દિવાળીમાં ફટાકડા વેચવાનો મારો અનુભવ

દિવાળી આવી રહી છે તો આજે મારા બ્લોગનાં વાંચકો સાથે આજથી ચાર વર્ષ પહેલા મને થયેલ મારો દિવાળીનાં તહેવારનો અનુભવ Share કરૂ છું.

નોકરીમાં દિવાળી નિમીતે આમ પણ રજાઓ આવતી હતી. તહેવારમાં ક્યાંય બહાર જવાનું આયોજન પણ ન હતું આ કારણે એ રજાઓનો લાભ લેવાનું વિચાર્યું. ઘણાં સમય પહેલા મારા એક મિત્રનાં લગ્ન વખતે ફોડવાનાં ફટાકડા ખરીદવા એની સાથે ફટાકડાનાં જથ્થાબંધ વેપારીને ત્યાં ગયો હતો. એ વખતે ફટાકડાનાં જથ્થાબંધ ભાવ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત જોઇને થયેલ કે આ ધંધો કરવા જેવો ખરો. સામાન્ય રીતે બે થી ત્રણ ગણાં ભાવે છૂટક ફટાકડા બધે વેચાતા હતાં. આથી થયું કે આ દિવાળીમાં કમ સે કમ એકવાર તો આ ધંધાનો અનુભવ લેવો જ છે. આ માટે સૌ પ્રથમ જગ્યાની વ્યવસ્થા કરવાની હોય ૧૫-૨૦ દિવસ માટે ભાડાની દુકાન ગોતવાનું શરૂ કર્યુ, અને એક મિત્રની મદદથી એ મળી પણ ગઇ. ઓફિસમાંથી ૧૫ દિવસ માટે અડધા દિવસની રજા મહામહેનતે/યેનકેન પ્રકારે મંજૂર કરાવી. દિવાળીને ૧૮ જ દિવસની વાર હતી એટલે એક ફટાકડાનાં હોલસેલરને ત્યાં ફટાકડાની ખરીદી કરવા પહોંચી ગયો. મદદ માટે સાથે એક મિત્રને સાથે લઇ ગયો.

ઘણાં લોકો એવું માનતા હોય છે કે પાસે રૂપિયા હોય એટલે જાણે એને કોઇની જરૂર નથી પડવાની, પણ ઘણાં પ્રસંગે કોઇની ને કોઇની મદદ લેવી પડતી જ હોય છે. રૂપિયા આપીને સહાય માટે માણસ રાખી શકાય, પણ જેની હાજરી કે સાથ આપણાં માટે ઉત્સાહવર્ધક હોય એવા મિત્ર આવા સમયે વધારે જરૂરી બની જાય છે. શરૂઆતમાં આશરે ૪૦૦૦૦ રૂપિયાનાં ફટાકડા લેવાનું આયોજન હતું. ઉત્સાહ એવો હતો કે જરૂર પડ્યે વધુ ફટાકડા લઇ જઇશું. દિવાળીને ૧૮ દિવસની વાર હોય નિરાંતે ફટાકડા ખરીદી શકાશે એમ હતું પણ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે હોલસેલર કોઇને જવાબ દેવા પણ નવરો ન હતો. ઘરાકદીઠ એમનો એક માણસ ફરમાઇશ મુજબનાં ફટાકડા ફટાફટ કાઢી આપતો હતો અને એનો અલગ જગ્યાએ ઢગલો કરતો હતો. ખરીદીમાં ધાર્યા કરતાં વધારે સમય થયો પણ આખરે ખરીદી પૂરી કરીને ૩૫૦૦૦નું બીલ ચૂકતે કર્યું. દુકાનમાં જઇને ફટાકડા મૂક્યા અને બીજા દિવસે જઇને ગોઠવ્યા. બેનર બનાવ્યા અને દુકાન આગળ લાઇટની વ્યવસ્થા કરી.

આ વાતની ઘરે ખબર પડતાં પપ્પા થોડા ગુસ્સે થયાં પણ એમને સમજાવી લીધા. સમજ્યા એટલા માટે કે દિવાળી પછી જો ફટાકડા વધે તો એ વધેલ દારૂગોળો ઘરમાં તો ન જ રાખવો ને ગમે તેમ કરીને એનો નિકાલ કરી નાખવો.

