ઇતિહાસની બે સમાન ઘટનાઓ, પણ જુદા પરિણામો

એક સમાન બે ઇતિહાસની ઘટનાઓ કે જેના પરિણામો સાવ જુદા હતા.
એક : સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો ત્યારે સિકંદરે પોરસને પુછ્યુ કે, ‘બોલ તારી સાથે કેવું વર્તન કરવામાં આવે ?’

ત્યારે પોરસે જવાબ આપ્યો હતો કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઇએ.

સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને એને પોતાના રાજ્યનો પ્રતિનિધી બનાવ્યો.

બીજો બનાવ : મહમદ ઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યો અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ન કર્યો કે,

‘મારી પાસે તમારી શું અપેક્ષા છે ?’

પૃથ્વીરાજે પણ પોરસ જેવો જ જવાબ આપેલો. મેં તમને અનેક વખત જવા દીધા છે

તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઇએ.

પૃથ્વીરાજની આ માંગ બાદ મહમદઘોરીએ એની આંખો ફોડાવી નાખીને પછી મૃત્યંદંડની સજા કરી હતી.

ઇતિહાસની આ એક સમાન બે ઘટના, પણ જુદા પરિણામો શા માટે ?

આ સવાલનાં જવાબ માટે સિકંદર અને મહમદઘોરીના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે

સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એરીસ્ટોટલ હતા અને કમનસિબે મહમદઘોરીને આવા કોઇ વ્યક્તિની સંગત નહોતી.

તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો?

કોઇની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે આ બધું બહું જ મહત્વનું છે.

કોઇ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને માનવતાવાદી બનાવી શકે છે.

Advertisements

આ દેશની સમસ્યા અને પીડા શાં છે? – By રજનીશ

રસ્તો અંધકારભર્યો હતો. એક માણસ સળગતુ ફાનસ રાખીને બેઠો હતો. મે પુછ્યુ, કેમ અહીં બેઠો છો?’ પેલા માણસે કહ્યું, ‘મારી પાસે જે ફાનસ છે તે ૩ ફૂટ દૂર સુધી જ પ્રકાસ આપે છે. મારે તો દૂર સામે સુધી જવું છે. એથી અજવાળાની રાહમાં બેઠો છું.’ મેં કહ્યું, ‘ તું ચાલતો તો થા. પ્રકાસ પણ આગળ-આગળ મળતો રહેશે.’

આ દેશની સમસ્યા અને પીડા શાં છે? આપણે વધુ પડતા બુદ્ધિમાન છીએ. બેઠા બેઠા ઘણી બાબતોનો વિચાર કર્યા કરીએ છીએ. આપણે કહીએ છીએ તો ખરા કે ટેકનોલોજીકલ ક્રાંતિ ક્યારે અને કેવી રીતે થઇ શકશે, પણ પછી લાંબી ગણતરીઓ કરવા માંડીએ છીએ અને તેનાથી ડરી જઇએ છીએ. એ કઠણ કામ છોડીને જે આજે થઇ શકે એટલું જ કરીએ છીએ. ધાર્મિક ઝઘડાઓમાં, ભાષાવાર પ્રાંતોની રચનામાં આપણે કર્યું તેમ. આમ વર્તવાથી, કાંઇપણ કર્યા વગર આપણને એમ લાગે છે કે આપણે કશું કરી રહ્યાં છીએ. અને સમય સમયનું કામ કરતો રહે છે.

ના, આ નહિ ચાલે. ટેકનોલોજીકરણનો માર્ગ, ભલે લાંબો લાગે તો પણ તેની શરૂઆત આજે અત્યારે જ કરવી જોઇએ. તો જે બીજા દેશો કરી શક્યાં એ આપણે કરી શકીશું. સંકલ્પની જરૂર છે, શ્રમની જરૂર છે. નહિ તો આપણે રોજ પાછા પડતા જઇશું, જ્યાં છીએ ત્યાંથી પણ પાછા હટતા જઇશું.

થોડાવખત પહેલા મેં એક અહેવાલ વાંચ્યો હતો. તેમા જણાવ્યું હતું કે સમસ્ત વિશ્વમાં જેટલા વૈજ્ઞાનિકો પેદા થયા, તેમાંના નેવુ ટકા ફક્ત પાછલા પચાસ વર્ષોમાં જ થઇ ગયા છે. આ નેવુ ટકામાંથી પણ પચાસ ટકાથી વધુ એકલા અમેરિકામાં છે. એનો એ અર્થ થયો કે સમસ્ત મનુષ્યજાતિનાં ઇતિહાસમાં જેટલો વૈજ્ઞાનિક વિચાર, ચિંતન, પ્રતિભાનો વિકાસ થયો, તેનો પચાસ ટકા હિસ્સો એક જ દેશમાં થયો અને હજી એ પ્રતિભા વધતી જાય છે. એ દેશ થોડા વખતમાં એ જગ્યાએ પહોંચી જશે કે જ્યાં પહોંચતા આપણને ઘણી જ મુશીબત પડે. તેથી આપણે ત્વરા કરવાની જરૂર છે, પરંતુ આપણું ચિંતન જુદા પ્રકારનું છે.

