કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દ/શબ્દસમુહ માટે એક શબ્દ…

મારી જાણમાં છે તેવાં કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દ/શબ્દસમુહ માટે એક શબ્દ. આપને આમાંથી કેટલા ખબર છે કે નથી એ નથી જાણવું, પણ શું બીજા આવા શબ્દો આપની જાણમાં છે?…

——————————-

કમરથી ઉપરનાં ભાગનું ચિત્ર = અરૂણચિત્ર

જ્યાં જઇ શકાય નહીં તેવું = અગમ્ય

જેનાં હાથ ઘૂંટણને અડે તેટલા લાંબા છે તેવો = અજાનબાહુ

ગાડા ભાડે ફેરવનારો – અધવાયો

છાપરાનાં નળિયાને વ્યવસ્થિત ગોઠવનારો = સંથારો

ઘણો પોકાર છતાં કોઇ કાને ન ધરે કે સાંભળે તે = અરણ્યરૂદન

ઘેર-ઘેર ફરીને ભિક્ષા માંગવી તે = માધુકરી

હાથમાં પકડીને/રાખીને લડવા માટેનું હથિયાર = શસ્ત્ર

લડવા માટે હાથમાંથી છૂટુ ફેંકી શકાય તેવું હથિયાર = અસ્ત્ર

કૂવામાંનાં દેડકા જેવી દ્રષ્ટિ = કૂપમંડૂક

જેની શરૂઆત જ થઇ નથી તેવું = અનાદિ

જે પીવાને લાયક/યોગ્ય નથી તેવું પ્રવાહી = અપેય

ઘેટાં-બકરાને રાખવાની જગ્યા = ઝોડકું (વાડો)

