ઓફિસ પ્રવાસનો એક બનાવ

જીવનમાં વગર કારણની હોશિયારી બતાવનારને કેવા-કેવા અનુભવો થતાં હોય છે એનાં નજરે જોયેલા એકાદ-બે કિસ્સાઓ આપની સમક્ષ વર્ણવી રહ્યો છું, એ આશાએ કે આમાથી વાંચનાર પણ થોડોઘણો બોધપાઠ લે.

હું જ્યાં નોકરી કરી રહ્યો હતો એ અમારી ઓફિસમાંથી નોકરી છોડીને અમદાવાદની એક કંપનીમાં જોડાવા જનાર એક મારા સાથી મિત્રને મેં સમજાવેલ કે એ અહીંનાં મેનેજમેન્ટ સાથે સુમેળતાથી વાત કરીને નીકળે, પણ એને એવું લાગતું હતું કે હવે મારે ક્યારેય અહીં આવવું નથી તો હું મારો ભૂતકાળનો અસંતોષ પૂરી રીતે વ્યક્ત કરીને નીકળું. જ્યાં એક શોધતા એકવીસ મળી રહેતા હોય તેવા મૂડીવાદનાં આ જમાનામાં આવા વર્તનને ગેરશિસ્ત માનવામાં આવે છે, કેમ કે કંપની તમને જે પગાર આપે છે એથી વધારે તમારામાં ક્ષમતા છે એવું તમને લાગતું હોય તો કોઇ કંપની તમને રોકી રાખી શકતી નથી. આ કારણે મારા એ સાથી મિત્રએ થોડી હોશિયારી કરીને નોકરી છોડી અને અમદાવાદની એક BPO કંપની વધારે ઊંચા પગારથી જોડાઇ ગયો.

થોડા જ સમયમાં ત્યાં ન ફાવતા એ નોકરી છોડીને ફરી પાછો રાજકોટ આવ્યો ત્યારે સંપર્ક કરતાં અમારી એ કંપનીએ પણ તેને ના કહી દીધી. એ કંપની જેને આવો એક કર્મચારી તૈયાર કરતાં છ મહિના જેવો ટ્રેનિંગ સમય લાગી જાય છે છતાં પણ. અત્યાર સુધી મેં નજરે જોયેલું છે કે કેટલાય કર્મચારીઓ અહીંથી નોકરી છોડીને જતાં રહ્યાં હોય અને ફરીથી કંપનીએ એમને કોઇ જ ખિચકાટ વગર રાખી લીધા હોય.

આવા જ બીજા એક કર્મચારીએ પણ જ્યારે નોકરી છોડી ત્યારે એ કંપની સાથે તો પ્રેમથી વર્તન દાખવીને છૂટો થયેલ, પણ અમારામાંથી કોઇ કહેતું કે મળતો રહેજે તો એ કહેતો, ‘મળવું હોય તો બીજે ક્યાંક મળીશું બાકી આ બાજુ હવે આવે એ બીજા.’ આ કર્મચારીને પણ બીજે ન ફાવતા ચાર જ મહિનામાં એ ફરી પાછો અમારી જ કંપનીમાં જોડાયો ત્યારે જ્યારે હું એને મળતો ત્યારે મને તેની એ વાત યાદ આવી જતી. એને એ યાદ કરાવીને એને એની જ નજરમાં નીચો તો ન પાડી શકાય પણ શું એને એનાં જ શબ્દો યાદ નહિં આવતા હોય?

એક સમયે હું અહીં રાજકોટની એક BPO કંપનીમાં નોકરી કરતો હતો. હું ત્યાં નવો જ જોડાયો હતો એ વખતનો આ બનાવ છે. મારી નોકરીનાં એ શરૂઆતનાં પહેલા બે-ચાર દિવસોમાં જ મેં જોયું કે અમારા Department નાં 110 જણાંઓ પૈકી મોટાભાગનાંઓ કામથી કામ સાથે મતલબ રાખનારા હતાં, પણ એમાંનાં ચાર-પાંચ એવા હતાં કે જેમનાં મગજમાં Seniority નો નશો છવાયેલો હતો. એ બધા જાણે કંપની એમને વારસાગત મિલ્કત તરીકે મળી હોય એ રીતે Floor ઉપર ફરતાં રહેતાં. અહીં સુધી વાંધો ન હતો, પણ એ બધા ઓફિસમાં કામ કરતાં કેટલાક નબળાઓ સાથે વગર કારણની હોંશિયારી કરતાં રહેતાં. આમ જોવા જઇએ તો દરેક માણસને રાજાપાઠમાં રહેવું ગમતું હોય છે, પણ એનો અર્થ એવો નથી કે બીજા બધા એનાં ગુલામ હોય.

