: અમારો દ્રારકાનો પ્રવાસ :

રાજકોટથી દ્રારકા (235 કિ.મી.) ખાસ દૂર ન હોવા છતાં ક્યારેય જઇ શકાયું ન હતું, જવાની ઇચ્છા હતી. પ્રસિધ્ધ સમાજશાસ્ત્રી સોરોકીનને કોઇએ પૂછ્યું: ‘આજનો મોટામાં મોટો પ્રશ્ન ક્યોં?’ એમણે તરત જ જવાબ આપ્યો, ‘માણસો બહાર એટલા બધા ફરતા થઇ ગયા છે કે હવે ઘરે રહેવાની કળા ભૂલાઇ ગઇ છે. મારા મતે આ મોટામાં મોટો નહિં તો મોટો પ્રશ્ન તો જરૂર છે જ.’ અમારૂ થોડુ અલગ હતું. ઘર બહાર નીકળવાની ઇચ્છા હોય ત્યારે જ નીકળી શકાય. બાકી તો દરરોજની એ જ રૂટિન લાઇફ.

એક દિવસ અચાનક જ ઓફિસેથી વહેલો નીકળીને ઘરે વહેલો સાંજે સાડા ચાર વાગ્યે પહોંચી ગયો. ઘરે પહોંચતા જ કહી દીધું: ‘આજે ઓફિસમાંથી Groupમાં બધા લોકો દ્રારકા જાય છે, માટે તારે (શ્રીમતીને) જે કાંઇ વ્યવસ્થા કરવાની હોય એ કરી લેજે. રાત્રે ૯ વાગ્યે ઘરેથી નીકળી જવું છે.’ મારી આ વાત સાંભળતા જ પપ્પાએ કહ્યું, ‘બીજા મિત્રોની ઘરવાળીઓ પણ સાથે આવે છે કે…?’ અમારે પતિ-પત્નીને જ્યારે જ્યારે આ રીતે ઓફિસમાંથી ફરવા જવાનું થાય ત્યારે દરેક વખતે પપ્પાનો આ પ્રશ્ન (સવાલ નહિં) હોય છે. એમનું Logic એવું કે, ભાઇ(હું) તારૂ ભલું પુછવું, તમે બધા નર લોકો સાથે જતાં હો અને ક્યાંક આ નારીને તું સાથે નથી લઇ જતો ને? આ દુનિયામાં બધા લોકો સારા નથી હોતા. તું સાથે હો એટલે વાંધો નહિં પણ તારી સાથેનાં નર (કે નરાધમો) ચિત્ર-વિચિત્ર Comment કરતાં હોય તો એ સાથે રહેલી અબળા માટે સારૂ ન કહેવાય. હા, તો, એમનો આ સવાલ સાંભળીને મેં કહ્યું, ‘હા, બધા લોકો Family સાથે જ આવે છે.’ આ સાંભળીને એ હળવા થઇને બોલ્યા, ‘આ તો શું? ભાવના(મારી શ્રીમતી) પ્રવાસમાં એકલી પડી ન જાયને એટલે…’

મારી અચાનકની આ દરખાસ્ત સાંભળીને ભાવના અને મમ્મી થોડા ટેન્શનમાં આવી ગયા. જાણે હમણાં જ નીકળવાનું હોય તેમ બંને રસોડામાં જઇને સાથે લઇ જવા માટેનાં નાસ્તો / ભોજનની વ્યવસ્થામાં લાગી ગયાં. હું અમારા બેડરૂમમાં અખબાર વાંચવા ચાલ્યો. છાપુ વાંચવાનો સમય મને રોજ સાંજે જ મળે છે, કેમકે સવારનાં સાડા પાંચ-છ વાગ્યે તો નોકરી માટે ઘરેથી નીકળવાનું હોય છે. આ દરમિયાન મારો છ વર્ષનો નાનો પુત્ર દીપડો (દીપ પણ ઘરમાં દીપડો) ઘડીક બેડરૂમમાં તો ઘડીક જનરલ રૂમમાં બહાર જવાનું છે એ ખબર પડતાં રાજી થઇને આંટાફેરા કરતો હતો અને એનાં નવા પણ તૂટેલા/આગળનું વ્હીલ નીકળી ગયેલા Bike-Made in Chinese રમકડાથી રમતો હતો. હા, એ રમકડુ Made in China જ હતું. મોટો પુત્ર પર્લને નજીકની શાળાએથી લેવા માટે પપ્પા નીકળી ગયા હતાં.

