રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્ય-કણિકાઓ…

જ્યાં બહારની સહાયતા થોડામાં થોડી હોય ત્યાં મનુષ્યનો પોતાનો સર્જનનો ઉધમ આપોઆપ જાગે છે. જેમનો ઉધમ જાગતો નથી તેમને પ્રકૃતિ કચરાની માફક કાઢી નાખે છે.

નાના ભિખારીની નજરે મોટો ભિખારી રાજા જેવો છે, પણ ભિખારી તે ભિખારી જ.

અહંકાર એ કાંઇ હાથી-ઘોડા જેવી ચીજ નથી. હાથી-ઘોડા પાછળ ખર્ચ કરવું પડે છે. તે ખાવાનું માંગે છે, પણ અહંકાર બિલકુલ ઓછા ખર્ચે ને વગર ખોરાકે ખૂબ પુષ્ટ બનાવી શકાય છે.

જ્યારે કોઇપણ વસ્તુ પોતાની ઇચ્છાની પર હોય ત્યારે બધુ ગમાડી લેવું એમાંજ મોટાઇ છે.

માણસની સૌથી સાચી ઇચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહિ.

મનુષ્ય પોતે શોધી કાઢેલા વિજ્ઞાન કરતાં અનંતગણો મહાન છે.

જેની પાસે મૂડી હોય છે, તે સસ્તાનું નામ સાંભળતા એટલો બધો ખુશ થઇ જાય છે કે માલ શો છે અને કેવો છે તેની પણ તપાસ કરતો નથી.

પાપ કરી એની સજા ખમી શકાય, પણ એની માફીનો ભાર સહન ન થાય એવો હોય છે.

આજે ભારતની દુર્ગતિનું મુખ્ય કારણ તેનાં ગૃહધર્મની ગંભીરતા છે. અર્થાત ગૃહની માંગણીઓ એટલી પ્રબળ અને અનેકવિધ હોય છે કે તે માણસની સઘળી શક્તિને અને આશાને તળિયા તરફ જ લઇ જાય છે, ઘાટ તરફ નહિ.

દેશને બચાવવા ખાતર કાંઇ એકલી લાગણી જ કામ આવતી નથી, તેની સાથે જ્ઞાનની પણ જરૂર છે.

જેને સૌથી સારૂ મેળવવાની આકાંક્ષા હોય છે તેને ઘણુ ઘણુ સારૂ હાથમાં આવેલું છોડવું પડે છે.

રાતદિવસ બહુ બુધ્ધિશાળી લોકોમાં રહેવું પડે તો માણસની અક્કલ મરી જાય.

પગ નીચેની જમીન નહિ ગમવાથી તમે આકાશમાં ઉડવા ઇચ્છો છો. પરંતુ ખાત્રી રાખજો કે આકાશ પણ તમને નહિ ગમે. બીજી વ્યવસ્થા આગળથી કર્યા પછી જ પહેલીનો ભંગ કરો.

દરેક ઉંમરે દરેક વાત નથી સમજાતી. દરેક વાતને દરેક વખતે સમજવાની જરૂર પણ નથી હોતી.

Advertisements

તત્વચિંતક એમર્સનનાં વિચારો…

અહિં તેમનાં મોટાભાગનાં વિચારો તેમનું પ્રથમ અને વિશ્વપ્રસિધ્ધ પુસ્તક ‘Nature'(૧૯૩૬)માંથી રજુ કરવામાં આવ્યા છે.

પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે ઇર્ષા એ અજ્ઞાન છે, અને અનુકરણ એ આપઘાત છે.

આપણે શું કરી શકીએ તે આપણાં સિવાય અન્ય કોઇ જાણી શકતું નથી, તેમ આપણે પોતે પણ એ તેનાં સંબંધમાં અજમાયશ કર્યા વગર જાણી શકતા નથી.

કોઇ ક્રોધી સ્વભાવ ધરાવતો ધર્માંધ મનુષ્ય ગુલામીની પ્રથા નાબુદ કરવાનું પવિત્ર કાર્ય હાથમાં લે, અને મારી પાસે આવીને તે વિશે સમજાવવા લાગે ત્યારે મારે તેને એટલું જ કહેવું રહ્યું કે, ‘મારા ભાઇ, તારે ઘેર જઇને તારા બાળકોને પ્રેમ કર, તારા નોકર ઉપર પ્રેમ રાખ; તારો સ્વભાવ શાંત અને નમ્ર કર; કોમળ બન.’ મારૂ આ કહેવું તેને બાણ મારવા જેવું થશે, પણ સત્ય એ પ્રેમનાં દેખાવ કરતાં વધારે સુંદર વસ્તુ છે.

