ચિંતક + ગણિતશાસ્ત્રી બટ્રાંડ રસેલ સાથેની એક પ્રશ્નોતરી…

તમે શું માનો છો? ધર્મની અસરો ખરાબ થાય છે કે સારી?

રસેલ: હું માનું છું કે ઇતિહાસમાં મોટાભાગની તેની અસરો નુકશાનકારક/ખરાબ થઇ છે… તે ખરાબ થઇ છે તેનું કારણ હું એ માનુ છું કે જેની કોઇ યોગ્ય સાબિતી ન હતી તેમા લોકોએ શ્રધ્ધા રાખવી જ જોઇએ તે મહત્વનું માનાયું. તેથી તેણે બધાની વિચારશક્તિ બગાડી, કેળવણીની પધ્ધતિ બગાડી, અને હું માનુ છું કે સંપૂર્ણ નૈતિક પાખંડ ઊભું કર્યું. ખરેખર તે વાત સત્ય છે કે અસત્ય તે પ્રશ્ન દૂર રાખીને અમુક વસ્તુ માનવી તે સાચુ છે અને અમુક વસ્તુ માનવી તે ખોટું છે એમ ઠરાવ્યું.

શું ધર્મ આજે પણ નુકશાન કરી રહ્યો છે?

રસેલ: આજે પણ એ જ સ્થિતિ છે… હું માનુ છું કે આજનો ધર્મ, સંપ્રદાયમાં સીમિત થયેલો ધર્મ મુખ્યત્વે, પ્રમાણિક વિચારોને રૂંધે છે અને જે વસ્તુઓ બહું મહત્વની નથી તેને મહત્વ આપે છે.

સુખ આપનાર ક્યાં તત્વો છે એમ આપને લાગે છે?

રસેલ: મને લાગે છે કે ચાર સૌથી મહત્વનાં છે. કદાચ તેમાંનું પહેલું છે સ્વાસ્થ્ય. બીજુ, જીવનજરૂરિયાતની તંગી ન રહે તેટલી આવક. ત્રીજુ, સુખી અંગત સંબંધો અને ચોથુ, કરવામાં આવતા કાર્યની સફળતા મળવી એ છે.

સુખ માટે બીજો મહત્વનો Point આવક. તે કેટલું મહત્વ ધરાવે છે?

રસેલ: તેનો આધાર તમે ક્યાં ધોરણથી ટેવાયેલા છો તેનાં ઉપર છે. તમે સામાન્ય રીતે ગરીબ રહેવા ટેવાયેલા હો તો તમારે બહુ મોટી આવકની જરૂર રહેતી નથી. જો તમે ખૂબ શ્રીમંત રહેવાને ટેવાયેલા હો તો બહુ મોટી આવક ન હોય તો દુ:ખ રહે છે. એટલે એ પ્રશ્ન તો તમે કેવી રીતે ટેવાયેલા છો તેનાં પર આધાર રાખે છે.

અણુયુધ્ધ વિશે તમે શું માનો છો?

રસેલ: હું માનુ છું કે એથી એક એવી પરિસ્થિતિ પેદા થાય છે કે જેમાં કોઇપણ વ્યક્તિ ઇચ્છવા જેવું કશું જ ન મેળવી શકે અને આપણાં જીવનમાં જેની કીંમત છે તે બધાનો સર્વનાશ થાય.

શું તમે એમ કહેવા માંગો છો કે તે યુધ્ધમાં એકેય પક્ષે વિજય જેવું કાંઇ ન રહે?

રસેલ: હું એમ કહેવા માંગુ છું કે યુધ્ધને અંતે પશ્ચિમની છાવણીમાં છ માણસો બચ્યાં હોય, ૪ રશિયામાં અને ૪ ચીનમાં બચ્યાં હોય. એટલે પશ્ચિમનાં પક્ષે બે વધુ છે તેથી તેનો વિજય ગણવો હોય તો ગણી શકાય. (પણ તે વિજયમાં કંઇ મજા ન રહે!)

