mistakes-of-My-Life-book-cover-328x500 chetan bhagat

બેસ્ટ સેલર થયેલી આ એમની ૩જી નવલકથા છે. એ પહેલાની બે ‘Five Point Someone’ અને ‘One Night @ The Call Centre’ આજે પણ બેસ્ટ સેલર બુક ગણાય છે. ‘New York Times’એ આ લેખકને ભારતનાં સૌથી વધુ વંચાતા લેખક તરીકે ઓળખાવ્યા છે.

એમની Bisuness, Cricket અને Religion સાથે સંકળાયેલી આ નવલકથા ‘The 3 Mistake of My Life’ તો તમારે વાંચવી જ રહી. મને ગમેલા એમાનાં કેટલાક અંશો આપની સમક્ષ…

લાગણીશીલ લોકો તદન નકામા વેપારી હોય છે.

બિઝનેસ કરવા બાબતે મારો રસ ત્યારે વધ્યો જ્યારથી મેં ટ્યૂશન કરવાં શરૂ કર્યાં. પૈસા વધતા જોવાનો એક વિશિષ્ટ આનંદ હતો. પૈસા સાથે કૂલર કે સોફા જેવી વસ્તુઓ જ માત્ર આવતી ન હતી, પણ મહત્વની બાબત મળતી હતી – સન્માન!

મને લાગે છે કે ભારતીય માતાઓનાં બે જ કામ છે – તેમનાં બાળકોને વધારે ખાવાનું આપવાનું અને વધારે ભણવાનું કહેવાનું.

એકવાર જો લડાઇ ઊભી થઇ તો તેમાંથી બીજી લડાઇ ઊભી થશે જ. તમે તેને નિયંત્રિત ન કરી શકો.

દુનિયામાં એવો કોઇ વેપારી નથી જેણે ક્યારેય પણ પૈસા ગુમાવ્યા ન હોય. એવો કોઇ નથી જે સાઇકલ શીખતી વેળા પડ્યો ન હોય. એવો પણ કોઇ નથી જેણે દુ:ખી થયા વિના પ્રેમ કર્યો હોય. આ તો બધુ રમતનો એક ભાગ છે.

મીડલ ક્લાસ મા-બાપ જેવી વાતો ન કર. પૈસા ગુમાવવાની બીકે તેઓ પોતાનાં બાળકોને સલામત આવક મેળવવા આખી જિંદગી બીજાની ગુલામી કરવા કહે છે.

ભારત સ્વપ્નાં જોવાની ભૂમિ નથી. ખાસ કરીને જ્યારે તમે એકવાર નિષ્ફળ ગયા હો. હવે હું હિન્દુ તત્વજ્ઞાનનાં ડહાપણને સમજી શક્યો કે વધારાની ઇચ્છા રાખવાનાં બદલે તમને જે મળે છે તેમાં સંતોષ માનો. ઋષિઓએ નવરાશમાં શોધેલ આ કોરૂ તત્વજ્ઞાન ન હતું, પણ જે દેશમાં ઇચ્છાઓને સતત કચડવામાં આવે છે. તેમાં ટકવાનો મંત્ર હતો.

આત્મવિશ્વાસથી ભરપૂર વહુઓ ખતરનાક વહુઓ બની શકે છે.

Advertisements

Anne Morrow Lindbergh…શંખમાંથી મળેલા જીવન-અર્થ ‘Gift from The Sea’ પુસ્તકરૂપે પ્રસિધ્ધ

Anne Morrow Lindbergh…શંખમાંથી મળેલા જીવન-અર્થને તેમણે ‘Gift from The Sea’ પુસ્તકરૂપે પ્રસિધ્ધ કર્યા છે.

અમેરિકન લેખિકા Anne Morrow Lindbergh (એન મરો લિંડબર્ગ (1906-2001))એ એક પુસ્તક લખેલ છે : ‘Gift from The Sea’ (ઇ.સ. 1955). પાંચ બાળકોની માતા એનએ જીવનમાં એકાંતને સૌથી વધારે મહત્વ આપ્યું છે, પણ સાથે સાથે એ એમ પણ માને છે કે આવું જરૂરી એકાંત માણીને ફરી પાછું જીવનસંગ્રામમાં પાછા પણ ફરવું જોઇએ. ચાર્લસ લિંડબર્ગ (પાઇલટ) સાથે લગ્ન કર્યા પછી એન વિમાન ચલાવતા શીખી અને, અમેરિકાની સહુથી પ્રથમ સ્ત્રી ગ્લાઇડર પાઇલટનું લાઇસન્સ મેળવ્યું. લેખિકા સાગરકિનારે એકાંત માણવા જાય છે, બાળકની માફક શંખ એકઠા કરે છે અને એ વિણેલા શંખમાંથી જીવનનાં જુદાજુદા અર્થ મેળવે છે. શંખમાંથી મળેલા જીવન-અર્થને તેમણે ‘Gift from The Sea’ પુસ્તકરૂપે પ્રસિધ્ધ કર્યા છે. એમાંનાં કેટલાક અંશો…

GiftFromTheSeaCover 149627main_Anne_Lindbergh Charles&Anne Zcca

બીજી બધી અભિલાષાઓને અંતે અંત:કરણમાં શાંતિ મેળવવી એ જ મારા જીવનનું ધ્યેય છે.