આપણે તો એ ચિંતામાં પડયા છીએ કે સંપતિની વહેંચણી કઇ રીતે કરવી? હડતાલો કેમ પાડવી? ઘેરો કેમ ઘાલવો? યુનિવર્સિટીની પરીક્ષા કેમ આઘીપાછી કરવી? વગેરે કાર્યોમાં પડયા રહીએ છીએ.

એક ગામ મૈસૂરમાં રહે કે મહારાષ્ટ્રમાં, ચંડીગઢ પંજાબમાં રહે કે હરિયાણામાં આવા પાગલપણાની વાતમાં ગૂંચવાયેલા રહીએ છીએ. આપણાં પાગલપણાનો પાર નથી. ચંડીગઢ જ્યાં છે ત્યાં છે, છતાં આપણે નકામા હેરાન થઇએ છીએ.

રશિયન લેખક લિઓ ટોલસ્ટોયનાં કેટલાક વિચારો…

[ જન્મઃ ૨૮-ઓગસ્ટ-૧૮૨૮. ટોલસ્ટોયનાં લગ્ન થયાં (૨૨-૯-૧૮૬૨) ત્યારે તેઓ ૩૪ વર્ષનાં હતાં. મોસ્કોમાં થયેલ તેમનાં લગ્ન વખતે તેમની પત્ની સોફિયાની ઉમર ૧૮ વર્ષની હતી. ૨૬ વર્ષનાં લગ્નજીવનમાં ટોલસ્ટોયને ત્યાં ૧૩ બાળકો થયાં. તેમણે જ્યારે એમની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘યુદ્ધ અને શાંતિ’ લખવાની શરૂઆત કરી ત્યારથી પૂર્ણ કરી ત્યાં સુધીમાં એમને ત્યાં ચાર બાળકો થઇ ચૂક્યા હતાં. એમનું મૃત્યુ થયું ત્યારે એમની સ્મશાનયાત્રા ૧ માઇલ લાંબી હતી. જેમાં મુખ્યત્વે વિધ્યાર્થીઓ અને ખેડૂત વર્ગ હતો. ]

કોઇપણ અંતરાયની પરવા કર્યા વગર સ્વીકારેલું કામ પાર પાડવું, અને તે કાર્યને બને તેટલી રીતે ઉતમ રીતે કરવું.

આપણે કેવળ આપણી દ્રષ્ટિએ ભલા હોઇએ તેટલું ચાલે નહિ, પણ લોકોની દ્રષ્ટિએ પણ આપણું ચારિત્ર સારૂ હોવું જોઇએ.

દારૂ, જુગાર, બીડી અથવા અન્ય કોઇપણ વ્યસન મારામાં ઓતપ્રોત થઇ ગયા નથી, પણ કામવિકારને જીતવામાં મારે ઘણાં પ્રયત્નો કરવા પડ્યાં છે. એ વિકાર મનુષ્યની સદવૃતિ માટે ઘાતક છે એ હું જાણતો હતો તો પણ પુષ્કળ વખત હું નિરૂપાય બનતો.

શારીરિક વાસનાનું મુખ્ય જન્મસ્થાન મનુષ્યની કલ્પનાશક્તિમાં છે. તેનો જન્મ કલ્પનામાં થાય છે અને વિકાસ શરીરમાં થાય છે. જેમ જેમ એનું દમન કરવામાં આવે તેમ તેમ તે વધતી જાય છે, એથી જીતવું મુશ્કેલ છે. તેને અટકાવવાનો રસ્તો શારીરિક શ્રમ અને મનને બીજા વિષયમાં ગુંથી રાખવું એ છે.

બાહ્ય આડંબરનો દુર્ગુણ અન્યને લાભદાયી નથી, પણ પોતાને માટે તો અત્યંત નુકશાનકારક છે.

અનિષ્ટ બાબતોને અટકાવવા માટે સરકારનો જન્મ થાય છે, પણ છેવટે ગરીબોને પીલી નાખી શ્રીમંતોની સંખ્યામાં વધારો કરવામાં જ તે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે.