ધારો કે તમને એમ કહેવામાં આવે કે જો તમે થોડા ઓછા બુધ્ધિશાળી હો તો તમે વધારે સુખ મેળવી શકો. તમે આ અંગે શું કહેવા માંગો છો?

રસેલ: ના, ના. હું એ કરૂ જ નહિ. મને થોડી વધારે બુધ્ધિ મળતી હોય તો હું થોડું સુખ જતું કરવા તૈયાર છું. મને તો બુધ્ધિ જ ગમે.

Advertisements

સાહિત્યમાંથી થોડીક વાતો…

‘લેડી ચેટરલીસ લવર’ જેવા પ્રખ્યાત/કુખ્યાત પુસ્તકનો લેખક ડી.એચ.લોરેન્સને બાળપણનો પ્રેમ માત્ર તેની માતા પાસેથી જ મળ્યો હતો. તે એક શિક્ષિકા હતી. મા વિષેનાં ઉલ્લેખમાં લેખકે એકવખત કહેલ: ‘મારી મા જો જીવતી હોત તો હું તેને પ્રેમ કરી શક્યો ન હોત. કારણ કે મા મને એની પાસેથી જવા જ ન દેત.’

માતાઓ! બાળકોને રાજાની જેમ સજાવવાથી શું થશે?

એને માટે દરવાજા ખોલી નાખો, જેથી એ રસ્તા પર, ધૂપ-વર્ષામાં, ધૂળમાં રમી શકે, લોકો સાથે મળી શકે.

ચારે દિશાએથી મધુર સંગીત ગૂંજી રહ્યું છે, એ સંગીત સાથે સૂર મિલાવીને તેને ગાવા દો.

– ‘ગીતાંજલી’ નાં એક કાવ્યનો ભાવાર્થ (રવિન્દ્રનાથ ટાગોર)

પ્રથમ નજરનાં પ્રેમ વિષે Arnold Bennettની પ્રસિધ્ધ નવલકથા ‘The Card’માં એક વાક્ય આવે છે. કથાનાયક ડેન્રી વગર આમંત્રણે ધનિકોની એક પાર્ટીમાં પહોંચી જાય છે. તે પાર્ટીનું આયોજન જે રાજકુમારીએ કર્યું હોય છે તેને જોતા જ: ‘બે વાગે તે તેનાં માટે એક નામ હતી અને બે ને પાંચે તો તેનાં પ્રેમમાં પડી ગયો હતો.’

ભારતનાં યુવાન નાગરિક તરીકે,

ટેકનોલોજી,

મારા દેશ માટેનો પ્રેમ,

અને જ્ઞાનથી સજ્જ થઇને

મને પ્રતીતિ થાય છે કે,

નાનું ધ્યેય એ ગુનો છે.

હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ

અને પસીનો પાડીશ,

એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે,

મૂલ્ય પધ્ધ્તિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને.

– ડો. એ.પી.જે. અબ્દુલકલામ

‘ગરીબાઇને લીધે થતો માણસનો વિનશ, ભૂખમરાને કારણે થતું સ્ત્રીનું અધ:પતન અને શારીરિક તેમજ બૌધિક આધ્યાત્મિક અંધકારમાં ઉદભવતું બાળકોનું પાંગણાપણું. – આ ત્રણ સમસ્યાઓનો ઉકેલ જ્યાં સુધી જડતો નથી, જ્યાં સુધી દુનિયામાં અજ્ઞાન અને નિરાધારતા હાજર છે ત્યાં સુધી આવા પુસ્તકો બિનજરૂરી ગણાશે નહિ.’

– વિશ્વપ્રસિધ્ધ ફ્રેંચ નવલકથા ‘લા’મિઝરાબ્લ'(વિકટર હ્યુગો)ની પ્રસ્તાવનાંમાંથી…

એક પરિચય: યુધિષ્ઠિર સાહની

આજે હું ૫૫ વર્ષનો છું અને મેં લગભગ ૩૦ વર્ષનું દાંપત્યજીવન વિતાવ્યું છે. શું છે મારો અનુભવ?

