QUOTATION-03

જેમ હજારો ગાયમાંથી વાછરડું પોતાની માતાને શોધી લે છે, પૂર્વે કરેલા કર્મો એનાં કર્તાને શોધી લે છે. – મહાભારત

પાપ કરતી વખતે જ સજાનાં બી વવાઇ જાય છે. – હેસિયોડ

રાજકારણી એ એવી વ્યક્તિ છે જે તમને નર્કમાં જવાનું એવી રીતે કહે છે કે તમે ત્યાં જવાની તૈયારી કરવા માંડો. – Chachie Stinneff

શુભ જ આચરતા રહેવા કરતાં અનિષ્ઠથી વિમુખ થવામાં વધારે પ્રયાસની જરૂર પડતી હોય છે. – ઓલિવર ગોલ્ડસ્મિથની ‘The Vikar of Wakefieldમાંથી.

વિપતી આવે ત્યારે ભાઇનાં ઘરે ન દોડી જવું. દૂરનાં ભાઇ કરતાં નજીકનો મિત્ર સારો. – ઇ.સ.પૂર્વે પાંચમી સદીનાં એક ધર્મપુસ્તકમાંથી.

વિખ્યાત મનોવિજ્ઞાની વિલિયમ જેમ્સે કહ્યું છે: ‘માણસ પોતાનાં મનનું વલણ બદલીને પોતાનાં સમગ્ર જીવનમાં પરિવર્તન લાવી શકે છે.’

ભાગ્યની બાબતમાં જો કોઇ વસ્તુ નક્કિ હોય તો તે એ છે કે, ભાગ્ય બદલાતુ જ રહે છે. – બી.એફ.સ્કીનર

વિજ્ઞાન અને બૌધ ધર્મ વચ્ચે ઘણું સામ્ય છે, કારણ કે બંને વાસ્તવિકતાની શોધ ચલાવી રહ્યાં છે. બંનેનું ધ્યેય માનવજાતની પીડા ઓછી કરવાનું છે. – દલાઇ લામા

શિક્ષણ એ કાંઇ વિવિધ જાણકારીઓનો ઢગલો નથી. – સ્વામી વિવેકાનંદ

એક સૂફી સંત પાસે એક માણસ દિક્ષા લેવા માટે ગયો. સૂફી સંતે પૂછ્યું, ‘કોઇને પ્રેમ કર્યો છે? શાદી કરી છે?’ પેલા માણસે ના કહી. સૂફીએ કહ્યું, ‘જેણે કદી કોઇને પ્રેમ કર્યો નથી એ ઇશ્વરને પ્રેમ કઇ રીતે કરી શકે? શાદી કર, પ્રેમ કર, અને પછી મારી પાસે આવ.’

શિક્ષણનો એક હેતુ એવો છે કે તેની સહાયથી મનુષ્ય કંઇક ધંધો કરી શકે, પણ આ હેતુ ગૌણ છે. મુખ્ય હેતુ તો એ જ છે કે તે આપણાં અંત:કરણને ઉન્નત બનાવે. – ગ્લેડસ્ટન

છરીનો ઉપયોગ થોડાને મારે છે, બુધ્ધિનો દુરૂપયોગ ઘણાંને મારે છે. – અખંડઆનંદ મે-૨૦૧૦

જ્ઞાની કે તેજસ્વી માણસને દુ:ખ પોતાની શક્તિઓની મર્યાદાઓનું હોય છે. પોતાની જે શક્તિ છે તેની લોકોને કદર નથી એનો રંજ નથી હોતો. – કન્ફ્યૂશિયસ

હું ઓછુ વિચારૂ છું માટે વધારે સમજી શકુ છું. – રશિયન નર્તક નિજીન્સકીની ડાયરીમાંથી

માણસની વિશિષ્ટતા કાંઇ તેની હોશિયારીમાં નથી, પરંતુ પોતાની જાતને સતત સુધારતા રહેવામાં છે. – હેન્રી બર્ગસન

It’s not enouth to be busy. The question is: What are we busy about? (માણસ ફક્ત કામ જ કર્યા કરે એટલું જ જરૂરી નથી. એ ક્યું કામ કરે છે એ પણ જરૂરી હોય છે) – હેન્રી થોરો

