એક અજનબી સે એક મુલાકાત

થોડા દિવસ પહેલા હું અહી રાજકોટનો એક ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કોઇ કામસર જઇ રહ્યો હતો. ત્યાજ એક વ્યક્તિએ મને જોરથી અવાજ કરીને બોલાવ્યો. નામ લીધું ના હતું પણ મને લાગ્યું કે કોઇએ કદાચ મને જ બોલાવ્યો છે એટલે મેં એ દિશામાં જોયું તો એક ભાઇનાં ઇશારાથી લાગ્યું કે એ મને જ બોલાવી રહ્યા છે. હું એમને ઓળખ્યો નહિ પણ એની પાસે ગયો તો એ ભાઇ જાણે નજીકની ઓળખાણ હોય એમ મારી સાથે વર્તી રહ્યા હતા. મેં એમને કહ્યું કે, ભાઇ, હું તમને ઓળખાતો નથી. તો એ બોલ્યા કે આવો મારી સાથે અને તમારૂ બાઈક અહી મૂકી દો. મારી ફેક્ટરીએ જઇને હું તમને મારી ઓળખાણ આપું.

અને હું એમની વૈભવી ફોરવ્હીલમાં આગળ એમની સાથે બેસી ગયો.

ફેકટરીમા પુરજોશમાં કામ ચાલી રહ્યું હતું. આ ભાઇ એ ફેક્ટરીનાં માલિક હતા. અમે બંને એમની ચેમ્બરમાં દાખલ થયા. મારા મનમાં હજી પ્રશ્ન હતો કે આ ભાઇ છે કોણ ? ત્યાં જ બેસતા જ એમને કહ્યું કે હું આ વ્યક્તિ છું. એમણે ઓળખાણ આપતા જ મારા દિમાગની બતી ઝબકી અને મને યાદ આવી ગયું. દસેક મહિના પહેલા એ ભાઇ સાથે મારે દસ-પંદર મીનીટની મુલાકાત થઇ હતી.

હવે જોઈએ એ દસેક મહિના પહેલાનો એમની સાથે સંકળાયેલો બનાવ.

મારા ઘર પાસેનાં ચોકમાં એક સોડાશોપ છે. સાંજે પાંચેક વાગ્યે હું ત્યાં હાથમાં ગ્લાસ લઈને નિરાતે સોડા પીતો હતો. ત્યાં જ સામેનાં રોડ ઉપર એક ૧૫ વર્ષનાં છોકરાનું એક્ટીવા અને બે યુવાન છોકરાની બાઈક સામસામે જોરદાર અથડાઇ. બંને વાહનોને નુકશાન થયું હતું પણ કોઈને કાઇ લાગ્યું ના હતું. પેલા બે જુવાન છોકરામાંથી એક છોકરાએ પેલા ૧૫ વર્ષનાં છોકરાને જોરથી એક ફડાકો મારી દીધો. છોકરો તરત જ રોવા લાગ્યો. બીજા છોકરાએ પાછો એક ફડાકો મારી દીધો. એ છોકરો હેબતાઇ ગયો.

હું તરત જ એ ત્રણેની પાસે ગયો. પેલા બેને કહ્યું, ભાઇ ઊભા રહો, શાંત થાઓ. બોલો શું પ્રોબ્લેમ છે ?

તો એ બંને કહે કે, આ બાઈકની નુકશાની કોણ એનો બાપ ભરશે ?  મેં થોડાક કડક અવાજે કહ્યું, શાંતિ રાખો અને થોડીવાર ઊભા રહો. પછી એ છોકરાને કહ્યું કે તારા પપ્પાનો નંબર આપ. એ છોકરો એટલો હેબતાઈ ગયો હતો કે એની પાસે પણ મોબાઇલ તો હતો પણ એ કાઢતો ના હતો કારણ કે પેલા બંનેએ એના એક્ટીવાની ચાવી પહેલેથી લઇ લીધી હતી. એ હજી પણ રડતો જ હતો.

મેં મારા મોબાઇલમાંથી એના ઘરે ફોન લગાડયો તો ફોન એના દાદાએ ઉપાડયો. મેં એને પરિસ્થિતિ જણાવી. એમણે મને કહ્યું કે હું હમણાં જ આવું છું અને પ્લીઝ તમે ત્યાં જ રહેજો. જેથી હું તમે ચોક્કસ કઇ જગ્યાએ ઊભા છો એ જાણવા ફરી ફોન કરી શકું. પાંચ જ મિનીટમાં એમનો ફરી ફોન આવ્યો. મેં એમને ફરીવાર જગ્યા જણાવી. અને તેઓ ત્યાં આવી ગયા. એના પૌત્રને માર્યો છે એ જાણીને એમને ગુસ્સો તો આવ્યો હતો પણ એમણે તરત જ ગુસ્સા ઉપર કાબુ મેળવી લીધો. પેલા બંને છોકરાઓ તો હજી પણ જોશમાં જ હતા.

હું બને વચ્ચે રહીને રસ્તો કઢાવી રહ્યો હતો. પેલા દાદાજીએ છોકરાઓને કહ્યું કે, તમારૂ બાઇક અત્યારે જ સર્વિસ સ્ટેશનમાં મૂકી આવો. એવું હોય તો હું મુકાવી દઉ. આ મારૂ કાર્ડ છે. મને ફોન કરજો. હું બધો જ ખર્ચ આપી દઇશ. આમ છતા પેલા બંને છોકરાઓ માનતા ન હતા. પેલા દાદાએ કહ્યું કે, તમે મારા દીકરાને માર્યો તોય હું કાઇ બોલ્યો નથી ને તમે સમજતા નથી, તો પેલા બંનેએ કહ્યું કે કાલે ઉઠીને કોઇ ઘંટભાઇએ પૈસા નથી આપતો. સાલાને હજી મારવો છે. એમાં પેલા દાદા પણ જરાક ગરમ થઇ ગયા.

વાત વધતા પેલા બંને છોકરામાંથી એકે પેલા દાદાનો શર્ટ પકડી લીધો. મેં માંડ પેલા દાદાને છોડાવ્યા. ત્યાં જ દાદા બોલ્યા કે, હવે એક પૈસોય નથી દેવો અને અડધી કલાક અહી જ ઊભા રહેજો, અને દાદાએ એના દીકરાને ફોન કર્યો. પેલા બંને છોકરાઓ પણ એની રાહ જોતા ઊભા રહ્યા.

અડધી કલાકમાં પેલા દાદાનો છોકરો કે જે પેલા નાના છોકરાના પપ્પા હતા એ આવી ગયા. ને બીજી જ મિનિટે બીજા ચાર બાઈકમાં બીજા પાંચ જણા આવી ગયા. આ પાંચ જણા કારીગરો હતા અને શારીરિક રીતે ચુસ્ત હતા. બધાએ મળીને પેલા બંને છોકરાઓને સારો એવો મેથીપાક ચખાડ્યો. ત્યારબાદ એમના બાઈકને પણ પાટા મારીને ઘણું વધારે નુક્શાન કર્યું.

હવે મામલો પૂરો થઇ ગયો હતો. પેલા દાદાએ એના પૌત્રને કહ્યું, ‘ બેટા તું હવે ઘરે જા.’ તો એ બોલ્યો કે દાદા, એકટીવાની ચાવી એ બંને પાસે છે.

પેલા પાંચમાંથી એકે પેલા બંને પાસેથી એકટીવાની ચાવી લીધી અને એમના બાઇકની ચાવી પણ લઇ લીધી. એમાંથી એકે એમનું બાઈક લઇ લીધું અને કહ્યું કે કાલે વધારે માર ખાવો હોય તો આ જગ્યાએ આવીને બાઈક લઇ જજો. એમ કહીને પેલા પાંચેય પેલા બંનેનું બાઈક લઇને ચાલ્યા ગયા.

પેલા નાના છોકરાનાં દાદા અને એના પપ્પા મારો આભાર માનતા ત્યાંથી ચાલ્યા ગયા.

મને અવાજ કરીને બોલાવનાર ભાઇ પેલા નાના છોકરાનાં પપ્પા હતા.

……….

વીણાનો તાર જો ઢીલો બાંધવામાં આવે તો સૂર બેસૂરો બની જાય છે અને તાર જો વધારે પડતો ટાઇટ બાંધવામાં આવે તો સૂર તરડાય જાય છે. ઉપરોક્ત બનાવમાં આવું જ બન્યું હતું.

થોડીવાર બેસીને શરબત લઇને મેં એ ભાઇની રજા લીધી. એ મને મારી બાઈક સુધી મૂકી ગયા. હવે એ ભાઇ ભેગા થાય તો હું એમને ઓળખી જાવ એમ છું.

 

Advertisements

એકવખત એવું બન્યું કે…

એકવખત એવું બન્યું કે… સાવ નાની ઉમર હતી એ સ્કુલનાં દિવસો દરમિયાન એકવખત હું ચાલીને જતો હતો અને રસ્તામાંથી મને દસ રૂપિયા મળ્યાં. મેં લઇ લીધા. હું રાજી-રાજી થઇ ગયો. એમાંથી નાસ્તો કર્યો. મજા આવી ગઇ. બીજે દિવસે મારે એ જ રસ્તે ચાલીને નીકળવાનું હતું. જ્યાંથી દસ રૂપિયા મળ્યા હતાં ત્યાંથી જ નીકળ્યો, જોયું કદાચ આજે પણ મળી જાય, પણ ન જ હોય ને! ખેર! એ બાળપણનાં દિવસો હતાં. વો પલ બીત ગયા. વો ઉમ્ર બીત ગઇ.

હવે હમણાંની વાત…

થોડા દિવસ પહેલા અહીં રાજકોટની ત્રિકોણબાગ-સેલ પેટ્રોલપંપ સામેની SBIમાં મારા પગારનો ચેક નાખવા ગયો. બહાર રોડ/ફૂટપાથ ઉપર મારૂ બાઇક સ્ટેન્ડ કર્યુ અને SBIમાં ચેક જમા કરાવીને બહાર આવી ગયો. બાઇકનું સ્ટેન્ડ ઉતારતો હતો ત્યાં જ નીચે જોયું તો રૂપિયાની એક થપ્પી પડી હતી. મેં તરત જ લઇ લીઘી. ગણ્યા તો પુરા રૂ. ૪૫૦૦ હતાં. મને મજા આવી ગઇ. મેં તરત જ એ રૂપિયા મારા પર્સમાં રાખી લીધા.

રૂપિયા પર્સમાં રાખતા જ મારી તમામ મજા મારી ગઇ. હવે મારૂ મન વિચારોએ ચડી ગયું. થોડીવાર હું ત્યાં જ ઊભો રહી ગયો. ધડાધડ એક પછી એક વિચારો આવવા માંડ્યા. શું પર્સમાં રાખેલા આ રૂપિયામાં મારો કોઇ જાતનો શ્રમ છે?, કોઇએ ધ્યાન ના રાખ્યું હોય અને રૂપિયા પડી ગયાં હોય તો એ એની બેદરકારી છે. એમાં હું શું કરૂ ? મને મળ્યા એ મારા નશીબ છે. ના, ના. હું પોતે પરફેક્શન રાખુ છું છતાં મારાથી પણ ઘણીવાર ક્યાંક મુકાયેલી વસ્તુ મળતી નથી કે ખોવાય જાય છે. મારા રૂપિયા આ રીતે પડી ગયા હોય તો મારી માનસિક સ્થિતી કેવી હોય ? મારાથી આ રખાય ? આ રાખી લઉ તો એ બે-ચાર દિવસમાં વપરાય પણ જશે પણ પછી જો કોઇ અફસોસ ના હોય તો વાંધો નહિ, પણ દિલમાં ડંખ રહી જશે તો હું શું કરીશ ?

