: અમારો નર્મદા કિનારાનો પ્રવાસ :

ઘણાં સમયથી પરિવાર સાથે બહાર જવાનું થયું ન હોવાથી ૩-૪ દિવસ માટે બહાર જવાની ઇચ્છા હતી. મારા બંને બાળકોને શાળામાં રજા આવતી હોય ત્યારે જવું એ રીતનું આયોજન કરવું પડે તેમ હતું. એ રીતે સાતમ-આઠમની રજાઓ આવતી હોય ૩-૪ દિવસ માટે જોયું ન હોય તેવા ક્યાં સ્થળે જઇ શકાય એ જાણ્યું અને જવાનું મનોમન નક્કિ કર્યું.

આ વાતની ઘરમાં જાણ કરતાં જ પપ્પાએ કહ્યું, ‘આવા વરસાદી વાતાવરણમાં હેરાન નહિ થાવ?’ જે હોય તે પણ મેં જે જાણ કરી એ મારો પ્રસ્તાવ ન હતો, નિર્ણય હતો એ જાણીને મમ્મી બોલ્યા, ‘જતા આવોને, અહિંનું તો થઇ રહેશે.’.. અહિં એવું શું હોય છે કે થઇ રહેશે એમ કહેવું પડે, તો તે એ કે મમ્મીથી ખાસ ઘરકામ થઇ શકે નહિ ને ઉપરથી ૯૫-૯૬ વર્ષનાં મોટાબાની દેખભાળનું કામ.

આખરે જવું જ એમ નક્કિ થયું. ધર્મવીર ભારતીની એક લધુનવલ ‘સૂરજ કા સાતવાં ઘોડા’માં એક વાક્ય આવે છે: ‘આપણાં જેવા લોકો જે ન તો ઉચ્ચવર્ગનાં છે કે ન તો નિમ્મવર્ગનાં, ત્યાં રૂઢિઓ, પરંપરાઓ, મર્યાદાઓ એવી જડ, બંધિયાર/વિષાક્ત છે કે એમનાં બધાથી આપણાં બધા ઉપર એવો પ્રભાવ પડે છે કે આપણે યંત્રમાત્ર રહી જઇએ છીએ. આપણી અંદરનાં ઉદાર અને ઊંચા સ્વપ્નો ખત્મ થઇ જાય છે અને એક અજબ પ્રકારની જડ મૂઢતા આપણાં ઉપર છવાઇ જાય છે.’ શહેરમાં રહેતા એક આમઆદમીને પણ આવા જ અનુભવો થતાં હોય છે. એટલે જ ક્યારેક આ રીતે પ્રવાસ કરવો જરૂરી બની જતો હોય છે.

પપ્પાથી એકવખત ગમે તે રીતે ‘હા’ પડાઇ ગઇ એટલે મન-કર્મથી એમનો મને પૂરતો સહયોગ. એ બદલ એમનો આભાર. આ ‘પપ્પા’ શબ્દ વિશે એક આડવાત.

વર્ષો પહેલા અમદાવાદમાં જ્યારે કાપડમીલોનો સુવર્ણકાળ હતો એ સમયે એ ક્ષેત્રે સારાભાઇનું નામ અગ્રેસર હતું. તેઓ યુવાન વયે અવસાન પામ્યા. એમનો પુત્ર અંબાલાલ સારાભાઇ વાણી/વર્તન/વિચારોમાં આધુનિક અને સુધારાવાદી હતાં. એ કાળમાં સ્ત્રીઓ જાહેરજીવનમાં આવતી નહિ, ઘરમાં લાજ(ઘુંઘટ) કાઢીને ફરતી. પતિની હાજરીમાં પણ માથે ઓઢેલુ રાખતી. એ વખતે અંબાલાલે ઘરની સ્ત્રીઓને ઘુંઘટપ્રથાથી મુક્ત કરી. પત્નીને બધે સાથે રાખવાનું ચાલુ કર્યું, ઉચ્ચશિક્ષણ આપવાની વ્યવ્સ્થા કરી. એ વખતે ગુજરાતમાં બાળકો એમનાં મા-બાપને બા/બાપુજી, કાકા/કાકી, મોટાભાઇ/મોટીબેન, આતા/આતી વગેરે જેવા સંબોધનોથી બોલાવતા. ત્યારે અંબાલાલે એમનાં બાળકોને ‘મમ્મી/પપ્પા’ કહેવાનું શરૂ કરાવ્યું. આજે ‘મા/બાપ’ માટે આ શબ્દો સર્વસામાન્ય થઇ ગયા છે. એ અંબાલાલનાં પિતાનું નામ સારાભાઇ એમની અટક તરીકે પ્રચલિત બની ગઇ. એમનો પુત્ર વિક્રમ સારાભાઇ એ સમયે વૈજ્ઞાનિક થયાં કે જ્યારે આ દેશને એની સર્વાધિક જરૂરિયાત હતી. ભવિષ્યમાં એમનાં માર્ગદર્શન હેઠળ અનેક વૈજ્ઞાનિકો તૈયાર થયાં.

