ઘાસમાં સંતાઇ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું… (કાવ્ય)

ઘાસમાં સંતાઇ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું,
લુચ્ચા દોસ્તથી એ કાંઇ બહુ ક્રુર નથી.
આંધળી વાગોળને હું ચાહુ છું,
ટીકા કરનારાથી એ વધુ ભલી છે.
રોષે ભરાયેલા વીંછીનાં ડંખને હું ચાહુ છું,
એનો દઝાડતો ઘા, પ્રેમમાં હોવાનો દાવો કરતી
બેવફા સ્ત્રીનાં ચુંબનથી વધુ સારો હોય છે.
ગાઢ જંગલમાં છુપાયેલા દેખાવડા વાઘને હું ચાહું છું,
સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.

– શમ્સુર રહેમાન (બંગાળી કવિ)

Advertisements

નિરંજન ભગતનાં આ કાવ્યોમાં વેશ્યાની વ્યથા વ્યક્ત થાય છે…

રોજ
સ્પર્શની બારાખડી
મારી સ્લેટ પર ઘૂંટાય છે
અને એટલે જ
એક સ્પર્શને
બીજા સ્પર્શથી
અલગ તારવી શકતી નથી.
હું ભૂલી ગઇ છું સ્પર્શનો આદિમ રંગ
રસ્તા પર ફેંકાયેલી
નારંગી પર
મોટરનું ટાયર ફરી જાય એમ
ફરે છે કોઇનો દેહ.

અમે કોઇની નીચે ધન્ય ધન્ય નથી થઇ જતાં
અને છતાં, ઘન્ય થઇ જઇએ છીએ
એવો દેખાવ કરીએ છીએ
જેથી પુરૂષને એના પૌરૂષની ખાતરી થાય.

અહીં કામ હાજર હોય છે,
પણ રતિની ગેરહાજરીમાં.
અમને ઉજાગરો લાગે છે,
પણ મીઠો નહીં, તૂરો.

ગોઝારા અગ્નિસ્નાન-રોહિત ભાલાળા

રોહિત ભાલાળા “રવી” તેમની આ રચના ખુબ સરળ છતાં સચોટ રીતે વર્ણવી શક્યા છે. અહીં તેમણે આજનાં આપણાં સમાજની વાસ્તવિક હકીકત કહી છે. તેમની આ રચના ‘લેઉઆ પરિવાર’ માસિક ઓક્ટો.-નવે.૨૦૦૫નાં અંકમાં રજુ થઇ હતી.