હવે હું સ્વસ્થ થયો. નક્કિ કર્યુ કે જેનાં હોય તેને આપી દેવા. કોઇને પૂછાય એમ પણ ન હતું, કેમ કે જેનાં ના હોય તે પણ કદાચ એના છે એમ કહી બેસે. છેવટે મેં રાહ જોવાનું નક્કિ કર્યુ. એકબાજુ મારે ઓફિસે જવાનું મોડુ થતું હતું. બીજી બાજુ હું રાહ જોતો હતો. હું બેંકમાં ગયો. કદાચ કોઇ મળી જાય. પણ એવું કોઇ દેખાયું નહિ. ફરી બહાર આવી ગયો. ૧૦ મિનિટ, ૨૦ મિનિટ રાહ જોઇ. હવે શું કરવું? ઊંડે એક શ્રદ્ધા હતી કે કોઇ તો આવશે જ. મારે મોડુ થતું હતું. મેં વધારે રાહ જોવાનું નક્કિ કર્યુ.

આશરે પોણી કલાક પછી એક માણસ થોડો વ્યગ્ર ચહેરે બેંકમાં ગયો. મને લાગ્યું કે એ જ હશે. હું તેની પાછળ ગયો. એ બેંકનાં આગલા પરિસરમાં કશુંક શોધતો હોય તેવું લાગ્યું. તે ફરી બહાર આવ્યો. રોડ સામેની ચા ની રેંકડી પર પુછતો હતો એનાં ખોવાયેલા રૂપિયા વિશે. ચા વાળાએ ના કહી. મને ખાત્રી થઇ ગઇ કે આ એ જ માણસ છે જેની મને રાહ છે. હું તેની પાસે ગયો અને પુછ્યું, ‘બોલો ભાઇ, શું પ્રોબ્લેમ છે?’ એમણે કહ્યું, ભાઇ, આટલામાં કદાચ મારા રૂપિયા પડી ગયા છે.

ખાત્રી કરીને મેં એમને એમનાં રૂપિયા પરત કર્યાં. એ અને હું બંને ખુશ થઇને ત્યાંથી નીકળી ગયાં.

મને જે વિચારો આવ્યા એ કદાચ બીજાને પણ આવતા હશે. કોઇ એનાં અંતરાત્માનો અવાજ સાંભળતા હશે, તો કોઇ લાલચવશ એ અવાજ દબાવી દેતા હશે. એથી પતન થાય કે પ્રગતિ કે કાંઇ ન થાય એ પોતપોતાનાં વિચારો પર અવલંબે છે.

હું તો એમ સમજુ છું કે, કોઇ મહેનત કે કારણ વગર ઇશ્વરે મને સારા કાર્યમાં નિમિત બનાવ્યો એ બદલ હું એમનો આભારી છું. સામે પક્ષે મને થોડો રંજ પણ રહી ગયો કે મેં થોડીક ક્ષણો માટે પણ વિચારો શાં માટે કર્યા ? આમા વિચારવાનું તો કાંઇ હોય જ નહિ એવી મારી વૈચારિક પવિત્રતા ક્યારે મેળવી શકીશ ?

આ વાત પર એક શક્યતા… સાંજે મારા ૧૮ વર્ષનાં પુત્રને કહ્યું હોય કે મને આ રીતે રૂપિયા મળ્યા છે. જો આ રહ્યાં એ. લે થોડા તું પણ. મોજ કર. તો એ પણ ખુશ થયો હોય.
આ વાત પરની એક હકીકત. એ દિવસે સાંજે જયારે મેં મારા ૧૮ વર્ષનાં પુત્રને આ વાત કરી ત્યારે મને હતું કે એ કહેશે કે, ‘શું પપ્પા તમે પણ !… પણ તેણે મારી વાત સાંભળતા જ મને કહ્યું, ‘એમાં વિચારવાનું શું હોય? એ તો આપી જ દેવાનાં હોય ને.’ હું ખુબ ખુશ થયો. થયું કે, એ નોટીબોય પણ એની મમ્મી જેવો જ છે.

Quote: માર્ક ઓરેલિયસે કહ્યું છે તેમ માણસે પ્રમાણિક બનવું જ જોઇએ, એને પ્રમાણિક રાખવો ના જોઇએ.

અમારી મિત્રતા

M.Com.માં હતો ત્યારે કોમર્સમાં હોવા છતાં સાહિત્યમાં રસ હોવાને કારણે મોટાભાગે આર્ટસનાં તાસ ભરવા બેસી જતો અને એ કારણે આર્ટસ કરી રહેલા વિધાર્થીઓમાંથી પણ કેટલાક મારા મિત્રો બની ગયા હતાં. કોલેજ છૂટ્યા પછી કોલેજનાં નાના બગીચામાં હું એ બધા મિત્રો સાથે ટોળી જમાવીને બેસતો અને અમે આડાઅવળી વાતો કરતાં રહેતાં. એ વખતે મારે જેઓની સાથે અવારનવાર હળવા-મળવાનું રહેતું એમાંનો એક હતો M.A. કરી રહેલો જયેશ નાગ્રેચા નામનો કોલેજીયન. આ જયેશ આર્ટસ ટોળીમાંનો જ એક હતો. મારે લગભગ એ દરેક સાથે હંસી-મજાકનાં અને બોલવાનાં સંબંધ હતાં, પણ હું એમાંનો એક આ જયેશથી થોડું અંતર રાખતો. એનાંથી દૂર ભાગવાની તો વાત જ ન હતી, કેમ કે અમારી વચ્ચે હજુ એવો કોઇ સંબંધ જ સ્થાપીત થયો ન હતો. આવું કેમ? કારણ કે મને એ વખતે એવું લાગતું અને એ હકીકત પણ હતી કે અમારા વિચારો-વ્યવહારમાં ઘણું અંતર પડી જતું હતું.

એ કોલેજનાં દિવસોમાં મોટાભાગનાં વિધાર્થીઓ સાયકલ લઇને આવતાં. કોલેજમાં સાયકલ લઇને આવવામાં શરમાતા કેટલાક વળી ચાલીને આવતાં. એ વખતે માંડ દસ ટકા કોલેજીયન પાસે સાયકલ સિવાયનું વાહન જોવા મળતું. જેમની પાસે વાહન હોય એ પૈસાપાત્ર મનાતાં. આ જયેશભાઇ ગમે ત્યારે કોલેજમાં એનું સ્કુટર લઇને પ્રગટ થતો. એ વખતે કારણ ગમે તે હોય પણ એ બધા સામે એની થોડી કડક નજર ફેરવી લેતો. ક્યારેક ક્યારેક વળી ગમે તેની સાથે ડખા પણ કરી લેતો, એટલે સુધી કે વિધાર્થીઓ તો ઠીક, પ્રોફેસર સાથે પણ એને ક્યારેક ક્યારેક સંઘર્ષમાં ઉતરવાનું બનતું. મારી મૂળ પ્રકૃતિ જરા ઠંડી (પણ મક્કમ) એટલે એ કારણે પણ હું એની સાથે ઓછો હળતો-મળતો.

એ વખતે અમારો એ વયકાળ હતો કે અમારામાંનાં દરેકનાં હદયની આંતરીક ભાવના કોલેજીયન યુવતીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અને પ્રેમાળ રહેતી. સામે પક્ષે પણ લગભગ આવું જ હોઇ શકે, પણ આ જયેશ! એનું રૂક્ષ વર્તન કોલેજીયન યુવતીઓ પ્રત્યે પણ એવું જ રહેતું. ગ્રુપની કેટલીક છોકરીઓ તેની સાથે સદવર્તન દાખવતી પણ આ જયેશનું વર્તન એમની સાથે પણ રૂક્ષ રહેતું અને એ કારણે એની કડક છાપ વધારે સ્પષ્ટ થતી. હા, એમાં કોલેજની એક છોકરી અપવાદ હતી. આથી કોલેજ છૂટ્યા પછી કે ક્યારેક પહેલા એ એની એકમાત્ર આ મિત્રને સ્કુટર પાછળ બેસાડીને બધા સામે એવી જ કડક નજર નાખતો ચાલ્યો જતો.

બીજા બધામાં એનાં માટે અપવાદરૂપ હોય તો એ હું હતો. એ મારી સાથે હંમેશા પ્રેમપૂર્વક રહેતો. હું એનાથી દૂર ભાગતો રહેતો પણ એ મારી નજીક આવવામાં નિસંકોચ રહેતો. હું એનાં માનસને સમજી શકતો ન હતો. આમને આમ અમારૂ ચાલતું રહેતું અને અમારા બંનેનો અભ્યાસ પૂરો થતાં જ અમારૂ આખુ ગ્રુપ દિવસ ઊગતા જ અદ્રશ્ય થઇ જતાં તારાઓની માફક અદ્રશ્ય થઇ ગયું.

અભ્યાસ પૂરો થતાં જ હું અહીંની એક BPO કંપનીમાં લાગી ગયો. એકવખત અચાનક જ એ મને રસ્તામાં મળી ગયો. વાતવાતમાં એણે નોકરીની ઇચ્છા દર્શાવી અને મારી પાસેથી કંપનીનું સરનામુ લીધું. થોડા સમયમાં જ એ મારાવાળી કંપનીમાં આવી ગયો અને એ રીતે અમે બંને ફરી વખત ભેગા થઇ ગયાં.
અહીં જોડાયા પછી એની એ જ પુરાણી છાપ મુજબ એ પહેલા જ અઠવાડિયે બે-ચાર સહકર્મચારીઓ સાથે અથડાઇ પડ્યો. એ વખતે એ મને ભેગો થતાં પહેલો મહિનો એક જ વાત કરતો રહેતો, ‘મારાથી આ નોકરી નહીં થાય. હું ગાંડો થઇ જઇશ. હવે તો હું કાલથી નથી જ આવવાનો, વગેરે વગેરે… અને બીજા દિવસની સવાર પડતાં જ એ એનું સ્કુટર લઇને પહોંચી જતો. આ બધા પાછળનું કારણ એ હતું કે ભાઇશ્રીએ વાવેલ પ્રેમવૃક્ષનું ખાતર (ખર્ચવા પડતાં પૈસા) એને અહીંથી મળતું હતું. આમને આમ એ નોકરીમાં ટકી ગયો.

નોકરી દરમિયાન પણ એ મારી સાથે તો સદભાવથી જ રહેતો. એનાંથી દૂર રહેવું કોલેજકાળમાં મારા માટે સરળ હતું પણ હવે મારે એ માટે પ્રયત્ન કરવા પડતાં હતાં, અને આ જ તો અમારી લાંબી મિત્રતાની શરૂઆત હતી. થોડા વધુ નજીક આવતા ક્યારેક એવું બનતું કે મારો ઝુકાવ બીજા મિત્રો તરફ થોડો વધારે અને એ મને એની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હોય, પણ હું મને જેની સાથે મજા આવતી એ તરફ ખેંચાતો. મને લાગતું કે વગર બોલ્યે એ થોડો નારાજ થતો. આમ ને આમ ઘણો સમય પસાર થતો ગયો.