ફરી પાછા મૂળ વિષય ઉપર. આ રજાઓ દરમિયાન પ્રવાસ આયોજન કરતી હોય તેવી પેકેજ-ટૂર કરનારી અનેક એજન્સીઓ અહીં રાજકોટમાં છે. એમાનાં એક પાસે ટિકિટો બુક કરાવી લીધી. પ્રવાસની તારીખને હજી ૨૦ દિવસની વાર હોય બેઠક માટે પસંદગી મળી. દરેક પ્રવાસ-ટિકિટ પાછળ સામાન્ય નિયમો લખેલા હોય છે. આ ટિકિટમાં એક નવો નિયમ હતો: ‘અમારો ધંધો એક સર્વિસ પ્રકારનો ધંધો છે. સંજોગોવશાત મુશ્કેલીઓ પડી શકે છે. એથી કોમળ, ક્રોધી/ગુસ્સાવાળી પ્રકૃતિ ધરાવતા લોકોએ સમજી વિચારીને પ્રવાસમાં જોડાવું.’ દરેક ટિકિટ પર સીટ નંબર લખવામાં આવ્યા હતાં. પ્રવાસ સ્થળ હતું: નર્મદા/સરદાર સરોવર ડેમ અને નર્મદા કિનારા બાજુનો પ્રવાસ. સાથે સાથે રસ્તામાં આવતા સ્થળો જોતા જવાનાં હતાં.

નિર્ધારીત દિવસે બસમાં જવા માટે અમે નીકળ્યાં ત્યારે મમ્મી-પપ્પા મેઇન-રોડ સુધી સાથે ચાલતાં આવ્યાં. બસ આવવાની હતી તે સ્થળે રીક્ષા દ્રારા થોડા વહેલા પહોંચી ગયાં. ભારતીય સમય મુજબ (અડધી કલાક મોડી) બસ આવતા જ અમે સૌ તેમાં ચડી બેઠાં. આમ તો આવી ટૂર-એજન્સીઓ સમય પાલનમાં ચુસ્ત હોય છે, પણ વચ્ચે વચ્ચે લેવા પડતાં મુસાફરોમાંથી ૪-૫ થોડા-થોડા મોડા પહોંચતા હોય એમને નાછૂટકે થોડુ મોડુ થઇ જતું હોય છે. આખરે બસ પ્રવાસ-પ્રસ્થાન કરતી ઉપડી ખરી! બાળકોએ બારી પાસેની જગ્યા પર પહેલેથી જ ગોઠવાઇ ગયા હતાં.

થોડી જ વારમાં શહેરની બહાર નીકળી ગયાં. બસની બારીએથી બહારનાં દ્રશ્યો જોઇને થયું કે,

“આભ અડે જ્યાં દૂર જમીને,
કોણ છૂપાયું ત્યાં?
રોજ ઇશારે એય બોલાવે:
આવ, અલ્યા અહીંયા!” (પ્રહલાદ પારેખ)

૩-૪ દિવસ તો ૩-૪ દિવસ,

“દિવસ રાતનાં પૈંડાવાળી જીવતરની આ ઘંટી,
એક હાથમાં ક્ષણનાં દાણા અવર હાથથી દળવું.” (મણિલાલ પટેલ)

જેવી રોજીંદી ઘટમાળમાંથી છુટ્યા ખરા!

