અમારી મિત્રતા

M.Com.માં હતો ત્યારે કોમર્સમાં હોવા છતાં સાહિત્યમાં રસ હોવાને કારણે મોટાભાગે આર્ટસનાં તાસ ભરવા બેસી જતો અને એ કારણે આર્ટસ કરી રહેલા વિધાર્થીઓમાંથી પણ કેટલાક મારા મિત્રો બની ગયા હતાં. કોલેજ છૂટ્યા પછી કોલેજનાં નાના બગીચામાં હું એ બધા મિત્રો સાથે ટોળી જમાવીને બેસતો અને અમે આડાઅવળી વાતો કરતાં રહેતાં. એ વખતે મારે જેઓની સાથે અવારનવાર હળવા-મળવાનું રહેતું એમાંનો એક હતો M.A. કરી રહેલો જયેશ નાગ્રેચા નામનો કોલેજીયન. આ જયેશ આર્ટસ ટોળીમાંનો જ એક હતો. મારે લગભગ એ દરેક સાથે હંસી-મજાકનાં અને બોલવાનાં સંબંધ હતાં, પણ હું એમાંનો એક આ જયેશથી થોડું અંતર રાખતો. એનાંથી દૂર ભાગવાની તો વાત જ ન હતી, કેમ કે અમારી વચ્ચે હજુ એવો કોઇ સંબંધ જ સ્થાપીત થયો ન હતો. આવું કેમ? કારણ કે મને એ વખતે એવું લાગતું અને એ હકીકત પણ હતી કે અમારા વિચારો-વ્યવહારમાં ઘણું અંતર પડી જતું હતું.

એ કોલેજનાં દિવસોમાં મોટાભાગનાં વિધાર્થીઓ સાયકલ લઇને આવતાં. કોલેજમાં સાયકલ લઇને આવવામાં શરમાતા કેટલાક વળી ચાલીને આવતાં. એ વખતે માંડ દસ ટકા કોલેજીયન પાસે સાયકલ સિવાયનું વાહન જોવા મળતું. જેમની પાસે વાહન હોય એ પૈસાપાત્ર મનાતાં. આ જયેશભાઇ ગમે ત્યારે કોલેજમાં એનું સ્કુટર લઇને પ્રગટ થતો. એ વખતે કારણ ગમે તે હોય પણ એ બધા સામે એની થોડી કડક નજર ફેરવી લેતો. ક્યારેક ક્યારેક વળી ગમે તેની સાથે ડખા પણ કરી લેતો, એટલે સુધી કે વિધાર્થીઓ તો ઠીક, પ્રોફેસર સાથે પણ એને ક્યારેક ક્યારેક સંઘર્ષમાં ઉતરવાનું બનતું. મારી મૂળ પ્રકૃતિ જરા ઠંડી (પણ મક્કમ) એટલે એ કારણે પણ હું એની સાથે ઓછો હળતો-મળતો.

એ વખતે અમારો એ વયકાળ હતો કે અમારામાંનાં દરેકનાં હદયની આંતરીક ભાવના કોલેજીયન યુવતીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અને પ્રેમાળ રહેતી. સામે પક્ષે પણ લગભગ આવું જ હોઇ શકે, પણ આ જયેશ! એનું રૂક્ષ વર્તન કોલેજીયન યુવતીઓ પ્રત્યે પણ એવું જ રહેતું. ગ્રુપની કેટલીક છોકરીઓ તેની સાથે સદવર્તન દાખવતી પણ આ જયેશનું વર્તન એમની સાથે પણ રૂક્ષ રહેતું અને એ કારણે એની કડક છાપ વધારે સ્પષ્ટ થતી. હા, એમાં કોલેજની એક છોકરી અપવાદ હતી. આથી કોલેજ છૂટ્યા પછી કે ક્યારેક પહેલા એ એની એકમાત્ર આ મિત્રને સ્કુટર પાછળ બેસાડીને બધા સામે એવી જ કડક નજર નાખતો ચાલ્યો જતો.

બીજા બધામાં એનાં માટે અપવાદરૂપ હોય તો એ હું હતો. એ મારી સાથે હંમેશા પ્રેમપૂર્વક રહેતો. હું એનાથી દૂર ભાગતો રહેતો પણ એ મારી નજીક આવવામાં નિસંકોચ રહેતો. હું એનાં માનસને સમજી શકતો ન હતો. આમને આમ અમારૂ ચાલતું રહેતું અને અમારા બંનેનો અભ્યાસ પૂરો થતાં જ અમારૂ આખુ ગ્રુપ દિવસ ઊગતા જ અદ્રશ્ય થઇ જતાં તારાઓની માફક અદ્રશ્ય થઇ ગયું.