હું જે ઇચ્છું છું તે સોક્રેટસે એક વખત પ્રાથનામાં ગાયું હતું તેનાં જેવું હશે; એ પ્રાથનામાં સોક્રેટિસ માંગે છે કે, ‘મનુષ્યનું બાહ્ય સ્વરૂપ અને અંતરનું સ્વરૂપ એક બનો.’ એવી સ્થિતિ હું પ્રાપ્ત કરી શકું એમ હું ઇચ્છું છું.

પરંપરાથી સ્ત્રીને શીખવવામાં આવે છે કે તેનું જીવન બીજાને આપવા માટે છે. અને સ્ત્રી સ્વભાવ જ એવો હોય છે કે પોતાનું જે કંઇ હોય તે બીજાને આપી દેવું. સનાતનકાલથી સ્ત્રી, તરસ્યાને ખોબે ખોબે પાણી પાતી આવી છે. ક્વચીત જ એને જીવનનો ઘડો શાંતિથી પૂરેપૂરે ભરવાનો સમય મળે છે.

સ્ત્રીને સ્વભાવગત આપવું ગમે છે. છતાં કોઇ હેતુ વગર પોતાનાં જીવનનાં ટૂકડા બનાવી એને આપવા નથી ગમતા.

જર્મન લેખક વિલિયમ જેમ્સનાં શબ્દોમાં કહીએ તો, ‘સ્ત્રીનાં જીવનનાં, ચારે તરફથી ખેંચતાણથી, ટૂકડા થઇ રહ્યાં છે અને હજી સહસ્ત્ર ટૂકડા થતા જશે.’

…પણ સ્ત્રીઓ અને પુરૂષો હંમેશ પ્રથમ પ્રેમમાં અનુભવેલું સુખ ભોગવવાની આશા રાખ્યા કરે છે તેથી જીવન વધારે આંટીઘૂંટીમાં ગૂંચવાઇ જાય છે.

… જ્યારે માતા પોતાનાં સ્તનમાંથી શિશુને દૂધ પાય છે ત્યારે, માત્ર બે જ જણ માટે દુનિયા અસ્તિત્વમાં હોય એવી લાગણી તેને થાય છે…

પ્રથમ પ્રેમની ભાવના ફરી અનુભવવી હોય તો જે સંજોગોમાં પ્રેમ ઉદભવ્યો હોય તે સંજોગો પાછા ઊભા કરવાની કોશિશ કરવી જોઇએ… પતિ-પત્નીએ કુટુંબજીવનમાંથી રજા લઇ એકલા (બાળકોને મૂકીને) બહારગામ જવું જોઇએ.

આરંભમાં દરેક સંબંધ સરળ લાગે છે. ન કોઇ બંધન, અધિકારનો પ્રશ્ન, જવાબદારીનો ભાર કે ભવિષ્યની ચિંતા અને ભૂતકાળ ભુલાઇ જાય છે…. અને પછી એ સંપૂર્ણ ઐક્ય ઉપર અવશ્ય સત્વર આક્રમણ આવે છે. સંબંધનું સ્વરૂપ બદલાય છે. એમાં ગૂંચવણો ઊભી થાય છે.

દરેક પોતાની જરૂરિયાત પ્રમાણે બનેલા હોય છે અને જીવનસંગ્રામમાં જીતી શકે એ રીતે ઘડેલા હોય છે.

કલામય ગોઠવવાથી સુંદર ચીજ શોભી ઊઠે છે. તે જ પ્રમાણે માણસો અને વસ્તુઓ યોગ્ય સ્થાને હોય તો શોભાયમાન અને અર્થસૂચક લાગે છે.

સમરસેટ મોમ વિશે…

સમરસેટ મોમ કહેતા: ‘હું વાર્તાલેખક નથી, હું તો વાર્તા કહેનારો છું… જ્યારે કોઇ નવીન નવલકથા વાંચવાની ઇચ્છા થાય છે ત્યારે એક નવી નવલકથા હું લખી નાખુ છું.’

૮માં વર્ષે માતા અને ૧૦માં વર્ષે પિતા ગુમાવનાર આ લેખક કાકાને ત્યાં રહેતા અને જીભે તોતડાતા હોવાથી નાનપ અનુભવતા. ૩૩માં વર્ષે તેમણે પોતાની પ્રથમ નવલકથા લખી: ‘લિઝ ઓફ લેમ્બેથે’. એ એટલી બધી લોકપ્રિય થઇ કે એમણે ડોકટર હોવા છતાં સાહિત્ય ક્ષેત્રે કારર્કિદી બનાવી.

તેમનાં એક પુસ્તકનો અનુવાદ સ્પેનીશ ભાષામાં થયો અને એ બદલ પ્રકાશક તરફથી એમને સ્પેનીશ ચલણ ચૂકવવામાં આવેલ, પણ સ્પેન સરકારનાં એ વખતનાં કાયદા મુજબ એ ચલણને દેશની બહાર લઇ જવાની મંજૂરી ન હતી. આથી મોમ એ રકમ વસૂલવા સ્પેન ફરવા ગયા અને ત્યાં એ રકમ વપરાય એ માટે એક હોટલમાં રહ્યાં. થોડા દિવસ પછી એમણે એ રકમ જેટલો ખર્ચ થઇ ગયો હશે એમ વિચારી હોટલનાં માલિક પાસે બીલ માંગ્યુ. એ વખતે હોટલનાં માલિકે એમને કહ્યું, ‘અમારી હોટલમાં આપના રહેવાથી આ હોટલને વગર જાહેરાતે ખૂબ પ્રસિધ્ધિ મળી છે, માટે આપની પાસેથી બીલની રકમ લેવાની નથી.’ એક લેખક માટે આથી મોટો પુરસ્કાર ક્યો હોઇ શકે?

