ટાગોરની “રવિન્દ્રનિબંધમાલા”માંથી એક અંશ…

વિપુલ ભારતવર્ષનાં વિરાટ જનસમાજમાં બીજા એક વર્ગનાં લોકો છે જેઓ જપ, તપ, ઘ્યાન ધારણા કરવા ખાતર માણસનો ત્યાગ કરીને, દારિદ્રય અને દુ:ખનાં હાથમાં સંસારને છોડી દઇને ચાલ્યા જાય છે, એ અસંખ્ય ઉદાસીન મંડળીનાં મુક્તકામીઓને અન્ન તો તેમણે પૂરૂ પાડ્યું છે, જેમને એ લોકો મોહગ્રસ્ત અને સંસારાક્ત માને છે.

એકવખત કોઇ એક ગામમાં એવા એક સન્યાસી સાથે મારો ભેટો થયો હતો. મેં તેમને કહ્યું હતું, ‘ગામમાં દુષ્કર્મ કરનાર, દુ:ખી, પીડાગ્રસ્ત જેઓ છે તેમનાં માટે તમે લોકો કેમ કશું કરતાં નથી?’ મારો આ પ્રશ્ન સાંભળીને તેઓ નવાઇ પામ્યા હતાં અને ચિડાઇ ગયાં હતાં. તેમણે કહ્યું હતું, ‘શું? જેઓ સંસારનાં મોહમાં સપડાયેલા છે, તેઓની ચિંતા મારે કરવાની? હું તો સાધક રહ્યો. વિશુધ્ધ આનંદને ખાતર એ સંસારનો ત્યાગ કરીને આવ્યો છું, અને હું પાછો તેની ઝંઝાળમાં પડુ?’

આ શબ્દો જેમણે ઉચ્ચાર્યા હતાં તેમને અને તેમનાં જેવા બીજા બધા સ્પૃહા વગરનાં ઉધાસીનોને બોલાવીને પૂછવાનું મન થાય છે કે, તેમનાં ગોળમટોળ દેહની સુંવાળી ચકચકિત ક્રાંતિ કોને આભારી છે? જેમને તેઓ પાપી અને હીન ગણીને છોડી આવ્યા તે સંસારી લોકોએ જ એમને અન્ન પૂરૂ પાડ્યું છે. પરલોક તરફ જ સતત દ્રષ્ટિ રાખવાને લીધે કેટલી બધી શક્તિ વેડફાઇ ગઇ છે તે કહી શકાય તેમ નથી. અનેક સૈકાઓ થયાં ભારતમાં આ નબળાઇ ચાલતી આવી છે. — “રવિન્દ્રનિબંધમાલા”માંથી… – રવિન્દ્રનાથ ટાગોર

Advertisements

પોલો કોએલોનાં વિચાર અંશો…

ભલે આપણે લોકોને સાંભળવું ન ગમે પણ સત્ય એ જ છે કે આપણે બધા એક તીર્થયાત્રા પર જઇ રહ્યાં છીએ અને આપણી મંઝીલ મૃત્યુ છે.

દરેક એવું કાંઇક જે એકવાર થાય છે, બીજીવાર નથી થઇ શકતું. પણ જે કાંઇ બીજીવાર થાય છે તે ચોક્કસપણે ત્રીજીવાર પણ થઇ શકશે.

દુનિયામાં કોઇપણ, કાંઇપણ પૂરેપૂરી રીતે ખોટુ(ગલત) નથી હોતું.

હદય એ ઉપયોગ કરવાની/વાપરવાની વસ્તુ છે, તિજોરીમાં રાખવા માટેની નહિ.

માણસનાં અસ્તિત્વને ન સમજવું એ મોટામાં મોટુ પાપ છે.
આ જ વાતનો પડઘો પોલો કોએલોની નવલકથા ‘The Winner Stands Alone’માં પડે છે. દરેક માણસની એક દુનિયા હોય છે. કથાનું મુખ્ય પાત્ર જ્યારે જ્યારે હત્યા કરે છે ત્યારે લેખક એ માણસનાં મૃત્યુને એક વિશ્વનો અંત આવ્યો એમ લખે છે.

જિંદગીમાં તમારી પાસે બે વિકલ્પ હોય છે. રસ્તો શોધવો, રસ્તો બનાવવો.

તમારા ઝખમો, પીડાઓને એ અનુમતિ ક્યારેય ન આપો કે એ તમને કોઇ બીજા જ માણસ(શખ્સ)માં બદલી નાખે.

વીર બનો અને જોખમો ઉઠાઓ. કાંઇ નહિ થઇ શકે તો પણ ઓછામાં ઓછુ તમે અનુભવોથી સમૃધ્ધ તો થશો.

યાદ રાખો! તમે સમયને વેંચી તો શકશો, પરંતુ એ સમયને ફરીથી ક્યારેય ખરીદી નહિ શકો.