મને જેઓની સાથે એ વખતે મજા આવતી એ બધાનો સાથ ધીરે ધીરે છૂટતો ગયો. કેટલીક માનવીય નબળાઇઓ સ્વીકારવાની તો મારામાં ક્ષમતા છે પણ જ્યાં નરી સ્વાર્થવૃતિ, ચાલાકી, પ્રપંચ કે અમાનવીય વર્તન મને જેનામાં જોવા મળ્યા હોય એનાથી દૂર રહેવાનું મને ગમે છે. ભલે મારી સાથે મારી સાથેનો સાથીદાર એવું કરતો ન હોય પણ બીજા સાથે એવું કરે તો પણ ત્યાંથી ભાગવાની વૃતિ મારામાં જોર કરે છે. આ જયેશ સાથે કેટલાક વૈચારિક મતભેદો હોવા છતાં એ વુતિઓની એનામાં ગેરહાજરી હતી. એ કારણે જ હું એનાથી દૂર થઇ શકતો નહિં, અને એટલે જ આ પાયા ઉપર અમારી લાંબાગાળાની મિત્રતા આગળ વધી રહી હતી.

એકાદ અપવાદ બાદ કરતાં મારાથી એકવખત એની સાથે એવું વર્તન થઇ ગયું હતું. નોકરી દરમિયાન અમે બંને Shiftમાં કામ કરતાં હતાં એટલે બપોર પછીનો સમય ફાજલ રહેતો. આ સમય દરમિયાન મેં મારા એક મિત્ર સાથે એક ઓફિસ ભાડે રાખીને ઘંધો કરવાનું નક્કિ કર્યું. એ માટે જરૂરી એવા નાના એવા ફર્નિચર કામ માટે થોડા રૂપિયાની વયવસ્થામાં હું હતો. ઓફિસમાં મેં નાની એવી લોન માટે ફોર્મ ભરી દીધું હતું. અમારી કંપનીનો એક નિયમ એવો હતો કે લોન ફોર્મ ભરી દીધા પછી બે મહિને લોન આપવામાં આવે. હવે બન્યું એવું કે મારા આ મિત્ર જયેશે મારી પહેલા લોન મૂકી હતી. મારી લોન મંજૂર થવાને હજુ વાર હતી. એની લોન મારા પહેલા મંજૂર થતાં એને મને એવો આગ્રહ કર્યો કે એની એ રકમ હું રાખી લઉં અને મારી લોન મંજૂર થતાં એ રકમ હું એને આપુ. મેં એનો એ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

બીજી તરફ એવું બન્યું કે મારી સાથે જ બેસતા એક કર્મચારીએ મને કહ્યું કે મારી મંજૂર થનારી લોન હું એને આપું. મારી લોન રકમ આવતા જ મારો એ મિત્ર જયેશ મારી પાસે આવ્યો અને મને કહ્યું. મેં કહ્યું કે એ રકમ તો મેં બાજુવાળા મિત્રને આપી દીધી છે. એ ગમ ખાઇ ગયો અને બોલ્યો, ‘વાંધો નહિ, પણ તું જે કહે છે ને તે ફરીવાર કહે અને મારી આંખો સાથે નજર મિલાવીને કહે.’ મારે નાછૂટકે તેમ કરવું પડ્યું અને તે નારાજ થઇને ચાલ્યો ગયો.

બે-ચાર દિવસ પછી અમારો વ્યવહાર ફરી પૂર્વવત થઇ ગયો. આમને આમ લાંબા સમય સુધી ચાલતું રહ્યું. ઘણું ચાહતો રહ્યો કે હું એને Avoid કરૂ પણ દિલથી કરી ન શક્યો, કારણ કે એ હજુ પણ મને દિલથી મિત્ર માનતો હતો. આમને આમ અમારી મિત્રતાનાં સંબંધો આગળ વધી રહ્યાં હતાં. થોડા વૈચારીક મતભેદોથી ફરી પાછો એ સમય આવ્યો કે હું તેનાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. અમારો સંબંધ હવે એ રીતનો આગળ વધી ચૂક્યો હતો કે હવે મારા માટે એમ કરવું મુશ્કેલ હતું. મારા માટે આવી અસમંજશભરી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. હવે તો મેં એક આખરી નિર્ણય લઇ જ લીધો.

મારા આ આખરી નિર્ણયનાં બીજા દિવસે અમે બંને ઓફિસમાં ભેગા થયાં એ વખતે મેં એને કહી દીધું, ‘જયેશ, Please આજથી મને તું ના બોલાવીશ.’ આ અમારા બાળપણનાં દિવસો તો હતાં નહિં કે આ પ્રકારનું વર્તન કરીએ અને બીજા દિવસે જ સાથે રમવા માંડીએ. મને હતું જ કે એ એનાં મૂળ સ્વભાવ મુજબ ધરખમ ગુસ્સો કરી બેસશે, પણ આ શું? એણે મને કહ્યું, ‘વાંધો નહિ, પણ આમ નીચુ જોઇને ઢીલુ ઢીલુ ન બોલ, તું જે કહે છે ને તે મને ફરીવાર કહે અને મારી આંખો સાથે નજર મિલાવીને કહે.’ મારે નાછૂટકે તેમ કરવું પડ્યું અને તે નારાજ થઇને ચાલ્યો ગયો.

મેં એને જે કહ્યું એથી એણે મારામાંથી તમામ આશાઓ મૂકી દીધી. આથી એનો તો છૂટકારો થઇ ગયો, પણ મારી હાલત વધારે ખરાબ બની ગઇ. થોડાં દિવસો સુધી દિલ ઉપર ભાર રહ્યો, જે સમય જતાં હળવો બની ગયો. ઘણો લાંબો સમય સુધી એટલે કે એકાદ વર્ષ સુધી અમે બંને દૂર રહ્યાં. આ દરમિયાન પણ મને થતું કે, ‘સાલુ, આ માણસમાં એક Standard તો છે જ.’ ધીરે ધીરે મને એને ગુમાવ્યાનો અફસોસ થવા લાગ્યો અને સમયાંતરે એ અફસોસ પ્રબળ થવા લાગ્યો.

મારા જ દિલમાં રહેલી એ લાગણીઓ, આંતરિક ભાવનાઓનો આભાર માનું છું, અને એથી જ મારે આટલા લાંબા સમયાંતરે પણ ફરીવખત આખરી નિર્ણય લેવો પડ્યો. હવે હું એને જે કહેવાનો હતો એને એ સ્વીકારશે ખરો? સાચુ માનશે ખરો? એવું વિચાર્યા વગર મારા ફરીવારનાં આખરી નિર્ણયનાં બીજા દિવસે હું ઓફિસે ગયો અને મેં એને કહ્યું, ‘મને માફ કરજે, જયેશ. આપણે ફરી ભેગા થઇ શકીએ?’ મારી અપેક્ષાથી વિરૂદ્ધ અને ઊંડે ઊંડે મારા મનમાં જે હતું એ મુજબ એણે સારામાં સારો પ્રતિભાવ આપ્યો. કોઇપણ માફી આપવાનાં ભાવ વગર જ એ પહેલાની માફક જ બોલ્યો, ‘બે-એક દિવસમાં સમય લઇને ઘરે આવ. નિંરાતે મળીએ.’

બીજા દિવસે સાંજનાં સમયે હું તેને ઘરે ગયો. વાતો કરતાં હતાં એ દરમિયાન એણે મને કહેલ, ‘આ તો તે સ્પષ્ટ ના કહી હોવાથી હું તને બોલાવતો ન હતો, બાકી મારા દિલમાં તારા પ્રત્યે ક્યારેય અભાવ થયો નથી, અને મને વિશ્વાસ હતો કે એક દિવસ તું વળીવળીને મારી પાસે આવીશ જ.’ સામાન્ય વાતો કરીને હું તેનાં ઘરેથી હળવો નાસ્તો કરીને માનસિક રીતે હળવોફૂલ થઇને મારા ઘરે જવા માટે નીકળ્યો. એ દિવસથી સાચા અર્થમાં શરૂઆતની એ ભરતી-ઓટ સાથેની અમારી મિત્રતા છેલ્લા અઢાર વર્ષથી આજે પણ ચાલુ જ છે.

અમારો અન્ય એક મિત્ર છે. બોલેલું લગભગ પાળતો નથી. મોબાઇલ કરીએ તો આપણાં ફોન ઉપાડશે કે નહિં તે નક્કિ નહિં. દરેક દલીલોમાં એ જ સાચો એવો એનો અભિગમ. મૂડ આવે તો બે-પાંચ માણસો વચ્ચે આપણને એવા ઉતારી પાડે કે ઘડીવાર એમ થાય કે હું આનો સાથીદાર શાં માટે છું? એનાં સ્વભાવને કારણે એ જ્યારે સલવાઇ જાય ત્યારે પહેલો ફોન અમારામાંને કરે. મળવાનો સમય આપ્યો હોય ત્યારે એ આવે જ નહિ. ફોન કરીએ તો કહે કે, ‘બસ, અડધી કલાકમાં જ આવ્યો..’ કલાકેક રાહ જોયા પછી એને ફોન કરીએ તો કહે કે, ‘હું નહિં આવી શકું.’ એનામાં આ બધું હોવા છતાં આજે એ અમારો અભિન્ન મિત્ર છે. કહેવાનો મતલબ એ કે લાંબો સમય સાથે રહ્યાં પછી સામેનાંની મર્યાદાઓ પણ આપણે સ્વીકારતા થઇ જઇએ છીએ. એથી જ અમને એનાં આ અવગુણો પણ સ્પર્શી શકતા નથી. હું માનુ છું કે મિત્રતાની બાબતમાં જ નહિં, દરેક સંબંધોની બાબતમાં પણ આ જ તો મુખ્ય મુદ્દો છે.

કોલેજ પૂરી થયાં પછી અમે દસ-બાર મિત્રો એક હોટલમાં છેલ્લું સહભોજન કરવાં ગયાં હતાં ત્યારે બઘાએ સાથે રહીને જોશભેર એલાન કરેલ કે, અહીંથી છૂટા પડ્યાં પછી વર્ષમાં કમ સે કમ એકવાર તો બધાએ એક નિશ્ચિત જગ્યાએ એકઠાં થવું જ. એ વખતે સામાન્ય લાગતી આ વાત આજે અસંભવત લાગે છે, કેમકે બધા જ પોતપોતાનાં માળામાં ગોઠવાઇ ગયા છે અને થોડાઘણાં સુખી પણ છે.

આજે અમે બંને મિત્રો નોકરી બદલાઇ હોવાથી છૂટા પડી ગયાં છીએ પણ દૂર નથી થયાં. સમયનાં અભાવમાં પણ મળતા રહીએ છીએ. ન મળાયું તો એ માટે સમય મેળવી લઇએ છીએ. સાથે નાસ્તા/ભોજન કરી લઇએ છીએ. એ પણ ક્વચીત નહીં પણ અવારનવાર. આ રીતે હળીમળીને આજે પણ અમે અમારી માનસિક થકાન દૂર કરીને આનંદ કરતાં રહીએ છીએ. બસ, આ જ તો જિંદગી છે.

અને છેલ્લે પહેલા લખેલી જયેશની પેલા Standardવાળી વાત. એનાં એ Standardને કારણે જ તેની જે કોલેજ-પ્રિયા એનાં સ્કુટર પાછળ બેસતી એ એમની Love-Storyમાં અનેક વિઘ્નો આવવા છતાં આજે જયેશનાં બંને બાળકોની માતા તરીકે ફરજ નિભાવે છે. બસ, આ જ તો સુખ છે.