દિવાળીને બરાબર ૧૨ દિવસની વાર હતી અને મેં દુકાને સાંજે ૪ થી ૧૦ બેસવાનું ચાલુ કર્યું. શરૂઆતનાં ૪ દિવસ અતિ ઠંડો પ્રતિસાદ રહ્યો. એ તો જે હોય તે પણ, એક તો નવી જગ્યા, આજુબાજુમાં કોઇ ઓળખે નહિ અને તેમાં વળી ૪ થી ૧૦ દુકાનમાં સાવ નવરા બેઠાં રહેવું, આ બધાથી ભયંકર કંટાળો આવતો હતો. સૌથી મોટો કંટાળો એ વાતનો કે સાંજે થાકીને ઘરે જાઉં ત્યારે એ જ સ્વાભાવિક પ્રશ્ન: ‘ફટાકડાં કેવાક વેચાય છે?’

દુકાને મળવા આવનાર મિત્રો પણ એ જ પૂછતા અને પછી કહેતાં કે, ‘ફટાકડાની સાચી માંગ તો દિવાળીનાં ૨-૩ દિવસ અગાઉ જ નીકળે છે, બાકી એમાં કાંઇ ટેન્શન રાખવા જેવું કાંઇ નથી.’ એ પછીનાં ૪ દિવસોમાં પણ અતિ ઠંડો પ્રતિસાદ રહ્યો. કારણ કદાચ એ પણ હોય કે આજુબાજુ પણ ઘણી દુકાનો હતી અને એમની પાસેની વેરાઇટી, જથ્થો અને જગ્યા મારા કરતાં મોટી હતી, વધુમાં એ લોકો આ વિસ્તારમાં દરવર્ષે આ ધંધો કરતાં હતાં.

જેની મદદથી મેં દુકાન ભાડે રાખી હતી એ મિત્ર અવારનવાર આંટો મારી જતો હતો. હવે દિવાળીને ૪ જ દિવસની વાર હતી. મારો એ મિત્ર દુકાનમાં રહેલા ફટાકડા જોઇને સ્થિતી જાણી ગયો. એ જોઇને એણે મને કહ્યું, ‘દિવાળી પછી પણ તારી પાસે ૭૫ ટકા ફટાકડા વધવાનાં છે.’ એ સાચુ જ કહેતો હતો, કેમ કે આજુબાજુનાં વેપારીઓએ જોર વધારી દીધું હતું. મેં કહ્યું, ‘જે થાય તે, પડ્યા એવા દેવાશે.’

એ ઊંચા અવાજે બોલ્યો, ‘એમ ના ચાલે, તું કાંઇ નાના બાળકોની રમત રમવા બેઠો છો? હું કહું એમ કરીશ તો અને તો જ તારા ફટાકડા વેચાશે.’

મેં કહ્યું, ‘બોલ, કઇ રીતે?’

એણે કહ્યું, ‘સાંભળ. મારે કાલથી રજા પડે છે. હું નજીકમાં જ રહું છું. કાલથી દુકાનમાં બેસીને હું ફટાકડા વેચીશ, કેમ કે સાચી ઘરાકી કાલથી જ શરૂ થશે, અને તારી પાસે હવે માત્ર ચાર જ દિવસ રહ્યાં છે.’ (આ ચાર દિવસ ઠંડા રહ્યા તો ન વેચાયેલા બધા ફટાકડા પડ્યા રહે.)

મેં કહ્યું, ‘બરાબર છે, પણ તું દુકાને રહીશ તો હું શું કરીશ? અહિં તો હું એકલો પણ વધી પડું છું.’

એ બોલ્યો, ‘અહિંથી થોડે જ (અડધો કિલોમીટર) દૂર એક શાકમાર્કેટ છે ત્યાં ચિક્કાર ર્ગીદી રહે છે. કાલનો દિવસ સાંજે ચારથી દસ ત્યાં ઊભો રહેજે. કાલથી જ હું તારા માટે એક રેંકડીની વ્યવસ્થા કરૂ છું.’

હવે હું ખીજાયો, ‘અશક્ય. મારાથી એ નહિ બને. મહેનત કરવામાં હું કદી પાછો પડ્યો નથી, પણ શું આ માટે મેં આ ધંધો કર્યો હતો?’