જ્યારે તમે પિડિત કે લાચારની જેમ વ્યક્ત થાઓ છો ત્યારે તમારી સાથે પણ એવો જ વ્યવહાર થાય છે.

“The Winner Stands Alone” (Paulo Coelo)માંથી કેટલાક અંશો…

રશિયન ધનિક આઇગોર તેનાં સ્વપ્નોને સિધ્ધ કરવામાં એટલો ઓતપ્રોત થઇ જાય છે કે પત્ની ઇવાને અનહદ ચાહતો હોવા છતાં પાછો ફરી શકતો નથી. ઇવા આઇગોરને છોડીને ફેશન ડિઝાઇનર હબીબનાં પ્રેમમાં પડે છે. પત્નીને મેળવવા માટે આઇગોર તે જ્યાં છે ત્યાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચે છે, હત્યાઓ કરતો રહે છે. એ નવલકથા ‘The Winner Stands Alone’નાં અંતથી થોડી નિરાશા થઇ. વર્તમાનમાં સતા, સંપતિ અને પ્રતિષ્ઠાને જ સર્વોપરી અને સ્વપ્ન માની લેવામાં આવે છે ત્યારે પોલો કોએલોનાં મતે એમની આ ૧૨મી નવલકથા આજનાં વર્તમાનનો વાસ્તવિક ચિતાર્થ છે. એ “The Winner Stands Alone” (Paulo Coelo)માંથી કેટલાક અંશો…

વિશ્વ ન્યાય તરફ દોરાવું જોઇએ તેને સ્થાને ભૌતિક ચીજો તરફ ઢળવા લાગ્યું છે, પરંતુ છ મહિના પછી આ વસ્તુની કોઇ કિંમત નહિ કરે અને ત્યાં સુધીમાં તો બીજી ચીજો તેનું સ્થાન કબજે કરી લેશે.

સ્વપ્નાઓ પૂરા કરવાની કોઇ સમયમર્યાદા નથી હોતી.

“આજે સવારે મારા પુત્રએ મારી પાસે ઘેટુ ખરીદવા માટે પૈસા માગ્યાં. શું મારે તેને પૈસા આપવા જોઇએ?”
“ઘેટુ ખરીદવાની કોઇ જ ઉતાવળ નથી એ તો સ્પષ્ટ જ છે, તો તેનો જવાબ આપતા પહેલા એક અઠવાડિયાની રાહ જો.”
“પણ મારે મદદ કરવાની જ છે તે તો નક્કિ જ છે તો પછી આવા વિલંબથી શું ફેર પડે છે?”
“મોટો ફેર પડે છે. અનુભવથી હું શીખ્યો છું કે લોકો મળવાની અનિશ્ચિતતા હોય તેવી ચીજનું મૂલ્ય સમજતા હોય છે.”

જ્યારે બધું ગોઠવાઇ ગયું છે એમ લાગતું હોય અને કુટુંબો હળીમળીને રાત્રીભોજન માટે ટેબલ પર ગોઠવાઇ ગયાં હોય ત્યારે જ ઉચ્ચ વર્ગ અશક્ય જણાતા વૈભવ, સૌદર્ય અને સ્વપ્નો વેચવા આવી ચડે છે અને કુટુંબો વિખરાઇ જાય છે.

… વિચાર બદલવાનો કોઇ પ્રશ્ન જ નહતો. પીછેહઠ કરવાથી તો તેનો સ્વયં પ્રત્યેનો આદર ઘટી ગયો હોત.

છેલ્લી તક જેવું કશું હોતું નથી. જીવન હંમેશા તમને બીજો મોકો આપે છે.

તેનું અપમાન કરવામાં આવ્યું પણ તે જાણતો હતો કે એણે સાચી દિશા પકડી છે અને તે એ પણ જાણતો હતો કે એની સાચી દિશા હંમેશા બીજાઓ માટે અવળી દિશા જ રહેતી.

બધુ બરાબર ચાલતું હોય ત્યારે ક્યારેય તું તારા વ્યવસાય પર નિર્ભર છે તેમ ના વર્તીશ, પછી ભલે તે સાચુ જ કેમ ન હોય? જો એમ વર્તીશ તો તું આ વ્યવસાયનો હાથો બનીને રહી જઇશ.

તેને સમજાયું કે સંપૂર્ણ શક્તિ એટલે સંપૂર્ણ ગુલામી. આગળ નીકળી ગયા બાદ તમે ત્યાંથી પાછા ફરવા નથી ઇચ્છતા. તમે હંમેશા નવું શિખર સર કરવા ઇચ્છો છો.