પહેલાની સરખામણીએ માર્ગો વધુ સારા બન્યાં હોવાથી અને Bus-Driver પણ સારો હોવાથી બસ શાંતિથી જઇ રહી હતી. Highway પરની Hotelમાં વચ્ચે-વચ્ચે Fresh થતાં-થતાં જતાં-જતાં અમે સૌ પ્રથમ પહોંચ્યા એ સ્થળ એટલે ધર્મજ ગામનું જલારામ મંદિર. મંદિરમાં જ તમામ પ્રકારની સગવડો હોવાથી બધા Refresh થયાં અને ચા-પાણી-નાસ્તો પતાવ્યા. થોડીવાર ત્યાં રોકાઇને ત્યાંથી આગળ જવા નીકળ્યા.

થોડીકજ વારમાં બીજુ એક સ્થળ આવ્યું: બોરસદ પાસેનું સૂર્યમંદિર. આ મંદિર પણ પેલા જલારામ મંદિરની જેમ શાંત જગ્યાએ છે, સુંદર છે, મોટી જગ્યામાં છે અને ખાસ તો સ્વચ્છ છે. કહેવાય છે કે ઇ.સ. ૧૯૭૨માં બોરસદનાં એક ગૃહસ્થ રમણભાઇ વકીલને ત્યાં એમનો પાંચ માસનો બાળક એકવખત અચાનક જ સ્વયંભૂ બોલ્યો, “સૂર્યમંદિર બનાવો” (ગુજરાતીમાં ?) અને એ સાંભળીને રમણભાઇ વકીલે આ મંદિરની સ્થાપના કરી. મંદિરનાં પ્રવેશદ્રાર ઉપર ભગવાન સૂર્યદેવ એમનાં સાત ઘોડાવાળા રથમાં બિરાજમાન હોય તેવું સુંદર બાંધકામ છે જે બહારથી જ જોઇ શકાય છે. અમે એનાં ફોટા પાડ્યા અને મંદિરની અંદર ગયા. અંદર કેટલાક ધાર્મિક અને વ્રતકથાઓનાં પુસ્તકો મળતા હતાં. ભાવના એ જોવા લાગી. મને ડર લાગ્યો કે ક્યાંક વ્રતકથાની કોઇ બુક ખરીદશે તો? સારૂ થયું કે ન લીધી.

બસમાં અમારી સાથે રહેલો એક પરિવાર એમની માનસિક રીતે Abnornal અને શારીરિક અપંગ એવી દિકરીને મહામહેનતે મંદિરમાં દર્શન કરાવવા લઇ જઇ રહ્યો હતો. લોઢાનાં ચણા ચાવવા જેવું મુશ્કેલ કાર્ય આ પરિવાર હસતાં મોંએ કરતો હતો. આલ્બર્તો મોરાવિયા (ઇટલી)ની નવલકથા “Conjugal Live” માં એક વાક્ય આવે છે: ‘સુખ આપણને સ્વાર્થી બનાવવા ઉપરાંત ઘણીવાર અવિચારી અને છીછરા પણ બનાવી દે છે.’, પણ સલામને પાત્ર આ સુખી??? પરિવારમાં એનો અભાવ જોવા મળતો હતો. બાકી તો આવી દિકરીની દેખભાળ રાખવામાં માત્ર હિંમત જ નહિ, સંસ્કાર પણ જોઇએ.