ઇ.સ.૧૯૬૫માં ૯૧માં વર્ષે તેમનું અવસાન થયું એ પહેલા તેમણે કહેલ: ‘હું મૃત્યુનાં દરવાજા સામે ઊભો છું, પણ મારામાં એ દરવાજા પર ટકોરા મારવાની હિંમત નથી.’
તેમણે કહ્યું છે કે…

જિંદગી વિશે એક વિચિત્ર વાત છે, કે તમે સર્વોતમ સિવાય બીજુ કાંઇપણ સ્વીકારવા તૈયાર ન હો તો ઘણીવાર તમને સર્વોતમ વસ્તુ મળી રહે છે… જીવનની કરૂણતા માણસ નાશ પામે એ નથી, પણ માણસ પ્રેમ કરતો અટકી જાય એ છે.

આર્થિક સંબંધિત અવતરણો…

મારી પાસે બે રોટી હોય અને કોઇ ફૂલ વેંચવા આવે તો એક રોટી વેચીને પણ હું ફૂલ ખરીદવાનું પસંદ કરીશ. પેટ ખાલી રાખીને પણ જો કલા દ્રષ્ટિ ખિલવવાનો મોકો મળે તો હું એને ગુમાવીશ નહીં. – શેખ સાદી

ડોકટર અને પાયલટ જેવા વ્યવસાયમાં થતી ભૂલ અનેકનો ભોગ લઇ શકે છે. – ભાલચંદ્ર જાની (ચિત્રલેખાનાં પત્રકાર)

જિંદગીમાં બે સમય એવા છે જ્યારે માણસે સટ્ટો ખેલવો નહિ. એક, એને સટ્ટો પોસાતો ન હોય ત્યારે, અને બે, એને સટ્ટો પોસાતો હોય ત્યારે! – માર્ક ટ્વેઇન

પૈસા એનાં માલિકનાં ચારિત્ર્ય મુજબ સારી કે ખરાબ અસર પાડે છે. – એરિસ્ટોટલ

એક મશીન પચાસ સાધારણ માણસનું કામ કરશે, પણ કોઇ મશીન એક અસાધારણ માણસનું કામ નહિ કરી શકે. – આલ્બર્ટ હબાર્ડ

ડેલ કાર્નેગીએ કહ્યું છે: ‘ધંધો જો વિકસાવવાનું બંધ થાય તો તેણે મંદી ભોગવવી પડે.’ (ટૂંકમાં, કોઇપણ ધંધો સ્થિર સપાટીએ રાખી શકાય નહિં.)

જો બેંક તમારી પાસે ૧૦૦ રૂપિયા માંગતી હોય તો એ તમારા માટે પ્રશ્ન/મુશ્કેલી છે, પણ જો બેંક તમારી પાસે ૧૦ કરોડ રૂપિયા માંગતી હોય તો એ બેંક માટે પ્રશ્ન/મુશ્કેલી છે. – પાલ ગેટી

સફળતાની મોટામાં મોટી તકલીફ એ છે કે તમાર સફળ થયાં જ કરવું પડે છે. – ઇરવિંગ બેર્લિન

ધંધાની હરિફાઇ વધ્યા પછી આજકાલનાં ડોકટરો પણ માંદાઓને એમનાં અત્યાહાર વિશે વઢવાનું પસંદ કરતા નથી. – કાકા કાલેલકર

૯૦ દિવસ માટે રકમ ઉછીની લાવજો અને પછી તમારો સમય કેટલો જલ્દીથી પસાર થઇ જાય છે તે અનુભવજો. – આર.બી.થોમસ

આપણે શું કરવાનાં છીએ એનાં પરથી નહિ, આપણે અત્યારે શું કરીએ છીએ તેનાં પરથી આપણી કીંમત અંકાશે. – હેન્રી ફોર્ડ

પૈસા કઇ રીતે મેળવવા એ બહુ મહત્વ નથી, પણ પૈસા કઇ રીતે ન મેળવવા એ મહત્વનું છે. – હેન્રી મિલર

પ્રસંગો… (૧) કવિ દાન્તે … (૨) હેન્રી મૂર…

જગતનાં મહાન કવિઓમાં જેની ગણના થાય છે એ ઇટાલીનાં કવિ દાન્તે (Dante Alighieri – વિખ્યાત/અમર કૃતિ Divine Comedy – 14000 Lineનું મહાકાવ્ય)
આ કવિ માત્ર ૯ જ વર્ષનાં હતાં ત્યારે તેમણે એક હમઉમ્ર છોકરીને જોઇ: બિયાટ્રિસ પોર્ટિનારીને. અને મનોમન (OneSideLove) તેનાં પ્રેમમાં પડી ગયાં. એ વિશે દાન્તેએ કહ્યું છે કે, ‘આ બનાવની મારા ઉપર એટલી અસર પડી છે કે એ પછીનાં મારા જીવનમાં કોઇ બનાવને મેં એથી અગત્યનો ગણ્યો નથી.’