ઓફિસ પ્રવાસનો એક બનાવ

જીવનમાં વગર કારણની હોશિયારી બતાવનારને કેવા-કેવા અનુભવો થતાં હોય છે એનાં નજરે જોયેલા એકાદ-બે કિસ્સાઓ આપની સમક્ષ વર્ણવી રહ્યો છું, એ આશાએ કે આમાથી વાંચનાર પણ થોડોઘણો બોધપાઠ લે.

હું જ્યાં નોકરી કરી રહ્યો હતો એ અમારી ઓફિસમાંથી નોકરી છોડીને અમદાવાદની એક કંપનીમાં જોડાવા જનાર એક મારા સાથી મિત્રને મેં સમજાવેલ કે એ અહીંનાં મેનેજમેન્ટ સાથે સુમેળતાથી વાત કરીને નીકળે, પણ એને એવું લાગતું હતું કે હવે મારે ક્યારેય અહીં આવવું નથી તો હું મારો ભૂતકાળનો અસંતોષ પૂરી રીતે વ્યક્ત કરીને નીકળું. જ્યાં એક શોધતા એકવીસ મળી રહેતા હોય તેવા મૂડીવાદનાં આ જમાનામાં આવા વર્તનને ગેરશિસ્ત માનવામાં આવે છે, કેમ કે કંપની તમને જે પગાર આપે છે એથી વધારે તમારામાં ક્ષમતા છે એવું તમને લાગતું હોય તો કોઇ કંપની તમને રોકી રાખી શકતી નથી. આ કારણે મારા એ સાથી મિત્રએ થોડી હોશિયારી કરીને નોકરી છોડી અને અમદાવાદની એક BPO કંપની વધારે ઊંચા પગારથી જોડાઇ ગયો.

થોડા જ સમયમાં ત્યાં ન ફાવતા એ નોકરી છોડીને ફરી પાછો રાજકોટ આવ્યો ત્યારે સંપર્ક કરતાં અમારી એ કંપનીએ પણ તેને ના કહી દીધી. એ કંપની જેને આવો એક કર્મચારી તૈયાર કરતાં છ મહિના જેવો ટ્રેનિંગ સમય લાગી જાય છે છતાં પણ. અત્યાર સુધી મેં નજરે જોયેલું છે કે કેટલાય કર્મચારીઓ અહીંથી નોકરી છોડીને જતાં રહ્યાં હોય અને ફરીથી કંપનીએ એમને કોઇ જ ખિચકાટ વગર રાખી લીધા હોય.

આવા જ બીજા એક કર્મચારીએ પણ જ્યારે નોકરી છોડી ત્યારે એ કંપની સાથે તો પ્રેમથી વર્તન દાખવીને છૂટો થયેલ, પણ અમારામાંથી કોઇ કહેતું કે મળતો રહેજે તો એ કહેતો, ‘મળવું હોય તો બીજે ક્યાંક મળીશું બાકી આ બાજુ હવે આવે એ બીજા.’ આ કર્મચારીને પણ બીજે ન ફાવતા ચાર જ મહિનામાં એ ફરી પાછો અમારી જ કંપનીમાં જોડાયો ત્યારે જ્યારે હું એને મળતો ત્યારે મને તેની એ વાત યાદ આવી જતી. એને એ યાદ કરાવીને એને એની જ નજરમાં નીચો તો ન પાડી શકાય પણ શું એને એનાં જ શબ્દો યાદ નહિં આવતા હોય?

એક સમયે હું અહીં રાજકોટની એક BPO કંપનીમાં નોકરી કરતો હતો. હું ત્યાં નવો જ જોડાયો હતો એ વખતનો આ બનાવ છે. મારી નોકરીનાં એ શરૂઆતનાં પહેલા બે-ચાર દિવસોમાં જ મેં જોયું કે અમારા Department નાં 110 જણાંઓ પૈકી મોટાભાગનાંઓ કામથી કામ સાથે મતલબ રાખનારા હતાં, પણ એમાંનાં ચાર-પાંચ એવા હતાં કે જેમનાં મગજમાં Seniority નો નશો છવાયેલો હતો. એ બધા જાણે કંપની એમને વારસાગત મિલ્કત તરીકે મળી હોય એ રીતે Floor ઉપર ફરતાં રહેતાં. અહીં સુધી વાંધો ન હતો, પણ એ બધા ઓફિસમાં કામ કરતાં કેટલાક નબળાઓ સાથે વગર કારણની હોંશિયારી કરતાં રહેતાં. આમ જોવા જઇએ તો દરેક માણસને રાજાપાઠમાં રહેવું ગમતું હોય છે, પણ એનો અર્થ એવો નથી કે બીજા બધા એનાં ગુલામ હોય.

આવી કંપનીઓમાં કંપનીનાં Boss મોટાભાગે આંકડાકીય માહિતીમાં જ રસ ધરાવતાં હોય છે અને એમાં એમની કોઇ ખામી પણ નથી હોતી, કેમ કે એ લોકો એટલાં વ્યસ્ત હોય છે કે બધે બધુ ધ્યાન રાખવું એમનાં માટે શક્ય પણ હોતું નથી. ગમે તે કારણ હોય પણ અમારો Shift Leader પણ એ લોકોને ખાસ કાંઇ કહેતો નહિં.

આ કંપનીમાં વર્ષ દરમિયાન બે Picnic કરવામાં આવતી. એક અઠવાડિયાની અને બીજી બે દિવસની. દરેક વખતે આ Picnicનો મહિનો પણ સમાન રહેતો. મારી નોકરીનાં બે માસમાં બે દિવસની Picnicનાં આયોજન માટે ચર્ચા કરવા બધા કર્મચારીઓ એકઠા થયાં, જેમાં આબુ અને દિવ એમ બે વિકલ્પ આપવામાં આવ્યાં હતાં. મોટાભાગનાંઓ આબુ જવા માંગતા હતાં, પણ અહીં પણ પેલા ચાર-પાંચનાં પ્રતાપે દિવ જવાનું નક્કિ થયું. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને લાગે છે કે આપણે તો મેદાન મારી ગયાં, પણ પછી પરિસ્થિતિ કે સંજોગો એવી બાજી ગોઠવે છે કે આપણે માત્ર મૂક બનીને જોયા જ કરવાનું રહે છે. આપણે બનનાર એ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડવાનાં પ્રયત્ન કરીએ તો પણ સંજોગોની પ્રબળતા સામે ઘણીવખત નમવું પડતું હોય છે અને એટલે જ બીનજરૂરી હોંશિયારી કે ધમંડ રાખીને ફરવું નકામુ છે.

પ્રવાસ જવાનાં દિવસે બધા કર્મચારીઓ ઓફિસે એકઠા થયાં અને બસ દ્રારા દિવ પહોંચી ગયાં. અહીં અમારૂ જોવા માટેનું પ્રથમ સ્થળ હતું – દિવનો ઐતિહાસિક કિલ્લો. બધાએ પોતપોતાની રીતે કિલ્લો જોઇને પછી બહાર જ્યાં બસ પાર્કિંગ કરેલ હતી ત્યાં સમયસર પહોંચવાનું હતું. અમોને કિલ્લો જોવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો.

મેં પણ મારી સાથેનાં બે સાથીદારો સાથે કિલ્લો જોયો અને જોઇ લીધા પછી હું એમની સાથે બસ-પાર્કિંગ સ્થળે આવી ગયો. બીજા લોકોને આવવાની વાર હોવાથી અમે લોકો સામે આવેલી કેબીન/દુકાન પાસે ઊભા હતાં. બધા લોકો આવી ગયા પછી તરત જ બહાર નીકળી શકાય એ માટે બસચાલક બસને આગળ-પાછળ કરતાં-કરતાં બસ રોડ ઉપર લઇ રહ્યો હતો. એ વખતે પેલા ચાર-પાંચ હોશિયારો પણ ત્યાં જ ઊભા હતાં.

આ દરમિયાન બસને બહાર કાઢતા જગ્યાની સંકળાશને કારણે બસચાલકથી બાજુમાં ઊભી રાખેલી એક સાયકલ જરાં પડી ગઇ. એ સાયકલ જેની હતી એ છોકરો (કિશોર વયનો) પણ ત્યાં જ હતો. એ બોલ્યો, ‘એ ઇઇઇઇ, સાયકલ ઊભી કરી નાખજે.’

બસચાલકે શાંતિથી કહ્યું, ‘હમણાં ઉતરીને કરી આપું છું.‘

બસ આટલું જ! વાત ત્યાં જ પુરી થઇ જતી હતી, પણ નહિ હવે પછી જે બનવાનું હતું એ જ તો જોવા જેવું હતું. વગર કારણે બીજાઓનાં મામલામાં હાથ નાખવાની ઘણાંને ટેવ હોય છે. અહીં પણ બન્યું એવું કે અમારી ઓફિસનાં પેલા પાંચમાંથી જે સૌથી વધારે Over હતો એ પેલા સાયકલવાળા કિશોર પાસે ઊભો હતો. એ બોલ્યો, ‘સાયકલ ઊભી ન કરી તો?‘ અને જવાબમાં ત્યાંનાં પેલા કિશોરે વટથી કહ્યું, ‘સાયકલ તો ઊભી કરવી જ પડશે.‘ અને આ રીતે વાત વધી પડી. અમારા પેલા Overને સાથ આપવા તેની સાથેનાં બીજા ચાર હોંશિયારો પણ જોડાયા. હવે એ તદન નાની વાતે ધીરે ઘીરે મોટા ઝઘડાનું સ્વરૂપ પકડ્યું હતું. હું અને મારો મિત્ર એ બધુ જોતા હતાં. અમને મજા આવી રહી હતી. થોડીવારમાં પેલો કિશોરવયનો નાનો છોકરો ત્યાંથી ચાલ્યો ગયો અને થોડીજ વારમાં પાછો આવીને એ પાંચે સાથે ઝઘડવા લાગ્યો.

વાત હવે મારામારીએ પહોંચી ગઇ હતી. સમય, સંજોગો અને સ્થળ પારખીને બસ-ડ્રાઇવર પણ બાજુએ ઊભો રહી ગયો અને એ પણ અમારા પાંચેએ નાખેલ ખેલ જોવા લાગ્યો. અત્યાર સુધી તો અમારામાંનાં એ પાંચ સરસાઇમાં હતાં પણ થોડીવારમાં જ બાજી આખી પલટાઇ જવાની હતી એની એમને કે અમને કોઇને ખબર ન હતી. આ મારામારી ચાલતી હતી એ દરમિયાન પેલા કિશોરનાં સાથીદારો આવી પહોંચ્યા. એક બે નહિ પણ જાણે કે ટોળુ. પંદરેક જેટલા લોકો હાથમાં પાઇપ, ધોકા, બેટ, લાકડી વગેરે લઇ આવ્યા અને આડેધડ એ પાંચેય ઉપર રીતસરનાં તૂટી પડ્યાં. એ પાંચેય અધમૂઆ થઇ રહ્યાં હતાં એ દરમિયાન બીજા વીસેક જણા આવી પહોચ્યા. આ લોકો અત્યાર સુધી આડેધડ માર મારતા હતાં પણ હવે વ્યવસ્થિત રીતે મારવા લાગ્યા. એ પાંચેયનાં એક એક પગ એમાનાં દસ જણાએ પકડી રાખ્યા. બીજા દસ જણાંએ એક એક હાથ પકડી રાખ્યાં અને બાકી વધેલાઓ એ પાંચેયનાં વાંહામાં/પીઠમાં, કુલાઓ ઉપર બેટ, ડંડા વગેરે મારી રહ્યાં હતાં. એથીય વધુ તો એ હતું કે એ બધા બેફામ માર સાથે સાથે અસહ્ય ગાળો પણ ખાઇ રહ્યાં હતાં.

