Chandrakant Bakshi – ‘ગોધરાકાંડ: ગુજરાત વિરૂધ્ધ સેક્યુલર તાલિબાન’ પુસ્તકમાં લેખોમાંથી…

Chandrakant Bakshiનાં પોતાનાં જ મૌલિક Quotation એમનાં અસંખ્ય લેખોમાંથી અસંખ્ય પ્રમાણમાં મળી શકે છે. જેનું ચયન એમનાં પુસ્તક આદાન / પ્રદાન / અન્ડરલાઇનમાં ઉપલબ્ધ છે.

ગોધરાકાંડ દરમિયાન અને એ પછી એ વિષયક એમનાં લેખો વિવિધ સામયિક / મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલ, જે એમનાં ‘ગોધરાકાંડ: ગુજરાત વિરૂધ્ધ સેક્યુલર તાલિબાન’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. એમાંનાં માત્ર બે જ લેખોમાંથી કેટલાક અંશો…

હિન્દુસ્તાનનું મુસ્લીમ નેતૃત્વ દેશનું સૌથી જડ, મુઢ, કટ્ટર, દ્રષ્ટિહીન નેતૃત્વ છે.

… એક એવો વર્ગ ઊભો થયો છે, હિંદુ-વિરોધી, હિંદુ-દ્રેષી, મુસ્લીમતરફી, સ્યુડો-સેક્યુલારિસ્ટો અથવા દંભી-જુઠ્ઠા ધર્મનિરપેક્ષીઓનો, જેમને એક આંખ બંધ કરીને સત્ય જોવાની બદદાનતી આદત પડી ગઇ છે.

મહારાષ્ટ્રનાં લધુમતીપંચનાં અધ્યક્ષ એમ.એ.ખંડવાણી મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ડો. પી.સી.એલેકઝાંડરને સાત સભ્યોનાં પ્રતિનિધિમંડળ સાથે મળે છે અને ગુજરાતનાં ગામડાંમાં ફરી રહેલા ઝનૂની ટોળાથી લધુમતીને બચાવવા માટે ખાસ વિનંતી કરે છે! મહારાષ્ટ્રનાં રાજ્યપાલનો ગુજરાતનાં મુખ્યમંત્રી પર કેટલો અધિકાર છે? ગુજરાત એ મહારાષ્ટ્રનું પરગણું છે? ગાંઘીજીનાં ગુજરાતી સાર્થ જોડણીકોશમાં વપરાયેલો શબ્દ વાપરીએ તો ‘ઘેલચંદ્રો’નાં ગાડાં ભરાય છે?

શાંતિની અપીલો બહાર પાડનારાઓની કમી નથી, એવાં લેભાગુ લોકો પૂરી પ્રજાને અપીલ કરી રહ્યાં છે શાંત રહેવાની, જે લોકોનાં ઘરોમાં એમનાં પુત્રપુત્રીઓ પણ એમની વાત માનતા નથી!

જ્યારે હું મારા બાળકની જલીને કડક થઇ ગયેલી લાશ જોઉં છું, જ્યારે હું મારા બાળકનાં અડધા જલી ગયેલા વાળ જોઉં છું, જ્યારે હું મારા બાળકની ઝુલસીને, ફદફદી ગયેલી નિશ્ચેતન આંગળીઓ જોઉં છું ત્યારે મારા માટે સત્ય, અહિંસા, સદભાવ, સદાચાર જેવા શબ્દો બેમાની જુઠ્ઠા, અસંબધ્ધ બની જાય છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ રહેતું નથી, ક્ષમા બાયલાઓનું દૂષણ બની જાય છે.

એપ્રિલ ૪, ૨૦૦૨નાં ‘Times of India’માં કે. સુબ્રમણ્યમ લખે છે: ‘ગુજરાતમાં ધર્મની હત્યા થઇ છે… જો રામ આજે જીવતા હોત તો એમણે એમનું ગાંડીવ ગુજરાતનાં અસુર નેતાઓ સામે વાપર્યુ હોત!’ આ લેખકને ભાન નથી કે ગાંડીવ ધનુષ્ય અર્જુનનં હતું, રામનું નહીં! ગુજરાતનાં સ્કુલી બચ્ચાને આ ખબર છે, પણ ‘Times of India’નાં વરિષ્ઠ પત્રકાર ગુજરાતને ફટકારતા રહેવાનાં નશામાં આ વિષે પૂર્ણત: બે-ખબર છે.