એ ઉશ્કેરાઇનો બોલ્યો, ‘વાંધો નહિં, હવે દિવાળી પછી જ મને મળજે. ઘરે જઇને ખૂબ ફટાકડા ફોડજો. દેવદિવાળીએ, હો! આપણી મિત્રતા સાચી પણ મહેરબાની કરીને આજ પછી મને કોઇપણ કામ માટે સાથે આવવાનું ક્યારેય કહેતો નહિં.’

મેં વ્યર્થ દલીલ કરી, ‘મને નુકશાની પોષાય છે, પણ આ હું નહિ કરૂ. એવું હોય તો કોઇ માણસ ગોતી લઇએ.’

એ બોલ્યો, ‘કોઇ આવશે પણ નહિ, ને એમ કોઇ પર ભરોસો પણ ન રાખી શકાય.’

બાદમાં વાત અધુરી મૂકીને એ ચાલ્યો ગયો.

બીજા દિવસે બપોરે એ દુકાને આવ્યો ને બોલ્યો, ‘હું હમણાં જ રેંકડી લઇને આવું છું. તારે દુકાને બેસવાનું છે, અને હું રેંકડીમાં ફટાકડા ભરીને વેંચવા જાઉ છું. OK.?’

એમ કરવાની તો મારે ના જ પાડવી પડે તેમ હતી. મેં ના કહેતા તેણે કહ્યું, ‘ગમે તે એક કરવાનું જ છે. બોલ શું કરવું છે?’

મારી પાસે હવે કોઇ વિકલ્પ જ ન હતો. આખરે હું તૈયાર થયો ને એ જોશમાં આવ્યો. રેંકડી લેવા એણે મને જ મોકલ્યો. રેંકડી લઇ આવીને વ્યથિત હદયે રેંકડામાં ફટાકડા ગોઠવ્યા અને એ લઇને હું શાકમાર્કેટે ગયો. (રાજકોટનાં સંત કબીર રોડ પરની શાક માર્કેટ) રેંકડી ક્યાં રાખવી એ પણ મોટો પ્રશ્ન હતો. જ્યાં જ્યાં ખાલી જગ્યા હતી એ બધી Fix હતી. મને લાગ્યું કે જો દુકાને મિત્રને આ પુછ્યું હોત તો એ ખિજાઇને કહેત, ‘તું હવે ઘરે જઇને શાંતિથી આરામ કર. તારી ભાભીને દુકાને બેસાડીને એ બધુ હું કરીશ ને રૂપિયા પણ તારા ઘરે પહોંચાડી આપીશ.’

મહામહેનતે ઊભવાની જગ્યા મળી. થોડીવારે છૂટક છૂટક ફટાકડા વેચાવા લાગ્યા. સાંજ થતી ગઇ એમ ઘરાકી વઘતી ગઇ. પહેલીવાર ૪ થી ૧૦ એકધારા ઊભવાને કારણે પગની કઢી થઇ ગઇ. એ દિવસે ૮૦૦૦નાં ફટાકડા વેંચાયા. મારા માટે આ નવાઇ હતી. ઘણીબધી હિંમત આવી. સાંજે જ્યારે દુકાને ગયો ત્યારે તેણે પણ ત્રણેક હજારનો વેપાર કર્યો હતો.

દુકાન બંધ કરીને હું રેંકડીવાળાને ત્યાં રેંકડી મૂકવા ગયો. મૂકીને ફરી પાછો ચાલીને વ્હીકલ લેવા દુકાને ગયો.

બીજા દિવસે સવારે બંને જણાં દુકાને ભેગા થયાં. મને ઘરેથી જ હતું કે બપોર સુધી દુકાને થોડો આરામ કરીને સાંજે ફરી ત્યાંજ રેંકડી લઇને ઊભવા માટે ચાલ્યો જઇશ.. હજુ સરખો બેસુ ત્યાંજ એ આદેશાત્મક અવાજે બોલ્યો, ‘જા, રેંકડી લઇ આવ.’ હું કોઇ હિચકિચાટ વગર એ લઇ આવ્યો. મને ખબર પડી ગઇ કે આજે સવારથી જ મારે ત્યાં ઊભવાનું છે. હું માનસિક રીતે તૈયાર પણ હતો.