અભ્યાસ પૂરો થતાં જ હું અહીંની એક BPO કંપનીમાં લાગી ગયો. એકવખત અચાનક જ એ મને રસ્તામાં મળી ગયો. વાતવાતમાં એણે નોકરીની ઇચ્છા દર્શાવી અને મારી પાસેથી કંપનીનું સરનામુ લીધું. થોડા સમયમાં જ એ મારાવાળી કંપનીમાં આવી ગયો અને એ રીતે અમે બંને ફરી વખત ભેગા થઇ ગયાં.
અહીં જોડાયા પછી એની એ જ પુરાણી છાપ મુજબ એ પહેલા જ અઠવાડિયે બે-ચાર સહકર્મચારીઓ સાથે અથડાઇ પડ્યો. એ વખતે એ મને ભેગો થતાં પહેલો મહિનો એક જ વાત કરતો રહેતો, ‘મારાથી આ નોકરી નહીં થાય. હું ગાંડો થઇ જઇશ. હવે તો હું કાલથી નથી જ આવવાનો, વગેરે વગેરે… અને બીજા દિવસની સવાર પડતાં જ એ એનું સ્કુટર લઇને પહોંચી જતો. આ બધા પાછળનું કારણ એ હતું કે ભાઇશ્રીએ વાવેલ પ્રેમવૃક્ષનું ખાતર (ખર્ચવા પડતાં પૈસા) એને અહીંથી મળતું હતું. આમને આમ એ નોકરીમાં ટકી ગયો.

નોકરી દરમિયાન પણ એ મારી સાથે તો સદભાવથી જ રહેતો. એનાંથી દૂર રહેવું કોલેજકાળમાં મારા માટે સરળ હતું પણ હવે મારે એ માટે પ્રયત્ન કરવા પડતાં હતાં, અને આ જ તો અમારી લાંબી મિત્રતાની શરૂઆત હતી. થોડા વધુ નજીક આવતા ક્યારેક એવું બનતું કે મારો ઝુકાવ બીજા મિત્રો તરફ થોડો વધારે અને એ મને એની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હોય, પણ હું મને જેની સાથે મજા આવતી એ તરફ ખેંચાતો. મને લાગતું કે વગર બોલ્યે એ થોડો નારાજ થતો. આમ ને આમ ઘણો સમય પસાર થતો ગયો.

મને જેઓની સાથે એ વખતે મજા આવતી એ બધાનો સાથ ધીરે ધીરે છૂટતો ગયો. કેટલીક માનવીય નબળાઇઓ સ્વીકારવાની તો મારામાં ક્ષમતા છે પણ જ્યાં નરી સ્વાર્થવૃતિ, ચાલાકી, પ્રપંચ કે અમાનવીય વર્તન મને જેનામાં જોવા મળ્યા હોય એનાથી દૂર રહેવાનું મને ગમે છે. ભલે મારી સાથે મારી સાથેનો સાથીદાર એવું કરતો ન હોય પણ બીજા સાથે એવું કરે તો પણ ત્યાંથી ભાગવાની વૃતિ મારામાં જોર કરે છે. આ જયેશ સાથે કેટલાક વૈચારિક મતભેદો હોવા છતાં એ વુતિઓની એનામાં ગેરહાજરી હતી. એ કારણે જ હું એનાથી દૂર થઇ શકતો નહિં, અને એટલે જ આ પાયા ઉપર અમારી લાંબાગાળાની મિત્રતા આગળ વધી રહી હતી.

એકાદ અપવાદ બાદ કરતાં મારાથી એકવખત એની સાથે એવું વર્તન થઇ ગયું હતું. નોકરી દરમિયાન અમે બંને Shiftમાં કામ કરતાં હતાં એટલે બપોર પછીનો સમય ફાજલ રહેતો. આ સમય દરમિયાન મેં મારા એક મિત્ર સાથે એક ઓફિસ ભાડે રાખીને ઘંધો કરવાનું નક્કિ કર્યું. એ માટે જરૂરી એવા નાના એવા ફર્નિચર કામ માટે થોડા રૂપિયાની વયવસ્થામાં હું હતો. ઓફિસમાં મેં નાની એવી લોન માટે ફોર્મ ભરી દીધું હતું. અમારી કંપનીનો એક નિયમ એવો હતો કે લોન ફોર્મ ભરી દીધા પછી બે મહિને લોન આપવામાં આવે. હવે બન્યું એવું કે મારા આ મિત્ર જયેશે મારી પહેલા લોન મૂકી હતી. મારી લોન મંજૂર થવાને હજુ વાર હતી. એની લોન મારા પહેલા મંજૂર થતાં એને મને એવો આગ્રહ કર્યો કે એની એ રકમ હું રાખી લઉં અને મારી લોન મંજૂર થતાં એ રકમ હું એને આપુ. મેં એનો એ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

