એક પ્રસંગ : સતકર્મનું ફળ

સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.

એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.

આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.

એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી.

ખેડૂત ફ્લેમિંગે કોઇ અપેક્ષા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ.

આવા હોય છે સતકર્મોનાં ફળ.

Advertisements

પુસ્તક : ‘નાને દીવડે દિવાળી’માંથી આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીનાં સદવચનો.

પહેલવાનનાં ખંભે હાથ મૂકવા માત્રથી રોગી માણસ તંદુરસ્ત નથી બની જતો. બસ, એ જ રીતે માત્ર કાયાનાં સ્તરે જ ધર્મ કરતાં રહેવાથી આત્મા દોષમુક્ત નથી બની જતો.

સજ્જનની વાતમાં સમંત થવામાં જેટલી તાકાત જોઇએ છે, એનાં કરતાં અનેકગણી તાકાત દુર્જનની વાતમાં અસમંત થવામાં જોઇએ છે.

ગુરૂની કઠોરતા એ જ એની કરૂણા છે.

સાગરનાં પાણીને કહેવાય છે તો પાણી જ, પણ એ પાણી તૃષા ઘટાડવાને બદલે વધારતું રહે છે. સંસારની ભૌતિક સામગ્રીઓને પણ કહેવાય છે તો સુખ જ, પણ એ તૃપ્ત કરવાને બદલે અતૃપ્તિ વધારતું રહે છે.

કુરૂપ માણસનો જેમ દર્પણ દુશ્મન હોય છે તેમ દંભી માણસ આત્મનિરીક્ષણનો દુશ્મન હોય છે.

ગુનો જો નથી જ કર્યો તો ભલે ઘરની બાજુમાં જે જેલ ઊભી થઇ ગઇ છે, ડરવાની કોઇ જ જરૂર નથી. પાપ જો કર્યું જ નથી તો કર્મસતાથી ડરવાની કોઇ જ જરૂર નથી.

આ જગતમાં સરળમાં સરળ કામ કાંઇ હોય તો, એ છે મનને બગાડવાનું અને કઠિનમાં કઠિન કામ હોય તો, એ છે મનને સુધારવાનું.

તમારા પરિવારનું જીવન સુધારવાનાં તમારા આવેશપૂર્ણ પ્રયાસો તમારૂ મરણ બગાડનારા ન બની રહે એની ખાસ કાળજી રાખજો.

પુરૂષ જો સુધરે છે તો એ એકલો જ સુધરે છે, પણ સ્ત્રી જો સુધરે છે તો આખુ ઘર સુધરી જાય છે.

આવક વધતી ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવામાં જે વ્યક્તિ સફળ બની જાય છે, એ વ્યક્તિ કાળઝાળ મોંઘવારીમાંય સમાધિ ટકાવી રાખવામાં સફળ બની રહે છે.

દૂધ જોઇએ છે એ જરૂરિયાત. દૂધમાં સાકર જોઇએ છે એ ઇચ્છા અને દૂધમાં સાકર જોઇએ જ છે એ આકાંક્ષા.

ગરીબ અને શ્રીમંત વચ્ચે સંપતિની માત્રામાં તફાવત હશે પણ અતૃપ્તિની માત્રામાં તો કોઇ જ તફાવત નથી.

ગણિત અને ગણતરીમાં જ જે રમ્યા કરે છે એ અગણિતને પામવાથી વંચીત રહી જાય છે.

સબંધમાં એકવાર શંકા ઊભી થઇ જાય છે પછી સહવાસની પ્રત્યેક પળ મજાનું કારણ ન બનતા સજાનું કારણ બની રહે છે.

એરિક ફ્રોમનાં પુસ્તક ‘The Sane Society’ (શાણો સમાજ)માંથી…

દરેક નવપ્રસ્થાન વખતે માણસનાં મનમાં કંઇક ભયની લાગણી રહે છે; કારણ કે પોતાને વધારે પરીચિત અને સહીસલામત લાગતી સ્થિતિમાંથી એણે નવી ને અજાણી સ્થિતિમાં ઝંપલાવવાનું હોય છે.

વિવેકબુધ્ધિ અવિભાજ્ય છે અને જીવનનાં બધા ક્ષેત્રોમાં તે હોવી જોઇએ. માણસે પ્રકૃતિનું, માનવનું, સમાજનું અને પોતાની જાતનું તટસ્થ જ્ઞાન મેળવવાનું છે. આમાનાં કોઇપણ એક ક્ષેત્ર વિશે માણસ ભમ્રમાં રહે તો એની વિવેકબુધ્ધિ કુંઠીત થાય છે. અને તેથી બીજા ક્ષેત્રોમાં પણ એનો ઉપયોગ રૂંધાય છે. તેથી વિવેકબુધ્ધિએ માણસનાં સમસ્ત જગતને આવરી લેવાનું છે.

