લિંકનનાં જીવનનો એક પ્રસંગ

અબ્રાહમ લિંકન અમેરીકાનાં પ્રમુખ હતાં એ સમયે અમેરીકાનાં સંરક્ષણ ખાતામાં એક મહત્વનાં હોદા માટે નિમણુક કરવાની જવાબદારી એમનાં પર હતી. આ જગ્યા માટે અનેક અરજીઓ આવી પડી. .

સંરક્ષણ ખાતાનો હોદો હોવાથી લાયકાત, કર્તવ્યનિષ્ઠા, વફાદારી અને દેશભક્તિ જેવી યોગ્યતા ધ્યાનમાં રાખીને આ નિમણુક કરવાની હતી. .

અરજીઓમાંથી લિંકને એક લાયક વ્યક્તિની નિમણુક કરી. આ એ વ્યક્તિ હતી કે જે લિંકન વિરોધી હતો અને જાહેરમાં પણ લિંકન વિરૂદ્ધ બોલતો. આથી કેટલાક લોકોએ અબ્રાહમ લિંકનને એ વિશે પૂછ્યું. .

લિંકને તેઓને જવાબ આપતા કહ્યું કે, “મારા અંગત હિત કરતાં પણ જેઓને રાષ્ટ્રહિતની ખેવના વધારે છે તેવા માણસની મારે નિમણુક કરવાની હતી. વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રહિત વધુ મહત્વનું છે.” .

અમેરિકાનો સ્વરક્ષણ અને દેશહિત માટેનો આગ્રહ આજે પણ એટલો જ દઢ છે અને તેનાં પાયો આવા લાયક નેતાઓએ જ નાખ્યો છે. .

Advertisements

જ્ઞાની કોણ છે?

યૂનાનનાં પ્રાચીન ડોલ્ફીના દેવીનાં મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બીરાજમાન રહેતી. તત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એકવખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ કોણ છે?” .

દેવીએ જવાબ આપ્યો, “સુકરાત”. .

આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે. .

સુકરાતે કહ્યુ, “તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.” .

આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યો પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.” .

દેવીએ કહ્યું, “બસ આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાનાં જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.” .

‘અમૃતદ્રાર’માંથી… – રજનીશ

એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઇ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યાં હતાં. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઇને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઇ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઇ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્નનાં જવાબ એ આનંદનાં ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,’ અને એ ફરીવખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.

એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંનાં છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યાં છીએ. એ નિર્માણ કરતી વખતે કોઇ ક્રોધમાં જ હોય છે, કોઇ એને બોજો સમજીને ઉધાસીન છે, તો કોઇ આનંદથી ભરેલો હોય છે.

જીવનને આપણે જેવું જોઇએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઇએ છીએ. આપણે એ જ જોઇ શકીએ છીએ જેવી જોવાની આપણી દ્રષ્ટિ હોય છે.

———
તમે ધારી લીધુ છે કે મુશ્કેલી બહુ મોટી છે અને તમે નાના છો. ધર્મગુરૂઓ પણ તમને એ જ વાત સમજાવે છે કે તમે બહુ નાના છો અને મુશ્કેલી બહુ મોટી છે. તેઓ તમારો આત્મવિશ્વાસ હણી લે છે… તમારૂ અસ્તિત્વ તમારી ધારણા ઉપર નિર્ભર છે. તમે તમારી જાતને નાની સમજો તો તમે નાના છો. તમે માનો કે તમે મોટા છો તો તમે જરૂર મોટા બની શકશો.

———–
હું કોઇ ઉપદેશક નથી, પણ મને દેખાય કે મારી નજર સામે કોઇ એના માર્ગમાં અંધકારમાં ભટકે છે, કે પથ્થર સાથે ટકારાય છે, કે દુ:ખ/પીડાનો માર્ગ પસંદ કરે છે, તો પણ હું એને ઉપદેશ નથી આપતો, પણ એક દીવો/જ્યોત મારા ઘર આગળ જરૂર રાખુ છું. બની શકે કે એને માર્ગ મળી જાય, રસ્તો મળી જાય, બોધ મળી જાય. એ વાતની કોઇ ખુશી નથી કે કોઇ ભીડ સાંભળવા આવે છે કે નહિ, સાંભળે છે કે નહિ, એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે, હું જોઉ છું કે જે રસ્તો ખોટો/ગલત છે એનાં ઉપર બીજાને ચાલવા દઉં તો એ પાપ છે, હિંસા છે. એ હું નથી ઇચ્છતો અને એટલે જ આપને કાંઇક કહું છું, પણ એ ઉપદેશ નથી. આપ એ માનવા, સ્વીકારવા, અનુયાયી બનવા બંધાયેલા નથી. તમે મને ગુરૂ બનાવવા ચાહશો તો પણ હું રાજી નથી. તમે મારી પાછળ જ ચાલવા ઇચ્છો છો તો હું તમારી ક્ષમા માંગુ છું. મારા કોઇ પુસ્તકને તમે જો શાસ્ત્ર બનાવવા માંગતા હો તો હું એને આગ લગાડી દઇશ કે જેથી એ શાસ્ત્ર ન બની શકે.