છાપુ વાંચીને હું બહાર નીકળ્યો અને જોયું તો થોડીવારમાં તો વણેલા/પથરાયેલા થેપલાઓથી રસોડાનો આખો Floor ઢંકાઇ ગયો હતો. મને થયું, કદાચ ટ્રેનમાં આખા ડબામાં સાથે રહેલા લોકોને થેપલા ખવડાવવાની ભાવનાની ભાવના હશે! ઉપરનાં માળે બેઠાં બેઠાં મારા મોટાબા બટેટા બફાતા હોવાથી કુકરની સિટી સાંભળી શકતા હશે કે નહિ એ એને ખબર.

ત્યાં તો મોટો પણ શાળાએથી આવી ગયો. રસોડાની ચહલપહલ જોઇને એ કાંઇ પૂછે એ પહેલા તો દીપડાએ એને કહી દીધુ, ‘ભાઇ, આપણે દ્રારકા જવાનું છે.’ આ સાંભળીને એણે એની મમ્મી પાસે આ વાતનું Verification કર્યું ને ખાત્રી થતા એને પણ મજા આવી. સ્કુલબેગ મૂકી/ફેંકી એ રમવા દોડી ગયો. થોડીવારમાં જ સાંજનું જમવાનું બની ગયું હોવાથી હું ભરપેટ જમ્યો અને જવાની ઘણીવાર હોવાથી રૂમમાં જઇને પેટભર સૂઇ ગયો.

બધાએ બધા કામ પુરા કર્યા એ વખતે નીકળવાનાં સમયમાં કલાક જેવી વાર હતી. બંને બચ્ચાઓને નવડાવ્યા પછી અમે બંને નાહ્યાં (અલગ અલગ). હું અને બાળકો ફટાફટ તૈયાર થઇ ગયા એટલો સમય મેડમને કઇ સાડી પહેરવી એ નક્કિ કરવામાં થયો ને નક્કિ કરી ન શકતા આખરે મને પૂછ્યું. મેં કહ્યું, ‘તને બધી સાડી સારી જ લાગે છે, જે પહેરવી હોય તે.’ તેણીએ કહ્યું, ‘પેલી ડાર્ક બ્લ્યુ પહેરી લઉં?’ મેં કહ્યું, ‘ના.’ તેણીએ કહ્યું, ‘કેમ?’ મેં કહ્યું, ‘કેમ કે એ હું તને પહેરાવીશ.’ તે ટહુકી, ‘તને તો શરમ છે કે નહિં, આમ કહીને એણે મને રૂમમાંથી બહાર કાઢ્યો.’ હું ઉપર TV જોવા ચાલ્યો ગયો. થોડી જ વારમાં પાછો નીચે આવ્યો. જોયું તો ભાવના કેસરી રંગની સાડીમાં શોભતી હતી. હું ગૂંચવાઇ ગયો. ડાર્ક બ્લ્યુમાંથી કેસરી?

આખરે તૈયાર થઇને અમે મારા ટુ-વ્હીલરમાં રેલ્વે-સ્ટેશને જવા નીકળ્યા. રસ્તામાં મને પૂછ્યું, ‘આપણે બધા સાથે ઓફિસે ભેગા થવાનું છે કે?’ મેં કહ્યું, ‘ના, સીધા જ રેલ્વે-સ્ટેશને.’ સ્ટેશને જઇને, વ્હીકલ રાખીને ટીકિટ લીધી, પ્લેટફોર્મ પર ગયાં. ટ્રેન આવવાને ઘણીવાર હતી પણ ટીકિટ લેવા માટે ઘણું વહેલુ જવું પડે છે એ મને ખબર હતી. ઓફિસ સ્ટાફનાં કોઇપણ લોકો હજુ દેખાતા ન હતાં, કેમકે એવી કોઇ વાત જ ન હતી. તેણીએ એ વિશે પૂછતા હું હળવું હસ્યો. એ હાસ્યમાં એ બધુ જ સમજી ગઇ. મારા પર ગુસ્સે થઇ. કહ્યું, ‘આની ઘરે ખબર પડે ત્યારે જવાબ મારે આપવા પડે છે. મહેરબાની કરીને ફરી આવું ન કરશો.’ મેં એરિક ફ્રોમએ જે કીધુ છે એ જ કર્યુ: ‘માણસનું કૃત્ય ગમે તેવું વિવેકહીન કે અનૈતિક હોય તોયે તેને વાજબી ઠેરવવાની એક અદમ્ય ઇચ્છા માણસની અંદર રહેલી છે.’ મેં કહ્યું, ‘કહેતી હો તો પરત આવીને સાચી વાત ઘરે કહી દઉં, કહેતી હો તો અત્યારે મોબાઇલ લગાડીને ઘરે સાચી વાત કરી દઉં. જેને જે કહેવું હોય એ કહે. હું કોઇનું કાંઇ સાંભળવાનો નથી. હું આવું જ કરતો રહીશ.’ Entertainment કે લિયે કુછ ભી કરેગા.’ બાકી તો એવું છે ને કે સુસાન ઇર્ટઝએ (બ્રિટીશ નવલકથાકાર)કહ્યું છે તેમ: ‘ચોમાસાનાં રવિવારની બપોર કેમ ગાળવી એની જેને સૂઝ નથી એવા લાખો લોકો અમરત્વની આશા સેવે છે.’