સામે ઊભીને અમારો Shift Leader આ બધુ જોઇને ધૂંઆફૂઆ થઇ રહ્યો હતો. એને જોઇને મને થયું કે તું Office Floor ઉપર આ લોકોની થોડીઘણી ભક્તિ ચલાવી લે છે તો આજે હવે આ પણ જોઇ લે.

મારી સાથે ઊભેલો મારો સાથીદાર કે જેને પહેલા થોડી મજા આવતી હતી એ પણ હવે એ પાંચેયની દયા ખાઇ રહ્યો હતો. મેં એને કહ્યું આ પાંચેય કે જેઓ નબળા અને ઢીલા માણસો ઉપર ખોટી હોશિયારી બતાવતા ત્યારે એ નબળાઓ તો એમને કાંઇ કરી શકતા ન હતાં, પણ હવે એમને સજા આપવાનું કામ એમણે જ ઊભા કરેલા આ સંજોગો કરી રહ્યાં છે અને એટલે જ મને એમની જરાય દયા આવતી નથી, ઉલ્ટાની મજા આવી રહી છે. મારો એ મિત્ર બોલ્યો, ‘રોહિત, સાવ આવું ના વિચારાય.’ આ સાંભળીને મેં કહ્યું, ‘આપણે બંને ભેગા છીએ, તું જોઇ લેજે આ પાંચેય માંડ બે-ચાર દિવસ શાંત રહી શકશે. એ પછી ઓફિસમાં પાછાં એ જ હોશિયારી ચાલુ કરી દેશે અને માટે જ દયા ખાવાનું રહેવા દે અને આ દ્રશ્યોને મન ભરીને માણ.’

અમારી આ વાતો ચાલુ હતી એ દરમિયાન એ પાંચમાંનો એક જણ ત્યાથી ભાગવામાં સફળ થયો એ તરફ ટોળાનું ધ્યાન જતાં એમાંથી બે જણાં ખુલ્લી છરી સાથે એમની પાછળ દોડ્યાં. અમારા ઊંચા નંબરવાળા એ ચશ્મીશ કર્મચારીએ પછી વાત કરતાં મને કહેલ કે, ‘એ વખતે મારો કોણ પીછો કરી રહ્યું છે એ જોયા વગર હું તો બસ દોડતો જ રહ્યો. એકાદ કિલોમીટર ચાલવામાં પણ હું થાકી જાઉં છું પણ એ દિવસે દિવનાં કિલ્લાથી છેક નાગવા બીચ સુધી સુપરફાસ્ટ દોડતો પહોંચ્યો.’ ઓફિસમાં એની બેઠક મારી પાસે હતી. એનાં મનમાં એટલો બધો ભય લાગેલ કે એ માત્ર મને જ નહિ પણ જાહેરમાં કહેતો કે, ‘ભાઇ, આપણે તો કસમ ખાધી છે કે આજ પછી દિવ તો શું જુનાગઢ જીલ્લામાં ક્યારેય પગ ન મૂકવો.’

ખેર! જે હોય તે પણ આ પાંચ જણાએ તો બેફામ માર ખાધો અને ઉપરથી આખા કર્મચારીગણને પ્રવાસ પડતો મૂકવો પડ્યો, કેમ કે અર્ધબેહોશ જેવી અવસ્થામાં આવી ગયેલ આ પાંચેયને છોડીને પેલું ટોળુ જતાં રહેતા જ અમારા Shift Leaderનાં કહેવાથી બસ તૂરત જ રાજકોટ પરત લેવી પડી. શાંત એવા નાગવા બીચ પર ન્હાવાની અને ઓફિસની Female કર્મચારીઓને ન્હાતી જેવાની મજા મારા સહિત બીજા બધાની બગડી ગઇ. વધારામાં ઓફિસની Female કર્મચારીઓ કે જેમને આ બનાવ સાથે કાંઇ જ લેવાદેવા ન હતી તો પણ એ બધીઓ આવું બધું જોઇને માનસિક દબાણમાં આવી ગઇ હતી અને સ્તબ્ધ બની ગઇ હોય એવી એમની હાલત હતી. જે પ્રવાસ પતાની રમત, ગીત અને ડાંસ સાથે જઇ રહ્યો હતો એ જ પ્રવાસ એક ઉદાસી સાથે પરત ફરી રહ્યો હતો. સાથીદારોની એ વખતની ઉદાસી જોઇને હું મનોમન મુસ્કારાઇ રહ્યો હતો.

પેલો દોડીને જે નાગવા બીચ પહોંચી ગયેલ એ ચશ્મીશ બીજી બસમાં આવ્યો.

ઓફિસમાં બેક દિવસ પેલા પાંચેય શાંત રહ્યાં અને ફરી પાછી એમણે એ જ પ્રવૃતિ ચાલુ કરી દીધી.

આ ઉપરોક્ત બનાવની ઓફિસ કર્મચારીઓ સિવાય સ્વાભાવિક બીજાઓને તો જાણ ન જ હોય. આથી બીજા લોકો આવા લોકોનું વર્તન જોઇને કદાચ એવું માનતા હોય શકે કે આ લોકો તો કેવા વટથી ફરે છે, પણ એમનાં એ ખોખલા રાજાપાઠ જેવા વર્તન પાછળ પોતાના જ આત્મસન્માન માટે કલંકરૂપ એવા આવા બનાવો પણ છૂપાયેલા હોય છે.

મારી ઓફિસ ખરીદ-વિધિ

દોઢ વર્ષ પહેલાં મારે અહીં રાજકોટમાં એક ઓફિસ લેવાની હોવાથી હું એ માટે તપાસ ચલાવી રહ્યો હતો. તપાસનો અંત આવતો હોય તેમ મને જાણવા મળ્યું કે અહીંનાં એક મુખ્ય માર્ગ ઉપરનાં કોમ્પલેક્ષમાં એક ઓફિસ હંમેશા બંધ રહે છે. મારા માટે એ ઓફિસ અનુકૂળ હતી. બાજુની ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે જેની એ ઓફિસ છે એ માલિકનાં ભત્રિજાની દુકાન આ જ કોમ્પલેક્ષમાં નીચે છે. હું એ ભત્રિજાને મળવા ગયો અને ઓફિસ બાબતે પૂછ્યું તો તેણે કહ્યું, ‘થોડા સમય પહેલા કાકાને પૈસાની જરૂર હોવાથી એ વેચવાની હતી પરંતુ અત્યારે ન હોવાથી હવે તેઓ એ ઓફિસ રોકાણ તરીકે રાખવા માંગે છે અને હવે એ વેચવાની ના કહે છે.’ ભત્રિજાની વાત સાંભળીને હું વધારે કાંઇપણ વાત કર્યા વગર ત્યાંથી નીકળી ગયો.

કેટલીક બાબત આપણે પૂરી થઇ ગયેલી સમજતા હોઇએ છીએ પણ હકીકતે ત્યાંથી તો શરૂઆત થતી હોય છે. આવા મારા પૂર્વ અનુભવો હોવાથી મેં જરા ઊંડે ઉતરવાનું વિચાર્યું અને એ દિશામાં આગળ શું થઇ શકે એની તપાસ શરૂ કરી. સંપર્ક નંબર મળી શકે તેમ ન હતો, પણ મને જાણવા મળ્યું કે મારે જે ઓફિસ લેવી હતી તેમાં એ ઓફિસ માલિકનો ભત્રિજો તેની દુકાનનો વધારાનો છૂટક સામાન રાખે છે અને એ રીતે તે ઓફિસનું ધ્યાન પણ રાખે છે. મને તરત જ વિચાર આવ્યો અને હું ૯૯ ટકા સ્પષ્ટ થયો કે ઓફિસ વેચવાની જ હોય શકે, પણ ભત્રિજાને એમાં રસ ન હોય, અને એનાં કાકા એમ માને છે કે મારી ઓફિસ વેચાતી નથી.

મારા આ અનુમાનને આધારે મેં એ જ વ્યાપારી કોમ્પલેક્ષમાં લગભગ નવથી દસ ઓફિસમાં એ ઓફિસનાં માલિક વિશે પૂછ્યું. જેમને ખબર હતી એ દરેકે પેલાં ભત્રિજાને મળવાનું કહ્યું, પણ એટલું જાણવા મળ્યું કે હાલ એ ઓફિસ-માલિક મોરબી રહે છે અને એમને ટાઇલ્સનો ધંધો છે. મારા માટે આટલી અમસ્તી જાણકારી પૂરતી હતી.

પાંચ દિવસ જવા દઇને મેં મારા એક મિત્રને સમજાવીને પેલા ભત્રિજાની દુકાને મોકલ્યો. ત્યાં જઇને તેણે કહ્યું, ‘હું અહીં કોન્ટ્રાક્ટ ઉપર લાદી લગાડી આપવાનો ધંધો કરૂ છું અને મોરબીવાળા તમારા કાકા સાથે મારે એ માટે વાત કરવાની છે તો એમનો નંબર આપો. એમનો નંબર મારી પાસે હતો પણ મોબાઇલમાં Save કરવાનું ભૂલાઇ ગયું. મારે એમની સાથે વાત થઇ ત્યારે એમણે તમારો ઉલ્લેખ કર્યો હતો એથી યાદ આવ્યું કે અહીંથી મળી જશે.’ આ દરમિયાન મારા મિત્રનાં ફોન ઉપર મેં નંબર લગાડ્યો કે જેથી એ તૂરત જ ત્યાંથી નીકળી શકે. અમુક જગ્યાએ વધારે વાત કરવાથી મોટાભાગે આપણે ખુલ્લા પડી જતાં હોઇએ છીએ.

હા! તો ફોન નંબર મેળવ્યા પછી મેં મૂળમાલિકનો સંપર્ક કર્યો. મને જાણવા મળ્યું કે આ જ કોમ્પલેક્ષમાં એમની બીજી બે ઓફિસ પણ છે. એમાંની કોઇપણ બે એમને વેચવી હતી. ઓફિસની કિંમત એમણે જે કહી એ પણ એકદમ વ્યાજબી હતી. થોડાં ભાવતાલ પછી મેં એ ભાવ સ્વીકાર્યો અને ઓફિસનાં Document ક્યારે જોવા મળે તે પૂછ્યું.

એમણે કહ્યું, ‘તમે રાજકોટ જ રહો છો ને, તો હું એ ફાઇલ મારા ભત્રિજાને ત્યાં પહોંચાડી દઇશ. તમે ત્યાંથી લઇ લેજો.’

મેં કહ્યું, ‘સર, હું કાલે જ મારા ધંધાનાં કામ માટે મોરબી આવવાનો છું તો રૂબરૂ જ આપની પાસેથી લઇ જઇશ. ત્યાં જ Zerox કરાવીને થોડીવારમાં જ આપની ફાઇલ આપને પરત આપી દઇશ.’
એમણે કહ્યું, ‘એ તો સારામાં સારૂ. મારે મોકલવાની ઉપાધી નહીં.’

એમને રૂબરૂ મળીને Zerox કરાવીને એ ફાઇલ ખરાઇ કરવા માટે અહીંનાં એક વકીલને આપી. એ વકીલે બધું બરાબર કહેતાં મેં ઓફિસ-માલિક સાથે દસ્તાવેજ કરવા માટેની તારીખ અને સમય નક્કિ કરી લીધા.