ક્રોધનાં આવેશમાં કેરોસીન જ્યારે છંટાય છે,

નાહું છું હું એમ સહુને, મનમા નક્કિ થાય છે,

વગર વિચાર્યુ પગલું ભરી, કાંડી ચાંપી જાય છે,

થાય છે ભડકો ને, પછી લાય લાગી જાય છે,

બાજી રહેતી નથી હાથ, ત્યારે ખુબ પછતાય છે,

કોઇ મરવાની અણી પર આવે, ત્યારે સગાં સહું થાય છે,

થોડી જાજી ભાનમાં, એ ભલામણ કરી જાય છે,

સાચવજો મારા બાળને, કહી સ્વર્ગે સીધાવી જાય છે,

ઉડે નહિં તેની રાખ, ત્યાં બીજા લગ્નની વાતું થાય છે,

પડી હોય લાશ ઘરમાં, પતિને ચાંદલો, ગોળ દેવાય છે,

વાહ રે! સમાજ બધું, બસ સ્વાર્થની જ સગાઇ છે,

મરે જેની મા બાળપણમાં, તેની કઠણાય બેસી જાય છે,

કોને કરે ફરિયાદ બિચારા, ઊંઘમાંથી જાગી જાય છે,

ઉઘડે છે આંખ જ્યારે, ત્યારે ચીસ પડી જાય છે,

જુએ છે નવી મા ને, ત્યારે આહ નીકળી જાય છે,

દિવસો જતા લાગતી નથી વાર, ફરી મંગલ ગીતો ગવાય છે,

નવી આવે છે વહુ ઘરમાં, ત્યારે બધા જ હરખાય છે,

ઓળખાવે છે બાળને બધા, આ તારી નવી મા થાય છે,

વીતાવે છે થોડા દિવસો લાડમાં, પછી હાલ બુરા થાય છે,

જન્મે છે પેટનો દિકરો, ત્યારે તારા મારા થાય છે,

ભૂલચૂક થઇ જાય બાળકોની, ત્યારે આકરી સજા થાય છે,

ફરિયાદ કરે છે પિતાને, ત્યારે નક્કિ તમાચા ખાય છે,

આજીજી કરી કહું સૂર્યને, કોઇની મા બાળપણમાં ન મરે,

આટલી વાત લખતાં જ, રવી અશ્રુ વહી જાય છે,

વિનવું છું સાસુ, નણંદ, ભોજાઇને, એ દિકરી કોઇની થાય છે,

કંઇક કોડભરી કન્યાઓનાં અરમાન અધુરા રહી જાય છે,

રોજ સુરાષ્ટ્રમાં આવી તો કંઇક કળીઓ કરમાય છે,

શરમ છે? આપણાં સમાજને જ્યાં આવા જુલ્મો થાય છે,

“બસ માફ કરજો રોહિત, નાના મુખે વાત વિકરાળ થાય છે.”

જશોદા તારા કાનુડાને

jashoda11

‘જશોદા તારા કાનુડાને’ કાવ્યને નરસિંહ મહેતાએ બે ભાગમાં વર્ણવેલ છે. એક ભાગમાં ગોપીઓ જશોદા પાસે કાનાની ફરિયાદ કરે છે, અને બીજા ભાગમાં જશોદા તેનાં કાનાનો પક્ષ લે છે અને ગોપીઓની ફરિયાદ કાને લેતી નથી. કાવ્યમાં નરસિંહ મહેતાએ કાનો ઘરની બહાર ગયો નથી તેવું વર્ણવીને બાળ કાનાની  વિરાટતા રજુ કરી છે. બીજી બાજુ અહીં ગોપીઓ પણ ફરિયાદ કરવાનાં બહાને કાનુડાનાં દર્શન કરવા ઇચ્છે છે તેવો ભાવ વ્યક્ત થયો છે.

ગોપીઃ

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. જશોદા તારા…

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;

માખણ ખાધું, વેરી નાખ્યું, જાન કીધું આ વાર રે. જશોદા તારા…

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહિ લગાર રે;

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે ! જશોદા તારા…

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;

નિત ઉઠીને એટલું સહીએ રહેવું નગર મુઝાર રે ! જશોદા તારા…

જશોદાઃ

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે. આડી-અવળી વાત…

મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?

દહીં દૂધનાં માટ ભર્યા પણ ચાખે ન લગાર રે. આડી-અવળી વાત…

શોર કરતી ભલી સહુ આવી, ટોળે વળી દશ-બાર રે ?

નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. આડી-અવળી વાત…

કવિતાઓ (સિંધી કવિઓની)

મુંબઇની લોકલ ગાડીનાં
ડબ્બાની વચ્ચે
લટકતા લોખંડી
હથકડાને પકડીને
કેટલાય મુસાફરો
લટકતા ઉભા છે;
જાણે
વિવશ માનવો
ઇશુની જેમ
સલીબ પર
બલિ ચડાવેલાં ન હોય!
ને છે
પ્રત્યેક ઇશુને ખંભે
પોતપોતાનું
સલીબ!
– વાસુદેવ નિર્મલ (સિંધી કવિ)

આપણે
ધડિયાલની ટીક-ટીક જેમ
બસ,
ટકટકતા રહીએ છીએ.
આ ક્ષણે, પેલી ક્ષણે, પ્રત્યેક ક્ષણે
ક્યાંય થોભવાનું નામ નથી,
છાંયો નથી, અને નથી કોઇ ધામ;
નથી પ્રાતઃ;
નથી સંધ્યા;
વિચારતા એટલુંય નથી-
શાં કાજે ટકટકીએ છીએ.
ક્યારેક, જો
રોકાય જઇએ છીએ તો,
વ્યાકુળ બની જઇએ છીએ-
એ પ્રતીક્ષામાં જ કે
કોઇ આવીને
ભરી જાય ચાવી ફરીથી
અને આપણે પુનઃ ટકટકતા રહીએ.
– કૃષ્ણલાલ બજાજ (સિંધી કવિ)