બીજી તરફ એવું બન્યું કે મારી સાથે જ બેસતા એક કર્મચારીએ મને કહ્યું કે મારી મંજૂર થનારી લોન હું એને આપું. મારી લોન રકમ આવતા જ મારો એ મિત્ર જયેશ મારી પાસે આવ્યો અને મને કહ્યું. મેં કહ્યું કે એ રકમ તો મેં બાજુવાળા મિત્રને આપી દીધી છે. એ ગમ ખાઇ ગયો અને બોલ્યો, ‘વાંધો નહિ, પણ તું જે કહે છે ને તે ફરીવાર કહે અને મારી આંખો સાથે નજર મિલાવીને કહે.’ મારે નાછૂટકે તેમ કરવું પડ્યું અને તે નારાજ થઇને ચાલ્યો ગયો.

બે-ચાર દિવસ પછી અમારો વ્યવહાર ફરી પૂર્વવત થઇ ગયો. આમને આમ લાંબા સમય સુધી ચાલતું રહ્યું. ઘણું ચાહતો રહ્યો કે હું એને Avoid કરૂ પણ દિલથી કરી ન શક્યો, કારણ કે એ હજુ પણ મને દિલથી મિત્ર માનતો હતો. આમને આમ અમારી મિત્રતાનાં સંબંધો આગળ વધી રહ્યાં હતાં. થોડા વૈચારીક મતભેદોથી ફરી પાછો એ સમય આવ્યો કે હું તેનાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. અમારો સંબંધ હવે એ રીતનો આગળ વધી ચૂક્યો હતો કે હવે મારા માટે એમ કરવું મુશ્કેલ હતું. મારા માટે આવી અસમંજશભરી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. હવે તો મેં એક આખરી નિર્ણય લઇ જ લીધો.

મારા આ આખરી નિર્ણયનાં બીજા દિવસે અમે બંને ઓફિસમાં ભેગા થયાં એ વખતે મેં એને કહી દીધું, ‘જયેશ, Please આજથી મને તું ના બોલાવીશ.’ આ અમારા બાળપણનાં દિવસો તો હતાં નહિં કે આ પ્રકારનું વર્તન કરીએ અને બીજા દિવસે જ સાથે રમવા માંડીએ. મને હતું જ કે એ એનાં મૂળ સ્વભાવ મુજબ ધરખમ ગુસ્સો કરી બેસશે, પણ આ શું? એણે મને કહ્યું, ‘વાંધો નહિ, પણ આમ નીચુ જોઇને ઢીલુ ઢીલુ ન બોલ, તું જે કહે છે ને તે મને ફરીવાર કહે અને મારી આંખો સાથે નજર મિલાવીને કહે.’ મારે નાછૂટકે તેમ કરવું પડ્યું અને તે નારાજ થઇને ચાલ્યો ગયો.

મેં એને જે કહ્યું એથી એણે મારામાંથી તમામ આશાઓ મૂકી દીધી. આથી એનો તો છૂટકારો થઇ ગયો, પણ મારી હાલત વધારે ખરાબ બની ગઇ. થોડાં દિવસો સુધી દિલ ઉપર ભાર રહ્યો, જે સમય જતાં હળવો બની ગયો. ઘણો લાંબો સમય સુધી એટલે કે એકાદ વર્ષ સુધી અમે બંને દૂર રહ્યાં. આ દરમિયાન પણ મને થતું કે, ‘સાલુ, આ માણસમાં એક Standard તો છે જ.’ ધીરે ધીરે મને એને ગુમાવ્યાનો અફસોસ થવા લાગ્યો અને સમયાંતરે એ અફસોસ પ્રબળ થવા લાગ્યો.

મારા જ દિલમાં રહેલી એ લાગણીઓ, આંતરિક ભાવનાઓનો આભાર માનું છું, અને એથી જ મારે આટલા લાંબા સમયાંતરે પણ ફરીવખત આખરી નિર્ણય લેવો પડ્યો. હવે હું એને જે કહેવાનો હતો એને એ સ્વીકારશે ખરો? સાચુ માનશે ખરો? એવું વિચાર્યા વગર મારા ફરીવારનાં આખરી નિર્ણયનાં બીજા દિવસે હું ઓફિસે ગયો અને મેં એને કહ્યું, ‘મને માફ કરજે, જયેશ. આપણે ફરી ભેગા થઇ શકીએ?’ મારી અપેક્ષાથી વિરૂદ્ધ અને ઊંડે ઊંડે મારા મનમાં જે હતું એ મુજબ એણે સારામાં સારો પ્રતિભાવ આપ્યો. કોઇપણ માફી આપવાનાં ભાવ વગર જ એ પહેલાની માફક જ બોલ્યો, ‘બે-એક દિવસમાં સમય લઇને ઘરે આવ. નિંરાતે મળીએ.’

