દોઢ વર્ષ પહેલાં મારે અહીં રાજકોટમાં એક ઓફિસ લેવાની હોવાથી હું એ માટે તપાસ ચલાવી રહ્યો હતો. તપાસનો અંત આવતો હોય તેમ મને જાણવા મળ્યું કે અહીંનાં એક મુખ્ય માર્ગ ઉપરનાં કોમ્પલેક્ષમાં એક ઓફિસ હંમેશા બંધ રહે છે. મારા માટે એ ઓફિસ અનુકૂળ હતી. બાજુની ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે જેની એ ઓફિસ છે એ માલિકનાં ભત્રિજાની દુકાન આ જ કોમ્પલેક્ષમાં નીચે છે. હું એ ભત્રિજાને મળવા ગયો અને ઓફિસ બાબતે પૂછ્યું તો તેણે કહ્યું, ‘થોડા સમય પહેલા કાકાને પૈસાની જરૂર હોવાથી એ વેચવાની હતી પરંતુ અત્યારે ન હોવાથી હવે તેઓ એ ઓફિસ રોકાણ તરીકે રાખવા માંગે છે અને હવે એ વેચવાની ના કહે છે.’ ભત્રિજાની વાત સાંભળીને હું વધારે કાંઇપણ વાત કર્યા વગર ત્યાંથી નીકળી ગયો.
કેટલીક બાબત આપણે પૂરી થઇ ગયેલી સમજતા હોઇએ છીએ પણ હકીકતે ત્યાંથી તો શરૂઆત થતી હોય છે. આવા મારા પૂર્વ અનુભવો હોવાથી મેં જરા ઊંડે ઉતરવાનું વિચાર્યું અને એ દિશામાં આગળ શું થઇ શકે એની તપાસ શરૂ કરી. સંપર્ક નંબર મળી શકે તેમ ન હતો, પણ મને જાણવા મળ્યું કે મારે જે ઓફિસ લેવી હતી તેમાં એ ઓફિસ માલિકનો ભત્રિજો તેની દુકાનનો વધારાનો છૂટક સામાન રાખે છે અને એ રીતે તે ઓફિસનું ધ્યાન પણ રાખે છે. મને તરત જ વિચાર આવ્યો અને હું ૯૯ ટકા સ્પષ્ટ થયો કે ઓફિસ વેચવાની જ હોય શકે, પણ ભત્રિજાને એમાં રસ ન હોય, અને એનાં કાકા એમ માને છે કે મારી ઓફિસ વેચાતી નથી.
મારા આ અનુમાનને આધારે મેં એ જ વ્યાપારી કોમ્પલેક્ષમાં લગભગ નવથી દસ ઓફિસમાં એ ઓફિસનાં માલિક વિશે પૂછ્યું. જેમને ખબર હતી એ દરેકે પેલાં ભત્રિજાને મળવાનું કહ્યું, પણ એટલું જાણવા મળ્યું કે હાલ એ ઓફિસ-માલિક મોરબી રહે છે અને એમને ટાઇલ્સનો ધંધો છે. મારા માટે આટલી અમસ્તી જાણકારી પૂરતી હતી.
પાંચ દિવસ જવા દઇને મેં મારા એક મિત્રને સમજાવીને પેલા ભત્રિજાની દુકાને મોકલ્યો. ત્યાં જઇને તેણે કહ્યું, ‘હું અહીં કોન્ટ્રાક્ટ ઉપર લાદી લગાડી આપવાનો ધંધો કરૂ છું અને મોરબીવાળા તમારા કાકા સાથે મારે એ માટે વાત કરવાની છે તો એમનો નંબર આપો. એમનો નંબર મારી પાસે હતો પણ મોબાઇલમાં Save કરવાનું ભૂલાઇ ગયું. મારે એમની સાથે વાત થઇ ત્યારે એમણે તમારો ઉલ્લેખ કર્યો હતો એથી યાદ આવ્યું કે અહીંથી મળી જશે.’ આ દરમિયાન મારા મિત્રનાં ફોન ઉપર મેં નંબર લગાડ્યો કે જેથી એ તૂરત જ ત્યાંથી નીકળી શકે. અમુક જગ્યાએ વધારે વાત કરવાથી મોટાભાગે આપણે ખુલ્લા પડી જતાં હોઇએ છીએ.
હા! તો ફોન નંબર મેળવ્યા પછી મેં મૂળમાલિકનો સંપર્ક કર્યો. મને જાણવા મળ્યું કે આ જ કોમ્પલેક્ષમાં એમની બીજી બે ઓફિસ પણ છે. એમાંની કોઇપણ બે એમને વેચવી હતી. ઓફિસની કિંમત એમણે જે કહી એ પણ એકદમ વ્યાજબી હતી. થોડાં ભાવતાલ પછી મેં એ ભાવ સ્વીકાર્યો અને ઓફિસનાં Document ક્યારે જોવા મળે તે પૂછ્યું.