અંગ્રેજી છાપાંઓનાં પત્રકારો હજી બાલકાંડમાં છે, અંગ્રેજી ટી.વી.ની સુંવાળી ઉદધોષિકાઓને, જેમ નાના બાળકને પોતાનાં પેશાબમાં છબછબિયાં કરવાની મજા પડી જાય એમ, ગુજરાત વિષે, આપણી પિતૃભૂમિ ગુજરાત વિષે, અનાપશનાપ બકવાસ કરતા રહેવાની મઝા પડી ગઇ છે.

હિન્દુસ્તાનમાં લધુમતીઓનું ભાવિ બહુમતીની શુભકામના (ગુડવીલ) ઉપર નિર્ભર છે, એવું આર.એસ.એસ.નું વિધાન તદન નિર્દોષ અને વાસ્તવિક છે, અને એ વિષે પણ આટલો ઉગ્ર વિવાદ થઇ શકે છે એ હિન્દુસ્તાની લોકશાહીની બલિહારી છે!… દુનિયાનાં દરેક મોટા દેશોમાં આપણે જ્યાં પણ રહીએ, ત્યાંની બહુમતી પ્રજા સાથે હળીમળીને રહેવું જોઇએ એ શીખવવાની વસ્તુ નથી.

ક્લોઝ-અપ: વસ્તુઓ છે એ રીતે આપણે જોતા નથી. આપણે જેવા છીએ એ રીતે આપણે વસ્તુઓને જોઇએ છીએ. – યહુદી ધર્મગ્રંથ તાલમુડ

Advertisements

‘દિલની વાતો’માંથી દિલની વાત… Rasik Zaveri

Rasik Zaveriનું આ સુપ્રસિધ્ધ પુસ્તક એ સમયમાં Best Seller રહી ચૂક્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃતિ ઓક્ટો.૧૯૭૦માં પ્રગટ થયાં પછી તૂરત જ બીજી આવૃતિ નવેમ્બર.૧૯૭૦માં પ્રગટ થઇ હતી. તેમાંથી દિલની એક વાત.

ચોપાટીની રેતીમાં ભેળપૂરીવાળા બેસે છે ત્યાં ફરતો હતો. ભીખમંગાની જમાતની એક નાની પાંચ-છ વરસની છોડી ગભરાટમાં રેતીમાં કાંઇક ખોળ્યા કરે. ચોધાર આંસુએ રડે. કરગરે કે, ‘મારી આઠ આની પડી ગઇ છે. રેતીમાં જડતી નથી. મહેરબાની કરીને કોઇ શોધવા લાગો. નહિ મળે તો મારી અમ્મા મને મારી નાખશે!.’

કોઇ એની વાત કાને ના ધરે. કોઇ વળી મજાક કરે, ‘આ લોકો બડા બદમાશ હોય છે. જુઓ કેવો ઢોંગ કરે છે આવડી અમથી છોડી?’

મને મારી પૌત્રી યાદ આવી ગઇ. એ સાચા-ખોટા આંસુ પાડે છે ને બે-પાંચ રૂપિયા પલકવારમાં વટલાઇ જાય છે. છોકરીનાં આંસુ જોઇને મનમાં અજંપો થઇ આવ્યો. ખીસામાંથી આઠ આના કાઢીને આપી દીધા. થયું, ‘સાચુ બોલે છે કે ઢોંગ કરે છે એનો ન્યાય નથી કરવો. પણ એ વખતે એની આંખમાં જે રાહતનો છૂટકારો દીઠો, આનંદની જે એક ઝલક દીઠી એથી મન તૃપ્ત થઇ ગયું.

પાસે એક ભૈયાજી ઊભા હતાં. કહે, ‘બાબુજી તમે ખૂબ સારૂ કર્યું. છોકરીનાં નિસાસાને પંપાળીને સાચા ધરમનું કામ કર્યું. ભગવાનનાં ચોપડે એની નોંધ રહેશે.

આવા આવા નાના નજીવા, દિલનો અવાજ સાંભળીને કરેલા કામો કેવી શાંતિ બક્ષી જાય છે, આપણાં મનને!…

… અને ગોરખપુરનાં સંતનાં શબ્દો ફરી યાદ આવે છે: ‘આનંદનો ખજાનો તો આપણા દીલની સંદૂકમાં જ પડ્યો છે. એને ખોલવાની કૂંચી જો સાંપડે તો બસ આનંદ આનંદ વરતાઇ રહે!’