પોતે કવિ એટલે પોતાની પ્રિયતમાની કવિતાઓ લખતા ગયાં. પોતાનાં કાવ્યો દ્રારા પોતાની પ્રિયાને એમણે અમર બનાવી દીધી. પોતાને ચાહનાર કોઇ યુવાન પોતાની કૃતિમાં તેને અમર બનાવી દેશે એની બિયાટ્રિસને તો ખબર પણ ન હતી. ને આ કવિ એટલા તો શરમાતા કે પોતે ૧૮ વર્ષનાં થયા ત્યાં સુધી તો એમણે બિયાટ્રિસ સાથે વાત પણ કરી ન હતી. એ જીવીત હતી, પરિણીતા બની ત્યાં સુધી દાન્તે તેની આશામાં હતાં. નાની વયે બિયાટ્રિસનું અવસાન થયા બાદ દાન્તે પરણ્યા. અને પરણ્યા પછી ???

પત્નીનાં અતિ કર્કશ સ્વભાવને કારણે જીવનભર અસહ્ય ત્રાસ ભોગવતા રહ્યાં.

—————————————————————

હેન્રી મૂર નામનાં વિખ્યાત શિલ્પીએ તેનાં બે શિષ્યોને બે એકસરખા પથ્થર આપીને તેમાંથી પોતાની મરજી મુજબનું શિલ્પ બનાવવા કહ્યું.

બંને શિષ્યો સમાન હોશિયાર હતાં, પણ એક શિષ્યએ જે બનાવ્યુ એ બેડોળ હતું અને બીજાએ જે બનાવ્યું એ બેનમૂન હતું. આ જોઇ શરમ અનુભવતા પહેલા શિષ્યએ હેન્રી મૂરને કહ્યું, તમારૂ માર્ગદર્શન હોત, તમે પરીક્ષા કરી રહ્યાં છો એની મને ખબર હોત અને મને કહ્યું હોત કે આ પથ્થરમાંથી શ્રેષ્ઠ શિલ્પ બનાવવાનું છે, તો હું પણ બેનમૂન શિલ્પ બનાવત.’

હેન્રી મૂરે તેને સમજાવતા કહ્યું, ‘એવું મેં પહેલા શિષ્યને પણ કહ્યું ન હતું અને તેને મારૂ માર્ગદર્શન પણ ન હતું. આમ છતાં તેણે શ્રેષ્ઠ બનાવ્યું. કારણ કે તેને ખબર હતી કે તેને જે સોંપવામાં આવ્યું છે તે તેણે શ્રેષ્ઠ રીતે કરવાનું છે.’

: અમારો દ્રારકાનો પ્રવાસ :

રાજકોટથી દ્રારકા (235 કિ.મી.) ખાસ દૂર ન હોવા છતાં ક્યારેય જઇ શકાયું ન હતું, જવાની ઇચ્છા હતી. પ્રસિધ્ધ સમાજશાસ્ત્રી સોરોકીનને કોઇએ પૂછ્યું: ‘આજનો મોટામાં મોટો પ્રશ્ન ક્યોં?’ એમણે તરત જ જવાબ આપ્યો, ‘માણસો બહાર એટલા બધા ફરતા થઇ ગયા છે કે હવે ઘરે રહેવાની કળા ભૂલાઇ ગઇ છે. મારા મતે આ મોટામાં મોટો નહિં તો મોટો પ્રશ્ન તો જરૂર છે જ.’ અમારૂ થોડુ અલગ હતું. ઘર બહાર નીકળવાની ઇચ્છા હોય ત્યારે જ નીકળી શકાય. બાકી તો દરરોજની એ જ રૂટિન લાઇફ.

એક દિવસ અચાનક જ ઓફિસેથી વહેલો નીકળીને ઘરે વહેલો સાંજે સાડા ચાર વાગ્યે પહોંચી ગયો. ઘરે પહોંચતા જ કહી દીધું: ‘આજે ઓફિસમાંથી Groupમાં બધા લોકો દ્રારકા જાય છે, માટે તારે (શ્રીમતીને) જે કાંઇ વ્યવસ્થા કરવાની હોય એ કરી લેજે. રાત્રે ૯ વાગ્યે ઘરેથી નીકળી જવું છે.’ મારી આ વાત સાંભળતા જ પપ્પાએ કહ્યું, ‘બીજા મિત્રોની ઘરવાળીઓ પણ સાથે આવે છે કે…?’ અમારે પતિ-પત્નીને જ્યારે જ્યારે આ રીતે ઓફિસમાંથી ફરવા જવાનું થાય ત્યારે દરેક વખતે પપ્પાનો આ પ્રશ્ન (સવાલ નહિં) હોય છે. એમનું Logic એવું કે, ભાઇ(હું) તારૂ ભલું પુછવું, તમે બધા નર લોકો સાથે જતાં હો અને ક્યાંક આ નારીને તું સાથે નથી લઇ જતો ને? આ દુનિયામાં બધા લોકો સારા નથી હોતા. તું સાથે હો એટલે વાંધો નહિં પણ તારી સાથેનાં નર (કે નરાધમો) ચિત્ર-વિચિત્ર Comment કરતાં હોય તો એ સાથે રહેલી અબળા માટે સારૂ ન કહેવાય. હા, તો, એમનો આ સવાલ સાંભળીને મેં કહ્યું, ‘હા, બધા લોકો Family સાથે જ આવે છે.’ આ સાંભળીને એ હળવા થઇને બોલ્યા, ‘આ તો શું? ભાવના(મારી શ્રીમતી) પ્રવાસમાં એકલી પડી ન જાયને એટલે…’