આવી કંપનીઓમાં કંપનીનાં Boss મોટાભાગે આંકડાકીય માહિતીમાં જ રસ ધરાવતાં હોય છે અને એમાં એમની કોઇ ખામી પણ નથી હોતી, કેમ કે એ લોકો એટલાં વ્યસ્ત હોય છે કે બધે બધુ ધ્યાન રાખવું એમનાં માટે શક્ય પણ હોતું નથી. ગમે તે કારણ હોય પણ અમારો Shift Leader પણ એ લોકોને ખાસ કાંઇ કહેતો નહિં.

આ કંપનીમાં વર્ષ દરમિયાન બે Picnic કરવામાં આવતી. એક અઠવાડિયાની અને બીજી બે દિવસની. દરેક વખતે આ Picnicનો મહિનો પણ સમાન રહેતો. મારી નોકરીનાં બે માસમાં બે દિવસની Picnicનાં આયોજન માટે ચર્ચા કરવા બધા કર્મચારીઓ એકઠા થયાં, જેમાં આબુ અને દિવ એમ બે વિકલ્પ આપવામાં આવ્યાં હતાં. મોટાભાગનાંઓ આબુ જવા માંગતા હતાં, પણ અહીં પણ પેલા ચાર-પાંચનાં પ્રતાપે દિવ જવાનું નક્કિ થયું. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને લાગે છે કે આપણે તો મેદાન મારી ગયાં, પણ પછી પરિસ્થિતિ કે સંજોગો એવી બાજી ગોઠવે છે કે આપણે માત્ર મૂક બનીને જોયા જ કરવાનું રહે છે. આપણે બનનાર એ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડવાનાં પ્રયત્ન કરીએ તો પણ સંજોગોની પ્રબળતા સામે ઘણીવખત નમવું પડતું હોય છે અને એટલે જ બીનજરૂરી હોંશિયારી કે ધમંડ રાખીને ફરવું નકામુ છે.

પ્રવાસ જવાનાં દિવસે બધા કર્મચારીઓ ઓફિસે એકઠા થયાં અને બસ દ્રારા દિવ પહોંચી ગયાં. અહીં અમારૂ જોવા માટેનું પ્રથમ સ્થળ હતું – દિવનો ઐતિહાસિક કિલ્લો. બધાએ પોતપોતાની રીતે કિલ્લો જોઇને પછી બહાર જ્યાં બસ પાર્કિંગ કરેલ હતી ત્યાં સમયસર પહોંચવાનું હતું. અમોને કિલ્લો જોવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો.

મેં પણ મારી સાથેનાં બે સાથીદારો સાથે કિલ્લો જોયો અને જોઇ લીધા પછી હું એમની સાથે બસ-પાર્કિંગ સ્થળે આવી ગયો. બીજા લોકોને આવવાની વાર હોવાથી અમે લોકો સામે આવેલી કેબીન/દુકાન પાસે ઊભા હતાં. બધા લોકો આવી ગયા પછી તરત જ બહાર નીકળી શકાય એ માટે બસચાલક બસને આગળ-પાછળ કરતાં-કરતાં બસ રોડ ઉપર લઇ રહ્યો હતો. એ વખતે પેલા ચાર-પાંચ હોશિયારો પણ ત્યાં જ ઊભા હતાં.

આ દરમિયાન બસને બહાર કાઢતા જગ્યાની સંકળાશને કારણે બસચાલકથી બાજુમાં ઊભી રાખેલી એક સાયકલ જરાં પડી ગઇ. એ સાયકલ જેની હતી એ છોકરો (કિશોર વયનો) પણ ત્યાં જ હતો. એ બોલ્યો, ‘એ ઇઇઇઇ, સાયકલ ઊભી કરી નાખજે.’