હું હંમેશા કોઇપણ વસ્તુને માટે બદલામાં આપવામાં આવતા સમયની દ્રષ્ટિએ એ વસ્તુનું મૂલ્યાંકન કરૂ છું. – હેન્રી થોરો

વિશ્વપ્રસિધ્ધ કવિ વડર્ઝવર્થને એક નવી કવિયત્રીએ પોતે લખેલી કવિતા બતાવતા કહ્યું, ‘આ કાવ્ય પાછળ મેં છ કલાક ગાળ્યા છે.’
વડર્ઝવર્થએ ઉતર આપ્યો, ‘મેં તેનાં ઉપર છ અઠવાડિયા ગાળ્યા હોત.’

Advertisements

QUOTATION-02

આપણે બધા પહેલા દરજ્જાનાં ઇન્સાન સ્વરૂપે જન્મેલા હોઇએ છીએ, અને પછી બીજાઓની નકલ કરવામાં કાયમ માટે બીજા દરજ્જાનાં ઇન્સાન બનીને આપણું જીવન જીવી નાખીએ છીએ… – વૈસ બીવિસ (ઓસ્ટ્રેલિયન/અમેરિકન લેખક)

સફળતા એક યાત્રા છે, અંતિમ લક્ષય નહીં… – વૈસ બીવિસ

હું બાળક હતો ત્યાં સુધી મને ખબર નહોતી કે મારે મોટા થઇને શું કરવાનું છે. મારો અભ્યાસ પૂરો થયો ત્યાં સુધી હું આ અંગે સ્પષ્ટ નહોતો. પણ એક વાત હું કહી શકું કે મેં હંમેશા એક સારા મનુષ્ય બનવાની કોશિશ કરી છે… – લોર્ડ સ્વરાજ પોલ (બ્રિટિશ ઉધોગપતિ)

તમે જે ચૂકવો છો તેને કિંમત કહેવાય, તમે જે પામો છો તેને મૂલ્ય કહેવાય… – વોરન બફેટ

જો તમે તમારૂ પોતાનું આયોજન નહીં કરો તો કોઇ બીજાએ કરેલ આયોજનમાં તમારે ગોઠવાઇ જવું પડશે… – અમેરિકન કહેવત

જે કંપનીઓ ખર્ચાઓ બચાવવા જાહેરખબરનાં ખર્ચ ઉપર કાપ મૂકે છે તેમની સરખામણી હું સમય બચાવવા માટે ઘડિયાળ બંધ કરી દેનાર સાથે કરૂ છું… – એરિક હેફનર

તમે આજે છો ત્યાં જ ઊભા રહેવું હોય તો દોડતા રહો… – ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’માં રાણીનું પાત્ર કહે છે – લુઇ કેરોલ

આ નગરમાં સહુથી બળવાન માણસ હું છું, મેં એક મોટી શોધ કરી છે. એ શોધ આ છે: જગતમાં સહુથી બળવાન એ છે કે જે માત્ર એકલો ઊભો છે. (ટૂંકમાં સંજોગો સાથે સમાધાન કરવાને બદલે એકલે હાથે લડે છે)… – નોર્વેજિયન લેખક હેન્રી ઇબ્સનની ‘એન એનિમી ઓફ ઘ પીપલ’માંથી.
(પૂરક નોંધ: આ નાટક ઉપરથી સત્યજીત રે એ ‘ગણશત્રુ’ ફિલ્મ બનાવી હતી.

મોતનો એક બનાવ

આજથી આઠ વર્ષ પહેલાનો આ બનાવ છે. વ્યવસાયિક કામનાં કારણોસર સાંજનાં સમયે મારે એક ભાઇને મળવા જવાનું હતું. હું એમને મળવા ગયો અને સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં મેં મારૂ પતાવ્યું. આ સ્થળ મારા રહેણાંકથી દૂરનાં અંતરે આવેલ હતું અને ત્યાંથી થોડે જ દૂર મારો એક મિત્ર રહેતો હતો. મેં તેને કહી રાખ્યું હતું કે, `હું એ બાજુ આવવાનો છું અને સાંજે તારે ત્યાં આવીશ.’ એ કારણે એ ઘરે જ હોવાથી હવે હું તેનાં ઘરે જવા માટે નીકળ્યો. તેનાં Apartment નીચે મારૂ વાહન Park કરીને હું ઉપર બીજા માળે ગયો અને DoorBell દબાવી.