બીજા દિવસે સાંજનાં સમયે હું તેને ઘરે ગયો. વાતો કરતાં હતાં એ દરમિયાન એણે મને કહેલ, ‘આ તો તે સ્પષ્ટ ના કહી હોવાથી હું તને બોલાવતો ન હતો, બાકી મારા દિલમાં તારા પ્રત્યે ક્યારેય અભાવ થયો નથી, અને મને વિશ્વાસ હતો કે એક દિવસ તું વળીવળીને મારી પાસે આવીશ જ.’ સામાન્ય વાતો કરીને હું તેનાં ઘરેથી હળવો નાસ્તો કરીને માનસિક રીતે હળવોફૂલ થઇને મારા ઘરે જવા માટે નીકળ્યો. એ દિવસથી સાચા અર્થમાં શરૂઆતની એ ભરતી-ઓટ સાથેની અમારી મિત્રતા છેલ્લા અઢાર વર્ષથી આજે પણ ચાલુ જ છે.

અમારો અન્ય એક મિત્ર છે. બોલેલું લગભગ પાળતો નથી. મોબાઇલ કરીએ તો આપણાં ફોન ઉપાડશે કે નહિં તે નક્કિ નહિં. દરેક દલીલોમાં એ જ સાચો એવો એનો અભિગમ. મૂડ આવે તો બે-પાંચ માણસો વચ્ચે આપણને એવા ઉતારી પાડે કે ઘડીવાર એમ થાય કે હું આનો સાથીદાર શાં માટે છું? એનાં સ્વભાવને કારણે એ જ્યારે સલવાઇ જાય ત્યારે પહેલો ફોન અમારામાંને કરે. મળવાનો સમય આપ્યો હોય ત્યારે એ આવે જ નહિ. ફોન કરીએ તો કહે કે, ‘બસ, અડધી કલાકમાં જ આવ્યો..’ કલાકેક રાહ જોયા પછી એને ફોન કરીએ તો કહે કે, ‘હું નહિં આવી શકું.’ એનામાં આ બધું હોવા છતાં આજે એ અમારો અભિન્ન મિત્ર છે. કહેવાનો મતલબ એ કે લાંબો સમય સાથે રહ્યાં પછી સામેનાંની મર્યાદાઓ પણ આપણે સ્વીકારતા થઇ જઇએ છીએ. એથી જ અમને એનાં આ અવગુણો પણ સ્પર્શી શકતા નથી. હું માનુ છું કે મિત્રતાની બાબતમાં જ નહિં, દરેક સંબંધોની બાબતમાં પણ આ જ તો મુખ્ય મુદ્દો છે.

કોલેજ પૂરી થયાં પછી અમે દસ-બાર મિત્રો એક હોટલમાં છેલ્લું સહભોજન કરવાં ગયાં હતાં ત્યારે બઘાએ સાથે રહીને જોશભેર એલાન કરેલ કે, અહીંથી છૂટા પડ્યાં પછી વર્ષમાં કમ સે કમ એકવાર તો બધાએ એક નિશ્ચિત જગ્યાએ એકઠાં થવું જ. એ વખતે સામાન્ય લાગતી આ વાત આજે અસંભવત લાગે છે, કેમકે બધા જ પોતપોતાનાં માળામાં ગોઠવાઇ ગયા છે અને થોડાઘણાં સુખી પણ છે.

આજે અમે બંને મિત્રો નોકરી બદલાઇ હોવાથી છૂટા પડી ગયાં છીએ પણ દૂર નથી થયાં. સમયનાં અભાવમાં પણ મળતા રહીએ છીએ. ન મળાયું તો એ માટે સમય મેળવી લઇએ છીએ. સાથે નાસ્તા/ભોજન કરી લઇએ છીએ. એ પણ ક્વચીત નહીં પણ અવારનવાર. આ રીતે હળીમળીને આજે પણ અમે અમારી માનસિક થકાન દૂર કરીને આનંદ કરતાં રહીએ છીએ. બસ, આ જ તો જિંદગી છે.

અને છેલ્લે પહેલા લખેલી જયેશની પેલા Standardવાળી વાત. એનાં એ Standardને કારણે જ તેની જે કોલેજ-પ્રિયા એનાં સ્કુટર પાછળ બેસતી એ એમની Love-Storyમાં અનેક વિઘ્નો આવવા છતાં આજે જયેશનાં બંને બાળકોની માતા તરીકે ફરજ નિભાવે છે. બસ, આ જ તો સુખ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s