ફરી પાછા બધા બસમાં ગોઠવાયા. હવે બસમાં એકબીજાથી તદન અજાણ્યા મુસાફરો અલ્પજીવી ઓળખાણો કાઢીને હળીમળી રહ્યાં હતાં. આગળ વધતા-વધતા અમે વડોદરાનાં કાયાવરોહણ નામનાં એક સ્થળે આવ્યાં. આ સુંદર અને મોકળી જગ્યાએ અમે ફર્યા અને જમ્યા. આયોજકોએ રસોઇયા બહેનો સાથે જ રાખી હતી. એમની ફટાફટ બનાવેલી સરસ રસોઇ નિંરાતે જમીને અમે ત્યાં રહેલી દુકાનો પાસે ગયાં. કોઇપણ પ્રવાસ અંગેનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપણને એક બુકમાંથી મળી આવે છે: આપણી બેંક પાસબુકમાંથી. મતલબ એ કે પ્રવાસની મજા ત્યારે જ આવે જ્યારે ભરેલ ખિસ્સે જઇએ અને ખાલી ખિસ્સે પરત ફરીએ. હરવા-ફરવાનો અને મોજશોખનો શોખિન એવો હોલિવુડનો અભિનેતા એરોલ ફલિન તો ત્યાં સુધી કહેતો કે, ‘હું જો દસ હજાર પાઉન્ડ મૂકીને મરી જઇશ તો મને લાગ્યા કરશે કે મારી જિંદગી નકામી ગઇ છે. આટલા બધા રૂપિયા બચી જ કેવી રીતે શકે?’ બાળકોનાં રમકડાંઓથી માંડીને ખાણીપીણી બધી જ વસ્તુઓ આવા પ્રવાસસ્થળે મોંઘી જ હોય છે. એ વખતે લોચીયાવેડા કરવામાં સમજદારી જરૂર છે, મજા નહિ.

અહીંથી અમે સીધા જ નારેશ્વર(વડોદરા)નાં મંદિરે પહોંચ્યા. મંદિર થોડુ અસ્વચ્છ લાગ્યું. ખૂબ ભીડ હતી. મંદિરની નીચેની તરફ નદીઘાટ હતો ત્યાં ગયાં, પણ ત્યાં પણ મજા ન આવી. ફરીપાછા મંદિરનાં ચોગાનમાં આવ્યાં. આ દેશની વસતી જ એટલી છે કે અહીં એકધારૂ બે મિનિટ ગધેડો ભૂંકે તો પણ તે જોવા લોકોનાં ટોળા ભેગા થઇ જતાં હોય છે, એટલે અહીંની ભીડ જોઇને આશ્ચ્રર્ય થયું નહિં.

હવે અમે લોકો કબીરવડ જોવા નીકળ્યા. એ માટે અમે નર્મદા નદીનાં કિનારે પહોંચ્યા. અહીં નર્મદા નદી ખૂબ વિશાળ અને જળરાશિથી ભરપૂર દેખાય છે. કબીરવડ નદીની સામે પાર છે. સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી પણ નર્મદા પાસે વામન દેખાય એવી આ નદીની ઊંડાઇ પણ વધારે છે. ઘેટા-બકરાની જેમ માણસો ભરીને જતી દેશી બોટ દ્રારા ત્યાં જઇ શકાય છે. અમારામાંનાં ઘણાં લોકોએ આ જોઇને કબીરવડ જોવા જવાનું માંડી વાળ્યું. એકાદ-દોઢ કિલોમીટરનાં બોટિંગ પછી અમે સામે પાર આવ્યા. ત્યાંથી અડધો કિલોમીટર ચાલતા જતાં કબીરવડની છાંયામાં પહોંચ્યા.

કહેવાય છે કે સંત કબીરે થોડો સમય અહીં નિવાસ કર્યો હતો, એ દરમિયાન વડનું દાતણ કરીને તેની ચીરી ત્યાં નાખેલી તેમાંથી આ વિશાળ વડલો ઊગી નીકળ્યો છે. એ પરથી આ વડ ‘કબીરવડ’ કહેવાયો. અતિવિશાળ એવા આ વડનું મુખ્ય થડ ક્યું છે એ ખબર જ ન પડે, કેમ કે વડની વડવાઇઓ વધીને જમીનમાં ખૂંપી જતાં ત્યાંથી નવું થડ બને છે. એવા સેંકડો થડ દ્રારા આ વડનો વિસ્તાર વધતો જ જાય છે. એથી જ તો કહેવાયું છે કે,