મારૂ જીવન એ એક દ્રશ્ય તરીકે નહિ (લોકોની નજરે સારૂ કે ખરાબ), પણ તેનાં પોતાનાં માટે છે. એ જીવન ઝગમગતુ બને એ કરતાં સહેજ ઉતરતું પણ યર્થાથ અને સમાન રહે એ વધુ ઇચ્છવા યોગ્ય છે.

મારે શું કરવું જોઇએ એટલુ જ મારે ધ્યાનમાં લેવાનું છે, નહિ કે લોકો મારી પાસે શું ઇચ્છે છે.

મનુષ્ય પોતે એવો મહાન હોવો જોઇએ કે તે સર્વ વસ્તુઓ અને સંજોગોને નજીવા કરે.

તારા સિવાય અન્ય કાંઇપણ તને શાંતિ આપી શકવાનું નથી.

મનુષ્ય સ્વાભાવિક જીવન ગાળે અને જે મુશ્કેલીઓ તેની પોતાની નથી, તેને પોતાનાં જીવનમાં સ્થાન ન આપે, તો તેનું બૌધિક જીવન નિર્મળ અને સ્વસ્થ રહે છે.

મનુષ્ય જે ધંધામાં કે વેપારમાં પડે તેની વસ્તુસ્થિતીને બને તેટલો અનુકૂળ થાય છે, અને તેમાં યંત્રની માફક કામ કરે છે. આમ કરતાં તે યંત્રવત બને છે. વ્યક્તિએ ધંધામાં પોતાનું ચારિત્ર્ય પ્રગટ કરવું જોઇએ,… એ ધંધો ક્ષુદ્ર હોય તો તેણે તેનાં પોતાનાં વિચાર અને ચારિત્ર્યથી ઉચ્ચ બનાવવો જોઇએ.

શૌર્યનું ખરૂ લક્ષણ તેની દઢ્ઢતા છે.

ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.

ભય હંમેશા અજ્ઞાનતાથી ઉત્પન થાય છે.

હરનિશ જાનીનો હાસ્યલેખસંગ્રહ ‘સુશીલા’માંથી…

લેખક: હરનિશ જાનીનો હાસ્યલેખસંગ્રહ ‘સુશીલા’માંથી મને ગમેલ કેટલાક વાક્યો.

લેખકની E-Mail ID: harnish5@yahoo.com

સંગીતનાં જલસામાં ત્રણ પ્રકારનાં લોકો બેઠા હોય છે. એકની આંખો ખુલી છે અને માથુ હાલે છે, એને સંગીતનું ભાન છે. બીજાની આંખો બંધ છે અને માથુ ડોલે છે, તેને સંગીતનું જ્ઞાન છે. ત્રીજાની આંખો બંધ છે. માથુ નથી ડોલતુ, તે ઊંઘે છે અને તે સંગીત આલોચક છે.

મને લાગે છે કે લોકો ભગવાનની પાછળ સ્વર્ગની લાલસા માટે નહીં પણ નરકનાં ડરથી દોડતા હશે.

જયારે આપણે બોલીએ અને મૂર્તિ સાંભળે એને શ્રધ્ધા કહેવાય.અને જયારે મૂર્તિ બોલે અને આપણને સંભળાય એને ગાંડપણ કહેવાય.

ઉંમરથી ડોસા નથી બનાતું. વર્તનથી બનાય છે.

દેશનું દુર્ભાગ્ય છે કે જેઓ રાજ કેમ ચલાવવું એ જાણે છે.તે વાળ કાપવાના ધંધામાં વ્યસ્ત છે.

હું ઘણીવાર મંદિરમાં ભજન કે કથા વખતે મારી આજુબાજુવાળાઓને જોઉં છું અને પછી વિચારૂ છું કે ‘સ્વર્ગમાં પણ મારે આ લોકો સાથે જ બેસવાનું છે?’

