લિંકનનાં જીવનનો એક પ્રસંગ

અબ્રાહમ લિંકન અમેરીકાનાં પ્રમુખ હતાં એ સમયે અમેરીકાનાં સંરક્ષણ ખાતામાં એક મહત્વનાં હોદા માટે નિમણુક કરવાની જવાબદારી એમનાં પર હતી. આ જગ્યા માટે અનેક અરજીઓ આવી પડી. .

સંરક્ષણ ખાતાનો હોદો હોવાથી લાયકાત, કર્તવ્યનિષ્ઠા, વફાદારી અને દેશભક્તિ જેવી યોગ્યતા ધ્યાનમાં રાખીને આ નિમણુક કરવાની હતી. .

અરજીઓમાંથી લિંકને એક લાયક વ્યક્તિની નિમણુક કરી. આ એ વ્યક્તિ હતી કે જે લિંકન વિરોધી હતો અને જાહેરમાં પણ લિંકન વિરૂદ્ધ બોલતો. આથી કેટલાક લોકોએ અબ્રાહમ લિંકનને એ વિશે પૂછ્યું. .

લિંકને તેઓને જવાબ આપતા કહ્યું કે, “મારા અંગત હિત કરતાં પણ જેઓને રાષ્ટ્રહિતની ખેવના વધારે છે તેવા માણસની મારે નિમણુક કરવાની હતી. વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રહિત વધુ મહત્વનું છે.” .

અમેરિકાનો સ્વરક્ષણ અને દેશહિત માટેનો આગ્રહ આજે પણ એટલો જ દઢ છે અને તેનાં પાયો આવા લાયક નેતાઓએ જ નાખ્યો છે. .

Advertisements

જ્ઞાની કોણ છે?

યૂનાનનાં પ્રાચીન ડોલ્ફીના દેવીનાં મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બીરાજમાન રહેતી. તત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એકવખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ કોણ છે?” .

દેવીએ જવાબ આપ્યો, “સુકરાત”. .

આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે. .

સુકરાતે કહ્યુ, “તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.” .

આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યો પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.” .

દેવીએ કહ્યું, “બસ આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાનાં જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.” .