ભાભીએ બારણું ખોલ્યું અને મને જોતા જ બોલ્યા, ‘બેસ, એ નીચે ચોકમાં જ ગયા છે, હું એમને બોલાવી લાવું છું.’

મેં કહ્યું: ‘રહેવા દો, હું જ ત્યાં જાઉં છું.’ આમ કહીને નીચે ઉતરીને હું એની Societyનાં ચોકમાં ગયો. એ ચોક પાસે એક શેરી પડતી હતી તે શેરીમાં રહેલા એક ઓટલા ઉપર મારો મિત્ર અને તેનાં/મારા જેવડા બીજા છ સાથીદારો બેઠાં હતાં.

સમવયસ્કો સાથે મજાક-મસ્તી, ફિલ્મી અને લોકલ સમાચારો વગેરે વાતો ચાલી રહી હતી. હું મારા મિત્ર સિવાય કોઇને ઓળખતો ન હોવાથી એમની વાતો સાંભળતો હતો. અમારામાંથી ત્રણ-ચાર જણાં અહીં સૌરાષ્ટ્રમાં આશરે ૬૦% યુવાનો ખાય છે એવી કાચી-૩૫ કે જેને ફાકી (૧૩૫ નંબર તંબાકુ, સોપારીનું ચુના સાથેનું મિશ્રણ) કહે છે એ ખાઇ રહ્યાં હતાં. મસ્તી માહોલ બરાબરનો જામ્યો હતો.

થોડીવાર થઇ હશે ત્યાં એ જ વિસ્તારમાં રહેતો અમારા જેવડો બીજો એક યુવાન ત્યાંથી પસાર થયો. તેણે અમને લોકોને જોયા અને અમારી સાથે એ પણ ઊભો રહી ગયો અને વાતો કરતાં કરતાં ભળી ગયો. અમારામાંનો એક ફાકી ખાઇ રહ્યો હતો તેને એ આવનારે કહ્યું, ‘એઇઇય, લાવ તો જરાક.’

ખાનારે કહ્યું, ‘તેજ ફાકી છે, તારૂ કામ નહીં, તારાથી ના ખવાય.’
સાંભળીને પેલો બોલી ઉઠ્યો, ‘એ વાતમાં દમ નહીં, આપણે ગમે એવી ખાઇ દઇએ. બાકી તારે ના ખવડાવવી હોય તો ચોખ્ખી ના પાડી દે.’

ફાકી ખાઇ રહ્યો હતો તેણે કહ્યું, ‘એમ ત્યારે? તો જોઇએ હવે. હું બાજુની દુકાનમાંથી તેજ ફાકી મંગાવું છું, ત્રેવડ હોય તો આખી ખાઇ દેજે.’

પેલાએ કહ્યું, ‘મંગાવ, અને ખાઇ દીધી તો શું?’

ફાકી મંગાવનાર બોલ્યો, ‘અમારી સામે આખી ખાઇ દેવાની અને આ સામેનાં Apartmentની અગાસીએ (૫ચાસેક પગથિયા) જઇને ફરી પાછો અહીં આવી બતાવે એટલે આ ૧૦૦ રૂપિયા તારા.’
મને થયું આવા અખતરા ના હોય, પણ મારે પણ જોવું હતું કે હવે શું થાય છે? અને આમ પણ મને ત્યાં મિત્ર સિવાય ઓળખનાર કોઇ ના હોવાથી મારે જે થાય તે જોવાનું જ હતું.

થોડીવારમાં જ ફાકી મંગાવવામાં આવી. પેલો ખાઇ પણ ગયો અને અગાસીએ પણ જઇ આવ્યો. ત્યાંથી અમને બોલાવ્યા, ફરી નીચે ઉતરી ગયો અને અમારી પાસે આવીને સ્વસ્થતાથી વાતો કરવા લાગ્યો.

એકાદ બે જણાં આશ્ર્ચર્યમાં પડી ગયાં. મને થયું કે, ‘આ પણ બાકી જબરો ખેલાડી નીકળ્યો.’

પણ આ શું ???