આવા દસ્તાવેજ કેમ થાય એની મને ખબર હોવા છતાં મેં એ આખો મામલો એ વકીલને જ સોંપી દીધો. માત્ર સહી કરવાની હતી ત્યારે જ હું અને મારા મમ્મી એ સરકારી કાર્યાલયે પહોંચ્યા અને ત્યાં મારા મમ્મીનાં નામનો ઓફિસનો દસ્તાવેજ કરાવ્યો. સ્ત્રીનાં નામે મિલ્કતનો દસ્તાવેજ કરવાથી ચૂકવવી પડતી સ્ટેમ્પ ડ્યૂટીમાં ફાયદો થાય છે, એ કારણોસર પણ.

ઓફિસનાં માલિકી હક બદલાયાનાં બીજા દિવસે હજુ ઓફિસની ચાવી પેલાં ભત્રિજા પાસે જ હોવાથી હું એ લેવા ગયો. એ વખતે એ મને જોઇ રહ્યો અને બોલ્યો, ‘લે! તમે આ ઓફિસ લીધી? મને બે દિવસ પહેલા જ ખબર પડી. મને તો એમ કે કાકાનાં કોઇ સંબંધી હશે.’

જે હોય તે, એનું તાળુ ખોલીને, પાછું આપીને મેં મારૂ તાળુ લગાવી દીધું.

ઓફિસ લીધાનાં છ માસ પછી એ જ ઓફિસથી થોડી ઓછા મોકાની એ જ માલિકની બીજી ઓફિસે મેં ચૂકવેલ કિંમત કરતાં ૨૦ ટકા વધુ કિંમતે વેચાઇ એ જાણ્યું ત્યારે અતિ આનંદની અનુભૂતિ તો ન થઇ પણ એમ જરૂર થયું કે સારૂ થયું કે કામ યોગ્ય સમયે થઇ ગયું.

અતિ આનંદની અનુભૂતિ એ માટે ન થઇ, કેમ કે મારી સાથે ભૂતકાળમાં એવા કેટલાક બનાવો બન્યા છે જેમાં જ્યારે એ મળ્યું છે ત્યારે ખુબ આનંદ/સુખ મળ્યું હોય, પછી એ જ મારા માટે દુ:ખદાયી બની ગયું હોય, એટલે કે જે આપણને જેટલું સુખ આપવા કારણભૂત હોય છે એનામાં આપણાં માટે એટલી જ દુ:ખદાયી બનાવવાની ક્ષમતા પણ રહેલી હોય છે.

મારા મગજમાં સાલી એક વાત ઘૂસી ગઇ છે અને તે એ કે, ‘ખુશકિસ્મતી આપણાં દરવાજા ઉપર એક જ વાર ટકોરો મારે છે, થોડી જ વાર લાગી તો એ ચાલી જાય છે. જ્યારે બદકિસ્મતી એ એ છે જે આપણાં દરવાજા ઉપર ત્યાં સુધી ટકોરા મારતી રહે છે જ્યાં સુધી એને અંદર આવવા ન મળે.’ કોણ જાણે કેમ, કદાચ એથી પણ આ કામ થઇ શક્યું હોય.

મારા BIG BOSS

M-Com પૂરૂ કર્યા પછી તૂરત જ અહીંની એક BPO કંપનીમાં લાગી ગયો અને વર્ષોથી અહી જ નોકરી કરતો રહ્યો. આ નોકરીને મારા પૂર્વ અભ્યાસ સાથે કોઇ સંબંધ ન હતો છતાં પણ. જરૂરિયાતથી થોડા ઓછા પૈસા કમાવામાં એક મોટામાં ફાયદો એ છે કે, દિવસો/જિંદગી કેમ પૂરી થઇ જાય એની ખબર પણ નથી રહેતી. અહીં હું આવા એકમાત્ર ફાયદામાં હતો. અહીંનાં મારા એક સાથી મિત્રએ પણ વર્ષો સુધી નોકરી કર્યા પછી એ Account-Lineમાં Enter થયો. એ મિત્રનાં પૂર્વ અભ્યાસને વળી પાછું Account સાથે કાંઇ લાગતું-વળગતું ન હતું, પણ હોશિયાર અને મહેનતુ હોવાથી એ એમાં અત્યંત સફળ રહ્યો. આ બાજુ મારાવાળી BPO કંપનીમાં કોઇ ભવિષ્ય દેખાતું ન હતું. આ કારણોસર અને એનાં પ્રોતસાહનથી હું પણ હવે Account-Lineમાં આવવાં તૈયાર થયો. Computer પર નહિ પણ Manual Account તો આવડતું જ હતું.

એક દિવસ એ મારા માટે એક Account Jobની ઓફર લઇ આવ્યો. કંપનીએ શરૂઆત જ કરી હતી અને ત્યાં Account કોમ્પ્યુટરમાં જ કરવાનું હતું. એ પહેલા મેં ક્યારેય કોમ્પ્યુટર પર Account કરેલ ન હતું પણ મને ખાત્રી હતી કે હું બે જ દિવસમાં ઓફિસનું કોઇ કામ અટકે નહિ એટલું તો કરી જ શકીશ અને મિત્રને પણ મારા વિશે ખાત્રી હતી. મિત્રને ખાત્રી એટલા માટે હતી કે મને Manual Account આવડતું હતું પણ મને ખાત્રી એટલા માટે હતી કે મેં જીંદગીમાં એક વાત ગાંઠે બાંધી લીધી છે અને તે એ કે જે કાંઇ થશે એમાં દેખા જાયેગા. આમ પણ ‘The Ultimate Gift’ નામનાં પુસ્તકમાં આવે છે તેમ ‘કોઇપણ પડકાર, જે આપણને હરાવી નથી શકતો એ અંતે તો આપણને વધુ મજબૂત બનાવી જાતો હોય છે’.

એ પછી અમે બંને નવી ઓફિસે પહોંચ્યા. આગળ મુલાકાતીઓનો ખંડ, ત્યારબાદ બંને બાજુ ૩-૩ મોકળાસભરી સ્વતંત્ર કેબીન અને છેલ્લે Bossની એક અને તેનાં પુત્રની એક મોટી ઓફિસ, એ પ્રકારની ઓફિસ હતી. ફેકટરી દૂર ઔધોગીક ઝોનમાં હતી. હું બહાર બેઠો અને મારો મિત્ર મારા વિશે વાત કરવાં Bossને મળવા અંદર ગયો. ૧૦ જ મિનિટમાં બહાર આવ્યો અને મેં કહેલ પગાર નક્કિ કરીને બહાર આવ્યો. મિત્રએ પહેલેથી જ કહ્યું હતું કે Boss પગાર નક્કિ કરવાની બાબતમાં નહિ પડે એટલા સારા છે, અને એટલે જ Account-Lineમાં એક અનુભવી Accountant જેટલાં પગારથી મારી શરૂઆત થઇ. એ બદલ આભાર Bossનો, નહિ! Big Bossનો – શ્રી વલ્લભભાઇ ડોબરીયાનો..

‘ડાહ્યાં માણસો સમયની સાથે ચાલે છે. માત્ર ગાંડાઓ જ વિરૂધ્ધ ચાલે છે, અને નવાઇની વાત તો એ છે કે જગતની પ્રગતિનો આધાર આવા ગાંડા માણસો ઉપર જ રહેલો છે’, એવું બર્નાડ શોએ કહ્યું છે. એ સાર્થક કરતાં હોય તેમ ગર્ભશ્રીમંત નહિં એવા આ Boss Factory નાખ્યાં પહેલા એક કંપનીમાં 40Kથી વધારે પગારની નોકરી કરતાં હતાં. એ નોકરી દરમિયાન 30000Kથી વધુ રકમનાં Order મેળવીને આવેલી Advance રકમમાંથી આ બધુ ઊભુ કર્યું હતું. હર્બટ હૂવરને એકવખત પૂછવામાં આવ્યું: સૌથી ખતરનાક બાબત કઇ? જવાબ મળ્યો: આચરણનું સ્વરૂપ ધારણ ન કરનાર સારો વિચાર. Boss નોકરી કરતાં હતાં ત્યારથી જ એમનો જે વિચાર હતો એનું એમણે આચરણ કર્યું અને આ કંપની અસ્તિત્વમાં આવી.

અહિં ઘણુંબધુ બાકી પડેલું થોડુ સહેલું કામ કેમ થાય એની જાણકારી આપીને મારો મિત્ર ચાલ્યો ગયો અને મેં તે જ મિનિટથી નોકરીની શરૂઆત કરી. એકબીજાને જોયા વગર સીધી જ નોકરીની શરૂઆત વિશે હું એ દિવસે સાંજ સુધી વિચારતો રહ્યો. વહેલી સાંજે ઘરે જવા માટે Boss જ્યારે મારી પાસેથી નીકળ્યા ત્યારે હું એમને જોતો રહ્યો, પણ મારી કે કોઇની સામે નજર કર્યા વગર જ એ પ્રભાવશાળી-આદમકદ-વજનદાર વ્યક્તિ નીકળી ગયાં. આ Personality/પ્રભાવ એટલે વળી શું? દા.ત. એક દિવસ અચાનક જ તમે એક નવી Car ખરીદીને ઘરે પહોંચી જાઓ છો. તમારા ઘરે પહોંચતા જ સભ્યો-પડોશીઓ તમારી Carને જોવા લાગશે. થોડીવાર માટે તમે ભૂલાઇ જશો. અહીં થોડીવાર માટે Car/વસ્તુનો પ્રભાવ તમારાથી વધી જાય છે. બીજી તરફ એક એવી જાહેરાત થાય છે કે, અમારા રાજકોટ શહેરનો મુખ્ય Road, RaceCourse Ring Road પર આજે સચીન તેંદુલકર એની વૈભવી Car લઇને નીકળવાનો છે. જ્યારે સચીન આ રીતે નીકળે છે ત્યારે લોકો એની વૈભવી Car નથી જોતા, સચીનને જુએ છે. ભીડ એની વૈભવી Carને જોવા નહિ, સચીનને જોવા આવે છે. અહીં સચીનની Personality સામે તેની વૈભવી Carની Personality કચરો છે. હં તો, બીજા દિવસે સવારે Boss આવ્યા ત્યારે એ જ પુનરાવર્તન.

મારી એ શરૂઆતનાં બે-ત્રણ દિવસ મેં શું કર્યું? મેં એ કર્યું કે Account Softwareનાં બધા જ પાસાઓનું નિરીક્ષણ, વારંવાર ક્યાં-ક્યાં Reportની જરૂર પડે છે? કઇ Entry કરવાથી ક્યાં શું-શું અસર આવે છે? વગેરે વગેરે. ગમે તે ઝડપથી શીખવા માટે યાદશક્તિ કરતાં પણ વિશેષ જેની જરૂર પડે છે એ છે તે રસ લઇને શીખવું. રસ હોવાથી ખૂબ ઝડપથી હું આ બધુ શીખી ગયો. જ્યાં ન સમજાયું ત્યાં Mobile કર્યા અને મિત્રની રૂબરૂ મુલાકાત લીધી. એ સમયમાં ફોન કરવામાં, અવારનવાર જાણકારી માટે મિત્રની મુલાકાત લેવામાં વગેરેમાં મેં ક્યારેય હિસાબ કર્યો નથી, કેમ કે ચાહે ગમે તે કરતાં હોઇએ, એ સિધ્ધ કરવામાં બીનમહત્વની ગણતરીઓ કર્યા કરવાથી ઘણીવાર મૂળ ઉદેશથી જ દૂર થઇ જવાતું હોય છે.