“વિખ્યાત તારૂ સૂણી પાવનકારી નામ, આવ્યા સુદૂર થકી સંત કબીરદાસ;
ને જ્યાં પવિત્ર અતિ શુધ્ધ સ્વરૂપ દીઠું, પોતાનાથી યે પુનિતનાં પદમાં પડાયું.
ને બીજ એક સ્મૃતિચિહ્ન સ્વરૂપ રોપ્યું, જે માત! તે નિજ પયે તરૂને ઉછેર્યું;
કેવું થયું વન મહા વટવૃક્ષનું તે! જ્યાં આશરો જગતથી જન તપ્ત પામે.
‘હું એક છું બહુ બનુ,’ કહ્યું ઇશ્વરે જ્યાં, આ વિશ્વસર્જન થયું સહસા જ તો ત્યાં;
એવું બન્યું કાયમ હશે શીખવે તું માતા! પ્રત્યક્ષ પાઠ દઇને વટવૃક્ષથી આ.”

જમીન પાસે પહોંચતી વડવાઇ જમીનમાં આરોપાય જાય તે માટે ગુજરાત રાજ્ય વનવિકાસ નિગમ દ્રારા તેને પતરાનાં કવચથી મઢીને તેમાં કુદરતી ખાતર ભરી દેવામાં આવે છે. જમીનમાં આરોપાયા પછી સ્વપોષણ મેળવતી થયાં પછી કવચ કાઢી નાખવામાં આવે છે. મુખ્ય થડ ક્યું? તેનો એક જ્ગ્યાએ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ મુખ્ય થડ પ્રમાણમાં નાનુ લાગે છે.

અહીં-તહીં કૂદાકૂદ કરતાં પરદાદાઓને બાળકોએ હાથોહાથ કાચા કેળા ખવડાવ્યા. પહેલેથી જ ધરાઇ ગયેલા હોવાથી ઇચ્છા હોય તો જ આ વાંદરાઓ કેળા ખાતા હતાં. હવે મૂળસ્થાને જવા માટે અમે ફરી દેશીબોટમાં ગોઠવાયા. માર્ગમાં હાલકડોલક થતાં મને પણ થોડો ડર લાગ્યો.

એશિયા, અમેરિકા, આફ્રિકા પાસે આવી વિશાળ નદીઓ છે, યુરોપ પાસે નથી, પણ યુરોપી દેશો એમની નદીઓને શુધ્ધ રાખીને એમનાં પર ગર્વ લે છે. આપણી મહી અને નર્મદા પણ સ્વચ્છ છે, કારણ કે એનો જળપ્રવાહ સતત વહેતો હોવાથી તમામ અશુધ્ધિઓ ધોવાય જાય છે.

ગંગા, યમુના નદી આજે પહેલા જેવી શુધ્ધ રહી નથી, કેમ કે આ નદીઓનાં કિનારે મોટા-મોટા શહેરો-ઉધૉગો વિકસ્યા છે. નર્મદા કિનારે આવો કોઇ વિકાસ ન થવાથી એ આજે પણ શુધ્ધ/પવિત્ર રહી શકી છે. એનું કારણ એ છે કે વિંધ્યાચળ અને સાતપુડા પર્વતમાળા વચ્ચે વહેતી આ નર્મદાનો મધ્યપ્રદેશનાં અમરકંટક ગામનાં એક કુંડમાંથી ઉદભવ થાય છે. અમરકંટક ગામ (૩૦૦૦ ફૂટ ઊંચાઇ) આ પર્વતમાળાનો એક પર્વત, મૈકલ પર્વત (૩૫૦૦ ફૂટ ઊંચાઇ) ઉપર આવેલું છે. મૈકલ નામનાં ઋષિએ આ પર્વત ઉપર તપ કર્યુ હતું તેથી મૈકલ પર્વત કહેવાય છે. એ ઉદભવસ્થાનથી સાગરસંગમ સુધી નર્મદાની લંબાઇ 1335 કિલોમીટર છે. ગુજરાતમાં પ્રવેશે ત્યાં સુધીમાં એ 1095 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂકી હોય છે. જન્મસ્થાનથી 1120 કિલોમીટર સુધી એ ઘનઘોર જંગલોમાંથી નીકળે છે. એટલે જ તેને કિનારે કોઇ શહેર વિકસ્યા નથી. માર્ગમાં નર્મદામાં બીજી ૪૧ નદીઓ (પહેલા ૫૯ હતી) મળીને એમની જળરાશિ ઠલવે છે. એથી જ એનું પાણી સીધુ જ પી શકાય એવું શુધ્ધ છે.