બસચાલકે શાંતિથી કહ્યું, ‘હમણાં ઉતરીને કરી આપું છું.‘

બસ આટલું જ! વાત ત્યાં જ પુરી થઇ જતી હતી, પણ નહિ હવે પછી જે બનવાનું હતું એ જ તો જોવા જેવું હતું. વગર કારણે બીજાઓનાં મામલામાં હાથ નાખવાની ઘણાંને ટેવ હોય છે. અહીં પણ બન્યું એવું કે અમારી ઓફિસનાં પેલા પાંચમાંથી જે સૌથી વધારે Over હતો એ પેલા સાયકલવાળા કિશોર પાસે ઊભો હતો. એ બોલ્યો, ‘સાયકલ ઊભી ન કરી તો?‘ અને જવાબમાં ત્યાંનાં પેલા કિશોરે વટથી કહ્યું, ‘સાયકલ તો ઊભી કરવી જ પડશે.‘ અને આ રીતે વાત વધી પડી. અમારા પેલા Overને સાથ આપવા તેની સાથેનાં બીજા ચાર હોંશિયારો પણ જોડાયા. હવે એ તદન નાની વાતે ધીરે ઘીરે મોટા ઝઘડાનું સ્વરૂપ પકડ્યું હતું. હું અને મારો મિત્ર એ બધુ જોતા હતાં. અમને મજા આવી રહી હતી. થોડીવારમાં પેલો કિશોરવયનો નાનો છોકરો ત્યાંથી ચાલ્યો ગયો અને થોડીજ વારમાં પાછો આવીને એ પાંચે સાથે ઝઘડવા લાગ્યો.

વાત હવે મારામારીએ પહોંચી ગઇ હતી. સમય, સંજોગો અને સ્થળ પારખીને બસ-ડ્રાઇવર પણ બાજુએ ઊભો રહી ગયો અને એ પણ અમારા પાંચેએ નાખેલ ખેલ જોવા લાગ્યો. અત્યાર સુધી તો અમારામાંનાં એ પાંચ સરસાઇમાં હતાં પણ થોડીવારમાં જ બાજી આખી પલટાઇ જવાની હતી એની એમને કે અમને કોઇને ખબર ન હતી. આ મારામારી ચાલતી હતી એ દરમિયાન પેલા કિશોરનાં સાથીદારો આવી પહોંચ્યા. એક બે નહિ પણ જાણે કે ટોળુ. પંદરેક જેટલા લોકો હાથમાં પાઇપ, ધોકા, બેટ, લાકડી વગેરે લઇ આવ્યા અને આડેધડ એ પાંચેય ઉપર રીતસરનાં તૂટી પડ્યાં. એ પાંચેય અધમૂઆ થઇ રહ્યાં હતાં એ દરમિયાન બીજા વીસેક જણા આવી પહોચ્યા. આ લોકો અત્યાર સુધી આડેધડ માર મારતા હતાં પણ હવે વ્યવસ્થિત રીતે મારવા લાગ્યા. એ પાંચેયનાં એક એક પગ એમાનાં દસ જણાએ પકડી રાખ્યા. બીજા દસ જણાંએ એક એક હાથ પકડી રાખ્યાં અને બાકી વધેલાઓ એ પાંચેયનાં વાંહામાં/પીઠમાં, કુલાઓ ઉપર બેટ, ડંડા વગેરે મારી રહ્યાં હતાં. એથીય વધુ તો એ હતું કે એ બધા બેફામ માર સાથે સાથે અસહ્ય ગાળો પણ ખાઇ રહ્યાં હતાં.

સામે ઊભીને અમારો Shift Leader આ બધુ જોઇને ધૂંઆફૂઆ થઇ રહ્યો હતો. એને જોઇને મને થયું કે તું Office Floor ઉપર આ લોકોની થોડીઘણી ભક્તિ ચલાવી લે છે તો આજે હવે આ પણ જોઇ લે.

મારી સાથે ઊભેલો મારો સાથીદાર કે જેને પહેલા થોડી મજા આવતી હતી એ પણ હવે એ પાંચેયની દયા ખાઇ રહ્યો હતો. મેં એને કહ્યું આ પાંચેય કે જેઓ નબળા અને ઢીલા માણસો ઉપર ખોટી હોશિયારી બતાવતા ત્યારે એ નબળાઓ તો એમને કાંઇ કરી શકતા ન હતાં, પણ હવે એમને સજા આપવાનું કામ એમણે જ ઊભા કરેલા આ સંજોગો કરી રહ્યાં છે અને એટલે જ મને એમની જરાય દયા આવતી નથી, ઉલ્ટાની મજા આવી રહી છે. મારો એ મિત્ર બોલ્યો, ‘રોહિત, સાવ આવું ના વિચારાય.’ આ સાંભળીને મેં કહ્યું, ‘આપણે બંને ભેગા છીએ, તું જોઇ લેજે આ પાંચેય માંડ બે-ચાર દિવસ શાંત રહી શકશે. એ પછી ઓફિસમાં પાછાં એ જ હોશિયારી ચાલુ કરી દેશે અને માટે જ દયા ખાવાનું રહેવા દે અને આ દ્રશ્યોને મન ભરીને માણ.’

