પ્રસંગ : (૧)એચ.જી.વેલ્સ (૨) આઇન્સ્ટાઇન

ઇંગ્લેંડનો વિશ્વવિખ્યાત સાહિત્યકાર એચ.જી.વેલ્સ તેનાં એક મિત્રને લંડનમાં બનાવેલું પોતાનું વિશાળ મકાન બતાવી રહ્યો હતો. મિત્રને મકાન બતાવતા વેલ્સ અને તેનો મિત્ર ત્રીજા માળ પર આવ્યા, ત્યાં વેલ્સે તેનાં મિત્રને પોતાનો શયનકક્ષ બતાવ્યો. ખૂબ જ નાનો શયનકક્ષ જોઇને તેના મિત્રએ વેલ્સને કહ્યું, ‘તમે નીચેનાં માળ પર રહેલા મોટા શયનકક્ષનો ઉપયોગ શાં માટે નથી કરતાં? જ્યારે કે આ તો ખૂબ જ નાનો છે.’

વેલ્સે તેનાં મિત્રને કહ્યું, ‘એ ઓરડાઓ મારા નોકર અને રસોઇયા માટે છે, જેઓ છેલ્લા ૨૦ વર્ષથી મારી સાથે રહે છે.’

‘અન્ય બધે તો નોકરો માટે નાના ઓરડાઓ રાખવામાં આવે છે.’, મિત્રએ કહ્યું.

વેલ્સે મિત્રને કહ્યું, ‘મારે ત્યાં એવું નથી. મારી મા પણ એક સમયે લંડનમાં નોકરાણી હતી.’

પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનાં ઘરે એમનાં પાડોશમાં રહેતી એક નાનકડી છોકરી દરરોજ રમવા માટે આવતી. આઇન્સ્ટાઇનની પ્રતિભાથી પરીચિત એ છોકરીની માતા જ્યારે એની પુત્રીને લેવા આવી ત્યારે તેણે આઇન્સ્ટાઇનને કહ્યું, ‘મારી પુત્રી આપને દરરોજ પરેશાન કરવા પહોંચી જાય છે એ બદલ હું દિલગીર છું. શું થાય? એ માનતી જ નથી.’

‘નહિ, નહિ’, આઇન્સ્ટાઇને કહ્યું, ‘તમે એ ચિંતા ન કરો. મને પણ એની સાથે સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવે છે?’

છોકરીની માતાએ કહ્યું, ‘એ તો આપની મહાનતા છે. બાકી તો ૮ વર્ષની મારી દિકરી તમારા જેવા ૭૫ વર્ષનાં સજ્જનને પરેશાન જ કરતી હશે.’

આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘એવું નથી. હું એના ગણિતનાં પ્રશ્નો હલ કરી આપુ છું અને એ બદલ તે મને ચોકલેટ આપે છે. મને ચોકલેટ ખૂબ ભાવે છે.’

Advertisements

ખલિલ જિબ્રાનનાં વાક્યો…

તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ.

ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે.

માનવી જીવનનો મર્મ એણે જે સિધ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિધ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે.

લંગડો પોતાની કાંખઘોડી દુશ્મનનાં માથામાં મારવામાં ન વાપરે એમાજ એનું ડહાપણ રહેલું છે.

આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે?

જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી.

જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે.

જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો.

આ કેટલું વિચિત્ર છે! લોકો પ્લેગ વિશે વાત કરે છે ત્યારે ભય અને ઘ્રુજારી અનુભવે છે,
પરંતુ સિકંદર અને નેપોલિયન જેવા ધ્વંશકો વિશે આદરની ભાવના સાથે વાતો કરે છે.

દિપાવલીની શુભકામના સાથે આપ સર્વેને…

Lifestyle_Offers_Diwali_Gifts(2) diwali (1)

સાત્વિક અને સંતસમાન માણસોની સોબતમાં રહીએ.

ક્ષ્મીજી દેવીની કૃપા હંમેશા આપણા પર વરસતી રહે એ માટે મહેનત કરતા રહીએ.

મુશ્કેલીઓનો સામનો કરતાં પણ હસતાં રહીએ.

બાળકોને ભૌતિક સુવાધાઓ સાથે સંસ્કાર આપતા રહીએ.