કહેવાયું છે કે શિવજટામાંથી નીકળતી ગંગા બ્રહ્માજીને પ્રિય છે, સરસ્વતી નદી વિષ્ણુને પ્રિય છે અને નર્મદા ભગવાન શિવજીને પ્રિય છે અને એથી જ નર્મદા કિનારે સર્વાધિક શિવમંદિરો સ્થપાયા છે. એમાંનું એક શિવમંદિર એટલે ભરૂચ પાસેનું નિલકંઠ મહાદેવનું મંદિર. સારી એવી જગ્યામાં ફેલાયેલ આ મંદિરમાં સાંજે મેદાનનાં બાકડે બેસવાથી શાંતિનો અનુભવ થયો. અહીં રહેવા માટેની સગવડ છે. અલગથી રૂમ જોઇતો હોય તો તેની પણ વ્યવસ્થા છે. આજુબાજુમાં કોઇ હોટલની સગવડ નથી.

બીજા દિવસની સવારે અમે લોકો નર્મદા ડેમ જોવા જવા માટે નીકળ્યા. Main Highway છોડ્યા પછી ઘણાં અંતરે આ ડેમ આવેલો છે. રસ્તાની એકબાજુ હરિયાળી અને બીજી બાજુ દૂર સેંકડો કિલોમીટર લાંબી વિંધ્યાચળ પર્વતમાળા દેખાય છે. રસ્તામાં પ્રકૃતિની ગોદમાં સમાયેલુ નાનું એવું સૂરપાણેશ્વરનું મંદિર આવે છે. વિશ્રામ કરવા માટે અમે થોડો સમય ત્યાં રોકાયા. સામેનાં દ્રશ્યો જોઇને મન પ્રફૂલ્લિત થયું. જો કે એક જૈન મુનિએ કહ્યું છે તેમ મન ઉદાસ અને વિષાદમય હોય તો આવા દ્રશ્યો પણ દુ:ખદાયી લાગે છે. મારૂ માનવું છે કે, `આપણને આપણી જાત સાથે એકલા રહેવામાં કેટલી/કેવી મજા આવે છે એનાં ઉપર આપણાં ઘણાંખરાં સુખનો આધાર રહેલો હોય છે.’

પહેલાનાં વખતમાં જ્યારે ખેતીકામ આધારિત જીવન વ્યવસ્થા ગોઠવાયેલી હતી ત્યારે ખેતઉત્પાદન લઇ લીધા બાદ લોકોને ૪-૬ મહિનાનો અવકાશ મળતો. સાદુ-સરળ જીવન જીવનારા અને તકલીફોને ન ગણકારતા આવા લોકો ગામે ગામથી ૪૦-૫૦ દિવસની નર્મદા પરિક્રમાએ (સંધ) નીકળતા અને રાત પડે ત્યાં રોકાઇ જતાં અને એ રીતે લોકો કુદરતની સમીપ રહેતા. જ્યારે આજે આપણે આધુનિક જીવનશૈલીમાં એટલી બધી ખરાબ રીતે ઓતપ્રોત થઇ ગયાં છીએ કે આપણે સુંદર, પવિત્ર અને સીધાસાદા જીવન, આધ્યાત્મિક શુધ્ધિ અને દર્શનને ભૂલી ગયાં છીએ, નથી ભૂલ્યા તો જાણીબુઝીને ભૂલાવી દઇએ છીએ.

સૂરપાણેશ્વર મંદિરેથી ડેમ જોવા માટે ઊંચા-નીચા રસ્તેથી જતાં-જતાં અમે લોકો કેવડિયા કોલોની પહોંચ્યા અને ત્યારબાદ થોડીવાર પછી બધા નર્મદા-ડેમ સામે ઊભા હતાં. સાઇટ-સીન માટેની જગ્યાએથી ગાઇડ બધી માહિતી આપતો હતો.