કોઇક ડાહ્યા માણસે કહ્યું છે કે જ્યારે તમે લાંબા પ્રવાસે જાવ તો બેગમાં એક બાજુ સાથે લઇ જવાનાં કપડાં મૂકવાનાં અને બીજી બાજુ સાથે લઇ જવાનાં પૈસા મૂકવાનાં. હવે જેટલા કપડાં છે તેને અડધા કરો અને જેટલા પૈસા છે તેને ડબલ કરો. હવે ટ્રીપની તૈયારી કરો.

ખરેખર તો ટીકાકારોને કોઇપણ ક્ષેત્રનાં જ્ઞાનની જરૂર નથી.

જાહેરાત વિનાનો ધંધો એટલે અંધારામાં કોઇ છોકરીને આંખ મારવા બરાબર. તમે શું કરો છો તે તમને ખબર છે, પરંતુ બીજા કોઇને તેની ખબર નથી.

જગતમાં એવી કઇ વસ્તું છે જેને વેચનારે જોઇ નથી? ખરીદનારને પણ એ વસ્તું માટે કોઇ આઇડિયા નથી; છતાં સ્ત્રી અને પુરૂષ, બંને ખરીદવા પડાપડી કરે છે. જવાબ છે: સ્વર્ગ.

કોફી ટેબલ ઉપર પ્લેબોય મેગેઝિન જુઓ તો માનવું કે ઘરમાં બાળક નથી અથવા તો પુરૂષ સિંગલ છે અને પરણેલો હશે તો થોડા વખતમાં સિંગલ થઇ જશે.

તત્વચિંતકોનાં અવતરણો…

જે મારી પાસે નથી તે છે એવું માનવાની ભૂલ મેં કદી કરી નથી. મારા અજ્ઞાનનો હું સ્વીકાર કરૂ છું એટલા પૂરતો હું ડાહ્યો છું. – સોક્રેટીસ

જ્યાં સુધી તમે જે છો, જેવા છો, ત્યાં સુધી હું તમારા પર વિશ્વાસ રાખી શકું. – સોક્રેટીસ

રોગ અને ચીલાચાલુ રિવાજમાંથી ઉન્માદ ઉત્પન થાય છે. – સોક્રેટીસ

દેવતાઓનાં દિલની વાત જાણવાને બદલે આપણાં મનની વાત સાચા સ્વરૂપમાં જાણી લઇએ તો યે પૂરતુ છે. – સોક્રેટીસ

અતર્કવાળી વાતો માટે તર્ક કર્યા કરવો તે તર્કહીન પ્રયાસ છે. – સોક્રેટીસ

તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાનાં મિત્રને કહ્યું, ‘હું હવે પછી એવી રીતે જીવવાની કાળજી લઇશ કે તેઓનાં કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’

ક્યારે અટકવું એ જે જાણે છે તેને ક્યારેય કોઇ મુશ્કેલી નડતી નથી. – લાઓત્ઝે

માનવી પ્રશંશામાં રહેલ અસત્ય અને ટીકામાં રહેલ સત્યને ઓળખી શકતો નથી. – લાઓત્ઝે

બાળકને જેટલું સ્ત્રી સમજે છે તેટલું પુરૂષ નથી સમજતો. – નિત્સે

ભગવાન જો સત્ય તરફ પીઠ ફેરવી શકે તો હું ભગવાનને છોડીને સત્ય તરફ વળગુ. – લ્યુસિયસ સેનેકા

મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર રાખવા: પહેલો દોષ: ઉતાવળિયાપણાનો – તમારો વારો આવે તે પહેલા બોલવું તે. બીજો દોષ: શરમાળપણાનો – તમારો વારો આવે ત્યારે ન બોલવું તે, ત્રીજો દોષ: બેદરકારીનો – સાંભળનારનાં ચહેરા તરફ નજર રાખ્યા વિના બોલવું તે. – કન્ફ્યુશિયસ

અવતરણો… અવતરણો… અવતરણો…

જીવનમાં કાંઇપણ એટલું નુકશાનકારક કે ખતરનાક નથી જેટલું હાલકડોલક/અનિર્ણીત સ્થિતિમાં રહેવું. – સુભાષચંદ્ર બોઝ

સામાન્ય રીતે માણસ એવા વિષયમાં જાણવા માટે વધુ ઉત્સુક હોય છે જેની સાથે તેને કાંઇ જ લેવાદેવા ન હોય. – બર્નાડ શો

માણસ જ્યારે અજુગતી આજ્ઞા કે દરખાસ્તને ઠુકરાવે ત્યારે સમજવું કે તેનામાં જાગૃતિ આવી છે. – એરિક ફ્રોમ