પિતાએ આપેલી શીખ

એક અમેરિકન પિતા પોતાનાં પુત્રને શીખ આપતા બે શબ્દો કહેવા માટે પોતે લખેલ એક નાનકડુ પુસ્તક આપે છે. પિતાએ આપેલી આ શીખ મોટા Fontsમાં નાના પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થઇ છે. એ ‘Life’s Little Instruction’ પુસ્તિકામાંથી બે-ચાર શીખ દીપમોતીનાં દર્શકો માટે…

સૌથી પહેલા તો જેક્સન બ્રાઉન આ પુસ્તિકા પોતાનાં દિકરાને આ રીતે અર્પણ કરે છે, ‘અનેક રીતે જે મારો ગુરૂ પણ છે તે પુત્રને’

તંદુરસ્તી એની મેળે જળવાઇ રહેશે એમ ક્યારેય માનતો નહિ.

તારા કુટુંબને તું ચાહે છે તે તારા શબ્દોથી, સ્પર્શથી, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

ક્યારે મૂંગા રહેવું તેનો હંમેશા ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા રહી ન શકાય તેનો પણ.

પોતાનાં ગુજરાન માટે મહેનત કરતાં દરેક માણસ સાથે સન્માનથી વર્તજે, પછી ભલે એ કામ ગમે તેવું નજીવું હોય.

કોણ સાચુ છે તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચુ છે એ નક્કિ કરવામાં વધારે.

દરેક ચીજ જે હાલતમાં આપણમે મળી હોય તેને તેનાં કરતાં જરાક વધુ સારી સ્થિતિમાં મૂકતા જવું.

બાળકને નિયમિત કશું વાંચી સંભળાવજે, સાથે ગીતો પણ ગાતો રહેજે.

તને વખત/સમય નથી મળતો એમ કદી ન કહીશ. એક દિવસનાં તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને, આઇન્સ્ટાઇનને.

… પુસ્તક વાંચ્યા પછી પુત્ર તેનાં પિતાને એકવખત લખે છે, ‘તમે લખેલા એ શબ્દો વાંચતો જાઉં છું ને મને લાગે છે કે મને મળેલી સારામાં સારી ભેટોમાંની આ એક છે. હવે હું પણ તેમાં ઉમેરો કરતો રહીશ અને મારા પુત્રને એ ભેટમાં આપીશ.’

કાંઇક આવા જ મતલબનું રોજર રોજેનબ્લાટ નામનાં પત્રકારે પણ તેનાં પુત્ર માટે લખ્યું છે કે…

તું એવું ઘર કે ફ્લેટ લેજે, જ્યાંથી આકાશ દેખાય, તો તને તારી અલ્પતાનો ખ્યાલ આવશે.

સાહિત્ય, કલા કે સંગીત જેવા જીવનનાં સૌદર્યો માટે રોજ થોડો સમય ફાળવજે અને દિવસનો થોડો સમય ફાજલ પણ રાખજે, જેથી તું તારામાં ખોવાયેલો રહે.

બીજાઓનાં લાભાર્થે કાળી મજૂરી કરતાં રહેવું એ હેતુહીન પ્રવૃતિ છે.

રોજ કાંઇક રમવું જોઇએ, કદાચ જીતી પણ જવાય.

‘સિંધુને બિંદુનો પડકાર’ (-આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ)માંથી સાત અમૃતબિંદુઓ…

ખમણ ખાવાથી તબીયત બગડે છે તો માણસ ખમણ છોડી દે છે, પણ પૈસાને કારણે કોક સાથે સબંધ બગડે છે તો માણસ પૈસાને ન છોડતા એ વ્યક્તિને જ છોડી દે છે. કમાલ છે ને!

સુખની બધી જ વાત મનને ગમે છે, પણ હિતની એકપણ વાત મનને ગમતી નથી. આ હકીકતને આંખ સામે રાખી મનનો ભરોસો કયારેય ન કરશો.

અહંકાર તૂટવાનો ભય અને અપમાન થઇ જવાનો ભય. આ બંને ભય આપણને પાપની કબૂલાત કરતાં અટકાવે છે.

પાપ કરવાથી બચવું એ આપણાં હાથની વાત છે, પણ પાપ કર્યા પછી પાપનાં પરિણામથી બચવું એ આપણાં હાથની વાત નથી.

સેંકડો વખત આચાર બગડે છે, ત્યારે આચારનો એ બગાડો વિચારનાં બગાડને તૈયાર કરે છે અને વિચારનો એ બગાડો આચાર બગાડાની પરંપરા ઊભી કરતો રહે છે.

ઓછું હોવાને કારણે જે અસ્વસ્થ રહે છે એને તો ‘પૂરતુ’ આપીને સ્વસ્થ કરી શકાય છે; પરંતુ જેને ઓછું જ ‘લાગતું’ હોય છે એને તો પરમાત્મા પણ સ્વસ્થ નથી કરી શકતાં.

તમારા દુ:ખો કોઇનીય આગળ પ્રગટ કરશો નહિં કારણ કે દુ:ખોની સંસારનાં બજારમાં કોઇ માંગ નથી.