મને કહેવામાં આવ્યું, ‘હવે, હાલો ૨ નંબરનાં પ્લેટફોર્મ પર. ટ્રેન ત્યાં આવવાની છે. મેં કહ્યું, ‘હાલો, હાલો, જલ્દી હાલો. દોઢ જ કલાકની વાર છે.’ પર્લ બોલી ઉઠ્યો, ‘એટલી બધી વાર?’

૨ નંબરનાં પ્લેટફોર્મ પર જઇને અમે એક મોટાબધા બાંકડા પર શાંતિથી બેઠાં. પર્લ-દીપડો પોતાની મસ્તીમાં નજીકમાં રમતાં હતાં. અમે બંને વ્યર્થ વાતો કરતાં હતાં, પણ મજા આવતી હતી, કારણ કે આ રીતે નિરાતે એકલા સાથે બેસવાનું બહું જ ઓછુ બનતું હોય છે. પ્લેટફોર્મ પર નજર કરતાં એવું લાગતું હતું કે આજે જરાપણ ભીડ નહિ હોય અને કદાચ સૂતા સૂતા પણ જઇ શકાશે. ધીરે ધીરે મુસાફરો આવતા જતાં હતાં. થોડીવાર પછી મેં પાન/ફાકી કાઢી ને મોંમાં નાખી. તેણીને પૂછ્યું, ‘તારે ખાવી છે?’ સોપારીનાં બે-ત્રણ કટકા લઇને ખાતા ખાતા તેણીએ કહ્યું, ‘હવે આવા વ્યસન બંધ કરો તો સારી વાત છે.’ મેં કહ્યું, ‘OK મેડમ, આ ફાકી હું મારા ખીસ્સામાં મૂકુ છું. બસ?’ – આ સ્ત્રીઓ પણ! અમેરિકન એક્ટ્રેસ-ગાયિકા બાર્બરા સ્ટ્રીસેંડે કહ્યું જ છે ને કે, ‘ સ્ત્રી લગ્ન કરીને દસ વર્ષ સુધી પોતાનાં પતિને સુધારવાની કોશિષ કરે છે અને આખરે એવી ફરિયાદ કરે છે કે આ તે પુરૂષ નથી જેની સાથે તેણે લગ્ન કર્યા હતાં.’

થોડીવાર પછી તેણીને બાકડા સાથે બાંધીને હું બાળકોને પ્લેટફોર્મ પર ફેરવવા લઇ ગયો. બાંધીને એટલા માટે કે જ્યાં સુધી સામાન પાસે હશે ત્યાં સુધી એ જરાપણ આઘાપાછી નહિ થાય એની મને ખાત્રી હતી. સારો એવો સમય પસાર થયા પછી હવે ટ્રેન આવવાને થોડી જ વાર હતી. પ્લેટફોર્મ પર જોયું તો અપાર ભીડ. થયું કે બેસવાની જગ્યા મળી જાય તો સારૂ. ટ્રેન આવતી હતી ને લોકો હજુ એ થોભે તે પહેલા જ ચડવા લાગ્યા. અમે બધા નીરાતે ઊભા હતાં. જગ્યા મળવી હોય તો મળે, નહિતર કાંઇ નહિ. ત્યાં તો એક ડબાની બારીએથી એક બાપાએ અમને બોલાવ્યા. અમે એ ડબામાં ચડી ગયા. મેં જોયું, એ બાપા મારી પાછળ ટીકિટ લેવામાં હતાં. માજી-બાપા, એમની બે વહુઓ, બાપાની બે દિકરીઓ, બે પૌત્રો, આમ એમનો આખો પરીવાર દ્રારકા જતો હતો. એ ભલા લોકોએ અમારા માટે જગ્યા રાખી હતી, કરી દીધી હતી.