———–
હું કહેવા માંગુ છું કે જીવન એ કાંઇ અર્થહીન કથા નથી, જીવન તો એક સાર્થક આનંદ છે; પણ એવા જ લોકો માટે જેઓ જીવનનાં પ્રશ્નો/સમસ્યાઓ ઉકેલવાની હિંમત રાખે છે. જેઓ એક્સેપિસ્ટ છે, ભાગવાવાળા છે એને જીવનમાં આનંદ ન મળે તો તેમાં દોષ કોનો? જે જીવનનો/પ્રશ્નોનો સામનો કરે છે એને માટે જીવનનો અર્થ ખુલતો જાય છે.

એક પ્રસંગ : સતકર્મનું ફળ

સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.

એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.

આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.

એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી.

ખેડૂત ફ્લેમિંગે કોઇ અપેક્ષા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ.

આવા હોય છે સતકર્મોનાં ફળ.

પ્રસંગ : (૧)એચ.જી.વેલ્સ (૨) આઇન્સ્ટાઇન

ઇંગ્લેંડનો વિશ્વવિખ્યાત સાહિત્યકાર એચ.જી.વેલ્સ તેનાં એક મિત્રને લંડનમાં બનાવેલું પોતાનું વિશાળ મકાન બતાવી રહ્યો હતો. મિત્રને મકાન બતાવતા વેલ્સ અને તેનો મિત્ર ત્રીજા માળ પર આવ્યા, ત્યાં વેલ્સે તેનાં મિત્રને પોતાનો શયનકક્ષ બતાવ્યો. ખૂબ જ નાનો શયનકક્ષ જોઇને તેના મિત્રએ વેલ્સને કહ્યું, ‘તમે નીચેનાં માળ પર રહેલા મોટા શયનકક્ષનો ઉપયોગ શાં માટે નથી કરતાં? જ્યારે કે આ તો ખૂબ જ નાનો છે.’

વેલ્સે તેનાં મિત્રને કહ્યું, ‘એ ઓરડાઓ મારા નોકર અને રસોઇયા માટે છે, જેઓ છેલ્લા ૨૦ વર્ષથી મારી સાથે રહે છે.’

‘અન્ય બધે તો નોકરો માટે નાના ઓરડાઓ રાખવામાં આવે છે.’, મિત્રએ કહ્યું.

વેલ્સે મિત્રને કહ્યું, ‘મારે ત્યાં એવું નથી. મારી મા પણ એક સમયે લંડનમાં નોકરાણી હતી.’

પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનાં ઘરે એમનાં પાડોશમાં રહેતી એક નાનકડી છોકરી દરરોજ રમવા માટે આવતી. આઇન્સ્ટાઇનની પ્રતિભાથી પરીચિત એ છોકરીની માતા જ્યારે એની પુત્રીને લેવા આવી ત્યારે તેણે આઇન્સ્ટાઇનને કહ્યું, ‘મારી પુત્રી આપને દરરોજ પરેશાન કરવા પહોંચી જાય છે એ બદલ હું દિલગીર છું. શું થાય? એ માનતી જ નથી.’

‘નહિ, નહિ’, આઇન્સ્ટાઇને કહ્યું, ‘તમે એ ચિંતા ન કરો. મને પણ એની સાથે સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવે છે?’

છોકરીની માતાએ કહ્યું, ‘એ તો આપની મહાનતા છે. બાકી તો ૮ વર્ષની મારી દિકરી તમારા જેવા ૭૫ વર્ષનાં સજ્જનને પરેશાન જ કરતી હશે.’

આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘એવું નથી. હું એના ગણિતનાં પ્રશ્નો હલ કરી આપુ છું અને એ બદલ તે મને ચોકલેટ આપે છે. મને ચોકલેટ ખૂબ ભાવે છે.’