નોકરીનાં ત્રીજા દિવસે ઓફિસે આવીને તરત જ સવારે સાડા નવ વાગ્યે હું સહકર્મચારીઓ સાથે ઓફિસ સામે રહેલી હોટલમાં ચા-નાસ્તો કરવાં ગયો. Boss દસ વાગ્યે આવતા હોવાથી પાંચ મિનિટ પહેલા બધા ઓફિસમાં જવા લાગ્યા. નોકરી કરતાં એન્જીનિયરો પણ. હું ત્યાં જ બેઠો રહ્યો. જે કાંઇ કરવું એ સામે જ કરવું એ મારી રીત છે. મારી આ રીતને મેં નિત્યક્રમ બનાવી નાખ્યો. ઘણીવાર Bossની અને મારી નજર મળી જતી અને હું કોઇ સંકોચ વગર નજરથી જ કહી દેતો, ‘તમે પહોંચો, હું હમણાં જ આવું છું’. સાંજે પણ હું મારા નિશ્ચિત સમયે જ નીકળી જતો.

ઓફિસ નવી શરૂ થઇ હોવાથી શરૂઆતમાં ઓફિસમાં Internet માટે Relianceનું DataCard વાપરતા, જેમાં Speed ખૂબ ઓછી મળતી હોવાથી BSNL Broadband Connection લેવામાં આવ્યું. BSNL Connection આવતા જ હવે હું મારા ફાજલ સમયમાં વિવિધ Net Surfing કરતો, સાથે સાથે Bossનાં પુત્રને તો જાણે એ જ કામ હોય તેમ તે Net Surfing કરતો રહેતો. જોતજોતામાં મહિનો પૂરો થઇ ગયો અને આ કારણોસર બીલ આવ્યું રૂ. ૧૧૦૦૦નું. દરેક કર્મચારીને અલગથી Mobile આપેલ હોવાથી આ બીલ ઘણું વધારે હતું અને એ જોઇને મને આઘાત લાગ્યો, કેમ કે એ માટે હું પણ જવાબદાર હતો, કારણ કે બીજા કોઇ કર્મચારી કોમ્પ્યુટર વાપરતા ન હતાં.

જ્યારે Boss ઓફિસે આવ્યા ત્યારે તેમણે ટેબલ પર રાખેલું બીલ નંબર-૧ જોયુ. મને બોલાવ્યો અને આટલી મોટી રકમનું કારણ પૂછ્યું. મેં જે હતું તે જ સ્વરૂપમાં કહ્યું, કોઇપણ બહાનાબાજી વગર, સંકોચ વગર. એમણે તૂરત જ બીલની રકમનો ચેક લખવાનું કહ્યું. મેં ચેક મેં લખીને સહી કરવા આપ્યો. બીલ જોઇને મને જે આધાત લાગ્યો હતો એથી વધારે આઘાત મને હવે લાગ્યો. આ તે સાલો કેવો Boss! જે જોવા જેવું હતું તે એ હતું કે Bossનાં મોં પર ના કોઇ અણગમો, ના કોઇ ગુસ્સો, ના કોઇ વ્યગ્રતા, ના કોઇ ઠપકો, હતી તો એ જ પ્રકારની તાજગી.

એક વખત સાહેબે મને એક રિપોર્ટ કાઢી આપવાનું કહ્યું. મને આવો રિપોર્ટ કેમ કાઢવો એની ખબર ન હતી. તરત જ મિત્રને ફોન કર્યો. ઘણાં પ્રયત્ન છતાં Contact થઇ ન શક્યો. વાર લાગવાથી સાહેબે મને ફરીવાર બોલાવ્યો. મેં એમની સામે નજર માંડીને દઢતાથી કહ્યું, ‘આજે નહિં આપી શકું. કાલે સવારે તમે આવશો ત્યારે આપનાં ટેબલ પર હાજર હશે.’ આ સાંભળીને કહ્યું, ‘કાલે હું આવું પછી જ કાઢી આપજે ને’ અને ફરી હું મારી Chamberમાં આવી ગયો. મને ફરી આ માણસ ન સમજાયો. રિપોર્ટ અત્યારે શાં માટે નહિ નીકળે? કામ બાકી છે કે કેમ? વગેરે-વગેરે કોઇ જ પ્રશ્ન નહિ. હા! એકવાર Purchase Clark અને Peon એમની બંને વચ્ચેનો કાંઇક વાંધો લઇને એમની પાસે ગયાં ત્યારે એ બોલ્યા હતાં, ‘ભાઇ, હળીમળીને કામ કરોને. હું અત્યારે Order અને Production સિવાય કાંઇપણ વિચારવા માંગતો નથી.’

એ પછીથી ઓફિસ કામ સિવાય Net ન જ વાપરવાનાં મારા નિર્ણયને હું તો વળગી રહ્યો પણ Boss પુત્ર તો હજુ પણ પહેલાની જેમ જ. મેં તેને ટકોર્યો તો કહે, ‘રોહિતભાઈઈઈ, મારા બાપની ઓફિસ છે, હું તો વાપરીશ જ ને તમે પણ લગે રહો.’ હું કાંઇ જ ના બોલ્યો.

બીજા મહિને બીલ નંબર-૨ તો એથી પણ થોડુ વધારે આવ્યું. એ જ પુનરાવર્તન. મેં Bossને કહ્યું, ‘બોલાવો આપનાં રવિને અને પૂછો.’ રવિ દિકરો તૂરત જ પ્રગટ થયોને કહેવા લાગ્યો, ‘મારે કાંઇ સાંભળવું નથી, પહેલા એ કહો કે યામાહાનું નવુ મોડેલ બાઇક નિકળ્યું છે એ તમારે લઇ દેવાનું છે કે નહિ?’ Boss સ્વબચાવમાં આવી ગયાં, હસતાં-હસતાં, ચેક લખતા-લખતા રવિપુત્રને મોકલી દીધો અને મને કહ્યું, ‘સાલો, (ગાળ) એનાં બાપનું પણ નહિ માને, તમે આજથી જ Unlimited Plan કરાવી નાખો. કોઇ બાપને જ્યારે એમ કહેતા સાંભળુ છું કે મારા દિકરો તો એકદમ ડાહ્યો અને કહ્યાગરો છે, ત્યારે મને એવું જ સંભળાયું છે કે, ‘મારો દિકરો એ મારૂ ચાવીવાળું રમકડું છે.’ જેવી રીતે આ વાત બરાબર નથી એમ એ પરિસ્થિતિ પણ અયોગ્ય છે કે જેમાં પુત્ર બાપની મનોવ્યથા જ ન સમજી શકે. મહમદ માંકડે એમનાં એક લેખમાં લખ્યું છે, ‘આડેધડ ફિલ્મો જોનાર, કલબોમાં આનંદ શોધવા જનાર, એકલતા દૂર કરવા માટે ગમે તે કરવાં ફાંફા મારનાર માણસને જીવનની હાડમારીઓ કરતાં સગવડો વધારે મૂંઝવતી હોય છે. અગાઉ રાજાઓ અકળાઇને શિકાર કરવાં નીકળી પડતા કે નિરર્થક યુધ્ધો અથવા તો જીવલેણ રમતોની ગોઠવણ કરતાં. સગવડોથી કંટાળેલો માણસ શું ન કરે! કાંઇ કહેવાય નહિ.’. આ રવિભાઇ પણ આવા જ હતાં.

આ દરમિયાન Bossની Out-State Tourનાં કેટલાક હિસાબો/કેસમેમો મારે Accountમાં લેવાનાં થતાં. એ મોટી-મોટી રકમો જોઇને હું થોડા વિચારમાં પડી જતો. થતું કે આમા ઘણો કાપ મૂકી શકાય તેમ છે, પણ એ માત્ર મારી વિચારસરણી હતી. આવા Middle-Class વિચારો કે સૂચનો Bossને સ્પર્શે તેમ ન હતાં લેખક ઝવેરચંદ મેઘાણીની એક વાર્તા ‘અલ્લામિંયાની ટાંક’ વાર્તામાં એક પાત્ર કહે છે, ‘… પણ પૈસા આખરે શી ચીજ છે? એની કીંમતનું ભાન ભૂલી જવું એ જ એની છાકમછોળ માણવા બરોબર છે. મેં પૈસાની કીંમતનું ભાન ખોઇ નાખ્યું છે એટલે હું બાદશાહ બન્યો છું. એ અર્થમાં મારી કને પૈસો છે. એ અર્થમાં મારી પાસે સતા છે.’ મારા Boss પણ જાણે આ રીતે જીવીને અર્થતંત્રને વેગ આપી રહ્યાં હતાં. આ અર્થતંત્ર પણ અજીબ હોય છે. જો લોકોનો નાણાંનો બેફામ વપરાશ હોય તો દેશનું અર્થતંત્ર ગમે ત્યારે તૂટી શકે છે, અને લોકો જો બેફામ બચત કરવા લાગે તો પણ.

ઘણીવખત મારે Boss સાથે Factory પર જવાનું થતું ત્યારે હંમેશા અમારો પહોંચવાનો સમય બપોરનો રહેતો. એથી પહેલા તો સીધા જ સારી Hotelમાં જમવા જતાં. એ વખતે પણ અગાઉ જેવી જ વાત. સાથી કર્મચારીઓ બહાર Hallમાં જમવા બેસી જતાં. હું કંઇપણ આડાઅવળા વિચારો કર્યા વગર Boss સાથે જ A/c. Hallમાં Boss સાથે જ જમતો.

એકવખત Factoryએ કેટલાક એકાઉન્ટ રજિસ્ટર અને Stationaryની જરૂર પડતા હું તે લેવા જતો હતો, ત્યાં જ Boss બોલ્યા, ‘રોહિત, પૈસા લેતો જા’, અને Boss પાસે રહેલી Bagમાંથી હું પૈસા કાઢતો હતો. ઘણાં બંડલ હતાં. જરૂર મુજબનાં પૈસા લેતો હતો ત્યાં Boss બોલ્યા, ‘રોહિત, એકાદ બે બંડલ લઇ લે, મારે વારંવાર, મહિને મહિને યાદ ન કરવું અને દેવા નહિં.’ Basic Sallary સિવાય મારો કોઇ અધિકાર ન હોવાથી ના પાડવામાં મને જરાપણ તકલીફ ન પડી. એ પછી એવું તો ઘણીવાર બન્યું કે કાંઇપણ લેવાનું હોય જરૂરથી થોડી વધારે જ રકમ આપતા અને વધેલ રકમ હું પરત કરવાં જતો તો હિસાબ કે બાકી રહેતી રકમ સામે નજર નાખ્યા વગર જ કાંઇપણ બોલ્યા વગર હાથનાં ઇશારે મને ના કહી દેતા.

આ જ Boss દ્રારા મને કેટલીક તકલીફ પણ પડી છે. જેમ કે, Boss એમની Tata-Safariનું Driving શીખવાડવા મારી પાછળ પડી ગયાં હતાં, Out-State Tourમાં સાથે લઇ જવા માંગતા હતાં, મહામહેનતે ના પાડી શક્યો.
એકવખત Boss ઓફિસે આવ્યા ત્યાંજ મેં કહ્યું, ‘સર, હું અંગત કામસર બહાર જવાનું છે, ત્રણેક કલાકમાં આવી જઇશ.’ Boss: ‘કઇ બાજુ?’ મેં કહ્યું, ‘પત્ની સાથે થોડી ખરીદી કરવાં જવાનું છે.’ સાંભળતા જ Bossએ એનાં Driverને બોલાવીને રવિ(Boss પુત્ર)ની Honda City કઢાવીને મારી સાથે ધરાર મોકલ્યો.

