મોતનો એક બનાવ

આજથી આઠ વર્ષ પહેલાનો આ બનાવ છે. વ્યવસાયિક કામનાં કારણોસર સાંજનાં સમયે મારે એક ભાઇને મળવા જવાનું હતું. હું એમને મળવા ગયો અને સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં મેં મારૂ પતાવ્યું. આ સ્થળ મારા રહેણાંકથી દૂરનાં અંતરે આવેલ હતું અને ત્યાંથી થોડે જ દૂર મારો એક મિત્ર રહેતો હતો. મેં તેને કહી રાખ્યું હતું કે, `હું એ બાજુ આવવાનો છું અને સાંજે તારે ત્યાં આવીશ.’ એ કારણે એ ઘરે જ હોવાથી હવે હું તેનાં ઘરે જવા માટે નીકળ્યો. તેનાં Apartment નીચે મારૂ વાહન Park કરીને હું ઉપર બીજા માળે ગયો અને DoorBell દબાવી.

ભાભીએ બારણું ખોલ્યું અને મને જોતા જ બોલ્યા, ‘બેસ, એ નીચે ચોકમાં જ ગયા છે, હું એમને બોલાવી લાવું છું.’

મેં કહ્યું: ‘રહેવા દો, હું જ ત્યાં જાઉં છું.’ આમ કહીને નીચે ઉતરીને હું એની Societyનાં ચોકમાં ગયો. એ ચોક પાસે એક શેરી પડતી હતી તે શેરીમાં રહેલા એક ઓટલા ઉપર મારો મિત્ર અને તેનાં/મારા જેવડા બીજા છ સાથીદારો બેઠાં હતાં.

સમવયસ્કો સાથે મજાક-મસ્તી, ફિલ્મી અને લોકલ સમાચારો વગેરે વાતો ચાલી રહી હતી. હું મારા મિત્ર સિવાય કોઇને ઓળખતો ન હોવાથી એમની વાતો સાંભળતો હતો. અમારામાંથી ત્રણ-ચાર જણાં અહીં સૌરાષ્ટ્રમાં આશરે ૬૦% યુવાનો ખાય છે એવી કાચી-૩૫ કે જેને ફાકી (૧૩૫ નંબર તંબાકુ, સોપારીનું ચુના સાથેનું મિશ્રણ) કહે છે એ ખાઇ રહ્યાં હતાં. મસ્તી માહોલ બરાબરનો જામ્યો હતો.

થોડીવાર થઇ હશે ત્યાં એ જ વિસ્તારમાં રહેતો અમારા જેવડો બીજો એક યુવાન ત્યાંથી પસાર થયો. તેણે અમને લોકોને જોયા અને અમારી સાથે એ પણ ઊભો રહી ગયો અને વાતો કરતાં કરતાં ભળી ગયો. અમારામાંનો એક ફાકી ખાઇ રહ્યો હતો તેને એ આવનારે કહ્યું, ‘એઇઇય, લાવ તો જરાક.’

ખાનારે કહ્યું, ‘તેજ ફાકી છે, તારૂ કામ નહીં, તારાથી ના ખવાય.’
સાંભળીને પેલો બોલી ઉઠ્યો, ‘એ વાતમાં દમ નહીં, આપણે ગમે એવી ખાઇ દઇએ. બાકી તારે ના ખવડાવવી હોય તો ચોખ્ખી ના પાડી દે.’

ફાકી ખાઇ રહ્યો હતો તેણે કહ્યું, ‘એમ ત્યારે? તો જોઇએ હવે. હું બાજુની દુકાનમાંથી તેજ ફાકી મંગાવું છું, ત્રેવડ હોય તો આખી ખાઇ દેજે.’

પેલાએ કહ્યું, ‘મંગાવ, અને ખાઇ દીધી તો શું?’

ફાકી મંગાવનાર બોલ્યો, ‘અમારી સામે આખી ખાઇ દેવાની અને આ સામેનાં Apartmentની અગાસીએ (૫ચાસેક પગથિયા) જઇને ફરી પાછો અહીં આવી બતાવે એટલે આ ૧૦૦ રૂપિયા તારા.’
મને થયું આવા અખતરા ના હોય, પણ મારે પણ જોવું હતું કે હવે શું થાય છે? અને આમ પણ મને ત્યાં મિત્ર સિવાય ઓળખનાર કોઇ ના હોવાથી મારે જે થાય તે જોવાનું જ હતું.