ત્યાં જ એ બોલ્યો, ‘જો, સાંભળ. સવારથી બપોર સુધી બજારમાં કોઇ નહિં હોય. આજુબાજુની બધી સોસાયટીની શેરીઓમાં રેંકડી લઇને નીકળી જા. બપોરે હું બીજા ફટાકડાનાં થેલાઓ ભરીને કાલે જ્યા ઊભો હતો ત્યાં આપી જાઉં છું. હું કાંઇ બોલી ના શક્યો અને રેંકડી લઇને નીકળી ગયો.

એ ધનતેરસે હું રેંકડી લઇને ઓછામાં ઓછું છ કિલોમીટર ચાલ્યો. આનંદની વાત એ હતી કે ફટાકડા પણ વેંચાતા જતા હતાં. બપોર સુધીમાં ચારેક હજારનાં ફટાકડા વેચ્યા પછી મૂળ જગ્યાએ આવ્યો. થોડીવાર પછી મિત્ર આવીને નવો માલ આપી ગયો. એ દિવસે સાંજ સુધીમાં લગભગ ૧૦૦૦૦ નાં ફટાકડા વેચાયા. દુકાનમાંથી પણ આ બે દિવસ દરમિયાન પ્રમાણસર ફટાકડા વેચાયા હતાં.

એ પછી કાળીચૌદસનાં દિવસે આ જ પુનરાવર્તન. હવે મારી પાસે હજુ પચાસ ટકા માલ પડ્યો હતો. થોડીક ગણતરી કરીને કાળીચૌદસની રાત્રે બીજા છ હજારનાં ફટાકડાંની ખરીદી કરી.

દિવાળીનાં દિવસે સવારથી જ બજારમાં જઇને ઊભો રહ્યો. જતો હતો એ પહેલા મિત્રએ સૂચના આપી, ‘જો ઘરાકી વધુ હોય અને થોડાક ફટાકડા લઇને પૈસા આપ્યા વગર કોઇ ભાગે તો એને જવા દેજે, એની પાછળ ન જતો, નહિંતર રેંકડીમાંથી બીજા અનેકગણાં ફટાકડાં ચોરાઇ જશે.’ ત્યાં પહોંચ્યો ને થોડીવારમાં બીજો એક રેંકડીવાળો પણ ત્યાં ગોઠવાઇ ગયો. બંનેનાં નશીબ સારા હતાં. સવારથી ઘરાક આવતા હતાં ધરાકદીઠ આશરે 200-300 રૂપિયાનાં ફટાકડા વેંચાતા જતા હતાં. થોડી જ વારમાં બીજા ફટાકડાં દુકાનેથી લાવીને રેંકડીમાં રાખ્યાં. હવે વાંધો આવે એમ ન હતો. સાંજનાં સાડા છ સુધીમાં તો બધા ફટાકડા વેંચીને હું દુકાને પહોંચી ગયો. દુકાને પણ ખૂબ ઓછા ફટાકડાં વધ્યા હતાં. જેનો થોડો ભાવ ઘટાડીને થોડીવારમાં જ નિકાલ કર્યો. મિત્રએ મને કહ્યું, ‘જે ફટાકડા તે છ વાગ્યા સુધીમાં વેચી નાખ્યા એ નવ વાગ્યા સુધી વેંચવાનાં હતાં. વેંચાય જશે એ ખબર પડ્યા પછી ભાવમાં દોઢો વધારો કરીને, પણ તારો પહેલો અનુભવ હોવાથી તે જે કર્યું એ ઠીક છે.’

જેટલું રોકાણ એટલો નફો થયો. મારા મતે ચાલીસ-પચાસ ટકા નફા માટે મિત્ર પણ હકદાર હતો, પણ એ ન માન્યો, માત્ર થોડા ફટાકડા લઇ જવા માટે એ સમજ્યો. એ દિવાળીએ મારા બાળકોએ પણ મનભરીને ફટાકડા ફોડ્યા.

આ અનુભવ પછી મને થયું: ‘આપણાં માટે અમુક સંજોગોમાં જ્યારે ડેલ કાર્નેગી, સ્વેટ માર્ડનનાં પુસ્તક બેઅસર રહેતાં હોય છે ત્યારે આવા મિત્રો અણિનાં સમયે અસરકારક બની જતાં હોય છે.’ બીજી વાત એ કે આ વાતની ખબર મારા ઘરમાં ભાવના(પત્ની) સિવાય કોઇને નથી, કેમ કે ઘરમાં જે વાત જેને કહેવાની હોય છે એને જ એ વાત હું કહું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s