મારી અચાનકની આ દરખાસ્ત સાંભળીને ભાવના અને મમ્મી થોડા ટેન્શનમાં આવી ગયા. જાણે હમણાં જ નીકળવાનું હોય તેમ બંને રસોડામાં જઇને સાથે લઇ જવા માટેનાં નાસ્તો / ભોજનની વ્યવસ્થામાં લાગી ગયાં. હું અમારા બેડરૂમમાં અખબાર વાંચવા ચાલ્યો. છાપુ વાંચવાનો સમય મને રોજ સાંજે જ મળે છે, કેમકે સવારનાં સાડા પાંચ-છ વાગ્યે તો નોકરી માટે ઘરેથી નીકળવાનું હોય છે. આ દરમિયાન મારો છ વર્ષનો નાનો પુત્ર દીપડો (દીપ પણ ઘરમાં દીપડો) ઘડીક બેડરૂમમાં તો ઘડીક જનરલ રૂમમાં બહાર જવાનું છે એ ખબર પડતાં રાજી થઇને આંટાફેરા કરતો હતો અને એનાં નવા પણ તૂટેલા/આગળનું વ્હીલ નીકળી ગયેલા Bike-Made in Chinese રમકડાથી રમતો હતો. હા, એ રમકડુ Made in China જ હતું. મોટો પુત્ર પર્લને નજીકની શાળાએથી લેવા માટે પપ્પા નીકળી ગયા હતાં.

છાપુ વાંચીને હું બહાર નીકળ્યો અને જોયું તો થોડીવારમાં તો વણેલા/પથરાયેલા થેપલાઓથી રસોડાનો આખો Floor ઢંકાઇ ગયો હતો. મને થયું, કદાચ ટ્રેનમાં આખા ડબામાં સાથે રહેલા લોકોને થેપલા ખવડાવવાની ભાવનાની ભાવના હશે! ઉપરનાં માળે બેઠાં બેઠાં મારા મોટાબા બટેટા બફાતા હોવાથી કુકરની સિટી સાંભળી શકતા હશે કે નહિ એ એને ખબર.

ત્યાં તો મોટો પણ શાળાએથી આવી ગયો. રસોડાની ચહલપહલ જોઇને એ કાંઇ પૂછે એ પહેલા તો દીપડાએ એને કહી દીધુ, ‘ભાઇ, આપણે દ્રારકા જવાનું છે.’ આ સાંભળીને એણે એની મમ્મી પાસે આ વાતનું Verification કર્યું ને ખાત્રી થતા એને પણ મજા આવી. સ્કુલબેગ મૂકી/ફેંકી એ રમવા દોડી ગયો. થોડીવારમાં જ સાંજનું જમવાનું બની ગયું હોવાથી હું ભરપેટ જમ્યો અને જવાની ઘણીવાર હોવાથી રૂમમાં જઇને પેટભર સૂઇ ગયો.

બધાએ બધા કામ પુરા કર્યા એ વખતે નીકળવાનાં સમયમાં કલાક જેવી વાર હતી. બંને બચ્ચાઓને નવડાવ્યા પછી અમે બંને નાહ્યાં (અલગ અલગ). હું અને બાળકો ફટાફટ તૈયાર થઇ ગયા એટલો સમય મેડમને કઇ સાડી પહેરવી એ નક્કિ કરવામાં થયો ને નક્કિ કરી ન શકતા આખરે મને પૂછ્યું. મેં કહ્યું, ‘તને બધી સાડી સારી જ લાગે છે, જે પહેરવી હોય તે.’ તેણીએ કહ્યું, ‘પેલી ડાર્ક બ્લ્યુ પહેરી લઉં?’ મેં કહ્યું, ‘ના.’ તેણીએ કહ્યું, ‘કેમ?’ મેં કહ્યું, ‘કેમ કે એ હું તને પહેરાવીશ.’ તે ટહુકી, ‘તને તો શરમ છે કે નહિં, આમ કહીને એણે મને રૂમમાંથી બહાર કાઢ્યો.’ હું ઉપર TV જોવા ચાલ્યો ગયો. થોડી જ વારમાં પાછો નીચે આવ્યો. જોયું તો ભાવના કેસરી રંગની સાડીમાં શોભતી હતી. હું ગૂંચવાઇ ગયો. ડાર્ક બ્લ્યુમાંથી કેસરી?