માણસનું કૃત્ય ગમે તેવું વિવેકહીન કે અનૈતિક હોય તોયે તેને વાજબી ઠેરવવાની એક અદમ્ય ઇચ્છા માણસની અંદર રહેલી છે.

મૂડીવાદી મૂલ્યોનાં પિરામિડમાં મૂડી શ્રમ કરતાં ઉપરનાં સ્થાને છે. શ્રમ મૂડીનાં હાથમાંનું સાધન છે, નહિં કે મૂડી શ્રમનાં હાથમાંનું.

ભૌતિક સમૃધ્ધિ, રાજકિય અને સામાજિક સ્વતંત્રતા છતાંયે આજે આપણો સમાજ માનસિક સ્વાસ્થયની દ્રષ્ટિએ પહેલાં કરતાં વધુ પછાત છે.

મૂડીવાદી અર્થવ્યવસ્થા વિશે કહ્યું છે: ‘તેને આજે એવા માણસો જોઇએ છે, જેઓ વિશાળ સમૂહમાં ચૂં કે ચાં કર્યા વિના ભળી જાય, ભૌતિક વસ્તુઓનો વધુને વધુ ઉપભોગ કરે, યંત્રવત કામ કર્યા કરે.’ આવા માણસો મૂડીવાદી સમાજમાં ઘર્ષણ વિના બંધબેસતા થઇ જાય છે.

ઉપભોગ એ હવે સાધનને બદલે સાધ્ય બની બેઠું છે… પોતાની બીનજરૂરી વધતી જરૂરિયાતો સંતોષનારા લોકોનો માણસ દાસ બની ગયો છે.

સુખ એટલે દુ:ખનો અભાવ નહિં, પણ હતાશાનો અભાવ.

એક માણસને પોતાની નોકરી ન ગમતી હોય છતાં બેકારીને ભયે તેને તે કરવી પડતી હોય તો તેનાં સમગ્ર વર્તન પર આની અસર પડે છે.

ઐતિહાસિક દ્રષ્ટિએ જોઇએ તો રાજકારણમાં કે તત્વજ્ઞાનમાં, ધર્મમાં કે વિજ્ઞાનમાં બધા ”સાચા” વિચારો મૂળમાં તો લધુમતીનાં જ વિચારો હતાં. જો માણસે વિચારનું મૂલ્ય સંખ્યાનાં ધોરણે આંક્યું હોત, તો આપણે હજી ગુફાઓમાં વસતા હોત.

MISC. અવતરણો…( 2 )

તમે કહો છો એ હું નામંજુર કરૂ છું, પરંતુ તમારા એ કહેવાનાં અધિકારનું હું મૃત્યુ સુધી રક્ષણ કરીશ. – વોલ્તેર

બાળક એ કાંઇ માહિતી ભરવાનું પાત્ર નથી. – રાબેલેઇસ

બાળકો ક્યારેય ગેરકાયદેસર નથી હોતા. ગેરકાયદેસર તેમનાં Mother/Father હોય શકે છે. – લિયોન આર. યાંકવીચ

માણસને ફક્ત સુખી થવું હોત, તો એ સહેલાઇથી થઇ શકત, પરંતુ આપણને તો બીજાઓ કરતાં વધારે સુખી થવું છે, અને એ હંમેશા મુશ્કેલ છે, કારણ કે બીજાઓ જેટલા સુખી હોય એ કરતાં આપણે એને વધારે સુખી કલ્પી લીધેલા હોય છે. – મોતેસ્ક

ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે. – વેદવ્યાસ

દુ:ખમાં આવી પડેલો માણસ પોતાનાં નશીબને દોષ દે છે, પણ પોતાનાં કર્મનાં દોષને એ જોતો નથી. – વિષ્ણુ શર્મા

બાળકો નિર્દોષ હોય છે અને ન્યાયને ચાહે છે, જ્યારે મોટાભાગનાં વડીલો દૃષ્ટ હોય છે અને દયા ચાહતા હોય છે. – જી.કે.ચેસ્ટરસન

‘મા યુવાન થઇ વૃધ્ધ થાય છે પરંતુ તેનાં સંતાન સદા બાળક જ રહે છે.’ – ઇરિચ નોરિશ

દરેક માણસને સફળતા પ્રિય છે, પણ સફળ માણસને બધા લોકો ધિક્કારતા હોય છે. – જોન મૈકનરો (ટેનિસ ખેલાડી)