થોડીવારમાં જ ફાકી મંગાવવામાં આવી. પેલો ખાઇ પણ ગયો અને અગાસીએ પણ જઇ આવ્યો. ત્યાંથી અમને બોલાવ્યા, ફરી નીચે ઉતરી ગયો અને અમારી પાસે આવીને સ્વસ્થતાથી વાતો કરવા લાગ્યો.

એકાદ બે જણાં આશ્ર્ચર્યમાં પડી ગયાં. મને થયું કે, ‘આ પણ બાકી જબરો ખેલાડી નીકળ્યો.’

પણ આ શું ???

પાંચ જ મિનિટ પછી એ અચાનક જ ત્યાં ઊભા-ઊભા જ પડી ગયો. પડ્યો એવી રીતે કે અમે લોકો જે ઓટલા ઉપર બેઠાં હતાં ત્યાં તેની સાથે એનું માથુ જોરદાર રીતે અથડાયું….. એ ત્યાં જ તત્કાળ મૃત્યુ પામ્યો.

હવે શું ??

બધા જ સ્તબ્ધ થઇ ગયાં અને ભાગ્યા. હું પણ. મારા મિત્રને મેં કહ્યું, ‘કઇ બાજુ ?’

મિત્ર બોલ્યો, ‘શાંતિથી મારી સાથે ચાલતો આવ.’ બધા જ છૂટાછવાયા નીકળી ગયા. અમે બંને થોડે જ દૂર એકાંત જગ્યાએ જઇ ઊભા. મિત્રએ કહ્યું, ‘ચાલ મારા ઘરે અને સમજી લે કે કાંઇ જ બન્યું નથી, કોઇ જ વાત નહીં, બરાબર ?’

થોડીવાર પછી અમે બંને તેનાં ઘરે બેઠાં-બેઠાં ભાભીએ બનાવી રાખેલ જ્યુશ પીતા હતાં. બનાવ સ્થળે થોડા લોકો ભેગા થઇ ગયાં હતાં. થોડી જ વારમાં ભાભી ઘરની બહાર ગયાં અને થોડી વારમાં જ ફરી અંદર આવીને કહેવા લાગ્યાં, ‘આપણી સોસાયટીનાં ચોકમાં એક યુવાન હમણાં જ મરી ગયો, તમને ખબર છે?’

મારો મિત્ર બોલ્યો, ‘હશે, હાર્ટ-એટેક આવી ગયો લાગે છે. સાચી તો કાલે ખબર પડે!’

બીજા દિવસે હું તેને મળ્યો ત્યારે તેણે મને કહ્યું, ‘હજુ સુધી તો ખાસ વાંધો નથી આવ્યો પણ જો મરનારનાં સંબંધીઓએ પોલિસ-કેસ કર્યો તો આપણે જેટલા ત્યાં હતાં એ બધા લેવાદેવા વગરનાં મુશ્કેલીમાં મૂકાઇ જવાનાં છીએ.
એ પછી બે-ત્રણ દિવસ સુધીમાં એ બનાવ પર પડદો પડી ગયો. આ બે-ત્રણ દિવસનાં માનસિક ઉચાટ પછી આખરે બનાવ સ્થળે રહેલા અમે બધાએ રાહતનો શ્વાસ લીધો.

કહેવાયું છે કે કાળ માટે કોઇ સ્વજન કે પ્રિય નથી, કાળને કોઇ માટે દ્રેષ કે ઈર્ષા નથી. એ તો પોતાનું કામ કરતો જ રહે છે અને આપણે જોતા રહી જઇએ છીએ. પણ અહીં તો સ્પષ્ટ હતું કે મોતની પસંદગી મરનારની પોતાની જ હતી. આર્થર કોનન ડોયલનું ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સ કહે છે, ‘મારા વિચારો, મારૂ મગજ એ જ મારૂ અસ્તિત્વ છે, બાકીનું શરીર તો પૂરવણી માત્ર છે.’ માણસ જ્યારે એની વિવેકબુધ્ધિ નેવે મૂકે છે ત્યારે આવા પરિણામ પણ આવી શકે છે.

આ બનાવ માટે ન તો મારો મિત્ર જવાબદાર હતો કે ન તો હું. બીજાઓ કદાચ આ બનાવ ભૂલી પણ ગયા હશે, હું નથી ભૂલી શક્યો, કેમ કે માનવજીવન જેટલું અમૂલ્ય બીજુ શું હોય શકે ? અને એથી જ ક્યારેક થઇ આવે છે કે આ બનાવ વખતે હું ત્યાં શાં માટે હતો ? આવા બધા લોકોની વચ્ચે શાં માટે હતો ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s