જ્યાં પગ મૂકી શકાય નહીં તેવું = અગોચર

જેનું મન બીજે ઠેકાણે છે તેવું = અન્યમનસ્ક

દરિયાની અંદર ગયેલો જમીનનો ભાગ = ભૂશિર

પ્રશંશાનાં શબ્દો દ્રારા નિંદા કરવી = વ્યાજસ્તુતિ

આધાર વિનાની મનઘડત વાતો = ઉટાંગ

આશરો કે ઉતેજન આપવું = પોશિંદુ

નમૂના માટે બે ચપટી/મૂઠી લેવાતા દાણા = વાનચી

નહીં માગવાની વૃતિ ધરાવતો = અજાચક

ખેતરમાં ભાત લઇને જનારી સ્ત્રી = ભથવારી

પતિનાં આગમનની રાહ જોતા ઘરે તૈયાર થઇને બેઠેલી સ્ત્રી = વાસકસજ્જા

પહેલીવાર પરણનાર પુરૂષ = પંથવર

શરાબ(મદિરા) જેવી નશીલી સ્ત્રી = મદિરાક્ષી

નાટ્યમંચનાં પડદા પાછળનો ભાગ = નેપથ્ય

મૃત્યુનાં દિવસથી વર્ષ પુરૂ થતું હોય તે તિથિ = સંવત્સરી

જે વૃધ્ધ હોવા છતાં મજબૂત બાંધાનું છે તે = ખખડધજ

પાણીમાં ભરેલો/રહેલો ચીકણો કાદવ = સૂંથ

ભાયડા જેવી (હિજડો નહીં) સ્ત્રી = વનળા

જે સ્ત્રીનું એકપણ સંતાન મૃત્યુ પામ્યુ નથી તેવી સ્ત્રી = અખોવન

સંકેત/ઇશારો સમજી જઇને પ્રેમીને મળવા જનારી સ્ત્રી = અભિસારિકા

(લગ્ન વખતેની એક વિધિરૂપે) વરરાજાનાં હાથમાં અપાતો દીવડો = રામણદીવો

લોખંડનું બાણ = નારાય

સાવ અસંભવીત હોય તેવું = આકાશકુસુમવત

એકની એક વાત વારંવાર કરવી = ચર્વિતચર્વણ

નગરનો નાશ = પુરભંગ

પાછળથી જેનો ઉકેલ સૂઝી આવે તેવી બુધ્ધિ = પચ્છમબુધ્ધિ

સંગીતનાં સથવારે પાર્વતીજીએ કરેલું નૃત્ય = લાસ્ય

Advertisements

‘અમૃતદ્રાર’માંથી… – રજનીશ

એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઇ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યાં હતાં. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઇને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઇ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઇ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્નનાં જવાબ એ આનંદનાં ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,’ અને એ ફરીવખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.

એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંનાં છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યાં છીએ. એ નિર્માણ કરતી વખતે કોઇ ક્રોધમાં જ હોય છે, કોઇ એને બોજો સમજીને ઉધાસીન છે, તો કોઇ આનંદથી ભરેલો હોય છે.

જીવનને આપણે જેવું જોઇએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઇએ છીએ. આપણે એ જ જોઇ શકીએ છીએ જેવી જોવાની આપણી દ્રષ્ટિ હોય છે.

———
તમે ધારી લીધુ છે કે મુશ્કેલી બહુ મોટી છે અને તમે નાના છો. ધર્મગુરૂઓ પણ તમને એ જ વાત સમજાવે છે કે તમે બહુ નાના છો અને મુશ્કેલી બહુ મોટી છે. તેઓ તમારો આત્મવિશ્વાસ હણી લે છે… તમારૂ અસ્તિત્વ તમારી ધારણા ઉપર નિર્ભર છે. તમે તમારી જાતને નાની સમજો તો તમે નાના છો. તમે માનો કે તમે મોટા છો તો તમે જરૂર મોટા બની શકશો.

———–
હું કોઇ ઉપદેશક નથી, પણ મને દેખાય કે મારી નજર સામે કોઇ એના માર્ગમાં અંધકારમાં ભટકે છે, કે પથ્થર સાથે ટકારાય છે, કે દુ:ખ/પીડાનો માર્ગ પસંદ કરે છે, તો પણ હું એને ઉપદેશ નથી આપતો, પણ એક દીવો/જ્યોત મારા ઘર આગળ જરૂર રાખુ છું. બની શકે કે એને માર્ગ મળી જાય, રસ્તો મળી જાય, બોધ મળી જાય. એ વાતની કોઇ ખુશી નથી કે કોઇ ભીડ સાંભળવા આવે છે કે નહિ, સાંભળે છે કે નહિ, એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે, હું જોઉ છું કે જે રસ્તો ખોટો/ગલત છે એનાં ઉપર બીજાને ચાલવા દઉં તો એ પાપ છે, હિંસા છે. એ હું નથી ઇચ્છતો અને એટલે જ આપને કાંઇક કહું છું, પણ એ ઉપદેશ નથી. આપ એ માનવા, સ્વીકારવા, અનુયાયી બનવા બંધાયેલા નથી. તમે મને ગુરૂ બનાવવા ચાહશો તો પણ હું રાજી નથી. તમે મારી પાછળ જ ચાલવા ઇચ્છો છો તો હું તમારી ક્ષમા માંગુ છું. મારા કોઇ પુસ્તકને તમે જો શાસ્ત્ર બનાવવા માંગતા હો તો હું એને આગ લગાડી દઇશ કે જેથી એ શાસ્ત્ર ન બની શકે.

———–
હું કહેવા માંગુ છું કે જીવન એ કાંઇ અર્થહીન કથા નથી, જીવન તો એક સાર્થક આનંદ છે; પણ એવા જ લોકો માટે જેઓ જીવનનાં પ્રશ્નો/સમસ્યાઓ ઉકેલવાની હિંમત રાખે છે. જેઓ એક્સેપિસ્ટ છે, ભાગવાવાળા છે એને જીવનમાં આનંદ ન મળે તો તેમાં દોષ કોનો? જે જીવનનો/પ્રશ્નોનો સામનો કરે છે એને માટે જીવનનો અર્થ ખુલતો જાય છે.