આખરે તૈયાર થઇને અમે મારા ટુ-વ્હીલરમાં રેલ્વે-સ્ટેશને જવા નીકળ્યા. રસ્તામાં મને પૂછ્યું, ‘આપણે બધા સાથે ઓફિસે ભેગા થવાનું છે કે?’ મેં કહ્યું, ‘ના, સીધા જ રેલ્વે-સ્ટેશને.’ સ્ટેશને જઇને, વ્હીકલ રાખીને ટીકિટ લીધી, પ્લેટફોર્મ પર ગયાં. ટ્રેન આવવાને ઘણીવાર હતી પણ ટીકિટ લેવા માટે ઘણું વહેલુ જવું પડે છે એ મને ખબર હતી. ઓફિસ સ્ટાફનાં કોઇપણ લોકો હજુ દેખાતા ન હતાં, કેમકે એવી કોઇ વાત જ ન હતી. તેણીએ એ વિશે પૂછતા હું હળવું હસ્યો. એ હાસ્યમાં એ બધુ જ સમજી ગઇ. મારા પર ગુસ્સે થઇ. કહ્યું, ‘આની ઘરે ખબર પડે ત્યારે જવાબ મારે આપવા પડે છે. મહેરબાની કરીને ફરી આવું ન કરશો.’ મેં એરિક ફ્રોમએ જે કીધુ છે એ જ કર્યુ: ‘માણસનું કૃત્ય ગમે તેવું વિવેકહીન કે અનૈતિક હોય તોયે તેને વાજબી ઠેરવવાની એક અદમ્ય ઇચ્છા માણસની અંદર રહેલી છે.’ મેં કહ્યું, ‘કહેતી હો તો પરત આવીને સાચી વાત ઘરે કહી દઉં, કહેતી હો તો અત્યારે મોબાઇલ લગાડીને ઘરે સાચી વાત કરી દઉં. જેને જે કહેવું હોય એ કહે. હું કોઇનું કાંઇ સાંભળવાનો નથી. હું આવું જ કરતો રહીશ.’ Entertainment કે લિયે કુછ ભી કરેગા.’ બાકી તો એવું છે ને કે સુસાન ઇર્ટઝએ (બ્રિટીશ નવલકથાકાર)કહ્યું છે તેમ: ‘ચોમાસાનાં રવિવારની બપોર કેમ ગાળવી એની જેને સૂઝ નથી એવા લાખો લોકો અમરત્વની આશા સેવે છે.’

મને કહેવામાં આવ્યું, ‘હવે, હાલો ૨ નંબરનાં પ્લેટફોર્મ પર. ટ્રેન ત્યાં આવવાની છે. મેં કહ્યું, ‘હાલો, હાલો, જલ્દી હાલો. દોઢ જ કલાકની વાર છે.’ પર્લ બોલી ઉઠ્યો, ‘એટલી બધી વાર?’

૨ નંબરનાં પ્લેટફોર્મ પર જઇને અમે એક મોટાબધા બાંકડા પર શાંતિથી બેઠાં. પર્લ-દીપડો પોતાની મસ્તીમાં નજીકમાં રમતાં હતાં. અમે બંને વ્યર્થ વાતો કરતાં હતાં, પણ મજા આવતી હતી, કારણ કે આ રીતે નિરાતે એકલા સાથે બેસવાનું બહું જ ઓછુ બનતું હોય છે. પ્લેટફોર્મ પર નજર કરતાં એવું લાગતું હતું કે આજે જરાપણ ભીડ નહિ હોય અને કદાચ સૂતા સૂતા પણ જઇ શકાશે. ધીરે ધીરે મુસાફરો આવતા જતાં હતાં. થોડીવાર પછી મેં પાન/ફાકી કાઢી ને મોંમાં નાખી. તેણીને પૂછ્યું, ‘તારે ખાવી છે?’ સોપારીનાં બે-ત્રણ કટકા લઇને ખાતા ખાતા તેણીએ કહ્યું, ‘હવે આવા વ્યસન બંધ કરો તો સારી વાત છે.’ મેં કહ્યું, ‘OK મેડમ, આ ફાકી હું મારા ખીસ્સામાં મૂકુ છું. બસ?’ – આ સ્ત્રીઓ પણ! અમેરિકન એક્ટ્રેસ-ગાયિકા બાર્બરા સ્ટ્રીસેંડે કહ્યું જ છે ને કે, ‘ સ્ત્રી લગ્ન કરીને દસ વર્ષ સુધી પોતાનાં પતિને સુધારવાની કોશિષ કરે છે અને આખરે એવી ફરિયાદ કરે છે કે આ તે પુરૂષ નથી જેની સાથે તેણે લગ્ન કર્યા હતાં.’

થોડીવાર પછી તેણીને બાકડા સાથે બાંધીને હું બાળકોને પ્લેટફોર્મ પર ફેરવવા લઇ ગયો. બાંધીને એટલા માટે કે જ્યાં સુધી સામાન પાસે હશે ત્યાં સુધી એ જરાપણ આઘાપાછી નહિ થાય એની મને ખાત્રી હતી. સારો એવો સમય પસાર થયા પછી હવે ટ્રેન આવવાને થોડી જ વાર હતી. પ્લેટફોર્મ પર જોયું તો અપાર ભીડ. થયું કે બેસવાની જગ્યા મળી જાય તો સારૂ. ટ્રેન આવતી હતી ને લોકો હજુ એ થોભે તે પહેલા જ ચડવા લાગ્યા. અમે બધા નીરાતે ઊભા હતાં. જગ્યા મળવી હોય તો મળે, નહિતર કાંઇ નહિ. ત્યાં તો એક ડબાની બારીએથી એક બાપાએ અમને બોલાવ્યા. અમે એ ડબામાં ચડી ગયા. મેં જોયું, એ બાપા મારી પાછળ ટીકિટ લેવામાં હતાં. માજી-બાપા, એમની બે વહુઓ, બાપાની બે દિકરીઓ, બે પૌત્રો, આમ એમનો આખો પરીવાર દ્રારકા જતો હતો. એ ભલા લોકોએ અમારા માટે જગ્યા રાખી હતી, કરી દીધી હતી.