હેઠાણને આદર્શ અને પવિત્ર રાખીએ.

રકસરથી અને આવક મુજબ ખર્ચ કરતાં રહીએ.

નિર્મોહી એવા જૈનમુનિ ચિત્રભાનુજીનું પુસ્તક ‘સૌરભ’માંથી કેટલાક અંશો…

મૂર્ખ તો તે છે, જે પોતાનાં આત્માને છેતરતી વખતે એમ માને છે કે હું જગતને છેતરૂ છું.

ઘણાં માણસો પોતાને બોલતા આવડે છે એમ બતાવવા જતાં, પોતાને બોલતા નથી આવડતું એ સિધ્ધ કરી આપે છે.

આજે હોરોશીમા આદિ સ્થાનોમાં જે રીતે વિજ્ઞાનનો ઉપયોગ થઇ રહ્યો છે; એ જ રીતે જો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો આજે જેમ વસ્તુની તંગી અનુભવાય છે, તેને સ્થાને વસ્તુ વાપરનારની તંગી તો ઊભી નહિ થાય ને?

પોતાનાં ક્ષેત્રમાં મનુષ્ય સંપૂર્ણ અને સમર્થ હોય તો તે વિશ્વનાં ગમે તે સ્થાનમાં સંપૂર્ણ અને સમર્થ બની શકે છે.

માણસને ધર્મથી મળતું સુખ જોઇએ છે, પણ ધર્મ કરવો નથી. અધર્મથી મળતું દુ:ખ જોઇતું નથી પણ અધર્મને છોડવો નથી – આ સંયોગોમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે?

ગટરનું અપવિત્ર જળ ગંગાનાં પ્રવાહમાં ભળે તો એ ગંગાજળ કહેવાય; જ્યારે ગંગાનું પવિત્ર જળ પણ ગટરમાં ભળે તો એ ગટરનું ગંદુ પાણી કહેવાય: તેમ દુર્જન, સજ્જનોમાં ભળે તો એ દુર્જન પણ ધીરેધીરે સજ્જનમાં ખપે; અને સજ્જન, દુર્જન સાથે વસે તો એ સજ્જન પણ દુર્જન કહેવાય!

જીવનનાં મેદાનમાં સિધ્ધિનાં નિર્મળ નીર હાથ હાથનાં સો કૂવા ખોદનારને નથી મળતા, પણ સો હાથનો એક કૂવો ખોદનારને જ મળે છે.

કોઇપણ દેશ, સમાજ કે વ્યક્તિ હો, પણ જ્યારે એનામાં પરમત અસહિષ્ણુતાની સંકુચિત-વૃતિ જન્મે છે ત્યારે તેનું અવશ્ય પતન જ થાય.

ચાણક્યએ કહેલી વાતો

સોનામાં કદી સુવાસ હોતી નથી. શેરડી ઉપર કદી કોઇએ ચંદનનાં ફૂલો ઊગતા જોયા નથી. શું સર્વશક્તિમાન ઇશ્વર આવું કરી શકતો ન હતો?
ઇશ્વરને આવું કરવાં કોઇ બુધ્ધિશાળીએ સલાહ નહિ આપી હોય? આવું વિચારતા તમે જરૂર આશ્ચર્ય પામશો. પરંતુ, એ ભૂલશો નહિ કે બધુ નિયમોને આધિન રહીને જ થઇ રહ્યું હોય છે. આ જ નિયમોનું પાલન ખુદ સર્જનહારે પણ કરવું પડે છે. આ નિયમો પ્રમાણે જ પ્રકૃતિ ચાલી રહી છે.

સંતાન અને પાણીમાં કોઇ અંતર નથી. એને જે પાત્રમાં નાખો તેવો જ આકાર લઇ લેશે. એ તો મા-બાપનાં વ્યવહાર પર નિર્ભર છે કે તેઓ એમને કેવી કેળવણી આપે છે.

પ્રમાણિક અને બુધ્ધિશાળી સંતાન સેંકડો બુધ્ધિહીન સંતાનો કરતા પણ શ્રેયકર છે.

પોતાની સીમા બહાર જનારા, મર્યાદા તોડનારા હંમેશા છેતરાય છે.