સરદાર પટેલનાં વિચારબીજમાંથી જન્મેલ આ યોજનાનું ઉદઘાટન નહેરૂએ કર્યુ હતું અને પછી યોજના ખોરંભે પડી ગઇ હતી. એ પછી ચીમનભાઇ પટેલનાં અથાક પ્રયત્નોથી ફરી પાછી આ યોજના આગળ વઘતી થઇ. વિશ્વવનાં કોઇપણ ડેમ કરતાં આ ડેમનો પાયો સૌથી ઊંડો છે. કોંક્રિટ એટલું બધુ વપરાયું છે કે આખી દુનિયા ફરતે એકમાર્ગીય રસ્તો બનાવી શકાય. ૬૮ કરોડ સિમેન્ટની થેલીઓ વપરાય ચૂકી છે અને હજુ પૂર્ણ ઊંચાઇ સુધીનું બાંધકામ તો બાકી જ છે. વિજ-ઉત્પાદન માટે મૂકાયેલા એક એક ટર્બાઇનની કીંમત ૧૫૦ કરોડ રૂપિયા છે. આ વિધુતમથક નીચે જમીનમાં ૨૫૦ ફૂટ નીચે છે અને એ જે ટનલમાં છે તે બે બસ પસાર થઇ જાય તેવડી છે. આ બધુ વિજ-ઉત્પાદન ડેમ ઓવરફ્લો થાય ત્યારે કે એ બાજુ પાણી છોડવામાં આવે ત્યારે થાય એવી વ્યવસ્થા છે. એ સિવાય ભરેલ ડેમનું પાણી નહેર દ્રારા જયાં જાય છે ત્યાં મોટા સરોવર રચાય છે. એ સરોવરમાંથી ગુજરાત તરફ આવતી કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે જ વિજ-ઉત્પાદન થાય છે. કોઇ રાજકિય વિવાદ ઊભો કરીને ગુજરાતને મળનારૂ પાણી બંધ કરી દેવુ હોય તો સામે વિજ-ઉત્પાદન બંધ થઇ જાય છે, જે નુકશાની મોટી છે. એટલે કે ગુજરાતને મળતી કેનાલમાં સતત પાણી છોડતા જ રહેવું પડે એવી આવી સુંદર યોજના ઘડનાર દીર્ઘદ્રષ્ટા સરદાર ખરેખર આદરપાત્ર છે.

ડેમ જોઇને અમે લોકો પાવગઢ આવ્યાં. અગાઉ બે વખત રોપ-વેમાં ગયા હોવાથી આ વખતે પગથિયેથી ગયાં. આશરે ૨૦૦૦-૨૨૦૦ પગથિયાનો આ પર્વત હું અને મોટો પર્લ (૧૧ વર્ષ) સડસડાટ ચડી ગયાં. ભાવના ધીરે-ઘીરે ચડતી આવતી હતી. નાનો પણ થોડો વજનદાર એવો દીપ તેડી લેવાનું કહેતો રહ્યો. કોઇએ ન તેડતા આખરે એ પણ આપમેળે પહોંચ્યો ખરો! પર્યટકોની ભીડ અને જરૂરિયાત કરતાં અનેકગણી દુકાનોને કારણે અસ્વચ્છતા વધારે જોવા મળી. એ દ્રષ્ટિએ જુનાગઢનો ગિરનાર નિર્મળ છે.

પાવગઢ ચડતી વખતે કરૂણા જગાડે એવું એક દ્રશ્ય એ હતું કે ઉપર માલસામાન લઇ જવા માટે ગધેડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપર ઓછામાં ઓછુ ૫૦-૬૦ કિલો વજન લાદેલા આ ગધેડાઓ વારંવાર ઉપર-નીચે જતા-આવતા રહે છે. આ બધુ એ એટલા માટે કરતાં હોય છે કે કોઇપણ સંજોગોમાં જીવતા રહેવા માટેની એમની ઇચ્છા પ્રબળ હોય છે. આપણે માણસને બનતા વર્ષો લાગતા હોય છે, તૂટતા ક્ષણમાત્ર. મારૂ માનવું છે કે માણસનાં થાકનું એક મુખ્ય કારણ માનસિક હોય છે, શ્રમનું સ્થાન પછીનું છે. આથી જ આપણે શ્વાસ દ્રારા જે ઓક્સિજન લઇએ છીએ તેમાંથી ૭૦ ટકા ઓક્સિજન એકલું આપણું મગજ વાપરતુ હોય છે અને બાકીનાં ૩૦ ટકા આખુ શરીર વાપરે છે. મગજ શાંત રાખીને હવે પૂરૂ કરીશું?