પ્રસંગો… (૧) કવિ દાન્તે … (૨) હેન્રી મૂર…

જગતનાં મહાન કવિઓમાં જેની ગણના થાય છે એ ઇટાલીનાં કવિ દાન્તે (Dante Alighieri – વિખ્યાત/અમર કૃતિ Divine Comedy – 14000 Lineનું મહાકાવ્ય)
આ કવિ માત્ર ૯ જ વર્ષનાં હતાં ત્યારે તેમણે એક હમઉમ્ર છોકરીને જોઇ: બિયાટ્રિસ પોર્ટિનારીને. અને મનોમન (OneSideLove) તેનાં પ્રેમમાં પડી ગયાં. એ વિશે દાન્તેએ કહ્યું છે કે, ‘આ બનાવની મારા ઉપર એટલી અસર પડી છે કે એ પછીનાં મારા જીવનમાં કોઇ બનાવને મેં એથી અગત્યનો ગણ્યો નથી.’

પોતે કવિ એટલે પોતાની પ્રિયતમાની કવિતાઓ લખતા ગયાં. પોતાનાં કાવ્યો દ્રારા પોતાની પ્રિયાને એમણે અમર બનાવી દીધી. પોતાને ચાહનાર કોઇ યુવાન પોતાની કૃતિમાં તેને અમર બનાવી દેશે એની બિયાટ્રિસને તો ખબર પણ ન હતી. ને આ કવિ એટલા તો શરમાતા કે પોતે ૧૮ વર્ષનાં થયા ત્યાં સુધી તો એમણે બિયાટ્રિસ સાથે વાત પણ કરી ન હતી. એ જીવીત હતી, પરિણીતા બની ત્યાં સુધી દાન્તે તેની આશામાં હતાં. નાની વયે બિયાટ્રિસનું અવસાન થયા બાદ દાન્તે પરણ્યા. અને પરણ્યા પછી ???

પત્નીનાં અતિ કર્કશ સ્વભાવને કારણે જીવનભર અસહ્ય ત્રાસ ભોગવતા રહ્યાં.

—————————————————————

હેન્રી મૂર નામનાં વિખ્યાત શિલ્પીએ તેનાં બે શિષ્યોને બે એકસરખા પથ્થર આપીને તેમાંથી પોતાની મરજી મુજબનું શિલ્પ બનાવવા કહ્યું.

બંને શિષ્યો સમાન હોશિયાર હતાં, પણ એક શિષ્યએ જે બનાવ્યુ એ બેડોળ હતું અને બીજાએ જે બનાવ્યું એ બેનમૂન હતું. આ જોઇ શરમ અનુભવતા પહેલા શિષ્યએ હેન્રી મૂરને કહ્યું, તમારૂ માર્ગદર્શન હોત, તમે પરીક્ષા કરી રહ્યાં છો એની મને ખબર હોત અને મને કહ્યું હોત કે આ પથ્થરમાંથી શ્રેષ્ઠ શિલ્પ બનાવવાનું છે, તો હું પણ બેનમૂન શિલ્પ બનાવત.’

હેન્રી મૂરે તેને સમજાવતા કહ્યું, ‘એવું મેં પહેલા શિષ્યને પણ કહ્યું ન હતું અને તેને મારૂ માર્ગદર્શન પણ ન હતું. આમ છતાં તેણે શ્રેષ્ઠ બનાવ્યું. કારણ કે તેને ખબર હતી કે તેને જે સોંપવામાં આવ્યું છે તે તેણે શ્રેષ્ઠ રીતે કરવાનું છે.’

સૂફી સંત શિબલી કહેતા…

સૂફી સંત શિબલી કહેતા:

મને સાચો માર્ગ એક કૂતરાએ બતાવ્યો છે. મેં એક કૂતરાને તળાવને કિનારે જોયો. તેને તરસ લાગી હતી પણ પાણીમાં પોતાનાં જ પડછાયાથી એ ડરતો હતો. એને એમ કે પાણીમાં બીજો કૂતરો છે. પણ તરસને કારણે એણે ડર ખંખેરી નાખ્યો અને એ પાણી પી શક્યો. હવે બીજો કૂતરો દેખાતો ન હતો. એની જરૂરિયાત વચ્ચેનાં અવરોધો દૂર થઇ ગયા હતાં. એ જ રીતે મારા અવરોધો પણ દૂર થતા ગયા, જ્યારે મેં જાણ્યું કે એ અવરોધોનું કારણ હું જ હતો.

એક વખત સંત શિબલી બીજા એક સંત થૌરીને મળવા ગયા. તેઓ એટલા સ્થિર બેઠાં હતા કે વાળ પણ ન હલે. શિબલીએ પૂછ્યું, ‘આટલી સ્થિરતા તમે ક્યાંથી શીખ્યા?’ થૌરીએ જવાબ આપ્યો, ‘એક બિલાડા પાસેથી. જ્યારે તે ઉંદરનાં દરને જોતો હતો ત્યારે આથી પણ વધારે ધ્યાનથી એ જોતો હતો.’