કોઇનું તપ, દાન, વિજ્ઞાન, સુશીલતા, નીતિ વગેરે જેવા ગુણો જોઇને આશ્ચ્રર્યમાં પડી જવું ન જોઇએ, કારણ કે દુનિયામાં એક કરતાં એક ચડિયાતા માણસો મળી આવે છે.

બુરાઓ સાથે હંમેશા બુરો જ વર્તાવ કરવો જોઇએ.

વગર બોલાવ્યે કોઇને ઘરે જવું, બે વ્યક્તિઓની વાતચીતમાં વચ્ચે બોલવું અને હકીકત જાણ્યા વગર દાન આપવું – આ બધા કામો બુરા છે.

સુંદર કન્યા, રૂપવતી વિધવા, ઘરડો વિધુર, સાંઢ, ઢોંગી, સન્યાસી અને તાંત્રિક – આ બધાથી હંમેશા બચીને રહેવું જોઇએ.

હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી, શિંગડાવાળા પશુને દંડાથી શિક્ષા કરવી જોઇએ. પ્રત્યેક સાથે એનાં સ્વભાવ પ્રમાણે અને અનુસાર સજા કરવી જોઇએ. બધાને એક જ દંડાથી ક્યારેય હાંકી શકાતા નથી.

પાણીનું ટીપુ ગરમ તવા પડ્યું ને વરાળ બની ઊડી ગયું, કમળ પર પડ્યું ને મોતીને જેમ ચમક્યું, માછલીનાં પેટમાં ગયું ને મોતી બની ગયું. જે જેવા સ્થાન પર રહે છે તેવું જ તે સ્વરૂપ ધારણ કરે છે.

જે લોકો મળેલી વસ્તુને છોડીને એવી વસ્તુ પાછળ દોડે છે જે મળવાની આશા જ ન હોય, એવા લોકો મળેલી વસ્તુ પણ ખોઇ બેસે છે.

ધનનો નાશ, મનની શાંતિનો ભંગ, પત્નીની ચારિત્રની શંકા, તુચ્છ વ્યક્તિએ કરેલ અપમાન – આ બધુ ક્યારેય બુધ્ધિશાળી મનુષ્ય બીજાને કહેતો નથી.

પાપ અને અત્યાચારથી કમાયેલુ ધન વધારેમાં વધારે ૧૦ વર્ષ સુધી પાસે રહે છે.

રાજા, બાળક, અજાણ્યો કૂતરો, મૂર્ખ વ્યક્તિ, સાપ, સિંહ અને સૂવર. આ સાતને ક્યારેય પણ સૂતા હોય ત્યારે જગાડવા ન જોઇએ.

જે વ્યક્તિ નિસ્તેજ કે પ્રભાવહીન છે તેનાં પ્રસન્ન હોવા ઉપર નથી કોઇને લાભ થતો કે તેની નારાજગી ઉપર કોઇને નુકશાન થતું.

આજનાં યુગમાં આડંબરનું પણ એક અલગ મહત્વ છે. એ જુઠાણું હોય તો પણ તેને કારણે વ્યક્તિને ઘણીવાર કાંઇને કાંઇ લાભ તો મળી જ જાય છે.

થોડુક ગ્રીક તત્વચિંતન…

ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ (ઇ.સ.પૂર્વે ૩૮૪-૩૨૨) સિકંદરનાં ગુરૂ હતાં. એ સમયે સિકંદરનાં શિક્ષણ માટે તેને સિકંદરનાં પિતાએ જે રકમ આપી હતી તેને આજનાં મૂલ્યમાં ગણીએ તો કરોડો રૂપિયા થાય એવી હતી. આ એરિસ્ટોટલે પોતાની સંસ્થામાં પગારદાર તરીકે ૧૦૦૦થી વધુ મદદનીશો રાખ્યા હતાં. તેણે કહ્યું છે કે,

ઇશ્વર જગતનો કર્તા નથી, પણ જગતની ગતિનું કારણ છે.

સહિયારી સંપતિ અને કુટુંબવિહીન સમાજ વ્યવસ્થા ભારે અંધાધૂંધી અને ગુનાખોરી ફેલાવશે. જે સૌનું સહિયારૂ હશે તેની કોઇને દરકાર હશે નહિ.

માણસ માટે રાજ્ય છે, નહિ કે રાજ્ય માટે માણસ.