કોઇ યુવતીનાં દોષ જાણવા હોય તો તેની બહેનપણીઓ સમક્ષ તેનાં વખાણ કરો. – ફ્રેંકલિન

હું એ નથી જાણતો કે સફળતા મેળવવાની સીડી કઇ છે; હા! નિષ્ફળતા મેળવવાની સીડીની ખબર છે: દરેક લોકોને ખુશ રાખવાની ઇચ્છા. – બિલ કોસ્બી

MISC. અવતરણો…( 1 )

સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીનાં આઝાદીની લડત પોતપોતાનાં સિધ્ધાંત મુજબ લડતાં પણ બોઝને અંગત રીતે ગાંધીજી પ્રત્યે આદર હતો. તેમણે તેમનાં વિશે એકવખત (હરિપુરાની મહાસભામાં) કહેલ, ‘હિંદનાં સ્વાતંત્ર્ય માટે એમની ઘણી જ આવશ્યકતા છે. એટલું જ નહિ માનવજાતિનાં ઉધ્ધાર માટે પણ એમની એટલી જ આવશ્યકતા છે.’

હે, પ્રભુ! મહાન કોઇ બીજાને બનાવજે. મને તો બસ નિર્દોષ રાખજે. – કેરોલાઇન મેટિલ્ડા (ડેનમાર્કની રાણી)

જે બીજાઓને સતા ઉપર બેસાડવા માટે નિમિત બને છે (મદદ કરે છે) તેની પોતાની સતાનો નાશ થાય છે. – મેકિયાવેલી

સ્વતંત્રતા અલ્પ હોય ત્યારે બંધિયારપણું લાવે છે; અતિશય હોય ત્યારે અંધાધૂંધી. – બટ્રાંડ રસેલ

જ્યારે બીજા બધા મગજ ગુમાવી રહ્યાં હોય અને દોષનો ટોપલો તારા ઉપર ઢોળી રહ્યાં હોય, ત્યારે તું જો મગજની સમતુલા રાખી શકે; જ્યારે બધા લોકો તારા ઉપર શંકા કરી રહ્યાં હોય, ત્યારે તું જો તારી જાત ઉપરનો વિશ્વાસ ટકાવી શકે અને એની શંકાને પણ નિર્મૂળ કરી શકે, તો આ પૃથ્વી તારી છે; અને વધુ તો શું કહું? પણ મારા પુત્ર! તું સાચા અર્થમાં એક મનુષ્ય બની શકીશ. – રૂડિયાર્ડ કિપલીંગ

આળસ અને અભિમાન આપણી પાસેથી રાજા (સરકાર) કરતાં પણ વધુ દંડ વસુલ કરે છે. – બેન્જામિન ફ્રેંકલિન

અમેરિકન કવિયત્રી માયા એન્જેલુએ તેનાં એક નિબંધમાં લખ્યું છે: ‘યુવાન હોવુ, હોશિયાર હોવું, મહત્વાકાંક્ષી હોવું અને છતાં ગરીબ હોવું, એનાં જેવું ધિક્કારપાત્ર બીજુ કશું નથી.’… બીજુ એક વાક્ય: જીવનની સૌથી મોટી કરૂણતા એ છે કે ‘હું ગરીબ છું’ એવી સભાનતા હોવી તે.

‘હું જ્યારે મહાન માણસોની પાસે જાઉ છું ત્યારે મને તેઓ હંમેશા નાના લાગ્યા છે, પણ ફક્ત ગાંધીજી જ મને એક એવા લાગ્યા છે કે જે નિકટ ગયા પછી પણ મોટા લાગ્યા છે.’ – ડેવિડશન (અમેરિકન શિલ્પકાર)

રશિયન લેખક મેક્સિમ ગોર્કિ કહેતા: ‘આપણે પક્ષીઓની જેમ આકાશમાં ઊડતા શીખ્યા છીએ, આપણને માછલાની જેમ પાણીમાં તરતા આવડ્યું છે, પણ આપણને પૃથ્વી પર કેમ રહેવું/જીવવું એ શીખ્યા નથી.’

રોમન દાર્શનિક લુક્રેશિયસે કહ્યું છે: ‘મૃત્યુનું દ્રાર બંધ નથી કરી દેવામાં આવ્યું, તે તો ભયંકર રૂપમાં ઉઘાડુ જ પડ્યું છે.’ (ટૂંકમાં, માણસ જો પોતાનાં અવળા રાહ નહિ છોડે તો તે મૃત્યુનાં મુખમાં ઝડપાઇ જશે)