દશેરા વખતનો એક બનાવ. એ વખતે Boss Tour પર હતાં. એમનો મારા પર ફોન આવ્યો, Office-Staff અને Workers માટે મિઠાઇઓ લઇને આપવાનો. ભાવ પૂછાવીને મેં બજેટ આપ્યું અને Bossનાં પુત્રએ એ બજેટની રકમ મને આપી. શું ભાવ? કેટલા કિલો? કોઇ જ પૂછપરછ નહિં. જાણે કે બાપ એવા બેટા. આવા તો ઘણાં પ્રસંગો છે. બધુ લખવું તો શક્ય નથી.

દિવાળીનાં દિવસે Staff સભ્યો સાંજે પૂજન-વિધિ પ્રસંગે ભેગા થયાં ત્યારે એમણે મારા પુત્રો માટે એક ખૂણાંમાં ફટાકડા રાખી મૂક્યા હતાં. એ વખતે મારા પુત્રએ જેટલા ફટાકડા ફોડ્યા એટલા મેં ક્યારેય એને ખરીદીને લઇ નથી દીધા. એ ફટાકડા તો ફૂટી ગયા પણ એ વાત મેં એક કાયમી સદસ્મૃતિ સ્વરૂપે મારા હદ્દયમાં મારા Bossની છબીની જેમ સાચવી રાખી છે.

જીવનમાં અનેક નીતનવા માણસો સાથેનાં પરીચયમાં આવવાનું થતું હોય છે, અવનવા અનુભવો થતાં હોય છે. એ અનુભવો ઉપરથી એટલું જરૂર કહીશ કે મારા આ Boss શ્રી વલ્લભભાઇ ડોબરીયા કરતાં પણ વધારે સારા માણસો કદાચ મને મળશે, પણ એક વાત ખાત્રીપૂર્વક કહીશ કે આવા ઉદાર Boss મળવા લગભગ અશક્ય છે.

જ્યારે આપણી સાથે બનતી સારી ઘટનાઓની આપણે નોંધ ન લઇએ તો બધા દિવસ એકસરખા જ બની જતાં હોય છે, એવું પોલો કોયેલોએ એમની નવલકથા The Alchemistમાં લખ્યું છે. અહીં આવી જ નોંધ લેતા ઘણાં સમય પહેલા લખવાનું હતું એ આજે લખ્યું છે અને કહું છું કે, ‘આ ‘દીપમોતી બ્લોગ’ હું મારા એ Boss શ્રી વલ્લભભાઇ ડોબરિયાને અર્પણ કરૂ છું.’

મોતનો એક બનાવ

આજથી આઠ વર્ષ પહેલાનો આ બનાવ છે. વ્યવસાયિક કામનાં કારણોસર સાંજનાં સમયે મારે એક ભાઇને મળવા જવાનું હતું. હું એમને મળવા ગયો અને સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં મેં મારૂ પતાવ્યું. આ સ્થળ મારા રહેણાંકથી દૂરનાં અંતરે આવેલ હતું અને ત્યાંથી થોડે જ દૂર મારો એક મિત્ર રહેતો હતો. મેં તેને કહી રાખ્યું હતું કે, `હું એ બાજુ આવવાનો છું અને સાંજે તારે ત્યાં આવીશ.’ એ કારણે એ ઘરે જ હોવાથી હવે હું તેનાં ઘરે જવા માટે નીકળ્યો. તેનાં Apartment નીચે મારૂ વાહન Park કરીને હું ઉપર બીજા માળે ગયો અને DoorBell દબાવી.

ભાભીએ બારણું ખોલ્યું અને મને જોતા જ બોલ્યા, ‘બેસ, એ નીચે ચોકમાં જ ગયા છે, હું એમને બોલાવી લાવું છું.’

મેં કહ્યું: ‘રહેવા દો, હું જ ત્યાં જાઉં છું.’ આમ કહીને નીચે ઉતરીને હું એની Societyનાં ચોકમાં ગયો. એ ચોક પાસે એક શેરી પડતી હતી તે શેરીમાં રહેલા એક ઓટલા ઉપર મારો મિત્ર અને તેનાં/મારા જેવડા બીજા છ સાથીદારો બેઠાં હતાં.

સમવયસ્કો સાથે મજાક-મસ્તી, ફિલ્મી અને લોકલ સમાચારો વગેરે વાતો ચાલી રહી હતી. હું મારા મિત્ર સિવાય કોઇને ઓળખતો ન હોવાથી એમની વાતો સાંભળતો હતો. અમારામાંથી ત્રણ-ચાર જણાં અહીં સૌરાષ્ટ્રમાં આશરે ૬૦% યુવાનો ખાય છે એવી કાચી-૩૫ કે જેને ફાકી (૧૩૫ નંબર તંબાકુ, સોપારીનું ચુના સાથેનું મિશ્રણ) કહે છે એ ખાઇ રહ્યાં હતાં. મસ્તી માહોલ બરાબરનો જામ્યો હતો.

થોડીવાર થઇ હશે ત્યાં એ જ વિસ્તારમાં રહેતો અમારા જેવડો બીજો એક યુવાન ત્યાંથી પસાર થયો. તેણે અમને લોકોને જોયા અને અમારી સાથે એ પણ ઊભો રહી ગયો અને વાતો કરતાં કરતાં ભળી ગયો. અમારામાંનો એક ફાકી ખાઇ રહ્યો હતો તેને એ આવનારે કહ્યું, ‘એઇઇય, લાવ તો જરાક.’

ખાનારે કહ્યું, ‘તેજ ફાકી છે, તારૂ કામ નહીં, તારાથી ના ખવાય.’
સાંભળીને પેલો બોલી ઉઠ્યો, ‘એ વાતમાં દમ નહીં, આપણે ગમે એવી ખાઇ દઇએ. બાકી તારે ના ખવડાવવી હોય તો ચોખ્ખી ના પાડી દે.’

ફાકી ખાઇ રહ્યો હતો તેણે કહ્યું, ‘એમ ત્યારે? તો જોઇએ હવે. હું બાજુની દુકાનમાંથી તેજ ફાકી મંગાવું છું, ત્રેવડ હોય તો આખી ખાઇ દેજે.’

પેલાએ કહ્યું, ‘મંગાવ, અને ખાઇ દીધી તો શું?’

ફાકી મંગાવનાર બોલ્યો, ‘અમારી સામે આખી ખાઇ દેવાની અને આ સામેનાં Apartmentની અગાસીએ (૫ચાસેક પગથિયા) જઇને ફરી પાછો અહીં આવી બતાવે એટલે આ ૧૦૦ રૂપિયા તારા.’
મને થયું આવા અખતરા ના હોય, પણ મારે પણ જોવું હતું કે હવે શું થાય છે? અને આમ પણ મને ત્યાં મિત્ર સિવાય ઓળખનાર કોઇ ના હોવાથી મારે જે થાય તે જોવાનું જ હતું.

થોડીવારમાં જ ફાકી મંગાવવામાં આવી. પેલો ખાઇ પણ ગયો અને અગાસીએ પણ જઇ આવ્યો. ત્યાંથી અમને બોલાવ્યા, ફરી નીચે ઉતરી ગયો અને અમારી પાસે આવીને સ્વસ્થતાથી વાતો કરવા લાગ્યો.

એકાદ બે જણાં આશ્ર્ચર્યમાં પડી ગયાં. મને થયું કે, ‘આ પણ બાકી જબરો ખેલાડી નીકળ્યો.’

પણ આ શું ???

પાંચ જ મિનિટ પછી એ અચાનક જ ત્યાં ઊભા-ઊભા જ પડી ગયો. પડ્યો એવી રીતે કે અમે લોકો જે ઓટલા ઉપર બેઠાં હતાં ત્યાં તેની સાથે એનું માથુ જોરદાર રીતે અથડાયું….. એ ત્યાં જ તત્કાળ મૃત્યુ પામ્યો.

હવે શું ??

બધા જ સ્તબ્ધ થઇ ગયાં અને ભાગ્યા. હું પણ. મારા મિત્રને મેં કહ્યું, ‘કઇ બાજુ ?’

મિત્ર બોલ્યો, ‘શાંતિથી મારી સાથે ચાલતો આવ.’ બધા જ છૂટાછવાયા નીકળી ગયા. અમે બંને થોડે જ દૂર એકાંત જગ્યાએ જઇ ઊભા. મિત્રએ કહ્યું, ‘ચાલ મારા ઘરે અને સમજી લે કે કાંઇ જ બન્યું નથી, કોઇ જ વાત નહીં, બરાબર ?’

થોડીવાર પછી અમે બંને તેનાં ઘરે બેઠાં-બેઠાં ભાભીએ બનાવી રાખેલ જ્યુશ પીતા હતાં. બનાવ સ્થળે થોડા લોકો ભેગા થઇ ગયાં હતાં. થોડી જ વારમાં ભાભી ઘરની બહાર ગયાં અને થોડી વારમાં જ ફરી અંદર આવીને કહેવા લાગ્યાં, ‘આપણી સોસાયટીનાં ચોકમાં એક યુવાન હમણાં જ મરી ગયો, તમને ખબર છે?’

મારો મિત્ર બોલ્યો, ‘હશે, હાર્ટ-એટેક આવી ગયો લાગે છે. સાચી તો કાલે ખબર પડે!’

બીજા દિવસે હું તેને મળ્યો ત્યારે તેણે મને કહ્યું, ‘હજુ સુધી તો ખાસ વાંધો નથી આવ્યો પણ જો મરનારનાં સંબંધીઓએ પોલિસ-કેસ કર્યો તો આપણે જેટલા ત્યાં હતાં એ બધા લેવાદેવા વગરનાં મુશ્કેલીમાં મૂકાઇ જવાનાં છીએ.
એ પછી બે-ત્રણ દિવસ સુધીમાં એ બનાવ પર પડદો પડી ગયો. આ બે-ત્રણ દિવસનાં માનસિક ઉચાટ પછી આખરે બનાવ સ્થળે રહેલા અમે બધાએ રાહતનો શ્વાસ લીધો.

કહેવાયું છે કે કાળ માટે કોઇ સ્વજન કે પ્રિય નથી, કાળને કોઇ માટે દ્રેષ કે ઈર્ષા નથી. એ તો પોતાનું કામ કરતો જ રહે છે અને આપણે જોતા રહી જઇએ છીએ. પણ અહીં તો સ્પષ્ટ હતું કે મોતની પસંદગી મરનારની પોતાની જ હતી. આર્થર કોનન ડોયલનું ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સ કહે છે, ‘મારા વિચારો, મારૂ મગજ એ જ મારૂ અસ્તિત્વ છે, બાકીનું શરીર તો પૂરવણી માત્ર છે.’ માણસ જ્યારે એની વિવેકબુધ્ધિ નેવે મૂકે છે ત્યારે આવા પરિણામ પણ આવી શકે છે.

આ બનાવ માટે ન તો મારો મિત્ર જવાબદાર હતો કે ન તો હું. બીજાઓ કદાચ આ બનાવ ભૂલી પણ ગયા હશે, હું નથી ભૂલી શક્યો, કેમ કે માનવજીવન જેટલું અમૂલ્ય બીજુ શું હોય શકે ? અને એથી જ ક્યારેક થઇ આવે છે કે આ બનાવ વખતે હું ત્યાં શાં માટે હતો ? આવા બધા લોકોની વચ્ચે શાં માટે હતો ?