ટ્રેન ઉપડી. પર્લ-દીપડો એમની ઉંમરનાં બાળકો સાથે થોડીવારમાં જ હળીમળીને રમવા લાગ્યાં. માત્ર બાપા જ નહિ, પણ એમનો આખો પરીવાર મોજીલો હતો. બાપા મારી સાથે વાતોએ વળગ્યા ને ભાવના હમઉમ્ર સ્ત્રીઓ સાથે. દોઢેક કલાક પછી બાપા બેઠાં બેઠાં ઊંઘવા લાગ્યા. હું મારા મોબાઇલમાંથી Song સાંભળતો હતો. બાળકો પણ થોડીવારમાં જ…, પણ સ્ત્રીઓની વાતો જે રીતે ખૂટતી ન હતી એ પરથી લાગતું હતું કે દ્રારકા આવી જશે પણ આ લોકોની વાતો અધૂરી રહી જશે, પણ એવું ન થયું ને એક પછી એકની વિકેટો પડવા લાગી. હું નીરાશ થયો, કેમ કે મારા કાનમાં Song સાંભળવા બટન ભરાવેલા હતાં પણ વાતો એમની સાંભળતો હતો, મજા આવતી હતી. આખરે બધાની આંખો ઘેરાવા લાગી.

અડધી રાતે ટ્રેન રિલાયન્સ રિફાઇનરી પાસેથી પસાર થઇ. ભાવનાને સહેજ ઠોસો મારીને જગાડીને બહારનું દ્રશ્ય બતાવ્યું. જોવા ખાતર જોઇ લીધું. રિફાઇનરીની વિશાળતા જોઇને મને હર્ષ થયો. ટાટા કેમીકલ જોઇને પણ આનંદ થયો.

અમારી સાથેનાં બાપાનો પરીવાર દ્રારકા ઉતરી ગયો. અમે ઓખા ઉતર્યા. ત્યાંથી મફતનાં ભાવે બોટમાં બેટ દ્રારકા ગયાં અને થોડુ ચાલીને ત્યાંનાં શ્રીકૃષ્ણ મહેલે ગયાં. મંદિરનાં દરવાજા હજુ બંધ હતાં. પૂજારીઓએ ભગવાનને પૂરી રાખ્યા હતાં. સાચે જ જ્યોર્જ ઓરવેલ સાચો જ છે: ‘સાધુ યા સંતો જ્યાં સુધી નિર્દોષ સિધ્ધ ન થાય, ત્યાં સુધી તેઓને પાખંડી જ માની લેવા જોઇએ.’ બહાર ચોગાનમાં કૂતરાઓ હડીયાપટી કરતા હતાં. મંદિરની બહારની જગ્યા આ કૂતરાઓએ ગંદી કરી નાખી હતી, પણ એ જ તો એમનું ઘર હતું, ઇચ્છા હોય એ કરે. દર્શન ખુલવાને વધારે વાર હોવાથી અમે ચા-પાણી પીવા ને આંટો મારવા નીકળ્યાં. ક્યાંય સારી બેસવા જેવી હોટલ ન હતી. ચા-નાસ્તો કરીને બેટ દ્રારકાની શેરીઓ જોવા નીકળ્યા. બધે જ બધુ જ અસ્વચ્છ હતું. ફરીને મંદિરે પહોંચ્યા. લાગતું હતું કે હવે ભગવાન થોડી જ વારમાં કેદમાંથી મુક્ત થઇ જશે. આખરે દર્શન ખુલ્યા. દર્શન કર્યા. ભાવના ધન્યતા અનુભવતી દર્શન કરતી રહી. મારા વિશે તો શું કહું?…

ફરી પાછા બોટ દ્રારા ઓખા આવ્યાં. પર્લ-દીપડાને બોટ મુસાફરીમાં મજા આવી. ઓખાથી દ્રારકા જવા નીકળ્યા. દ્રારકામાં શ્રીકૃષ્ણ મંદિર જોયું. સારૂ છે. ખાસ ભીડ ના હોય તો મંદિરમાં બેસવાનો આનંદ આવે એવું છે, પણ મંદિર પ્રસિધ્ધ અને મહત્વનું હોવાથી ભીડ તો રહેવાની જ. સ્વામી નારાયણ મંદિર પણ સારૂ છે, ચોખ્ખુ છે એ લખવાની જરૂર લાગતી નથી. દ્રારકાથી થોડુ દૂર આવેલ નાગેશ્વર મહાદેવનું મંદિર ખુબ જ સુંદર છે ત્યાં અમોએ આરામ કર્યો. ગુગલ અર્થ પર નાગેશ્વર મહાદેવની વિશાળ મૂર્તિનાં પડછાયાનાં દર્શન કરી શકાય છે.