અમારી આ વાતો ચાલુ હતી એ દરમિયાન એ પાંચમાંનો એક જણ ત્યાથી ભાગવામાં સફળ થયો એ તરફ ટોળાનું ધ્યાન જતાં એમાંથી બે જણાં ખુલ્લી છરી સાથે એમની પાછળ દોડ્યાં. અમારા ઊંચા નંબરવાળા એ ચશ્મીશ કર્મચારીએ પછી વાત કરતાં મને કહેલ કે, ‘એ વખતે મારો કોણ પીછો કરી રહ્યું છે એ જોયા વગર હું તો બસ દોડતો જ રહ્યો. એકાદ કિલોમીટર ચાલવામાં પણ હું થાકી જાઉં છું પણ એ દિવસે દિવનાં કિલ્લાથી છેક નાગવા બીચ સુધી સુપરફાસ્ટ દોડતો પહોંચ્યો.’ ઓફિસમાં એની બેઠક મારી પાસે હતી. એનાં મનમાં એટલો બધો ભય લાગેલ કે એ માત્ર મને જ નહિ પણ જાહેરમાં કહેતો કે, ‘ભાઇ, આપણે તો કસમ ખાધી છે કે આજ પછી દિવ તો શું જુનાગઢ જીલ્લામાં ક્યારેય પગ ન મૂકવો.’

ખેર! જે હોય તે પણ આ પાંચ જણાએ તો બેફામ માર ખાધો અને ઉપરથી આખા કર્મચારીગણને પ્રવાસ પડતો મૂકવો પડ્યો, કેમ કે અર્ધબેહોશ જેવી અવસ્થામાં આવી ગયેલ આ પાંચેયને છોડીને પેલું ટોળુ જતાં રહેતા જ અમારા Shift Leaderનાં કહેવાથી બસ તૂરત જ રાજકોટ પરત લેવી પડી. શાંત એવા નાગવા બીચ પર ન્હાવાની અને ઓફિસની Female કર્મચારીઓને ન્હાતી જેવાની મજા મારા સહિત બીજા બધાની બગડી ગઇ. વધારામાં ઓફિસની Female કર્મચારીઓ કે જેમને આ બનાવ સાથે કાંઇ જ લેવાદેવા ન હતી તો પણ એ બધીઓ આવું બધું જોઇને માનસિક દબાણમાં આવી ગઇ હતી અને સ્તબ્ધ બની ગઇ હોય એવી એમની હાલત હતી. જે પ્રવાસ પતાની રમત, ગીત અને ડાંસ સાથે જઇ રહ્યો હતો એ જ પ્રવાસ એક ઉદાસી સાથે પરત ફરી રહ્યો હતો. સાથીદારોની એ વખતની ઉદાસી જોઇને હું મનોમન મુસ્કારાઇ રહ્યો હતો.

પેલો દોડીને જે નાગવા બીચ પહોંચી ગયેલ એ ચશ્મીશ બીજી બસમાં આવ્યો.

ઓફિસમાં બેક દિવસ પેલા પાંચેય શાંત રહ્યાં અને ફરી પાછી એમણે એ જ પ્રવૃતિ ચાલુ કરી દીધી.

આ ઉપરોક્ત બનાવની ઓફિસ કર્મચારીઓ સિવાય સ્વાભાવિક બીજાઓને તો જાણ ન જ હોય. આથી બીજા લોકો આવા લોકોનું વર્તન જોઇને કદાચ એવું માનતા હોય શકે કે આ લોકો તો કેવા વટથી ફરે છે, પણ એમનાં એ ખોખલા રાજાપાઠ જેવા વર્તન પાછળ પોતાના જ આત્મસન્માન માટે કલંકરૂપ એવા આવા બનાવો પણ છૂપાયેલા હોય છે.

Advertisements