એમણે કહ્યું, ‘તમે રાજકોટ જ રહો છો ને, તો હું એ ફાઇલ મારા ભત્રિજાને ત્યાં પહોંચાડી દઇશ. તમે ત્યાંથી લઇ લેજો.’
મેં કહ્યું, ‘સર, હું કાલે જ મારા ધંધાનાં કામ માટે મોરબી આવવાનો છું તો રૂબરૂ જ આપની પાસેથી લઇ જઇશ. ત્યાં જ Zerox કરાવીને થોડીવારમાં જ આપની ફાઇલ આપને પરત આપી દઇશ.’
એમણે કહ્યું, ‘એ તો સારામાં સારૂ. મારે મોકલવાની ઉપાધી નહીં.’
એમને રૂબરૂ મળીને Zerox કરાવીને એ ફાઇલ ખરાઇ કરવા માટે અહીંનાં એક વકીલને આપી. એ વકીલે બધું બરાબર કહેતાં મેં ઓફિસ-માલિક સાથે દસ્તાવેજ કરવા માટેની તારીખ અને સમય નક્કિ કરી લીધા.
આવા દસ્તાવેજ કેમ થાય એની મને ખબર હોવા છતાં મેં એ આખો મામલો એ વકીલને જ સોંપી દીધો. માત્ર સહી કરવાની હતી ત્યારે જ હું અને મારા મમ્મી એ સરકારી કાર્યાલયે પહોંચ્યા અને ત્યાં મારા મમ્મીનાં નામનો ઓફિસનો દસ્તાવેજ કરાવ્યો. સ્ત્રીનાં નામે મિલ્કતનો દસ્તાવેજ કરવાથી ચૂકવવી પડતી સ્ટેમ્પ ડ્યૂટીમાં ફાયદો થાય છે, એ કારણોસર પણ.
ઓફિસનાં માલિકી હક બદલાયાનાં બીજા દિવસે હજુ ઓફિસની ચાવી પેલાં ભત્રિજા પાસે જ હોવાથી હું એ લેવા ગયો. એ વખતે એ મને જોઇ રહ્યો અને બોલ્યો, ‘લે! તમે આ ઓફિસ લીધી? મને બે દિવસ પહેલા જ ખબર પડી. મને તો એમ કે કાકાનાં કોઇ સંબંધી હશે.’
જે હોય તે, એનું તાળુ ખોલીને, પાછું આપીને મેં મારૂ તાળુ લગાવી દીધું.
ઓફિસ લીધાનાં છ માસ પછી એ જ ઓફિસથી થોડી ઓછા મોકાની એ જ માલિકની બીજી ઓફિસે મેં ચૂકવેલ કિંમત કરતાં ૨૦ ટકા વધુ કિંમતે વેચાઇ એ જાણ્યું ત્યારે અતિ આનંદની અનુભૂતિ તો ન થઇ પણ એમ જરૂર થયું કે સારૂ થયું કે કામ યોગ્ય સમયે થઇ ગયું.
અતિ આનંદની અનુભૂતિ એ માટે ન થઇ, કેમ કે મારી સાથે ભૂતકાળમાં એવા કેટલાક બનાવો બન્યા છે જેમાં જ્યારે એ મળ્યું છે ત્યારે ખુબ આનંદ/સુખ મળ્યું હોય, પછી એ જ મારા માટે દુ:ખદાયી બની ગયું હોય, એટલે કે જે આપણને જેટલું સુખ આપવા કારણભૂત હોય છે એનામાં આપણાં માટે એટલી જ દુ:ખદાયી બનાવવાની ક્ષમતા પણ રહેલી હોય છે.
મારા મગજમાં સાલી એક વાત ઘૂસી ગઇ છે અને તે એ કે, ‘ખુશકિસ્મતી આપણાં દરવાજા ઉપર એક જ વાર ટકોરો મારે છે, થોડી જ વાર લાગી તો એ ચાલી જાય છે. જ્યારે બદકિસ્મતી એ એ છે જે આપણાં દરવાજા ઉપર ત્યાં સુધી ટકોરા મારતી રહે છે જ્યાં સુધી એને અંદર આવવા ન મળે.’ કોણ જાણે કેમ, કદાચ એથી પણ આ કામ થઇ શક્યું હોય.
કહેવત છે ને કે હાથમાંથી કોઈ લૂંટી જશે પણ કપાળે લખેલ હશે એટલેકે ભાગ્ય્માથી કોઈ કશું જ લૂંટી નહીં શકે.
તમારું કામ થઇ ગયું ને ?
અભિનંદન !
અભિનંદન-ઉપરની આખી વાતમાં તમે કોઇનું પણ અવતરણ નથી લીધું તેના માટે- હવે તો લોકો રોહિત વાણપરીયાના અવતરણ લખશે.
બીજા અભિનંદન ઓફિસ માટે- ખૂબ ખૂબ શુભેચ્છાઓ-ભવિષ્ય માટે.
અભિનંદન.
Fantastic,3 at a time
Entertainment,education and informations, there 4 abhinandan from ajitgita
https://dipmoti.wordpress.com/2017/06/24/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%85%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4/