ટ્રેન ઉપડી. પર્લ-દીપડો એમની ઉંમરનાં બાળકો સાથે થોડીવારમાં જ હળીમળીને રમવા લાગ્યાં. માત્ર બાપા જ નહિ, પણ એમનો આખો પરીવાર મોજીલો હતો. બાપા મારી સાથે વાતોએ વળગ્યા ને ભાવના હમઉમ્ર સ્ત્રીઓ સાથે. દોઢેક કલાક પછી બાપા બેઠાં બેઠાં ઊંઘવા લાગ્યા. હું મારા મોબાઇલમાંથી Song સાંભળતો હતો. બાળકો પણ થોડીવારમાં જ…, પણ સ્ત્રીઓની વાતો જે રીતે ખૂટતી ન હતી એ પરથી લાગતું હતું કે દ્રારકા આવી જશે પણ આ લોકોની વાતો અધૂરી રહી જશે, પણ એવું ન થયું ને એક પછી એકની વિકેટો પડવા લાગી. હું નીરાશ થયો, કેમ કે મારા કાનમાં Song સાંભળવા બટન ભરાવેલા હતાં પણ વાતો એમની સાંભળતો હતો, મજા આવતી હતી. આખરે બધાની આંખો ઘેરાવા લાગી.

અડધી રાતે ટ્રેન રિલાયન્સ રિફાઇનરી પાસેથી પસાર થઇ. ભાવનાને સહેજ ઠોસો મારીને જગાડીને બહારનું દ્રશ્ય બતાવ્યું. જોવા ખાતર જોઇ લીધું. રિફાઇનરીની વિશાળતા જોઇને મને હર્ષ થયો. ટાટા કેમીકલ જોઇને પણ આનંદ થયો.

અમારી સાથેનાં બાપાનો પરીવાર દ્રારકા ઉતરી ગયો. અમે ઓખા ઉતર્યા. ત્યાંથી મફતનાં ભાવે બોટમાં બેટ દ્રારકા ગયાં અને થોડુ ચાલીને ત્યાંનાં શ્રીકૃષ્ણ મહેલે ગયાં. મંદિરનાં દરવાજા હજુ બંધ હતાં. પૂજારીઓએ ભગવાનને પૂરી રાખ્યા હતાં. સાચે જ જ્યોર્જ ઓરવેલ સાચો જ છે: ‘સાધુ યા સંતો જ્યાં સુધી નિર્દોષ સિધ્ધ ન થાય, ત્યાં સુધી તેઓને પાખંડી જ માની લેવા જોઇએ.’ બહાર ચોગાનમાં કૂતરાઓ હડીયાપટી કરતા હતાં. મંદિરની બહારની જગ્યા આ કૂતરાઓએ ગંદી કરી નાખી હતી, પણ એ જ તો એમનું ઘર હતું, ઇચ્છા હોય એ કરે. દર્શન ખુલવાને વધારે વાર હોવાથી અમે ચા-પાણી પીવા ને આંટો મારવા નીકળ્યાં. ક્યાંય સારી બેસવા જેવી હોટલ ન હતી. ચા-નાસ્તો કરીને બેટ દ્રારકાની શેરીઓ જોવા નીકળ્યા. બધે જ બધુ જ અસ્વચ્છ હતું. ફરીને મંદિરે પહોંચ્યા. લાગતું હતું કે હવે ભગવાન થોડી જ વારમાં કેદમાંથી મુક્ત થઇ જશે. આખરે દર્શન ખુલ્યા. દર્શન કર્યા. ભાવના ધન્યતા અનુભવતી દર્શન કરતી રહી. મારા વિશે તો શું કહું?…