તકની રહેવાની જગ્યા મુશ્કેલીઓ વચ્ચે છે. – આઇન્સ્ટાઇન

ઘણાં લોકો પોતાની નબળાઇઓને નથી જાણતા એ વાત સાચી છે, પણ એ વાત પણ સાચી છે કે ઘણાં લોકો પોતાની શક્તિઓને પણ નથી જાણતા હોતા. – જોનાથન સ્વિફ્ટ

સાધુ યા સંતો જ્યાં સુધી નિર્દોષ સિધ્ધ ન થાય, ત્યાં સુધી તેઓને પાખંડી જ માની લેવા જોઇએ. – જ્યોર્જ ઓરવેલ

જે બાબતને માટે પુરૂષાર્થ કરવાની ખાસ જરૂર છે, તે બાબતને લોકો ભાગ્ય ઉપર છોડી દે છે; અને જે બાબત ભાગ્ય ઉપર છોડી દેવા જેવી છે, તેને જ માટે માણસ ચિતા કર્યા કરે છે. – સ્વામી રામતીર્થ

જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી ઊંચુ વ્યાજ રળી આપે છે. – બેન્જામિન ફ્રેંકલિન

ઝાડ મને ખૂબ ગમે છે, કારણ કે એ હંમેશા મૂંગા રહે છે. – જી.કે.ચેસ્ટરસન

‘જે દિવસે હું કામ નહિ કરી શકુ એ દિવસે મારા માટે જીવનનો કોઇ અર્થ નહિ હોય.’ – સ્વિડીસ ફિલ્મસર્જક ઇંગમાર બર્ગમેન

ચોક્કસાઇ એ મહાનતા નથી, પણ ચોક્કસાઇ મહાનતા તરફ જરૂર લઇ જાય છે. – લિયોનાર્દો દ વિન્ચી

મેં આપેલ ઉછીની રકમનો એક પ્રસંગ…

હું જે ઓફિસમાં નોકરી કરૂ છું ત્યાંનાં મિત્રો સાથે જ લગભગ આખો દિવસ રહેવાનું હોય છે. જાગૃત અવસ્થામાં પત્ની સાથે નહિ રહેતા હોઇએ એથી વધુ સમય ઓફિસનાં મિત્રો સાથે રહેવાનું બનતું હોય છે. લગભગ દરેક નોકરિયાતોની આ જ સ્થિતી હોય છે. આ બધા ઓફિસનાં મિત્રોમાંથી મારો એક મિત્ર કે જેની સાથે મારે બીજાઓની સરખામણીએ વધારે જામતું અને એથી અમે અવારનવાર ચા-પાણી-નાસ્તો કરવા માટે સાથે જ જતાં હતાં.

એક દિવસની વાત છે: એ મિત્રએ મને કહ્યું, ‘મારે ૫૦૦૦૦ રૂપિયાની જરૂર છે. વ્યવસ્થા થઇ શકશે?’ એનો ભાઇ Work Permit Visa ઉપર વિદેશ જવાનો હોઇ એને જરૂર હતી. મેં કહ્યું, ‘તારે શાં માટે જોઇતા છે એની સાથે મારે કોઇ મતલબ નથી, પણ વાંધો નહિ, વ્યવસ્થા થઇ જશે.’ એ વખતે તેની જરૂરિયાતની રકમ કરતાં મારી પાસે રહેલી રોકડ રકમમાં ૨૦૦૦૦ રૂપિયા ઘટતા હતાં, પણ વાંધો ન હતો. મારી પાસે રહેલ કેટલીક કંપનીનાં શેરમાંથી એક કંપની Triveni Eng.નાં ૪૦૦ શેર મેં બે માસ પહેલાં શેરદીઠ રૂ.૫૫માં લીધા હતાં એ રૂ. ૬૦માં વેંચી નાખ્યા. છેવટે મેં એને રૂ. ૪૦૦૦૦ આપ્યા. મારા આ રૂપિયા તેણે મને સમયાંતરે કે એકસાથે ચારેક મહિનામાં આપવાની વાત કરી. જો કે મેં મનોમન આ સમયમર્યાદાની ધારણા છથી આઠ માસની રાખી, કેમ કે ઉછીના લેનાર મોટાભાગે સમયમર્યાદા ચૂકી જતો હોય છે એની મને ખબર હતી.