જ્યારે હું હંસીખુશી સમય પસાર કરવા ઇચ્છુ છું ત્યારે મારી પત્ની ઘરકામ છોડીને મને સાથ ન આપે તો મને અવ્યક્ત ગુસ્સો આવે છે. કામકાજેથી/બહારથી ઘરે આવું છું ને એ લખવા-વાંચવામાં વ્યસ્ત હોય ત્યારે મને એનાં શિક્ષિત હોવા તરફ અણગમો આવે છે. વળી હું જ ઇચ્છુ છું કે મારા મિત્ર-વર્તુળમાં એ શિક્ષિત દેખાય. અમારા મિત્રોની ચર્ચામાં મારા મત વિરૂધ્ધનો એનો મત મને તેનું અજ્ઞાન લાગે છે. તે વધુ બોલે તો વાંધો અને ઓછુ બોલે તેમાં પણ મને વાંધો.

આ ઉપરથી હું કહી શકું કે આદર્શ ભારતીય નારી વિશે કલ્પના કરવી મારા માટે અશક્ય છે. હા, આદર્શ ભારતીય પુરૂષની કલ્પના જરૂર કરી શકું છું, કારણ કે આદર્શ ભારતીય પુરૂષ હોવા માટે તેને ન તો સુંદર હોવું જરૂરી છે, ન શિક્ષિત હોવું કે ન સભ્ય હોવું.

આ વિચારો છે પ્રસિધ્ધ લેખક યુધિષ્ઠિર સાહની(૧૯૧૩-૧૯૭૩)નાં. આપણે તેમને ખાસ તો તેમની અભિનિત ફિલ્મોને કારણે બલરાજ સાહની નામથી જાણીએ છીએ. (ફિલ્મો: ઇન્સાફ, ધરતી કે લાલ, દો બીઘા જમીન, વક્ત, એક ફૂલ દો માલી, દો રાસ્તે, પવિત્ર પાપી, ગરમ હવા વગેરે..) હકીકત એ છે કે તેઓ બીજુ બધુ પછી હતાં, પહેલા લેખક હતાં.

કઇ ભાષાનાં લેખક?

ઇ.સ. ૧૯૩૩માં લાહોરની સરકારી કોલેજમાંથી English વિષય સાથે એમ.એ. કર્યું. એ સમયે તેઓ તેમનાં લેખો અંગ્રેજીમાં લખતાં. એ પછી ઇ.સ. ૧૯૩૫થી હિન્દીમાં લખવાનું શરૂ કર્યું અને પ્રસિધ્ધ થયાં. એ પછી રવિન્દ્રનાથ ટાગોરની સલાહથી માતૃભાષા પંજાબીમાં લખવાનું શરૂ કર્યું. આ દરેક ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અને વિધ્વતા હતાં.

લંડન જઇને B.B.C.ની હિન્દી સર્વિસમાં રેડિયો એનાઉન્સર તરીકે પણ રહ્યાં. એ પછી ભારત પરત ફર્યાં અને અભિનેતા તરીકે સફળ થયાં.

એક વખતનાં પરિચયથી એમનાંથી કાયમ માટે પ્રભાવિત થઇ જવાય એવું ચુંબકિય વ્યક્તિત્વ ધરાવનાર બલરાજ સાહનીનું સૌથી પ્રસિધ્ધ પુસ્તક છે: Balraj Sahani: An Autobiography.

અતિ સજ્જન એવા આ લેખકે સામાજિક કાર્યકર્તા તરીકે પોતાની જાતને જાહેર કર્યા વગર અનેક ગરીબો, દર્દીઓ અને ખાસ તો આર્થિક રીતે નબળા વિધાર્થીઓને સદાય મદદ કરતાં રહેતા હતાં.