ધનનો નાદ છોડીને જ્યારે હું સત્યની શોધ કરવા લાગ્યો ત્યારે મારા પડછાયે કોઇ ઊભુ રહેતું નથી.

વાદવિવાદમાં ન પડતાં પ્રત્યેકે પોતાના પુરતુ જ સત્ય-અસત્ય તપાસી જોવું અને એમ કરતાં વાદનો એકપણ શબ્દ ન ઉદભવે એની કાળજી રાખવી.

મારા જીવનમાં સુધારો કરવો એ મારૂ કર્તવ્ય હતું, પરંતુ મારૂ જીવન સુધારવાને બદલે લોકોનાં જીવન સુધારવાની ગાંડી કલ્પના મારા મગજમાં ઉદભવી. પછી અનુભવનાં અંતે મને સમજાયું કે એમ થવું અશક્ય છે.

માણસની પાસે ઉડાઉ બનવા જેટલો પૈસો જમા થતાં તે શ્રમ કરવાનું મૂકી દઇને એ વધારાનાં પૈસા વડે પૈસા ખેંચવાનાં રસ્તા શોધવા લાગે છે, અને એથી બીજાનાં દુઃખ અને શ્રમમાં વધારો થાય છે.

સ્ત્રીને જ્યાં ખાત્રી થઇ કે પુરૂષ પોતાનો ગુલામ બન્યો છે (પોતાનાં ઉપર લટ્ટ બન્યો છે) એટલે તે પછી પોતાનાં અધિકારનો જોઇએ તેવો દુરૂપયોગ કરે છે. પછી પ્રત્યેક સ્થળે અને વસ્તુ પર તમે તેનાં સામર્થ્યની છાયા પડેલી જોઇ શકશો.

સમસ્યા શું છે ?

કોઇ એક ગામમાં એક જ્ઞાની માણસ તેમનાં કાફલા સાથે પસાર થઇ રહ્યો હતો. લોકો તેમની વાણી સાંભળવા એકઠા થતા હતાં.

એકવખત ખાનગી પેઢીમાં નોકરી કરતો એક યુવક તેમની પાસે આવ્યો અને કહ્યું, “હું અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છું. આર્થિક, શારીરિક સમસ્યાઓ તો છે જ અને ક્યારેક તો ન ધારી હોય તેવી સમસ્યાઓ પણ મારી સમક્ષ હાજર જ હોય છે. મહેરબાની કરીને મને મારી સમસ્યાઓનો ઉપાય જણાવો.”

જ્ઞાની માણસે કહ્યું, ‘હું તારી સમસ્યાઓનો હલ બતાવીશ પણ આવતીકાલે, અને એ પહેલા આજની રાત માટે તારે મારી સાથે રહેલા કેટલાક ઊંટનું ધ્યાન રાખવાનું રહેશે, અને તેમાં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે જ્યારે બધા જ ઊંટ બેસી જાય પછી જ તારે સૂવાનું છે, એ પહેલા નહિ.’

બીજા દિવસે જ્ઞાની માણસે તે યુવકને તેનો રાતનો અનુભવ પુછ્યો.

પેલા યુવાને કહ્યુ, ‘હું આખી રાત ઊંઘી જ નથી શક્યો. કારણ કે, કેટલાક ઊંટ એમની રીતે જાતે જ બેસી ગયા હતા. કેટલાક મહામુશ્કેલીએ બેસાડી શકાયા હતાં. કેટલાકને સરળતાથી બેસાડી શકાયા તો હતા પણ તે ફરી પાછા ઊભા થઇ જતા હતાં, તો કેટલાકને મહામુશ્કેલીએ બેસાડી દીધા પછી તે બેસી જ રહ્યાં હતાં. એમાં થયુ એવુ કે કોઇનાં કોઇ સમયે કોઇ ઊંટ તો ઊભેલો દેખાતો જ હતો.’

જ્ઞાની માણસે કહ્યું, ‘તારી સમસ્યાઓનો કોઇ હલ તો આમા નથી, પણ એક સમજણ છે. સમસ્યાઓનું પણ આ ઊંટ જેવું જ છે. જીવનમાં અનેક સમસ્યાઓ હોય છે. કેટલીક મહેનત અને પ્રયત્નોથી હલ કરી શકાય છે. કેટલીક મહામુશ્કેલીએ હલ થાય છે. કેટલીક સરળતાથી હલ થઇ તો જાય છે પણ બીજીવાર ઊભી પણ થઇ શકે છે, પરંતુ કોઇપણ સમયે કોઇને કોઇ સમસ્યા તો રહેવાની જ. જીવન છે. જીવન આનંદથી જીવવું છે તો સમસ્યાઓ સાથે જીવતા શીખવું જ પડશે. એ આશા સાથે કે હું પ્રયત્ન કરતો રહીશ તો ક્યારેક ને ક્યારેક તો બધા ઊંટ એકસાથે બેસી જ જશે અને હું આરામથી ઊંઘી શકીશ.’