ફરી પાછા બોટ દ્રારા ઓખા આવ્યાં. પર્લ-દીપડાને બોટ મુસાફરીમાં મજા આવી. ઓખાથી દ્રારકા જવા નીકળ્યા. દ્રારકામાં શ્રીકૃષ્ણ મંદિર જોયું. સારૂ છે. ખાસ ભીડ ના હોય તો મંદિરમાં બેસવાનો આનંદ આવે એવું છે, પણ મંદિર પ્રસિધ્ધ અને મહત્વનું હોવાથી ભીડ તો રહેવાની જ. સ્વામી નારાયણ મંદિર પણ સારૂ છે, ચોખ્ખુ છે એ લખવાની જરૂર લાગતી નથી. દ્રારકાથી થોડુ દૂર આવેલ નાગેશ્વર મહાદેવનું મંદિર ખુબ જ સુંદર છે ત્યાં અમોએ આરામ કર્યો. ગુગલ અર્થ પર નાગેશ્વર મહાદેવની વિશાળ મૂર્તિનાં પડછાયાનાં દર્શન કરી શકાય છે.

ફરી પાછા દ્રારકા આવીને ફ્રેશ થવા હોટલમાં રોકાયા અને પછી ચોપાટીએ ગયાં જ્યાં દરિયા મોજામાં મે, ભાવનાએ અને પર્લએ મજા લીધી. દરિયા મોજા પાસે જવામાં દીપડો બિલ્લી બની ગયો હતો એથી એને લઇને અમે વારાફરતી કિનારાએ બેઠાં. આપણને ભલે ઉત્સાહ હોય પણ બળજબરીથી બાળક પાસે શાં માટે કાંઇ કરાવવું જોઇએ? જી.કે.ચેસ્ટરસને જે કહ્યું છે એ મારા મતે સાચુ જ છે: ‘બાળકો નિર્દોષ હોય છે અને ન્યાયને ચાહે છે, જ્યારે મોટાભાગનાં વડીલો દૃષ્ટ હોય છે અને દયા ચાહતા હોય છે.’

છેવટે અમે રાજકોટ આવવા નીકળ્યા. ટ્રેનનાં સમયને ઘણી વાર હતી પણ સમય ક્યાં કાઢવો એ પ્રશ્ન હતો એથી રેલ્વે-સ્ટેશને પહોંચી ગયાં. રેલ્વે-સ્ટેશનનાં ચોગાનમાં એક મોટો ઓટલો છે ત્યાં બાળકો અને હું આડે પડખે થયાં. અર્ધાંગિની પાસે બેઠી. સ્ત્રીઓએ જાહેરમાં અમુક મર્યાદાઓ સ્વીકારીને રહેવું એવા કોઇ નિયમો પાળવા ફરજિયાત ન હોવા છતાં એ સૂઇ ન શકી. થોડીવાર થઇ હશે ત્યાં એક હોટલવાળો પુછવા આવ્યો. ત્યાં આવીને આપી જશે એમ કહેતાં જમવાનું મંગાવ્યું અને ત્યાં જ જમ્યા. હવે ટ્રેન આવવાનો સમય થયો હોવાથી અમે પ્લેટફોર્મ પર ગયા. ત્યાં વળી વાતો કરવા માટે શ્રીમતીજીએ એક જોડીદાર ગોતી લીધી.

હવે ટ્રેન આવવાની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યાં જ દીપડાએ રોન કાઢી ને એની મમ્મી ટેન્શનમાં આવી ગઇ. મેં કહ્યું: ‘શું છે? શાંતિથી પતાવો. ટ્રેન આવી જશે ને ચાલી જશે તો કાલે સવારે બીજી પણ આવશે.’ લોકો નાની વાતમાં ટેન્શનમાં શાં માટે આવી જતાં હશે? મને તો એ નથી સમજાતું. સુભાષચંદ્ર બોઝ કહેતા: ‘જીવનમાં કાંઇપણ એટલું નુકશાનકારક કે ખતરનાક નથી જેટલું હાલકડોલક/અનિર્ણીત સ્થિતિમાં રહેવું.’ મારૂ પણ માનવું છે કે માણસનાં મનમાં રહેલ કોઇપણ પ્રકારનાં ભય તેનાં વર્તનને નિયંત્રીત કરતાં હોય છે.

દીપડાને વ્યસ્થિત સ્વચ્છ કર્યા પછી થોડીવારે ટ્રેન આવી. ભીડ ન હોવાથી સૂતા સૂતા રાજકોટ પહોંચી ગયાં. હવે પછીની ઓફિસ પિકનીક ક્યાં થવાની છે? એની તો મનેય ખબર નથી. થશે ત્યારની વાત ત્યારે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s