ફરી પાછા દ્રારકા આવીને ફ્રેશ થવા હોટલમાં રોકાયા અને પછી ચોપાટીએ ગયાં જ્યાં દરિયા મોજામાં મે, ભાવનાએ અને પર્લએ મજા લીધી. દરિયા મોજા પાસે જવામાં દીપડો બિલ્લી બની ગયો હતો એથી એને લઇને અમે વારાફરતી કિનારાએ બેઠાં. આપણને ભલે ઉત્સાહ હોય પણ બળજબરીથી બાળક પાસે શાં માટે કાંઇ કરાવવું જોઇએ? જી.કે.ચેસ્ટરસને જે કહ્યું છે એ મારા મતે સાચુ જ છે: ‘બાળકો નિર્દોષ હોય છે અને ન્યાયને ચાહે છે, જ્યારે મોટાભાગનાં વડીલો દૃષ્ટ હોય છે અને દયા ચાહતા હોય છે.’

છેવટે અમે રાજકોટ આવવા નીકળ્યા. ટ્રેનનાં સમયને ઘણી વાર હતી પણ સમય ક્યાં કાઢવો એ પ્રશ્ન હતો એથી રેલ્વે-સ્ટેશને પહોંચી ગયાં. રેલ્વે-સ્ટેશનનાં ચોગાનમાં એક મોટો ઓટલો છે ત્યાં બાળકો અને હું આડે પડખે થયાં. અર્ધાંગિની પાસે બેઠી. સ્ત્રીઓએ જાહેરમાં અમુક મર્યાદાઓ સ્વીકારીને રહેવું એવા કોઇ નિયમો પાળવા ફરજિયાત ન હોવા છતાં એ સૂઇ ન શકી. થોડીવાર થઇ હશે ત્યાં એક હોટલવાળો પુછવા આવ્યો. ત્યાં આવીને આપી જશે એમ કહેતાં જમવાનું મંગાવ્યું અને ત્યાં જ જમ્યા. હવે ટ્રેન આવવાનો સમય થયો હોવાથી અમે પ્લેટફોર્મ પર ગયા. ત્યાં વળી વાતો કરવા માટે શ્રીમતીજીએ એક જોડીદાર ગોતી લીધી.

હવે ટ્રેન આવવાની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યાં જ દીપડાએ રોન કાઢી ને એની મમ્મી ટેન્શનમાં આવી ગઇ. મેં કહ્યું: ‘શું છે? શાંતિથી પતાવો. ટ્રેન આવી જશે ને ચાલી જશે તો કાલે સવારે બીજી પણ આવશે.’ લોકો નાની વાતમાં ટેન્શનમાં શાં માટે આવી જતાં હશે? મને તો એ નથી સમજાતું. સુભાષચંદ્ર બોઝ કહેતા: ‘જીવનમાં કાંઇપણ એટલું નુકશાનકારક કે ખતરનાક નથી જેટલું હાલકડોલક/અનિર્ણીત સ્થિતિમાં રહેવું.’ મારૂ પણ માનવું છે કે માણસનાં મનમાં રહેલ કોઇપણ પ્રકારનાં ભય તેનાં વર્તનને નિયંત્રીત કરતાં હોય છે.

દીપડાને વ્યસ્થિત સ્વચ્છ કર્યા પછી થોડીવારે ટ્રેન આવી. ભીડ ન હોવાથી સૂતા સૂતા રાજકોટ પહોંચી ગયાં. હવે પછીની ઓફિસ પિકનીક ક્યાં થવાની છે? એની તો મનેય ખબર નથી. થશે ત્યારની વાત ત્યારે.

આપણાં અવતરણો…

ડોકે વળગી પડતા શિશુ સંતાનનાં સ્પર્શથી જેવું સુખ થાય છે તેવું સુખ વસ્ત્ર, સ્ત્રી કે જળનાં સ્પર્શથી પણ થતું નથી. – મહાભારત

એવો કોઇપણ નિયમ નથી હોતો જે બધા જ લોકો માટે લાભકારક હોય. – મહાભારત

માણસ અર્થનો દાસ છે, અર્થ કોઇનો દાસ નથી. – મહાભારત

સંપતિ એક એવા પ્રકારનો અગ્નિ છે, જે વ્યય થાય તો પણ બાળે છે અને સંઘરી રાખો તો પણ બાળે છે. માટે સંતોષ એ જ સાચી સંપતિ છે. – વિષ્ણુપુરાણ

જંગલમાં રહેવું સારૂ, પણ સગાઓની વચ્ચે ધનહીન દશામાં રહેવું જરાપણ સારૂ નથી. – હિતોપદેશ

ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે. – વેદવ્યાસ

‘જે રીતે ઊગતો સૂર્ય રાત્રીનાં અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમમાત્રને હટાવી દે છે.’ – ભગવાન શ્રીકૃષ્ણ

યુધ્ધમાં જીતવું એ તમારા એકલાનાં હાથની વાત નથી, પણ મનને જીતવું એ તમારા જ હાથમાં જ છે. – સ્વામી રામતીર્થ

હે પત્ની! ઇશ્વરે તને મને સોપી છે. તારા ભરણપોષણની જવાબદારી મારા ઉપર છે. આપણે બંને સંતાન મેળવીને સો વર્ષનું આયુષ્ય મેળવીએ. – અર્થવેદમાંથી

જે વિકાસ કે વૃધ્ધિ આપણાં માટે ભવિષ્યમાં ઘાતક બને તેવી શક્યતા હોય તેને મહત્વ આપવું ન જોઇએ. સાથે સાથે એવું પતન કે જેનાંથી નવનિર્માણ થવાની શક્યતા હોય તો તેનું સ્વાગત કરવું જોઇએ. – વિદૂર