પાંચ જ મિનિટ પછી એ અચાનક જ ત્યાં ઊભા-ઊભા જ પડી ગયો. પડ્યો એવી રીતે કે અમે લોકો જે ઓટલા ઉપર બેઠાં હતાં ત્યાં તેની સાથે એનું માથુ જોરદાર રીતે અથડાયું….. એ ત્યાં જ તત્કાળ મૃત્યુ પામ્યો.

હવે શું ??

બધા જ સ્તબ્ધ થઇ ગયાં અને ભાગ્યા. હું પણ. મારા મિત્રને મેં કહ્યું, ‘કઇ બાજુ ?’

મિત્ર બોલ્યો, ‘શાંતિથી મારી સાથે ચાલતો આવ.’ બધા જ છૂટાછવાયા નીકળી ગયા. અમે બંને થોડે જ દૂર એકાંત જગ્યાએ જઇ ઊભા. મિત્રએ કહ્યું, ‘ચાલ મારા ઘરે અને સમજી લે કે કાંઇ જ બન્યું નથી, કોઇ જ વાત નહીં, બરાબર ?’

થોડીવાર પછી અમે બંને તેનાં ઘરે બેઠાં-બેઠાં ભાભીએ બનાવી રાખેલ જ્યુશ પીતા હતાં. બનાવ સ્થળે થોડા લોકો ભેગા થઇ ગયાં હતાં. થોડી જ વારમાં ભાભી ઘરની બહાર ગયાં અને થોડી વારમાં જ ફરી અંદર આવીને કહેવા લાગ્યાં, ‘આપણી સોસાયટીનાં ચોકમાં એક યુવાન હમણાં જ મરી ગયો, તમને ખબર છે?’

મારો મિત્ર બોલ્યો, ‘હશે, હાર્ટ-એટેક આવી ગયો લાગે છે. સાચી તો કાલે ખબર પડે!’

બીજા દિવસે હું તેને મળ્યો ત્યારે તેણે મને કહ્યું, ‘હજુ સુધી તો ખાસ વાંધો નથી આવ્યો પણ જો મરનારનાં સંબંધીઓએ પોલિસ-કેસ કર્યો તો આપણે જેટલા ત્યાં હતાં એ બધા લેવાદેવા વગરનાં મુશ્કેલીમાં મૂકાઇ જવાનાં છીએ.
એ પછી બે-ત્રણ દિવસ સુધીમાં એ બનાવ પર પડદો પડી ગયો. આ બે-ત્રણ દિવસનાં માનસિક ઉચાટ પછી આખરે બનાવ સ્થળે રહેલા અમે બધાએ રાહતનો શ્વાસ લીધો.

કહેવાયું છે કે કાળ માટે કોઇ સ્વજન કે પ્રિય નથી, કાળને કોઇ માટે દ્રેષ કે ઈર્ષા નથી. એ તો પોતાનું કામ કરતો જ રહે છે અને આપણે જોતા રહી જઇએ છીએ. પણ અહીં તો સ્પષ્ટ હતું કે મોતની પસંદગી મરનારની પોતાની જ હતી. આર્થર કોનન ડોયલનું ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સ કહે છે, ‘મારા વિચારો, મારૂ મગજ એ જ મારૂ અસ્તિત્વ છે, બાકીનું શરીર તો પૂરવણી માત્ર છે.’ માણસ જ્યારે એની વિવેકબુધ્ધિ નેવે મૂકે છે ત્યારે આવા પરિણામ પણ આવી શકે છે.

આ બનાવ માટે ન તો મારો મિત્ર જવાબદાર હતો કે ન તો હું. બીજાઓ કદાચ આ બનાવ ભૂલી પણ ગયા હશે, હું નથી ભૂલી શક્યો, કેમ કે માનવજીવન જેટલું અમૂલ્ય બીજુ શું હોય શકે ? અને એથી જ ક્યારેક થઇ આવે છે કે આ બનાવ વખતે હું ત્યાં શાં માટે હતો ? આવા બધા લોકોની વચ્ચે શાં માટે હતો ?