બાળક વિષયક અવતરણો…

બાળકને શીખવવામાં આવે કે કોઇપણ સ્થળે, કોઇપણ પરિસ્થિતિમાં ખુશ રહેવું, હસમુખા રહેવું, એ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધી છે. – સ્વેટ માર્ડન (‘ઓપ્ટિમિસ્ટિક લાઇફ’માંથી)

આજનાં જમાનામાં પિતાએ ખૂબ પૈસા કમાવા પડે છે. જો પુત્રને અને વિશેષત: તેજસથી ઝળહળતા પુત્ર માટે, એક ભવિષ્ય બનાવવું હોય તો! – ચંદ્રકાંત બક્ષી

તમારા બાળકોને ચોરી કરતાં શીખવવા માટે, તમે તેને જે કાંઇ આપો તે મેળવવા માટે તેમને ખૂબ ભીખવાની તેમને ફરજ પાડો! – જોશ બિલ્લિંગ્સ

એન્ડ્રુ ગુલ્લિસ નામનાં કવિએ એક પ્રાથના લખી છે…
એક બાળક પોતાની એક ભૂલનો એકરાર કરે છે અને પોતાનાં પિતા જેવા મરદ બનવાની પ્રાથના કરે છે.
બીજી તરફ એ જ પિતા તેનાં ઊંઘતા બાળક પાસે ઘૂંટણિયે પડીને પ્રાથના કરે છે કે પોતે પણ એનાં નાનકડાં પુત્ર જેવો પવિત્ર, કપટરહિત અને શ્રધ્ધાસભર બને.

કોઇપણ વસ્તુ કરવાનાં ત્રણ રસ્તા છે. તે જાતે કરવી, કોઇને પૈસા આપીને કરાવવી, અથવા પોતાનાં બાળકોને એ કરવાની મનાઇ ફરમાવવી. – મોન્ટ ક્રેઇન

જીવનમાં ઉચ્ચ આદર્શો રાખો અને એ અનુસાર હંમેશા તમે તમારૂ વર્તન રાખો. તમે જોશો કે તમારૂ બાળક તમારા આદર્શોને પોતાની અંદર ધીરેધીરે ઝીલવા લાગ્યું છે. – શ્રી માતાજી

હજારો મા-બાપ બાળકોને માર મારીને તેને ડરપોક બનાવે છે. પછી જુલ્મી લોકો એમનાં આ ડરપોકપણાંનો લાભ ઉઠાવે છે. આવા જુલ્મી લોકોની સતા/રાજ્ય ચાલે છે તેની બધી જવાબદારી બાળકોને મારનારા મા-બાપની છે. – વિનોબા ભાવે

કોઇપણ બાળકનાં શ્રેષ્ઠ શિક્ષક એનાં માતા-પિતા જ છે. માટે જ હું કયારેય મારી માતા સમક્ષ જુઠુ નથી બોલી શકતો. – રશિયન નર્તક નિજીન્સકીની ડાયરીમાંથી.

બાળકોનાં એવા અવગુણોને મા-બાપ ભાગ્યે જ માફ કરી શકતા હોય છે, જે એમણે પોતે જ રોપેલા હોય છે. – મારીવોન એબનર

આપણાં બાળકોને આપણે ઘણી બાબતોનું શિક્ષણ આપીએ છીએ, પણ એક પાયાની બાબતનું શિક્ષણ આપતા નથી. એટલું જ નહિ, તદન ઊલટુ શિક્ષણ આપીએ છીએ… નિષ્ફળતાને જીરવવાનું શિક્ષણ, પરંતુ આધુનિક શિક્ષણનો ઢાંચો એથી ઊલટો છે.- મહમદ માંકડ