પાવાગઢ પાસે ધાબાડુંગરી નામની જગ્યા છે ત્યાં સમય હોય તો જવાલાયક છે. થોડા અંતરે ટૂવા-ટીંબાનાં ગરમ પાણીનાં કુંડ છે. મને હતું કે પાણી નવસેકુ ગરમ હશે એથી હું સીધો જ કુંડની જગ્યાએ ચાલ્યો પણ પાણી એટલુ ગરમ કે કૂદકા મારવા પડ્યા. મુખ્ય કુંડનું પાણી વધારે ગરમ કે ત્યાં ખુલ્લા પગે એકધારૂ ૧૫-૨૦ સેકંડ ઊભા રહેવું મુશ્કેલ થઇ પડે. થોડી જ વારમાં ત્યાંથી નીકળી ગયાં. સાંજ ડાકોરમાં પસાર કરી અને આખરે લાંબી મુસાફરી બાદ રાજકોટ પરત ફર્યા ત્યારે રાત્રીનાં બે વાગી ગયા હતાં.

નર્મદા નદીમાં જઇને મળતી ૪૧ નદીઓની માફક અમે લોકો રાજકોટની પ્રજા સાથે ભળી ગયાં.

Advertisements

“The Monk Who Sold His Ferrari” – રોબિન શર્માનાં પુસ્તકમાંથી કેટલાક અંશો…

મહાનતાનું મૂલ્ય સારા નરસા દરેક વિચારની જવાબદારી સ્વીકારવામાં રહેલું છે.

મનુષ્યનાં વિચારો જ તેમની સૃષ્ટિનું સર્જન કરે છે.મનુષ્યનાં વિચારો જો સમૃધ્ધ હશે તો તેમનાં જીવનની ગુણવતા સારી જ હોવાની, અર્થાત તેનાં સમૃધ્ધ વિચારોને અનુરૂપ જ તેમનાં જીવનની ગુણવતા હોવાની!

જેમ કાણું પડવાથી ટ્યુબમાંની હવા બહાર નીકળવા માંડે છે તેમ ચિંતાથી મનની ઊર્જા અને શક્તિ સ્ત્રવી જાય છે. તમારી બધી જ સર્જનશક્તિ, આશાવાદ અને ગતિશીલતા વહી જતાં તમે થાકી જાવ છો.

તારા વિચારો કે તારા જીવનને સુધારવા માટે તારી પાસે સમય નથી એમ કહેવાનો અર્થ એ થાય કે ગાડી ચલાવવામાં તું એટલો વ્યસ્ત છો કે પેટ્રોલ ભરાવવા પેટ્રોલ પંપ જવા માટે તારી પાસે સમય નથી.

ચિંતાજનક વિચાર એક ભ્રુણ જેવો છે. એ શરૂઆતમાં તો તદન નજીવો લાગે છે પણ ક્રમશ: વધતો વધતો શીઘ્ર એ પોતાનું જીવન ધારણ કરી લે છે.

કોઇપણ અનુભવ — જાહેરમાં ભાષણ આપવાનો હોય, બોસ સામે ઊભા રહી પગાર વધારવાની વાત કહેવાનો હોય, તડકામાં સરોવર તરવાનો હોય કે પછી ચાંદની રાતે સમુદ્રકિનારે ટહેલવાનો હોય — જન્મજાત સુખદાયી કે દુ:ખદાયી હોતો નથી. તમારી સોચ તેને તેમ બનાવે છે.

યોજના ઘડવામાં અસફળ હોવું એ અસફળ થવાની યોજના ઘડવા બરાબર છે.

અમુક લોકો પાસે સ્વતંત્રતા તો હોય છે પણ તેમની પાસે આઝાદી હોતી નથી.