ગુજરાતી ભાષામાં પણ એક કહેવત છે કે ‘દરેક સમસ્યા એનો ઉકેલ લઇ ને જન્મે છે’.

વિનોબા ભાવેએ આ મતલબનું જ કહ્યું છે કે, ‘પથ્થર ભલે છેલ્લા ઘાથી તૂટે છે, પણ એની પહેલાના ઘા તો નાકામા નથી જ જતા’.

———-

“જ્યારે ભગવાન તમારી સમસ્યા દૂર કરી આપે છે ત્યારે તમને એમની ક્ષમતામાં વિશ્વાસ બેસે છે, પણ જ્યારે એ તમારી સમસ્યા દૂર ન કરે ત્યારે, ખાસ યાદ રાખજો – કે એમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે.” – સ્વામી વિવેકાનંદ

કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દો

હોડીમાં રાંધવા માટેની જગ્યા = સુરધન

પંદર-સતર વર્ષની ઉમરનાં હોવું = બાખરો

સફર દરમિયાન વહાણ/હોડીનાં તળીયે ચોંટી જતાં છીપલાં = કડો

ખટપટીયો, દગાખોર એવો નકામો માણસ = કાવુંસીયો

આંસુ = રૂંગા

ચુપચાપ થઇ જવું = કાલાબોકાલાં

મધ્યમ કદની હોડી = પડી

ઠપકો = ઉપાલંભ

નાગાઇ ઉપર ઉતરવું / નાગાઇ કરવી = નાંગાદવાજા

દરીયાઇ માછલીમાંથી બનતો પુલાવ(વાનગી) = માઇકુલાલ

પોતાની નાત સિવાઇનો માણસ = બારવારો

જાડી/તગડી/માંસલ પણ જરા અણઘડ સ્ત્રી = ઢોલફાડ્ય

હોડી/વહાણમાં રહેલી સાવ નાની તિરાડમાંથી દરિયાનું પાણી હોડીમાં અંદર ભેગું થાય તે = ઘામટ

માછલાને કાપીને ધોયા પછી તેની ગંધવાળુ પાણી = મછડુંડન

ભગવાન = કિરતાર

દરીયામાંથી મોટા જથ્થામાં માછલાં મળી આવવા તે = પરતલ

દરીયાઇ ભરતી પહેલાનો લાગતો પાણીનો ધક્કો = વીળ

દરીયાઇ ઓટ પહેલાનો લાગતો પાણીનો ધક્કો = હાલર

શરીર = વપુ

નગારૂ = ત્રંબાળુ

રાત્રે કુતરાં લાંબાઢાળે રૂવે/રાગડાં તાણે તે = રવાડ

સફરની હોડી/વહાણનાં તળીયે રહેલું મુખ્ય જાડુ લાકડું (જેનાં ઉપર હોડીનું બાંધકામ થાય) = પઠાણ

માછલા પકડવા માટે હોડીને દરીયામાં લઇ જવી તે = લોધ

ઘેટાબકરાનું મોટું થયેલું બચ્ચું = હલવાનીયું

ઝાકળનો પવન = ઘાવરવાવડો

બરફ ખાંડવા માટેની લાકડાની મોટી હથોડી = મોગરી

ખૂબ જ મારવું તે = ઢાબરવું

ફરતે બાંધેલી દિવાલ (વરંડો) = બરમદા

યોગશાસ્ત્ર પ્રમાણે ત્રણ મુખ્ય નાડીઓમાંની વચલી નાડી = સુષમણા (અન્ય બે ઇડા, પિંગલા)

બારીક રેશમી વસ્ત્ર = દુકૂલ

તેજસ્વી તારો સૂર્ય = તરણિ

હ્દય / અંત:કરણ = સ્વાન્ત

કપટ/દગાબાજી = કૈતવ

દુશ્મન = અરિ

મહામુશ્કેલીથી નિવારી શકાય તેવું = દુર્નિવાર

માંદુ પડેલું / બીમાર થયેલું = આજાર

વરસાદ અંગેની વિદ્યા = પર્જન્યવિદ્યા

પાણીનાં સમાનાર્થી શબ્દો….