માણસનો જન્મ એકમાત્ર હેતુ માટે થયો છે – સુખી થવા માટે. સુખનો અર્થ આપતા તે કહે છે કે શુભ કાર્યો કરવાથી જે મન:સ્થિતી ઉપજે છે તેનું નામ જ સુખ.

ગ્રીક તત્વચિંતક એપિક્યુરસ (ઇ.સ.પૂર્વે ૩૪૨-૨૭૦). એથેન્સમાં એમની શૈક્ષણિક સંસ્થામાં શિષ્યો, ધનિકો, ગુલામો, વેશ્યાઓ બધા સાથે શીખતા અને સમાન દરજ્જાથી સાથે રહેતા. તે કહેતો,

હું કોણ છું અને હું જે કાંઇ છું તે શાં માટે છું ? એવો પ્રશ્ન દરેક મનુષ્યને થવો જોઇએ.

આપણે સૌ ઇશ્વરનાં સંતાનો છીએ એવી વાતો તદન વાહિયાત છે.

સૌ પ્રથમ તો આપણે આપણાં મગજમાંથી બે ભયને નિર્મૂળ કરવા જોઇએ. એક: ઇશ્વરનો ભય અને બે: મૃત્યુનો ભય. આ બંને ભય થકી જ માનવજાત પરેશાન છે.

કેટલીક વિવિધ વાતો…(2)

ચિત્રકાર પિકાસો કહેતો…
ચિત્રકામ મારા કરતાં વધુ શક્તિશાળી છે, એને ફાવે એ મારી પાસે કરાવે છે….
ઇશ્વર, ખરેખર અનોખો કલાકાર છે. મારા જેવા કલાકાર તો ઇશ્વરની નાનકડી પ્રતિકૃતિ જ છે.

ઢોલનગારા વગાડીને કુંભકર્ણને જગાડવામાં આવ્યો અને જાગીને તેણે જાણ્યું કે સીતાહરણને પરિણામે તેને જગાડવામાં આવ્યો છે ત્યારે તેણે રાવણને કહ્યુ, ‘મોટાભાઇ, મેં ઊંઘમાં શું ગુમાવ્યું અને આપે જાગીને શું મેળવ્યું?’

…(શાહબુદીન રાઠોડનાં પુસ્તકમાંથી)

હું નાનો હતો ત્યારે આખી રાત કુરાન પઢતો બેઠો હતો. મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા ઘોરતા હતાં. આ જોઇ મેં કહ્યું, ‘જુઓને અબ્બાજાન, આ લોકો કેવા છે? ખુદાને નમાજ પઢવી તો બાજુએ રહી. કોઇ માથુયે ઊંચુ કર્યા વગર કેવા ઘોરે છે?’
આ સાંભળીને પિતાજી બોલ્યા, ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો સારૂ હોત. જેથી તું પારકાઓની નિંદા કરવામાંથી બચી જાત.’ – શેખ સાદી

એકવાર એક રાજવીએ આવીને ફકીરને પૂછ્યું, ‘ફકીરબાબા, આપ મને કદી યાદ કરો છો ખરાં?’
ફકીરે જવાબ આપ્યો, ‘હા, જ્યારે હું મારા ખુદાને ભૂલી જાઉં છું, ત્યારે તમે યાદ આવો છો.’
– શેખ સાદી

મૂક ફિલ્મો પછી બોલતી ફિલ્મો આવી ત્યારે એ વિશે રશિયાનાં લેનિને કહેલ, ‘જ્યારે આ કળાનો વિકાસ થશે ત્યારે એ બીજી બધી કળાઓને પાછળ મૂકી દેશે.’

જેમ-જેમ વસતી વધતી જશે, પાક ઉત્પાદન માટેની જમીન ઓછી થશે, તેમ અનાજનાં ભાવોમાં છેવટે વધારો થયા વિના રહેવાનો નથી… અનાજ એટલું બધુ મોંઘુ બનશે કે સામાન્ય રોજી રળનાર પાસે બીજી વસ્તુઓ પાછળ ખર્ચ કરવા માટે બહુ ઓછી રકમ ફાજલ હશે. – બર્ટ્રાડ રસેલ (‘Roads to Freedom’માંથી)