Natural Love-Story : ‘PAUL & VIRGINI’ વિશે થોડુક…

ફ્રાંસનો પ્રસિધ્ધ નવલકથાકાર બેરેનાદે દ સેંપિયર (Bernard de Saint Pierre)એ એક નવલકથા લખી છે: પાલ & વિર્જિની. ઇ.સ. ૧૭૮૭માં પ્રથમ વખત પ્રકાશિત થયેલ આ વિશ્વપ્રસિધ્ધ અમર પ્રેમકથામાં પ્રેમી પાલનું નામ એક સંત મહાત્મા ઉપરથી રખાયું છે તો પ્રેમિકા વિર્જિનીનો અર્થ થાય છે- ‘પવિત્રતાની દેવી’.

નવલકથામાં વાર્તાતત્વ જેવું ખાસ કાંઇ નથી, પણ લેખકે એમાં જે પ્રકૃતિવર્ણન કર્યું છે એ જ આ કથાને વિશ્વપ્રસિધ્ધ બનાવે છે. એવું લાગે છે કે જાણે કોઇ પ્રકૃતિ-નિબંધ કે કવિતા વાંચી રહ્યાં છીએ.

કુદરત વચ્ચે રહીને પ્રાકૃતિક જીવન જીવતા પ્રેમી-પ્રેમિકા, એમની માતાઓ, દાસ-દાસીઓ બધા એમનાં વર્તમાન જીવનથી ખૂબ જ સંતુષ્ઠ હોય છે. પાલ-વિર્જિની બંને બાળપણથી જ સાથે રહીને મોટા થયા છે. એકવખત સારા ભવિષ્યની આશામાં વિર્જિનીને શહેરમાં ફઇને ત્યાં મોકલી દેવામાં આવે છે. અનિચ્છાએ ગયેલી વિર્જિની શહેરી જીવનને અનુકૂળ થઇ શકતી નથી. કથાનાં અંતમાં એ માતા પાસે (પ્રકૃતિ પાસે) આવે છે ત્યારે પ્રકૃતિનાં પ્રકોપથી દરિયાઇ તોફાનમાં તેનું મૃત્યુ થાય છે. એ પછી તેની યાદમાં તેનો પ્રેમી પાલ, બંનેની માતાઓ, દાસ-દાસીઓ બધા જ સમયાંતરે ટૂંકાગાળામાં મૃત્યુ પામે છે. કથાનો દુ:ખદ અંત આવે છે.

કુદરતનાં વર્ણનો સાથે કથામાં કહેવાયુ છે:

ભૂતકાળની મુશ્કેલીઓને કારણે વર્તમાનમાં ગભરાતા રહેવું અયોગ્ય છે.

ભવિષ્યનાં કલ્પિત આનંદથી કે વર્તમાનનાં ક્ષણિક લાભથી ઉતેજીત/આંદોલિત થવું ઉચિત નથી

જીવનમાં સુખ-દુ:ખ રાત-દિવસ સમાન હોય છે. જે દુ:ખથી ગભરાય છે એ જીવનથી ગભરાય છે.

મૃગતૃષ્ણા પાછળ દોડવું એ જળનાં એવા પરપોટા જેવું છે ખડક સાથે અથડાઇને ક્ષણેક્ષણે નાશ પામે છે.

કાંઇ ન હોવા છતાં જરૂરિયાત બધુ જ કરાવે છે. દુનિયામાં જે કાંઇ આવિષ્કાર થયાં છે એ એવા લોકો દ્રારા થયાં છે જેમણે જરૂરિયાતને મહસૂસ કરી છે વગેરે, વગેરે…

આ જ લેખકે ભારત ઉપર પણ બે પુસ્તકો લખ્યા છે જેમાંનું એક ‘સુરતનું કોફીહાઉસ’ છે.

પ્રખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેઇન જ્યારે મોરિશસ યાત્રા પર હતાં ત્યારે કહેલ, ‘મોરિશસમાં બે જ પુસ્તકો વંચાય છે. ‘બાઇબલ’ અને ‘પાલ & વિર્જિની’. એમની આ નવલકથા વાંચીને તેનાંથી પ્રભાવિત થઇને ટોલ્સ્ટોયએ એક વાર્તાસંગ્રહ લખેલ. આ જ ‘પાલ & વિર્જિની’ વાંચીને નેપોલિયન બોનાપોર્ટએ સેંપિયરને પત્ર લખીને પૂછાવેલ કે હવે પછી ‘પાલ & વિર્જિની’ જેવું બીજુ પુસ્તક ક્યારે લખો છો ?