પાણી – પ્રાણ બચાવનાર પ્રવાહી

અંભસ – જે બધે પ્રસરી જાય છે અને કોઇ સાથે અથડાતા અવાજ પેદા કરે છે તે

કીલાલ – અગ્નિની જ્વાળાઓને અટકાવે છે તે

પાનીય – પ્રાણીમાત્ર જેને પીએ છે અને અગ્નિનાં તાપથી જે શોષાય છે તે

ક – જે શુદ્ધ હોવાથી પ્રકાશે છે અને શીતળતાનો ગુણ ધરાવે છે તે

અમૃત – જેને સેવતા અકાળ મોત થતું નથી તે

નીર – જે હદયને પ્રિય અને હદય માટે તૃપ્તિકારક છે તે

સલિલ – નીચેની તરફ ઢળતું કાયમ માટે હિતકારી છે તે પ્રવાહી

આપ – જે સર્વમાં વ્યાપી જાય છે તે

ઉદક – બધા જ પદાર્થોને ભીના કરી શકે છે તે

જલ – તરસ મટાડતુ પ્રવાહી

ધનરસ – મેઘનું જ જે બીજુ સ્વરૂપ કહી શકાય છે તે

અંબુ – જે કોઇપણ સાથે ટકરાતા અવાજ પેદા કરે છે તે

વારિ – જે તરસ થાક મૂર્છા અને અકળામણ દૂર કરે છે તે

પયસ – શીતળતા અને મધુરતા જેનો ગુણ છે તે

પાયસ – દરેક પ્રાણી જળમય હોવાથી જેનાથી દરેક પ્રાણીનું રક્ષણ થાય છે તે

તોય – જે બધે જ ફેલાય શકે છે તે અને એથી બધા પ્રદેશને ઢાંકી શકે છે તે

જીવન – જેને આધારે બધા જ પ્રાણીઓ જીવી શકે છે તે

વન – તરસથી પીડાતા પ્રાણીઓ જેનું સેવન કરવા માંગે છે તે

અર્ણસ – જેનો ગુણ નીચાણ તરફ જવાનો છે તે

Lloyd Shearer/લોઇડ શિરરનાં જીવન ઉપયોગી કેટલાક સંકલ્પો

Lloyd Shearer. અમેરિકન કોલમનિસ્ટ. ખાસ તો હોલિવુડનાં હિરો-હિરોઇન અને રાજકારણીઓનાં ઇન્ટરવ્યૂ માટે પ્રખ્યાત થયેલ. લાખો વાંચકોમાં લોકપ્રિય એવા આ લેખકને વાંચકો તરફથી દર અઠવાડિયે સરેરાશ પાંચ હજાર પત્રો મળતાં. 84 વર્ષની વયે હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હતું. એ લોઇડ શિરરનાં જીવન ઉપયોગી કેટલાક સંકલ્પો.

બીજા બધા સુખ કરતાં તમારા શરીરનું સુખ સર્વાધિક છે એ ક્યારેય ના ભૂલો. તબીયતનું ખાસ ધ્યાન રાખો, કેમકે સ્વાસ્થ્ય વગર સાચુ સુખ અસંભવ છે.

હંમેશા બીજાઓને મદદ કરવાની ભાવના અને સંકલ્પ રાખો. એથી લોકોની મદદ પણ તમને મળતી રહેશે.

આ જગતમાં કોઇ અમર નથી. મૃત્યુ નિશ્ચિત છે. એટલે મરતા પહેલા સંકલ્પ કરો કે જીવનમાં અમુક મૂલ્યો તો તમે જાળવશો જ.

ગુસ્સાવાળા અને તીખા સ્વભાવવાળાઓથી હંમેશા દૂર રહો. સજ્જનો પાસેથે મળતું દુ:ખ સારૂ પણ દુર્જનની કૃપા નકામી.

કોઇપણ ભોગે, કાંઇપણ કરીને સફળતા મેળવવા માંગતા લોકોથી દૂર રહો.

સલાહો ક્યારેય ન આપો. ડાહ્યા અને શાણા લોકોને તેની જરૂર નથી અને મૂર્ખાઓ તે માનવાનાં નથી.

સંઘર્ષ કરનારની નિષ્ફળતા કે અસફળતામાં ક્યારેય ખુશ ન થાઓ કે એમની મજાક ન કરો. કેમ કે જીવનમાં તમે પણ ક્યારેક આવી સ્થિતિમાં હતાં અથવા તો આવવાનાં છો.

સફળતા અને ધનને એકસરખા ન માનો. યેનકેન પ્રકારે સંપતિ મેળવનાર દુ:ખી અને માનવ તરીકે નિષ્ફળ પણ હોય શકે છે. એટલે જ સફળતા કેવી રીતે, ક્યાં માર્ગે મેળવી છે એ મહત્વનું છે.