અત્યંત દુષ્કર બની ગયું છે
ભગવાનને શેતાનથી, શેતાનને ભગવાનથી પિછાણવાનું!
લાગે છે, બંનેએ એકમેક સાથે પોતપોતાનાં ચહેરાઓ બદલાવી લીધા છે;
ને હવે
શેતાનનું અસ્તિત્વ ભગવાન વિના અશક્ય છે-
ભગવાન હોવામાં શેતાનનું અસ્તિત્વ સમવિષ્ટ છે!
ભગવાનનાં પુજારીઓ શેતાનની કાયા શૃંગારે છે,
ને શેતાનને માનનારાઓ ભગવાનનાં મસ્તકે મુગુટ ધરે છે.
પુજરી સુરાપાન કરીને આરતી ઉતારે છે;
ચોર પ્રભુસ્મરણ કરી તસ્કરીની યોજના સાથે ઘરેથી નીકળે છે.
ઉલઝાવી દીધું છે,
ભલાઇનાં બુરા પરિણામે
બુરાઇનાં ઇષ્ટ પરિણામે.
ખૂબ દુષ્કર બની ગયું છે,
ગેરમાર્ગને યોગ્ય રાહથી
સુવિચારને કુવિચારથી અળગા પાડવાનું;
પરિણામે
યોગ્ય લોકો ભૂલથી ગેરમાર્ગે છે
ને અયોગ્ય લોકો ભૂલથી યોગ્ય માર્ગે છેઃ
અંતિમ મંઝિલે પહોંચીને બંને પછતાય છે!
(એમ. કમલ. (સિંધી કવિ (મૂળ તો તેઓ સારા ગઝલકાર છે.))

નિર્દોષ ગુનેગાર – એમ. કમલ

મોંઘેરા ધારાશાસ્ત્રીઓની સફળતાથી
બળ મેળવતા ગુન્હાઓ,
કંઇક કોરા નિર્લેપ
કંઇક સર્વોચ્ચ ન્યાયાલયનાં ‘નિર્દોષ’ લેબલથી,
નગરો, ગામો, શેરી શેરીઓમાં સ્વચ્છંદ રાચે છે.
સાંઢો-સર્પો ને વરૂઓની દ્રષ્ટિ છે તારા દ્રારે!
તડીપાર ગુંડાનાં હુમલાથી કદાચ બચી પણ જાય,
રાજમર્ગો પર ધોળા દહાડાની લૂંટથી પણ કદાચ પોતાને બચાવી શકીશ;
નિશાચરોનો કદાચ સામનો પણ કરી શકીશ;
પરંતુ
સંતો, સરપંચો, સમાજ સેવકોથી,
તું કેમ કરીને બચાવ્યે રખીશ પોતાને!
– એમ. કમલ. -સિંધી કવિ

મારી સ્વરચિત રચના – ‘રોજ સવારે જોઉં તને’

મારી સ્વરચિત રચના
કાવ્ય વિશે જ્ઞાન સીમિત છે, છતાં પણ મારી ભાવના વ્યક્ત કરુ છું.
(દીપ મારા પુત્રનું અને ભાવના મારી પત્નીનું નામ છે.) – રોહિત વણપરીયા

રોજ સવારે જોઉં તને, ને તું ખુબ ઉત્સાહથી તરવરતી,

ન્હાતાં ન્હાતાં ગીતો ગાતી, ને ઠંડા પાણીની છોળો ઉડાડતી.
ચુંબન કરી દીપને ઉઠાડતી, ને વ્હાલાં વ્હાલાં કરીને નવડાવતી,
કપડાં પહેરાવી શાળાએ મોકલતી, ને મને પ્રેમથી ખીજાઇને જગાડતી.
રસોઇ બનાવતી, કપડાં ધોતી, ને બંને હાથથી પરસેવો લુંછતી,

૫પ્પા મમ્મી દાદીને જમાડતી, ને પછી વધેલું પોતે જમતી.
આમને આમ સાંજ પાડતી, ને સાંજે મારી રાહ જોતી,

જમીને સાથે ચાલવા આવતી, ને પગ ઢસડતા ઢસડતા ચાલતી.
હવે દીપને લેશન કરાવતી, ને આવતીકાલની તૈયારી કરતી,

સદાય મારો પ્રેમ ઝંખતી, ને રાતે સુવા દેવા કરગરતી.
રોજ સવારે જોઉં તને, ને તું ખુબ ઉત્સાહથી તરવરતી,
ન્હાતાં ન્હાતાં ગીતો ગાતી, ને ઠંડા પાણીની છોળો ઉડાડતી.