ચાર માસ તો જોતજોતામાં પસાર થઇ ગયાં, પણ એણે મને કાંઇ જ ચૂક્વ્યું ન હતું. રૂપિયા ચૂકવી આપવાની એની નીતિમાં મને કોઇ જ ખોટ લાગતી ન હતી. એ આર્થિક સમસ્યાથી ઘેરાયેલો હતો એથી મેં જ એને સામેથી એક ઉકેલ બતાવ્યો. Post-Officeની Monthly Saving Scheemમાં તેનું ખાતુ હતું અને તેની પાકતી મુદત હજુ બીજા છ માસ પછી આવતી હતી. એ જે રકમ આવે તેમાંથી એ મારી રકમ ચુકવે તો પણ તેનાં હાથમાં બીજા ૨૦૦૦૦ જેટલા રૂપિયા વધતા હતાં. આમાંથી મારે મારા રૂપિયા લઇ લેવા એવું અમે બંનેએ નક્કિ કર્યું.

આ વાતનાં એક જ માસ પછી તેણે જુનાનાં સ્થાને નવું કલર TV રૂ. ૧૦૦૦૦માં ખરીદ્યુ. એથી મને ઘણો આનંદ થયો. બીજા માસ પછી એકવખત એણે મને કહ્યું, ‘આર્થિક રીતે એ હવે હળવો થયો છે.’ મને ચૂકવી આપવા જેટલી રકમ તેની પાસે થઇ ગઇ છે એ વાત તેણે જ મને કરી (રકમ ચુકવવાની નહિ). આ પછી મારા જ Share-Broker દ્રારા તેણે રૂપિયા ૩૦૦૦૦-૩૫૦૦૦નાં શેરની ખરીદી કરી. જો કે એ વાત એણે છુપાવી ન હતી, એણે જ મને કહી હતી. એ વખતે મેં કહ્યું હોત તો એ મને કદાચ નહિ પણ ચોક્કસ મારી રકમ ચૂકવી આપત એમાં કોઇ જ શંકા ન હતી, પણ હું સામે ચાલીને કાંઇ જ કહેવા માંગતો ન હતો. અમારા સંબંધો પણ પહેલાની માફક જ ચાલુ હતાં.

એ પછીનાં બીજા ચાર માસ પછી Post Officeમાંથી તેનાં જે રૂપિયા આવ્યાં એમાંથી એણે મને મારા પૂરેપૂરા રૂ.૪૦૦૦૦ સહર્ષ ચૂકવી આપ્યા. એ દિવસે મારા હાથમાં મારી પૂરેપૂરી રકમ હતી એ દિવસે Triveni Eng. નાં શેરનો ભાવ રૂ. ૮૪ હતો. એ દિવસ અમારી વચ્ચેનાં સંબંધનો આખરી દિવસ હતો, કેમ કે હવે મને એની સાથે ફાવે તેમ જ ન હતું.

આથી વિરૂધ્ધ… અન્ય એક મિત્રને એકવખત ૫૦૦૦૦ રૂપિયા પાંચેક દિવસ માટે આપેલ, એ પછી તેની સાથે એવું બન્યું કે છ માસ સુધી એ ચૂકવી શકે એમ જ ન હતો. અમારી મિત્રતા એવી હતી કે એ રૂપિયા મારી પાસે હોય કે એની પાસે મારા માટે કોઇ ફરક પડતો ન હતો. તેણે મારી પાસે માત્ર બે દિવસનો વધારાનો સમય માંગ્યો. મેં તેને રૂપિયા અને સમય અંગે સંપૂર્ણ બેફિકર રહેવા જણાવ્યું, પણ તે ન માન્યો. બે જ દિવસમાં તેણે બધુ ચૂકવણું કરી દીધું, ઘરમાં રહેલા ઘરેણાં વેચીને. મને દુ:ખ થયું, હું નારાજ થયો, પણ એ ન માન્યો તે ન જ માન્યો.

હવે બીજી એક વાત. મારે ઓફિસનાં મિત્ર સાથે જે બન્યું એ જ વાત જો આ બીજા મિત્ર સાથે બની હોત તો મારો વ્યવહાર અલગ જ હોત અને એમ છતાં અમારો સંબંધ પહેલાની માફક જ રહ્યો હોત. આવા હોય છે સંબંધોનાં સમીકરણો !